August 21, 2010

રાધા અને કૃષ્ણ : ધર્મગ્રંથો શું કહે છે?

કૃષ્ણ ક્યારે જીવ્યા વાસુદેવ-નારાયણ-કૃષ્ણ-વિષ્ણુ કેવી રીતે અને શા માટે એકાકાર થઇ ગયા તે આપણે જાણતા નથી પણ કૃષ્ણ ઇતિહાસ પુરુષ છે તેમાં કશી શંકા નથી તેવું આજે ઘણા ખરા પંડિતો કહે છે.
રામની અને કૃષ્ણની કથામાં મોટો તફાવત છે...

સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો નથી, માત્ર ચોખવટ જ કરી છે. પુખ્તવયનાં સ્ત્રી-પુરુષ સ્વેચ્છાએ દેહસંબંધ બાંધે અથવા લગ્ન કર્યા વગર સહજીવન ગાળે તો કાયદો તેમને ગુનેગાર ગણતો નથી. આવા સંબંધ અથવા સહજીવન ભારતીય પરંપરામાં સહજભાવે સ્વીકારી લેવામાં આવતા હતા.

તેના ઉદાહરણરૂપે તેમણે રાધા અને કૃષ્ણનો ઉલ્લેખ કર્યો છે. ન્યાયાધીશોએ કરેલી કાયદાની ચોખવટ સાચી છે પણ તેમણે આપેલું ઉદાહરણ ખોટું છે. રાધા અને કૃષ્ણે સહજીવન ગાળ્યાની પરંપરા નથી તેમના સંબંધો માત્ર પ્રાસંગિક જ રહ્યા છે.

પણ કૃષ્ણની કથામાં અને તેમના નામ જોડે રાધાનું નામ એવું વણાઇ ગયું છે કે કૃષ્ણના સાથી તરીકે હંમેશાં રાધા જ હોય છે. કૃષ્ણને ૧૬,૧૦૮ પત્નીઓ હતી અને તેમાંથી આઠ તો મુખ્ય-પટરાણીઓ હતી. પણ કૃષ્ણની જોડે આમાંથી એક પણ પત્નીની પૂજા કદી થતી નથી. મહારાષ્ટ્રમાં પંઢરપુરના વિઠોબાના સાથી તરીકે રૂકમાઇ-રુકમિણી છે તે એકમાત્ર અપવાદ ગણવો જોઇએ. તમામ વૈષ્ણવ સંપ્રદાયોમાં રાધા કૃષ્ણ સાથે જોડાયેલી છે.

પણ આ રાધાનું પાત્ર મોટી સમસ્યા છે, કારણ કે વૈષ્ણવ સંપ્રદાયના કોઇ પણ પ્રાચીન ગ્રંથમાં, વેદમાં, મહાભારતમાં અથવા પુરાણોમાં રાધાનું નામ નથી. ભાગવતમાં પણ કોઇપણ જગ્યાએ રાધા નામની ગોપી નથી. બે-ત્રણ ગોપીઓનાં નામ છે પણ રાધા નથી. બ્રહ્મ વૈવર્તપુરાણ અને ગર્ગ સંહિતામાં રાધાનું નામ છે પણ આ બંને ગ્રંથો ઘણા પાછળથી લખાયા હોવાથી રામાનુજથી માંડીને વલ્લભાચાર્ય સુધીના કોઇ વૈષ્ણવ આચાર્યે તેનો સ્વીકાર કર્યો નથી.

હિંદુ ધર્મની પરંપરાઓ અગણિત છે અને મોટા ભાગની અજાણી છે. વેદ સાહિત્યમાં કૃષ્ણનું નામ ચાર-પાંચ વખત વપરાયું છે પણ કૃષ્ણની પૂજા થતી નથી અને દેવ તરીકે તેમનો સ્વીકાર વેદમાં નથી.

