August 21, 2010

અવ્વલ બેન્કર નૈના લાલ કિડવાઈ

આંકડાની માયાજાળમાં ગૂંથાયેલાં નૈના લાલ વર્કિંગ વુમનનો રોલ મોડલ બન્યાં છે. કારકિર્દીના મઘ્યાહ્ને તેઓ ભારતમાં સૌથી વધું પગાર મેળવનારાં એક્ઝિક્યુટિવ બન્યાં અને ઈતિહાસ રચ્યો.

આપણે ત્યાં એક જાણીતી કહેવત છે કે ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’ પણ આજે આપણે નાથાલાલની નહીં પણ આર્થિક ક્ષેત્રમાં અવ્વલ નારી નૈના લાલની વાત કરવી છે. નાણાં ક્ષેત્રે મહિલાઓમાં સૌથી મોખરે નૈના લાલ કિડવાઈનું નામ લેવાય છે.

નૈનાને કોઈ ‘વુમન એક્ઝિક્યુટીવ’ તરીકે સંબોધે એ બાબત તેમને ખટકે છે. તેઓ કહે છે, હું વુમન નહીં પણ પ્રોફેશનલ એક્ઝિક્યુટીવ છું.’ ૭૦ના દાયકામાં પોતાના પિતા સુરેન્દ્ર લાલને ઓફિસે જતા જોઈને નાનકડી નૈનાએ ભવિષ્યમાં પપ્પાની જેવી જ પણ પોતાની સ્વતંત્ર ઓફિસ હશે એવું સપનું સેવ્યું હતું. એ વખતે નૈનાને વાસ્તવિકતાનો બરાબર ખ્યાલ હતો કે વિરાટ સપનું સાકાર કરવા માટે તનતોડ મહેનત કરવી પડશે.

લગાતાર કઠિન પરિશ્રમ કરવો પડશે. પ્રતિભાશાળી નૈનાની માસુમ આંખે સેવેલા સપનાને સાકાર કરવા માટેની તૈયારી આદરી. તેજસ્વી નૈનાએ સિમલાની લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. સ્કૂલની દરેક પરીક્ષામાં તેઓ ટોપર રહ્યાં. વકૃતત્વ અને રમતગમત સ્પર્ધામાં પણ સ્કૂલનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૭૪માં નૈના લાલે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ શરૂ કર્યો.

કોલેજકાળ દરમિયાન તેઓ સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડન્ટ રહ્યાં. તેમણે કોલેજ લીડરશિપ એવોર્ડ પ્રાપ્ત કર્યો. ૧૯૭૭માં નૈનાએ સ્નાતકની પદવી મેળવ્યા પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની તૈયારી શરૂ કરી. સાથોસાથ પ્રાઈસ વોટરહાઉસ (હવે પ્રાઈસ વોટરહાઉસ કૂપર)માં ટ્રેઈની તરીકે જોડાયાં. એ વખતે એક પાર્ટનરે તેમને કહ્યું, ‘આ સંસ્થામાં જોડાનારાં તમે સૌપ્રથમ મહિલા છો. તમને કઈ જવાબદારી સોંપવી એ અમારે નક્કી કરવું પડશે.’

નૈના લાલે ટૂંકા સમયગાળામાં ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સનું સ્વતંત્ર ઓડિટ કરીને પોતાના પ્રત્યેના તમામ પૂર્વગ્રહ અને ભ્રમ ભાંગી નાખ્યા. ત્રણ વર્ષ સુધી પ્રાઈસ વોટરહાઉસમાં નૈના લાલે એકાઉન્ટ્સ અને તેને લગતી નીતિ અને કાયદાનો ઉંડો અભ્યાસ કર્યો. સાથોસાથ તેમને એવું લાગ્યું કે નાનપણમાં સેવેલા સપનાને સાકાર કરવું હોય તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મેળવવું પડે.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા નૈના લાલ છે. ૧૯૮૨માં તેમણે આ પદવી પ્રાપ્ત કરી. પછી નૈનાને અમેરિકામાં નોકરીની અઢળક ઓફર્સ મળી પણ તેને ઠોકર મારીને તેઓ માદરેવતન પાછા ફર્યા. ૮૦ના દાયકામાં દેશના નાણાં ક્ષેત્રે અત્યારના જેવા મોકા અને તગડા પે- પેકેજ મળતા નહોતા. તેમ છતાં નૈનાને થયું કે સ્વજનોની સાથે રહીને સ્વજનોની વચ્ચે સફળતા મેળવવાનું અને તેની ઉજવણી કરવાનું સુખ દરેકના નસીબમાં નથી હોતું.

જે લોકો આ સુખથી વંચિત રહી જાય છે તેઓ વિદેશમાં ભલેને ઊંચો હોદ્દો ભોગવે અને કલદાર કમાણી કરે તેનો કંઈ અર્થ સરતો નથી. આમ વિચારીને તેઓ ભારત પાછા ફર્યા. તેમણે ૧૯૮૨માં એએનઝેડ ગ્રિન્ડલેઝથી પોતાની કારકિદીર્ના શ્રીગણેશ કર્યા. ફક્ત ત્રણ વર્ષમાં જ નૈના લાલ ગ્રિન્ડલેઝના વેસ્ટર્ન ઝોનના મર્ચન્ટ બેન્કિંગ સર્વિસિસના ઈન્ચાર્જ બની ગયા.

