October 13, 2010

કાંતિ ભટ્ટ: પ્રેમમાં,રાજકારણમાં,રમતમાં અને બિઝનેસમાં સ્ટ્રેટેજી મહત્વની

આપણા જીવનમાં સ્ટ્રેટેજી ઘડવામાં કે પ્રેમ કરવામાં કદી જ મોડું થતું નથી. કોઈપણ ઉંમરે સાહસ શરૂ કરી શકાય છે. સાહસ અને પ્રેમને કોઈ ઉંમરની બાધા હોતી નથી.

Life strategy
A goal without a plan is just a wish
With me on your side identify and plot the path
For planning expedition, first-set the target
Then assemble necessary equipment
Plan the route, then get rid off
Unnecessary baggage avoid pitfalls
I will be with you every step
Now prepare for take off
The sky is the limit. - Ovid

ઓવિડ નામના પુરાણા ફિલોસોફરે પ્રેમ વિશે એક પ્રેમીને સલાહ આપી કે રમતમાં, ધંધામાં તે રીતે પ્રેમમાં એક સિદ્ધાંત ધ્યાનમાં રાખો. અતબિળવાન નદી પણ જ્યારે જુદા જુદા વોકળામાં વહેંચાઈ જાય છે ત્યારે તેનો ફોર્સ-વહનનું જોશ ગુમાવે છે. પ્રેમ કરો ત્યારે ધ્યાન રાખો કે પ્રેમીપાત્રનું બરાબર ધ્યાન રાખો. આજે બુધવાર તા. ૧૫-૯-૧૦ના આ લેખ લખું છું ત્યારે દક્ષિણ આફ્રિકાની ટ્વેન્ટી-ટ્વેન્ટીની ક્રિકેટ મેચોમાં સચિન તેંડુલકરની ટીમ ક્રિકેટમાં સતત બે વખત હારી ગઈ. હવે જે હારજીત થાય તે પણ તેમાંથી એક પાઠ શીખો કે જિંદગીમાં કંઈ પણ જવાબદારી લો તો એક સ્ટ્રેટેજી ઘડો. તે પ્રમાણે જ ચાલો. સચિને જીતવાની સ્ટ્રેટેજી ઘડી જ નહોતી. બીજી ફાલતુ પબ્લિસિટીમાં રમમાણ હતો.

સ્ટ્રેટેજી એટલે રણનીતિ, યુદ્ધકલા, રણકૌશલ, રણચાતુર્ય, યુદ્ધચાલન વિદ્યા, કૂટરચના અને વ્યૂહ-નૈપુણ્ય. લોર્ડ ચેસ્ટરફિલ્ડે ૧૪-૪-૧૭૪૭માં તેના રાજનીતિ અને બિઝનેસ નૈપુણ્યનો અનુભવ લઈને તેના પુત્રને એક પત્રમાં શિખામણ આપેલી- એક સમયે એક જ કામ હાથ ધર. તેમાં તમામ શક્તિ લગાવી દે. પ્રાર્થના કે ધ્યાનમનન કરતો હો તેમ હાથ ધરેલ કાર્યમાં શક્તિ કેન્દ્રિત કર. To do two things at once is to do neither. તમે જ તમારી જિંદગીના અનુભવને તપાસો. સચિન તેંડુલકર શું કરતો હતો? શું તે તમામ ધ્યાન તેની ટીમના દસ-પંદર ખેલાડીની સતત બેઠકો યોજીને ટીમવર્કનો વ્યૂહ કે હરીફ ક્રિકેટરો સામે કેમ ટકવું તેની સ્ટ્રેટેજી ઘડતો હતો? ના, તેનું ધ્યાન સતત જાહેરખબરોના સ્વાર્થી કીડાઓને સંતોષવામાં ફંટાતું હતું. તેની ટીમને સ્પોન્સર કરનારા મુકેશ અંબાણી પાસેથી જ પાઠ શીખવો જોઈતો હતો. સગા ભાઈને બિઝનેસમાં કેમ હરાવવો તેની સ્ટ્રેટેજી મુકેશ પાસે હતી. હરીફોને હંફાવવાની સ્ટ્રેટેજી ધીરુભાઈ પાસેથી શીખ્યો છે.

