August 21, 2010

પ્રસિદ્ધિનાં ગતિ અને વમળો

સવાલ સાત-આઠ કે સિત્તેર-એંસી પાત્રોનો નથી. વાત એ છે કે આટલા સફળ, આટલા પ્રતિભાશાળી લોકોના જીવન પણ શાંત અને સંતુષ્ટ નથી. કંકાસ શબ્દ કદાચ મીડલ ક્લાસ માટેનો લાગે, તો ગ્રીવન્સ કહીએ, એ જે છે તે બધે છે અને આવા કલાકારોના જીવનમાં વિશેષ છે. એ બધા પાસે પૈસો છે, પ્રતિષ્ઠા છે અને પદ છે.


ભીષણ અને ભેંકાર રાત, ડૂબીને પણ ઇતિહાસની સપાટી પર આજેય તરે છે તેવું વિરાટ, અફાટ જળરાશિને ચીરતું જહાજ ટાઇટેનિક તેની દિશામાં અંધકારને ભેદતું ગતિ કરી રહ્યું છે. શંકાશીલ ભાવિ પતિથી કંટાળીને જીવન સાગરને સમર્પિત કરવા હિરોઇન એ ભવ્ય સ્ટીમરની આગળ ઊભે છે. ને ત્યાં જ અવાજ આવે છે, ‘હેય ડોન્ટ ડુ ઇટ...’ અને શરૂ થાય છે એક લવસ્ટોરી.

જહાજ બરફની તોતિંગ શીલા સાથે ટકરાય છે અને સર્જાય છે ક્યારેય ન ભૂલી શકાય તેવી જળ દુઘટર્ના. જેની સાથે દુનિયાદારીના નહીં પરંતુ દિલની યારીના સંબંધ હતા તેવા એ બોયફ્રેન્ડનો હાથ પકડી, હિમાલયના પ્રવાહી સ્વરૂપ જેવા પાણીમાં કલાકો સુધી એ રૂપાળી છોકરી લાકડાના એક તરાપા જેવા હિસ્સા પર પડી રહે, અને જેક... જેક... એમ કહેતી રહે.

જેકનો થીજેલો દેહ અંતે જળસમાધિ લઇ લે... કોઇ સગપણ વગર પણ કેવું સમર્પણ? હા, સમર્પણ માટે સગપણ હોવું જરૂરી નથી. પણ એ મુદ્દો અલગ છે. જે સીનની વાત અહીં કરી તે ફિલ્મોમાં શક્ય છે અને સાચા સંબંધોમાં પણ છે, પરંતુ જે હિરોઇને આ સીન સંવેદનશીલ રીતે ભજવ્યો છે તેની પોતાની જિંદગીનું જહાજ હાલક ડોલક રહ્યું છે.

૨૦૦૩માં સેમ મેન્ડ્સ સાથે લગ્ન કરનાર, કેટ વિન્સલેટે એક પુત્ર હોવા છતાં સેમથી તાજેતરમાં પરસ્પર સંમતિથી છુટાછેડા લીધા. કેટના પ્રથમ લગ્ન નહોતા. એ પહેલાં તે જીમ થ્રેપ્લેટને પરણી હતી. એક દીકરી પણ આ દંપતીને હતી, ૨૦૦૧માં બંને વિખૂટા પડ્યા. ખરેખર કરૂણ ઘટના તો વર્ષો પહેલાં બની હતી. ટીવી સિરીયલ ‘ડાર્ક સિઝન’ના સેટ પર લેખક સ્ટીફનને તે મળી. પાંચ વર્ષ બંને વચ્ચે સંબંધ રહ્યા અને સ્ટીફનનું મૃત્યુ અકાળે, બોન કેન્સરને લીધે થયું.

જ્યારે ‘ટાઇટેનિક’નું પ્રિમિયર હતું ત્યારે કેટ તેના આ મિત્રની અંતિમવિધિમાં હાજરી આપવા ગઇ હતી. કેટ વિન્સલેટ-રૂપાળી, પ્રતિભાશાળી અને પ્રતિષ્ઠિત અભિનેત્રી. પરંતુ એક તરફ આ ઝાકઝમાળ છે બીજી તરફ અંગત જીવનનો આવો અંધકાર કે પછી એટલિસ્ટ ધુમ્મસ. અમૃત ઘાયલનો શેર છે ને,‘જોરથી જાહેરમાં હસતાં વદન, ખાનગીમાં ખુબ રોતાં હોય છે’.

ભલે કલાકારો કાંઇ એમ છુટ્ટા પડવાના બનાવોને ગંભીરતાથી લઇને ડિપ્રેસ થતાં નથી, પણ વાત એ છે કે ઓસ્કર જેવા સર્વોચ્ચ સન્માનની ઊંચાઇ પછી પણ આવા લોકોના જીવન સ્થિર નથી. સિદ્ધિ છે, સમૃદ્ધિ છે, પણ શાંતિ નથી.

ફિલ્મોમાં અને તેમાંય હોલીવુડમાં તો વિચ્છેદની આવી ઘટનાઓ જરા પણ નવી નથી. અરે, યાદ છે ને પેલી બ્રિટની સ્પીયર્સ? લગ્ન કર્યા પછી ક્યારે ડિવોર્સ લીધા ખબર છે ને? માત્ર ૪૮ કલાકમાં! વાતનો પરિઘ થોડો નાનો કરીને માત્ર ઓસ્કર એવોર્ડ વિજેતા નટીઓની વાત કરીએ તોય યાદી મોટી બને. પણ ફિલ્મ હોય કે કળાનું કોઇ અન્ય ક્ષેત્ર, લગ્નવિચ્છેદ એ સાધારણ ઘટના છે.