૧૯૮૯માં ગ્રિન્ડલેઝે તેમને દેશના ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગના ઈન્ચાર્જ બનાવ્યાં. ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં નૈનાની ફાવટથી ગ્રિન્ડલેઝનું વહીવટી મંડળ પ્રભાવિત થયું હતું. પણ ૧૯૯૧માં નૈનાએ સંચાલકો સમક્ષ રિટેલ બેન્કિંગ વિભાગમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમની માગણી સાંભળીને વહીવટકર્તાઓ ચોંકી ગયા. નૈના શું કરવા ધારે છે એ વિશે સંચાલકોને તો કંઈ ખ્યાલ ન આવ્યો. પણ ખરેખર નૈનાને તો બરાબર ખબર હતી કે કોઈ પણ ક્ષેત્રે ટોચ પર પહોંચવું હોય તો તેના મૂળિયાં સુધી ઉંડા ઊતરવું પડે.

આમ સામેથી રિટેલ બેન્કિંગની જવાબદારી માથે લીધા પછી નૈના લાલે ગ્રિન્ડલેઝ બેન્કની ગ્લોબલ એનઆરઆઈ સર્વિસિસ સ્થાપી. અખાતી યુદ્ધ દરમિયાન ગ્રિન્ડલેઝની એનઆરઆઈ ડિપોઝિટ્સ ત્રણ ગણી વધી ગઈ. વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર ધરાવતા બહુભાષીય ૧૦૦૦ કરતાં વધારે કર્મચારીની ફોજની લીડરશિપ અને બેન્કના હજારો રિટેલ ગ્રાહકો સાથેનો સીધો સંપર્ક એ નૈના લાલના વ્યાવસાયિક કાર્યકાળ દરમિયાનની વ્યક્તિગત સિદ્ધિ ગણી શકાય.

૧૯૯૪માં નૈનાએ એએનઝેડ ગ્રિન્ડલેઝમાંથી રાજીનામું આપ્યું અને અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ કંપની મોર્ગન સ્ટેનલેમાં જોડાયા ત્યારે તેઓ મીડિયા સ્ટાર બની ગયા. મોર્ગન સ્ટેન્લેને ભારતમાં પગ જમાવવા હતા એટલે આ માટે કંપનીએ નૈના લાલનો સંપર્ક સાઘ્યો અને નૈના ગ્લોબલ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટમાં વાઈસ ચેરમેન તરીકે જોડાયાં. આ સાથે તેઓ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં પાછા ફર્યા.

ભારતમાં મોર્ગન સ્ટેન્લેની આંતરરાષ્ટ્રીય શાખ જમાવવા માટે નૈનાએ જેએમ ફાયનાન્સિયલ ગ્રુપ સાથે જોડાણ કર્યું. જે અંતર્ગત ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને સિક્યૂરિટીઝ બિઝનેસના બે સંયુક્ત સાહસ જન્મ્યાં. ઈન્વેસ્ટમેન્ટ બેન્કના સીઈઓ બનવાની સાથે મોર્ગન સ્ટેન્લેના પ્રતિનિધિ તરીકે નૈના લાલનો સંયુક્ત સાહસના વહીવટી મંડળમાં સમાવેશ થયો. ૨૦૦૩માં નૈના લાલ આભને આંબતા અમેરિકન પે-પેકેજ વિશેનો અંદાજ માંડતા કોમર્સ મીડિયાએ લખ્યું કે તેઓ ભારતમાં (સ્ત્રી- પુરુષોમાં) સૌથી વધું પગાર મેળવનારાં એક્ઝિક્યુટિવ છે.

આ સાથે નૈના લાલ અખબાર-મેગેઝિન્સના મથાળે છવાઈ ગયા. તેઓ યુવા પેઢીના આદર્શ બન્યાં. તેમની દરેક બિઝનેસ ડીલની ચર્ચા ઉદ્યોગજગતમાં થવા લાગી. એ સમયગાળામાં નૈનાએ રોકાણ, હસ્તાંતરણ અને વ્યુહાત્મક જોડાણના એટલા સોદા કર્યા કે જોતજોતામાં જેએમ મોર્ગન સ્ટેન્લે દેશની સૌથી મોટી મર્ચન્ટ બેન્કર બની ગઈ.

‘હાઈ ફ્લાયર’ નૈના લાલે ૨૦૦૨માં ફરીથી બધાને ચોંકાવી દીધા. મોર્ગન સ્ટેન્લેની બેસ્ટ પે માસ્ટરની નોકરી છોડીને તેઓ એચએસબીસી (હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન)માં જોડાયાં. નવેમ્બર ૨૦૦૨માં એચએસબીસી સિક્યૂરિટિઝ એન્ડ કેપિટલ માર્કેટના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદે કાર્યરત નૈનાએ કહ્યું હતું, ‘ લીડરશિપ મારી નબળાઈ છે. મને ટ્રેડિંગ અને સિક્યૂરિટી બિઝનેસનું મોટું સ્વતંત્ર પ્લેટફોર્મ મળ્યું છે. હું મારી કારકિર્દીના એવા મુકામ પર પહોંચી છું કે જ્યાં પૈસાનું કોઈ મહત્વ નથી.

No comments:

Post a Comment