October 23, 2010

વિશ્વની સૌથી મોટી વસતીગણતરી શરૂ!

૨૦૧૦ની સાલમાં પુરી થનારી વસતીગણતરીના પહેલાં તબક્કાનો આરંભ થઇ ચુકયો છે. પહેલા તબક્કામાં તમામ રહેઠાણ-ઘર-તબેલા-ઝુંપડાં ગણીને દરેક પર નંબર લખી નાખવામાં આવશે. બીજા તબક્કામાં ઘરદીઠ પત્રકો ભરવાની કામગીરી બજાવવામાં આવશે. ઘર પાકું છે? કાચું છે? બંગલો છે? ઝુંપડી છે? ઓરડા કેટલા અને રહેનાર કેટલાં? ઘરમાં ટી.વી.-ફ્રીજ-પંખા છે કે નથી? રહેનાર સ્ત્રી-પુરુષની ઉમર, સંબંધ, અભ્યાસ, ધંધો-નોકરી-આવકનાં સાધન અને આવક ઇત્યાદિ ઝીણી ઝીણી વિગતો પણ નોંધી લેવામાં આવશે. કાયદો કહે છે કે વસતીગણતરી વખતે સાચી માહિતી આપવાની નાગરીકની ફરજ છે.

કોઇની અંગત વિગત જાહેર ન થાય તે માટે સરકાર કાળજી રાખે છે. આ વિગતો ભરવાનું કામ સ્વતંત્ર પંચ બજાવે છે અને બધા પત્રક ભરાઇ ગયા પછી નામનું ખાનું ફાડી નાખવામાં આવે છે. આ બધી વિગતોનાં કોઠાઓ તૈયાર કરીને આવતા બે-ત્રણ વરસમાં રાજ્યવાર આંકડાઓ પ્રસિદ્ધ કરાશે.

દુનિયાની છઠ્ઠા ભાગની વસતી - અબજ કરતાં વધારે વસતી, દુનિયાભરનાં તમામ ધર્મોઉપરાંત દુનિયામાં બીજે ન હોય તેવા ધર્મો, ૨૨૦૦ કરતાં વધારે ભાષાઓ અને બોલીઓ, ૩૪૦૦ કરતાં વધારે જ્ઞાતિઓ ધરાવનાર ભારત જેવા વિશાળ અને સંકુલ દેશનો સામાજિક-આર્થિક નકશો દોરવામાં મદદરૂપ થાય તેવી આ વસતીગણતરી માટે ૨૫ લાખ કરતાં વધારે સરકારી નોકરીયાતો ઉપરાંત બિનસરકારી સ્વૈરિછક સંસ્થાઓનો સાથ લેવામાં આવશે અને ભારતની છબી આંકડાકીય ધોરણે તૈયાર કરવામાં આવશે.

શહેરી અને ગ્રામીણ વસતી કેટલી? કેટલાં લોકો કેવા પ્રકારનાં ઘરમાં રહે છે? કેવા પ્રકારનાં નોકરી ધંધામાંથી કેટલી આવક મળે છે? ગરીબીની રેખા તળે જીવનારાઓની સંખ્યા કેટલી? આદિવાસીઓ કેટલા? દલિતોની વસતી કેટલી? વિવિધ ઉંમરનાં અને વયજુથનાં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ કેટલું? એમાં પરણેલાં કેટલાં? બાળ મરણનું પ્રમાણ કેટલું? લોકો કેટલું જીવે છે? કેળવણી કોને-કેટલી મળે છે? છોકરા-છોકરીઓ કેટલા વરસે ભણતરમાંથી ઉઠી જાય છે? તંદુરસ્તી માટે જરૂરી દાકતરી સેવા કોને કેટલી મળે છે? આવા અટપટા સવાલના જવાબ મેળવવાની અને રજુ કરવાની અથાક મહેનત કરવામાં આવશે.

સામાજિક અભ્યાસ અને વિશ્લેષણ માટે, સરકારી નીતિરીતિ અંગેના ધારા ઘડવા માટે, વહીવટ ચલાવવા માટે, આર્થિક વિકાસનું, શિક્ષણ કાર્યનું દાકતરી સેવાનું આયોજન કરવા માટે, વેપારીઓને માલ વેચવા માટે, રાજકીય આગેવાનોને ચુંટણીની તૈયારી કરવા માટે વસતીગણતરી ઉપયોગી થઇ પડે છે કારણ કે તેમાં રાજ્યવાર, જિલ્લાવાર, ગામપ્રમાણે અને શેરીપ્રમાણે માહિતીનાં આંકડા હોય છે. હા, નામઠામ કહી આપવામાં આવતા નથી. નામઠામનો ભાગ અને સહી-અંગુઠાની છાપ ફાડી નખાય છે.