જો કે ત્યાં પણ સંજોગો તો અસાધારણ હોઇ શકે અને તેના કરતાં પણ મહત્વનું એ છે કે સફળતા જેના પગની પાનીને ચૂમતી હોય, પ્રસિદ્ધિ જેને કર્ણના કવચ-કુંડળની જેમ વરદાનમાં મળી હોય, દુનિયા જેની પાછળ પાગલ હોય, સમય જેના ઓવારણાં લેતો હોય, એક આખી પેઢી જેની મોહિનીમાં લપેટાઇને ઝકઝોર બની હોય, તેવી વ્યક્તિની અંગત જિંદગી ઘણીવાર અકલ્પનીય રીતે ડહોળાયેલી હોય છે. તેમાં જેટલી ગતિ હોય છે તેટલા જ વમળ પણ હોય છે.

શૂટિંગ કે પાર્ટીમાં વ્યસ્ત સિતારા જીવનના આકાશમાં અસ્તવ્યસ્ત હોય છે. ખંડિત કે કંકાસવાળા જીવનની તેમને કદાચ એવી અસર ભલે ન હોય, પરંતુ તેમના જીવન સ્થિર તો નથી જ હોતા. તાજેતરમાં જ ‘હર્ટ લોકર’ ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ મેળવનાર સાન્દ્રા બુલોકનું લગ્નજીવન ખંડિત થયું. સાન્દ્રા ફિલ્મના શૂટિંગ માટે એટલાન્ટા ગઇ ત્યારે તેના પતિએ એક ટેટૂ આટિર્સ્ટ સાથે ‘સેક્સ જેવું કાંઇક’ માણ્યું અને વાત ખતમ. સાન્દ્રાએ કહ્યું, ‘સૈંયા જુઠોં કા બડા સરતાજ નીકલા.’ તેના પતિએ પણ કબુલ્યું કે હા,મેં ‘એવું’ કર્યું હતું.

એલિઝાબેથ (લીઝ) હર્લીના જીવનમાં પણ એવું બન્યું હતું. તેણે પતિ હ્યુ ગ્રાન્ટને ત્યજી દીધો, કારણ કે તે એક કાળી-હબસી વેશ્યા સાથે ઝડપાયો હતો (વાંધો તે વેશ્યા માટે હતો કે તે કાળી હતી તેની સામે? તે અકબંધ રહસ્ય છે). તો ૧૯૯૬માં જોની લી મીલરને પરણેલી અને ૯૯માં બીજાં લગ્ન બીલી બોબ સાથે કરનારી એન્જિલીના જોલી પછી બ્રાડ પીટને પરણી પણ તેનેય તે વળી ઘરે કપડાં ધોવા આવતી કામવાળી સાથે પ્રેમ થઇ ગયો હતો!

રૂપગર્વિતા મેરેલીન મનરોના લગ્ન જેમ્સ ડોર્ટી સાથે થયાં હતાં. બંને વિખૂટા પડ્યાં. પછી મેગીઓ સાથે રહી અને છેવટે વિખ્યાત લેખક આર્થર મિલર સાથે તેનું સહજીવન રહ્યું તે બધા જાણે છે. હા જો કે તેને ઓસ્કાર નહોતો મળ્યો પરંતુ તે કોઇ એવોર્ડ વગર પણ પ્રસિઘ્ધ હતી. નિકોલ કિડમેન અને ડ્ર્યૂ બેરીમેરનાં પણ બે-બે લગ્ન હતા અર્થાત્ એક એક છુટાછેડા. તો ૧૯૯૭માં ફેબ્રુઆરીની ૨૨મીએ ક્યુબાના ઓજની નોઆ સાથે પરણેલી જેનીફર લોપેઝ સીન કોમ્બઝ, ક્રિસ જુડ, બેન એફલેક સાથે..

સવાલ સાત-આઠ કે સિત્તેર-એંસી પાત્રોનો નથી. વાત એ છે કે આટલા સફળ, આટલા પ્રતિભાશાળી લોકોના જીવન પણ શાંત અને સંતુષ્ટ નથી. કંકાસ શબ્દ કદાચ મીડલ ક્લાસ માટેનો લાગે, તો ગ્રીવન્સ કહીએ, એ જે છે તે બધે છે અને આવા કલાકારોના જીવનમાં વિશેષ છે. એ બધા પાસે પૈસો છે, પ્રતિષ્ઠા છે અને પદ છે. આ ત્રણ આવે કે તરત માણસને અજાણતા પણ સ્વતંત્રતા કે થોડી સ્વચ્છંદતા આવે જ. અને પછી થાય અહમનો ટકરાવ કે પોતાની રીતે જીવવાની ઘેલછા અને અંતે પાટિર્શન.

એ વ્યક્તિની હાલત નિદા ફાઝલીના શેર જેવી હોય,‘સબ કુછ તો હૈ ક્યા ઢૂંઢતી રહેતી હૈ નિગાહેં, ક્યા બાત હૈ મૈ વક્ત પે ઘર ક્યું નહીં જાતા’. મહાન લોકોના જીવનમાંથી ભલે એવું બધું ના શિખીએ પરંતુ એટલું તો જરૂર કે ઘટનાઓથી ચલિત થવાને બદલે આપણે આપણું કામ કર્યા કરીએ, કાંઇ ‘ખોટુ’ થાય તો પણ લાઇફને પાર્ટ-પાર્ટ એટલે કે જીવનના ટૂકડે-ટૂકડા કરી નાંખવાને બદલે તેને બને ત્યાં સુધી પાર્ટ ઓફ લાઇફ ગણી લેવાથી નુકસાન ઓછું થાય છે.

No comments:

Post a Comment