વેદના એક મંત્રના દ્રષ્ટા ઋષિનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ કાળાના અર્થમાં વિશેષણ તરીકે -કૃષ્ણ ગર્ભ - કૃષ્ણ યોનિ - પણ વપરાય છે. એક વિચિત્ર મંત્રમાં કૃષ્ણને ઇન્દ્રે કપડાથી ગાળીને પીધો તેવું પણ લખાયું છે.

પણ કૃષ્ણનો સ્પષ્ટ અને લાંબો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં છે. ઘોર આંગીરસ ઋષિએ ‘દેવકી પુત્રાય, કૃષ્ણાય’ આ પ્રમાણે કહ્યું (ઉક્તવાન) તેમ નોંધાયું છે. વેદોમાં ભક્તિ જેવો કોઇ શબ્દ જ નથી તેથી ભક્તિની વાત વેદમાંથી કહેનાર લોકોએ કાં તો વેદ વાંચ્યા નથી અને કાં તો તેઓ ખોટું કહી રહ્યા છે.

પણ કૃષ્ણકથા જાણીતી છે. પાણિનિએ વાસુદેવકા: શબ્દ વાપર્યો છે. પતંજલિના મહાભાષ્યમાં કંસ વધના નાટક જેવો ઉલ્લેખ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં યાદવોના વિનાશની વાત લખી છે. પણ ઇસવીસનની શરૂઆત થઇ ત્યારે આજથી બે-અઢી હજાર વરસથી કૃષ્ણ અને વાસુદેવના ઉલ્લેખો ઘણા ઠેકાણે મળે છે.

મહાભારતના કૃષ્ણ અતિશય બુદ્ધિમાન આગેવાન છે અને ભીષ્મ તેમના માટે હંમેશાં ‘મહાપ્રાજ્ઞ’ વિશેષણ વાપરે છે. હરિવંશમાં કૃષ્ણની જન્મકથા, બાળપણ અને આધેડ વય સુધીની હકીકતો થોડી જુદી રીતે પણ વધારે સરસ રીતે રજૂ થઇ છે. મહાભારતમાં કૃષ્ણ દેવાધિદેવ છે.

રાજા ભાગભદ્રના દરબારમાં યવન રાજવી એમ્પ્લિયોનીસના એલચી હેલિયોદોરાસે ગરુડસ્તંભ ઊભો કર્યો છે. તેમાં ‘દેવદેવસ્સ, વાસુદેવસ્સ’નો શિલાલેખ છે. આ થાંભલો બેસનગરમાં છે. આવા બીજા શિલાલેખો છે અને ગુપ્તવંશના રાજાઓ-ખાસ કરીને સમ્રાટ સમુદ્રગુપ્ત પોતાની જાતને હંમેશાં ‘પરમ ભાગવત’ કહેવડાવે છે.

શુંગવંશના સિક્કાઓ પર કૃષ્ણ દેવાધિદેવ તરીકે પંકાયા છે. કૃષ્ણ અંગેની પરંપરા અશોકના દરબારમાં રાજદૂત તરીકે આવેલા મેગેસ્થનિસે નોંધી છે અને ‘મેઠોરા (મથુરા) ની આસપાસના વિસ્તારમાં બાળકૃષ્ણની પૂજા થાય છે તેવું લખ્યું છે. આ બધા ઉલ્લેખો-સંદર્ભો એકઠા કરીએ અને હિંદુ-બૌદ્ધ-યવન પરંપરાઓનો સરવાળો કરીએ તો કૃષ્ણનું નામ આદિકાળથી ગવાયા કરે છે.

કૃષ્ણ ક્યારે જીવ્યા વાસુદેવ-નારાયણ-કૃષ્ણ-વિષ્ણુ કેવી રીતે અને શા માટે એકાકાર થઇ ગયા તે આપણે જાણતા નથી પણ કૃષ્ણ ઇતિહાસ પુરુષ છે તેમાં કશી શંકા નથી તેવું આજે ઘણા ખરા પંડિતો કહે છે.
રામની અને કૃષ્ણની કથામાં મોટો તફાવત છે, કારણ કે રામનું સમગ્ર જીવનચરિત્ર લખી કાઢનાર વાલ્મીકિ જેવો કોઇ કવિ કૃષ્ણને મળ્યો નથી તેથી કૃષ્ણની જીવનકથા હંમેશાં તૂટકછૂટક અલગ અલગ ગ્રંથોમાં લખાઇ છે.

