August 21, 2010

ક્યાં સુધી ચાલશે? Ctrl C + Ctrl V

ક્યાં સુધી આપણે હોલિવૂડની કોપી કરતા રહીશું? ‘અતિથિ તુમ કબ જાઓગે?’ પ્રકારે ભારતીય લેખકોની કદર ક્યારે થશે?

૧૯૬૧માં હોલિવૂડમાં એક નવલકથા પરથી સરસ ફિલ્મ બનેલી, ‘પેરેન્ટ ટ્રેપ’, જેની આ જ નામે રિમેક પણ થોડા વર્ષ પહેલાં આવેલી. એની સ્ટોરી કંઇક આવી હતી: લવ મેરેજની ચ્યુઇંગમ મોળી પડી ગયા બાદ અને હાર્શ લાઇફની બિટર રિયાલિટી સામે આવ્યા બાદ પતિ પત્ની ડિવોર્સ લે છે. કોર્ટ હુકમ પ્રમાણે પોતાની આઇડેન્ટિકલ ટ્વિન દીકરીઓમાંથી એક એકને પોતાની સાથે લઇને યુવક અને યુવતી છેડા ફાડીને પોતપોતાના રસ્તે વળી જાય છે.

થોડા વર્ષ બાદ એક સ્કૂલ પિકનિકમાં આ બંને દીકરીઓ એકબીજાને મળે છે અને અરીસો જોતી હોય એમ જોઇ રહે છે, અને પેટ ભરીને ઝઘડે છે. સજા રૂપે બંનેને એક જ રૂમમાં સાથે પૂરી દેવાય છે. જ્યાં બંનેને ખબર પડે છે કે એ બંને તો ટ્વિન સિસ્ટર છે અને એમના ડિવોર્સી મમ્મી-પપ્પા હજીયે એકબીજાને પ્રેમ કરે છે.

મમ્મી પાસે રહેતી છોકરીને પપ્પાને મળવાનું અને વાઇસેવર્સા, પપ્પા પાસે રહેતી છોકરીને મમ્મીને મળવાનું મન થાય છે. આખરે આ ટ્વિન્સ એક ફેન્ટાબ્યુલસ આઇડિયા ઘડી કાઢે છે. એકબીજાના લૂક એક્સચેન્જ કરીને એકબીજાને ઘરે પહોંચી જવું અને કોઇ પણ ભોગે મમ્મી-પપ્પાને ફરીથી એક કરવા.
… … …
૧૯૫૯માં સિઝલિંગ મેરિલિન મનરોની એક ફિલ્મ આવેલી, ‘સમ લાઇક ઇટ હોટ’. વાર્તા એક મ્યુઝિકલ બેન્ડમાં સંગીત વગાડતા બે કડકાબાલૂસ દોસ્તોની. અનાયાસે એક ગેંગસ્ટરને કોઇનું મર્ડર કરતાં જોઇ લે છે અને તેનાથી બચવા સ્ત્રીવેશે છોકરીઓની એક ટ્રીપમાં સામેલ થઇ જાય છે. આ બેમાંનો હીરો ટ્રિપમાં સામેલ મનરોના પ્રેમમાં પડે છે અને એ જ ટ્રિપમાં એક બિઝનેસ મેન બનીને હિરોઇનને ઇમ્પ્રેસ કરે છે.
… … …
જાપાનીસ ડાયરેક્ટર અકીરા કુરોસાવાએ બનાવેલી સંખ્યાબંધ ફિલ્મોમાંની એક એટલે ૧૯૫૦માં રિલિઝ થયેલી ‘રશોમોન’. રશોમોનની વાર્તા સાદી પણ સ્ટોરી ટેલિંગનો અંદાજ જમાના કરતાં ક્યાંય આગળ. ઘટનાના નામે વગડામાં થયેલો એક ક્રાઇમ, અને એ ક્રાઇમના ચાર સાક્ષી.

