મોટિવેશનલ પુસ્તકોના બે જાણીતા લેખકો નોર્મન વિનસન્ટ પીલ અને કેનેથ બ્લેન્ચેટે ભેગા મળી એક પુસ્તક લખ્યું છે, ‘પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ.’ આજના સંદર્ભમાં વિષય જરા અટપટો લાગે છે- મેનેજમેન્ટના ક્ષેત્રમાં નૈતિકતાનું મહત્વ. લેખકો પોતે માને છે કે આજના સ્પર્ધાત્મક વિશ્વમાં નીતિ કે અનીતિ કરતાં પરિણામ વધારે મહત્વનું બની ગયું છે. તક ઝડપવા માટે બહુમતી લોકો અનૈતિક પગલાં લેતાં અચકાતા નથી. આવી સ્થિતિમાં લેખકોનું માનવું છે કે દીર્ઘ સફળતા માટે નૈતિકતા જરૂરી છે. સાચા અને ખોટાનો ભેદ આપણે જાણીએ છીએ પણ સત્યનો માર્ગ અપનાવવા માટે હિંમતની જરૂરત છે.
નાનપણથી મળેલા ખોટા ઉદહારણોના લીધે આપણે અનૈતિકતાને જીવનના એક અંગ રૂપે સ્વીકારી લીધી છે. જે બધા કરે છે તેવું કરવામાં કોઇ ક્ષોભ નથી રહ્યો. અનૈતિક નિર્ણય હંમેશાં તણાવ વધારે છે. આપણો નિર્ણય યોગ્ય છે કે નહીં તે જાણવા લેખકો ત્રણ પ્રશ્નોના એક માપદંડ સૂચવે છે. (૧) શું નિર્ણય કાયદેસર છે? (૨) સંતુલિત છે? કોઇ એક પક્ષને અત્યાધિક લાભ કે હાનિ પહોંચાડનારો નથી ને? (૩) તમારું મન માને છે? શું તમે ગર્વથી કહી શકશો કે મેં સાચો નિર્ણય લીધો છે? નૈતિક નિર્ણયો જ આ માપદંડને અનુરૂપ હોય છે.
પોઝિટિવ વૃત્તિવાળા ખરાબ સ્થિતિથી ભયભીત નથી થતા. ભયભીત થયેલું જાનવર આક્રમક બને છે. માણસનો પણ એ જ સ્વભાવ છે જેના લીધે ટેન્શન વધે છે. વ્યક્તિગત જીવન હોય કે કોઇ મોટી કંપનીની પોલિસી, હેતુ સ્પષ્ટ અને નૈતિક હોય તો લાંબા ગાળે સફળતા મળે છે. ધ્યેય સીમિત હોય છે જ્યારે હેતુ વ્યાપક અને દૂરગામી છે. ધ્યેયને શરૂઆત અને અંત હોય છે. જ્યારે હેતુ નિરંતર ચાલુ રહે છે. જો હેતુ નૈતિક હશે તો આત્મસમ્માનની લાગણી થશે. જે કંપનીની નીતિઓ અનૈતિક છે એના કર્મચારીઓ નિરુત્સાહી હોય છે. જે સાચું છે એનો કેવળ વિચાર છોડી એને અમલમાં મૂકો. જે બીજાંના અભિપ્રાય પર વધારે ધ્યાન આપે છે તે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે.
પોતે પસંદ કરેલા માર્ગ પર શ્રદ્ધા રાખો અને સબૂરીનો ગુણ કેળવો. સાચો માર્ગ એકલતાનો છે માટે વિશ્વાસને ડગવા દેશો નહીં. કહેવાય છે કે સારા માણસો રેસમાં છેલ્લા હોય છે. ખરેખર તો સારા અને નૈતિક માણસો રેસમાં હોતા જ નથી. પ્રતિભા હોવા છતાં ખોટા માર્ગના લીધે નિષ્ફળતા મળે છે. કામમાં એટલા વ્યસ્ત ન થઇ જાઓ કે એકાંતની પળો જ ન માણી શકો. ખોટા માર્ગમાં કદાચ તત્કાલીન લાભ દેખાય પણ એનું પરિણામ સારું નથી આવતું. સત્યના માર્ગમાં વિલંબ જરૂર હશે પણ જે સિદ્ધિ મળશે તે કાયમી હશે.
No comments:
Post a Comment