પ્યુબીલીયસ સાયરસે કહેલું કે પ્રચંડ અગ્નિને બુઝાવવો હોય તો અગ્નિના ભાગલા પાડી દો. જલદી બુઝાઈ જશે. વળી, મેકિયોવેલી નામના રાજપુરુષે ‘પ્રિન્સ’ પુસ્તકમાં રાજનીતિ અને યુદ્ધમાં જીતવાનો વ્યૂહ સુંદર રીતે રજૂ કર્યો છે. રાજા તરીકે તમારી નીચેના તમામ મિનિસ્ટરોને વિશ્વાસમાં લો. એકાદ ભૂલ કરે તો પણ તેનાં યશસ્વી કામની પ્રશંસા કરો. તેની ભૂલને નજરઅંદાજ કરજો. (ક્રિકેટમાં કોઈ ફિલ્ડર કેચ ગુમાવે ત્યારે) તો મિનિસ્ટરને બળ મળશે.

તેની સામે તેની ભૂલ માટે ઘૂરક્યા કરશો તો તેનો સ્પિરિટ નબળો પડશે. પ્રેમમાં અને બિઝનેસમાં પણ આ સિદ્ધાંત લાગુ કરો. તમારા પ્રેમી કે પ્રેમિકાની અમુક ક્ષતિઓને માફ કરો. તમારો મેનેજર એકાદ વખત ગોથું ખાઈ જાય તો તેને બીજાની સામે ઉતારી ન પાડો. ક્રિકેટમાં કોઈ બોલરે કાતિલ દડો ફેંકયો અને ફિલ્ડર કેચ ગુમાવે તો તેના તરફ ઘૂરક્યા ન કરો, કારણ કે ક્રિકેટમાં માત્ર ‘સચિન તેંડુલકરો’ જ મેચ જિતાડતા નથી. સંઘબળ મેચ જિતાડે છે. પત્રકારત્વમાં માત્ર તંત્રી કે તીખી કટાર લખનારો કે કીર્તિમાન લેખકો જ મહત્વના નથી. તમામના સંઘબળથી અખબાર ચાલે છે.

આવું ક્યારે થાય? જ્યારે તમે એક સ્ટ્રેટેજી ઘડો. ઉપરનું કાવ્ય એક બાઇબલને વિશાળ અર્થમાં લેનારા લેખકે લખ્યું છે. તેમાં ઈશ્વર કહેવા માગે છે કે તારા જીવનનો એક ગોલ નક્કી કર અને પછી તેનો પ્લાન ઘડ, કારણ કે પ્લાનિંગ વગરનો ગોલ માત્ર ઠાલું દિવાસ્વપ્ન છે-નકરી અબળખા છે. હે ભક્ત! હું જ્યારે તારી પડખે છું પછી તારે શું ચિંતા? તું તારા વ્યૂહનો પ્લોટ ઘડ અને એક ટાર્ગેટ નક્કી કર. તે માટેનાં આયુધો (ઉપાયો) ભેગાં કર અને જિંદગીમાં આડાં આવતાં લફરાંઓ અને બીજો ‘નક્કામો સામાન’ તારે ખભેથી ફેંકી દે. તારું દરેક પગલું ટાર્ગેટ તરફ જ (એકલવ્યની જેમ) હોવું જોઈએ... અને પછી મેદાને પડ અને જોજે તારે આગળ વધવા માટે જબ્બર મોટું મેદાન ખુલ્લું પડ્યું છે- આકાશ જ એક લિમિટ છે!

વચ્ચે હું પાછી પ્રેમની વાત લાવું છું. મહાન ફ્રેંચ સાહિત્યકાર કવિ અને ફિલસૂફ અનાતોલે ફ્રાંસ જેને ૧૯૨૧નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ મળેલું તેણે પ્રેમ બાબતમાં કહેલું: તમે કોઈપણ ક્ષેત્રમાં હો, જે પ્રવૃત્તિ હાથમાં લીધી હોય, જે વ્યક્તિને પ્રેમ કરતા હો તેને હમણાં, આજે, અત્યારે રાત્રે અને દિવસે, શિયાળા કે ઉનાળામાં પ્રેમ કરતા રહો. તમે જગતમાં આ માટે જ પેદા થયા છો. બાકી જિંદગીમાં કંઈ નથી. પ્રેમ સિવાય અને પ્રેમના ડિવોશન સિવાય જિંદગી માત્ર એક ભ્રમ છે, બનાવટ છે અને બધું જ વ્યર્થ છે. જિંદગીમાં સૌથી ચોટડુક સ્ટ્રેટેજી-પ્રેમ છે. પ્રેમ એક સાત્વિક સ્ટ્રેટેજી છે.