કૃષ્ણચરિત્રના પહેલા અને સૌથી જૂના ગ્રંથ મહાભારતમાં કૃષ્ણનું બાળપણ નથી. કૃષ્ણ ગોપીજન વલ્લભ કહેવાય છે અને કૃષ્ણે બાળપણમાં કરેલાં પરાક્રમોની શિશુપાલે મશ્કરી કરી છે.

મહાભારતમાં કૃષ્ણની આધેડ વયથી તેમના મરણ સુધીનો હેવાલ છે. હરિવંશમાં બાળપણથી આધેડ વયની કથા છે પણ મરણ નથી, વિષ્ણુપુરાણમાં બાળપણથી મોટી ઉંમર સુધીની કથા છે અને ભાગવત વિષ્ણુપુરાણના વિસ્તાર જેવો ગ્રંથ છે. બાળપણનાં તોફાનો અને ગોપીઓના સંબંધોની કથા બંનેમાં છે. પણ આ પ્રમાણભૂત ગ્રંથોમાં અથવા અન્ય પુરાણોમાં રાધાનું નામોનિશાન નથી.

રાધા કોણ છે? આ પાત્ર ક્યાંથી આવ્યું અને કૃષ્ણકથામાં કેવી રીતે, કયારે, શા માટે ઘૂસી ગયું તેની કશી જાણકારી આપણી પાસે નથી. રાધયતે-ઇતિ રાધા-ખુશ કરે, સેવા કરે તે રાધા તેવો અર્થ તારવવામાં આવ્યો છે. રાધાનો સૌથી જૂનો ઉલ્લેખ કાશ્મીરી કથામાં છે તેવી પરંપરા છે પણ આ ગ્રંથો આપણી પાસે નથી.

રાધા લોકસાહિત્યનું પાત્ર છે અને તેનો સૌથી પહેલો ઉલ્લેખ હાલાએ લખેલા પ્રાકૃત કથા-ગાથા સપ્તશતીમાં છે. આ ગ્રંથ મળતો નથી. કવિ ધનંજયના દશરૂપમાં, ક્ષેમેન્દ્રના દશાવતાર ચરિત્રમાં, ભોજના સરસ્વતી કંઠાભરણમાં રાધાના ઉલ્લેખ છે. આ બધા સાહિત્યગ્રંથો છે, ધર્મગ્રંથો નથી.

મુંજના એક તામ્રપત્રમાં રાધાનું નામ છે.આના આધારે ચાલીએ તો કૃષ્ણકથામાં રાધાનો સમાવેશ થયા અગાઉ હજારેક વરસથી રાધાનું નામ સાહિત્યમાં ગવાયા કરે છે. કૃષ્ણની જોડે રાધાનું નામ જોડાયેલું હોય તેવું ભાસના નાટક કૃષ્ણચરિત્રમાં છે પણ રાધાને મહત્વ મળ્યું તે તો કવિ જયદેવના ગીતગોવિંદ પછી મળ્યું અને બંગાળી કવિઓ ચંડીદાસ-વિદ્યાપતિ- બિલ્વમંગળે રાધાકૃષ્ણને એકાકાર કરી દીધા.

બધા વૈષ્ણવ સંપ્રદાયોમાં રાધાની પૂજા થતી નથી. રામાનુજના શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં અને માધવાચાર્યના સદ્વૈષ્ણવ સંપ્રદાયમાં રાધાની પૂજા નથી થતી. આ બંને આચાર્યોએ ભાગવતનો આધાર લીધો છે પણ શૃંગાર સ્વીકાર્યો નથી. માધવાચાર્ય તો ‘રાસપંચાઘ્યાય’નું નામ લેવા રાજી નથી.