નિયમિત-દર પાંચ વરસે-વસતીગણતરી કરવાની શરૂઆત રોમન સામ્રાજયમાં શરૂ થઇ. લશ્કરમાં ભરતી કરી શકાય તેવા માણસો અને કરવેરા ઉઘરાવી શકાય તેવા શ્રીમંતોની જાણકારી મેળવવા માટે વસતી ગણતરી કરવામાં આવતી. લશ્કરમાં જવું પડે અને કરવેરા ભરવા પડે તેથી લોકો વસતી ગણતરીથી ગભરાઇ જતાં અને ખોટી માહિતી નોંધાવતા. આવી ગણતરી કરવાની સલાહ કૌટિલ્યે ‘અર્થશાસ્ત્ર’માં આપી છે પણ તેનો અમલ થયો કે ન થયો તે આપણે જાણતા નથી. ૧૧૮૩માં ઇંગ્લેંડના રાજા વિલિયમે આવી ગણતરી કરાવી તેના દસ્તાવેજને ‘કયામતનો ચોપડો’ કહેવાયેલો.

ભારતમાં વસતીગણતરીની વ્યવસ્થિત શરૂઆત અંગ્રેજી રાજવટે કરી. ૧૮૬૦ થી ૧૮૭૧ સુધી આ કામ ચાલ્યું પણ ૧૯૦૧થી દર દાયકામાં પહેલા વરસે આવી ગણતરી થાય છે અને આ બધા દસ્તાવેજો જળવાઇ રહ્યા છે. ૧૯૪૧માં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હોવાથી વસતીગણતરી થઇ શકી નહોતી.

અંગ્રેજી અમલની વસતીગણતરીમાં જ્ઞાતિ, જાતિ અને પેટાજ્ઞાતિઓની નોંધ કરવામાં આવતી હતી. ૧૯૩૧ની વસતીગણતરીમાં આવી નોંધ થઇ છે. ૧૯૪૧માં વસતીગણતરી થઇ નથી અને ૧૯૫૧માં ભારત સરકારે નાત-જાતની ગણતરી બંધ કરી દીધી છે. આવા આંકડાઓ કોઇ જાણે નહીં તો જ્ઞાતિપ્રથા નબળી પડીને ખતમ થઇ જશે તેવી તદ્દન મૂર્ખ માન્યતાથી ઘણું નુકસાન થયું છે.

આજે ભારતમાં નાત-જાતનાં આંકડા આપણી પાસે નથી. પછાત કોમોની સંખ્યા કોઇ જાણતું નથી અને સરકાર અનામત માટે આંકડા આપે છે તે અનુમાન પર આધારિત ગપ્પાષ્ટક છે. આદિવાસીઓ અને દલિતોની ગણતરી જ્ઞાતિવાર થાય છે. ગણતરી ન કરીએ તો જ્ઞાતિપ્રથા કરમાઇ જાય એ તો આગ પર કપડું પાથરીને સંતાડી રાખીએ તો આગ બુઝાઇ જશે તેવી વાત થઇ.

આપણા દેશમાં અને રાજકારણમાં અનામતનું ભૂત વળગેલું છે ત્યાં સુધી નાતજાતનું વળગણ ઘટવાનું નથી પણ ઊલટું વધવાનું છે. ભારત સરકારને પોતાની બેવકુફી સમજાઇ ગઇ છે અને આ વરસથી નાત-જાતની ગણતરી ફરીથી શરૂ કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પણ આ વખતે તેનો અમલ થવાનો નથી. આવતી ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ ભૂલ સુધારી લેવાય તેવી આશા રાખીએ.

આપણી વસતીગણતરી બે કારણસર અધુરી રહી જાય છે. ભટકતી જ્ઞાતિઓ અને સતત ફરતારામ જેવા સાધુઓની ગણતરી કરવી તે ભારે અઘરું કામ છે. બીજું, સરકારનાં ભય-આશંકાના કારણે લોકો સાચી વાત છુપાવે છે. આવકનાં સાચા આંકડા અથવા વ્યભિચારી સંબંધોની માહિતી મળતી નથી.

No comments:

Post a Comment