આખી વાત ક્રિકેટમાં મેચ જીતવાની ‘સ્ટ્રેટેજી’ ઉપરથી મારા મગજમાં ઊપસી છે. ઓસ્ટ્રેલિયાની ટીમના બોલરો, બેટ્સમેન અને કપ્તાન દરેક ખેલાડી રમત પહેલાં સ્ટ્રેટેજી ઘડે છે. મંગળવાર તા. ૧૪-૯-૧૦ના સચિનની ટીમને હરાવનારી ટીમ ઓસ્ટ્રેલિયાની હતી અને તેનો કેપ્ટન સર્વોપરી હતો. સચિનની ટીમમાં જાણે અડધો ડઝન કપ્તાનો હતા. બધા જ બોસ હતા. એમ સ્ટ્રેટેજી ન થાય.

સ્ટ્રેટેજી શબ્દ ૧૮૧૦માં અંગ્રેજી ડિકશનરીમાં અપનાવાયો. ફ્રેંચ ભાષામાં ‘સ્ટ્રેટેજાઈ’ કહે છે. ગ્રીક ભાષામાં કમાન્ડરનો હુકમ જ સ્ટ્રેટેજી બની જાય છે. ભારતમાં તો ફ્રેંચ કે ગ્રીક વિદ્વાનો કે રણનીતિ ઘડનારા કરતાં ૨૩૧૦ વર્ષ પહેલાં જીવનની સ્ટ્રેટેજી માટેનું ચાણકયનું અર્થશાસ્ત્ર રચાયેલું. તે એક મલ્ટિપલ સ્ટ્રેટેજી હતી. ચીની વિદ્વાન સુનત્ઝુએ ૨૫૦૦ વર્ષ પહેલાં ‘આર્ટ ઓફ વોર’ની રચના કરેલી. ફ્રેંચ રાજપુરુષ મેકિયોવેલીએ છેક ૧૫૧૩માં ‘પ્રિન્સ’ પુસ્તક લખીને યુદ્ધની સ્ટ્રેટેજી રચેલી. આખરે ૨૦મી સદીમાં બિઝનેસ સ્ટ્રેટેજી અને ગેમ સ્ટ્રેટેજી જેવા શબ્દો આવ્યા.

બાઈઝેનટાઈમના બે શહેનશાહોએ સ્ટ્રેટેજીનાં પુસ્તકો લખ્યાં પછી માઓત્સે તુંગે ‘ગોરીલા વોરફેર’ લખ્યું. પછી ૧૯૩૬માં અર્થશાસ્ત્રી જહોન મેયનાર્ડ કેઈન્સે ઈકોનોમિક સ્ટ્રેટેજીનું પુસ્તક લખ્યું. પોલિટિકલ, મિલિટરી, ઈકોનોમિક, બિઝનેસ સ્ટ્રેટેજી અને લવ સ્ટ્રેટેજી વિશે બે ડઝન પુસ્તકો લખાયાં છે.

વળી, આપણા જીવનમાં સ્ટ્રેટેજી ઘડવામાં કે પ્રેમ કરવામાં કદી જ મોડું થતું નથી. કોઈપણ ઉંમરે સાહસ શરૂ કરી શકાય છે. સાહસ અને પ્રેમને કોઈ ઉંમરની બાધા હોતી નથી.

અમેરિકનોમાં જેની પાસે વિઝન હતું. સાહસની દ્રષ્ટિ હતી અને પછી તેને સફળ કરવાની સ્ટ્રેટેજી હતી તે હેન્રી ફોર્ડ (મોટર), ટેડ ટર્નર (સીએનએન ટીવી), બિલ ગેટ્સ (માઈક્રોસોફટ), મહાત્મા ગાંધી (અહિંસાની સ્ટ્રેટેજી), માર્ટિન લ્યુથર કિંગ (પ્રેમ અને શાંતિની સ્ટ્રેટેજી) એ બધા જ નેચરલ સ્ટ્રેટેજિસ્ટ હતા.

છેલ્લે મારા પોતાના ઉત્પાતિયા સ્વભાવને ઉકળાટમાંથી શાંત રાખવા અને મનના ઉકળાટને વાળી લઈને તેને પોઝિટિવ શક્તિ બનાવવા મને કવિ વોલ્ટ વ્હીટમેનની સલાહ યાદ રહી છે. તમારી સામે અનેક પરિબળો, તકલીફો અને બ્રહ્નાંડોનાં બ્રહ્નાંડો જેટલાં દુ:ખ પડે પણ હે માનવ! તું શાંત રહેજે. સ્થિતપ્રજ્ઞ અને સ્વસ્થ રહેજે.

No comments:

Post a Comment