નિમ્બાર્કના સનક વૈષ્ણવપંથમાં રાધાનું મહત્વ કૃષ્ણના જેટલું જ બલકે થોડું વધારે છે, કારણ કે રાધા કૃષ્ણની શક્તિ છે. ચૈતન્યના ગૌડિય વૈષ્ણવોએ પણ કૃષ્ણની પ્રેરકશક્તિ તરીકે રાધાનું ગૌરવ સ્વીકાર્યું છે અને ખુદ ગૌરાંગદેવ રાધાનો અવતાર કહેવાયા છે. તેમના પ્રભાવથી પુષ્ટિ સંપ્રદાયમાં પણ રાધાનો પ્રવેશ થોડો મોડેથી થયો છે.

ભાગવતમાં અને વૈષ્ણવ સંપ્રદાયોમાં ઉઘાડો શૃંગાર ગવાયો છે અને ભાગવતના કેટલાક શ્લોક-ખાસ કરીને ગોપીગીત-એટલું શંગારિક છે કે શુકદેવજીની કથા સાંભળનાર રાજા પરીક્ષિત પણ ભડકી ઊઠેલા ‘દુષ્ટોને દંડ દેનાર કષ્ણાવતાર ક્યાં અને આ વ્યભિચારિણી સ્ત્રીઓ ક્યાં?’ (ખલસંયમનાવતાર વ્રજસ્ત્રીયા વ્યભિચારિણીશ્ચ) તેવો સવાલ તેમણે પૂછ્યો છે.

રાસ પંચાઘ્યાયીનો બચાવ કરવા માટે તાણી-તૂસીને આઘ્યાત્મિક અર્થો કાઢવાના બધા પ્રયાસો હાસ્યાસ્પદ છે. કૃષ્ણકથા અથવા ભક્તિભાવ સમજાવવા માટે આ બધા શબ્દપ્રયોગ કરવાની કશી જરૂર નથી. પણ ભાગવત સંસ્કૃત ભાષામાં અને સાંભળનારને આ ભાષા આવડતી નથી તેથી કથાકારોનું ગાડું ગબડ્યે જાય છે.

આપણા સમાજમાં આજે જે ચોખલિયા વેડા જોવા મળે છે તે આપણી પરંપરામાં નથી. ભારતીય સંસ્કતિમાં દેહસંબંધો અને તેની તદ્દન ઉઘાડી રજૂઆતમાં કશો છોછ નથી. ઋગ્વેદની દાનસ્તુતિના કેટલાક મંત્રો એટલી અશ્લીલ ભાષામાં લખાયા છે કે મેક્સમ્યુલરે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો ત્યાં આ ભાગ લેટિન ભાષામાં લખ્યો કે જેથી આમજનતા તે વાંચી શકે નહીં.

આ તરજુમો દેશી ભાષામાં છાપીએ તો અશ્લીલ સાહિત્યના ફેલાવા માટે જેલમાં જવું પડે. ઉપનિષદોમાં પણ દેહસંબંધોના ઉલ્લેખ થયા છે.

આ બધું ચાલે છે કારણ કે વેદ અને ઉપનિષદની વાતો કરનાર મોટા ભાગના લોકો મૂળગ્રંથો વાંરયા વગર પોતાના મનમાં ફાવે તેવો બકવાસ કરતા રહે છે અને આ ભાષા મરી ગઇ હોવાથી લોકો આ ગ્રંથો વાંચવાના નથી તેથી તેમનાં ભોપાળાં બહાર પડતાં નથી.

નોંધ : આ અભ્યાસ લેખ પ્રમાણભૂત સંદર્ભગ્રંથો અને ધર્મગ્રંથોના આધારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો પ્રયાસ છે. અહીં કોઇ પણ વ્યક્તિની લાગણી દુભવવાનો લેશમાત્ર ઇરાદો નથી

No comments:

Post a Comment