સત્તાધીશો સમક્ષ મુકદ્દમો ચાલે તેમાં આઠેય આંખોનાં ધણી પોત પોતાના પોઇન્ટ ઓફ વ્યૂથી એ સમગ્ર ઘટનાને બયાન કરે અને છેલ્લે ‘હુ ડન ઇટ?’નું રહસ્ય ખૂલે. ડિટ્ટો, બે વર્ષ પહેલાં આવેલી હોલિવૂડિયન ફિલ્મ, ‘વેન્ટેજ પોઇન્ટ’. એક જાહેર સમારંભમાં અમેરિકન પ્રમુખની હત્યાનો પ્રયાસ અને એ ક્રાઇમના અલગ અલગ સાક્ષીઓની નજરે સમગ્ર ઘટનાનું બયાન અને છેવટે આખા કારસ્તાન પાછળના ભેજાની તલાશ.
… …
સસ્પેન્સ-થ્રિલરના ઓલ ટાઇમ ગ્રેટ પિતામહ અલ્ફ્રેડ હિચકોકે ૧૯૫૮માં ‘વર્ટિગો’ નામે ફિલ્મ બનાવી હતી. કહાણી એવી કે હીરો જેમ્સ સ્ટેવર્ટને એક માલેતુજારની પત્નીની વિચિત્ર આત્મઘાતી વર્તણૂકનું પગેરું કાઢવાનું કામ સોંપાય છે.

જે દરમિયાન ઊંચાઇના ડરથી પિડાતો હીરો જેમ્સ તેના પ્રેમમાં પડે છે, પરંતુ એક ચર્ચના મિનારા પરથી પડીને સુંદરી (કિમ નોવાક) મરી જાય છે. પ્રેમિકાના અચાનક મોતથી ડિપ્રેશનમાં આવેલો જેમ્સ જુએ છે કે મૃત્યુ પામેલી કિમ કોઇ જુદા જ સ્વરૂપે ફરીથી સજીવન થઇ ઊઠી છે.
… … …
હિચકોકની વન ઓફ ધ ફેવરિટ થીમ્સ હતી મિસ્ટેકન આઇડેન્ટિટી. આ જ થીમવાળી ફિલ્મ ‘નોર્થ બાય નોર્થ વેસ્ટ’ આવી હતી, ૧૯૫૯માં. એડ એજન્સીના કર્મચારી રોજર થોર્નહિલ (કેરી ગ્રાન્ટ)ને કેટલાંક લોકો જ્યોર્જ કાપલાન સમજીને કિડનેપ કરીને લઇ જાય છે, અને ત્યાર પછી જ્યોર્જ કાપલાન નામની પનોતી એની પાછળ પડી જાય છે.
… … …
આ જ કેરી ગ્રાન્ટને એક કાસાનોવા ટાઇપ દિલફેંક યુવાનના રોલમાં રજૂ કરતી ફિલ્મ ‘એન અફેર ટુ રિમેમ્બર’. એક લકઝરી ક્રુઝ લાઇનર પર ગ્રાન્ટ એક ખૂબસૂરત હસીનાને મળે છે અને તેને પટાવવા માટે ક્યુપિડગીરી શરૂ કરી દે છે. પરંતુ જેમ ‘બોય મીટ્સ ગર્લ’ ટાઇપની સ્ટોરીઝમાં બનતું આવ્યું છે તેમ લડકા-લડકીને સચ્ચી મુચ્ચીનો પ્રેમ થઇ જાય છે. એટલે બંને નક્કી કરે છે કે આપણે થોડા મહિનાઓ પછી મળીશું.

અગર અપના પ્યાર સચ્ચા હોગા તો આપણે લગ્ન કરવા વિશે વિચારીશું, નહીંતર આ મુલાકાતને એક હસીન ખ્વાબ સમજીને ભૂલી જઇશું. ડન. પરંતુ ટ્વિસ્ટ એવો આવે છે કે હિરોઇનબેનને એક ભયંકર અકસ્માત નડે છે અને એ વ્હીલચેરને આશ્રિત થઇ જાય છે.
… … …
બીજા વિશ્વયુદ્ધમાં નાઝી સૈનિકોએ મિત્ર રાષ્ટ્રોના સંખ્યાબંધ સૈનિકોને યુદ્ધકેદી બનાવીને અલગ અલગ ઠેકાણે અંતરિયાળ સ્થળોએ વોર કેમ્પમાં બંદી બનાવેલા. પરંતુ કોઇની ગુલામી સ્વીકારે એ સૈનિકો શાના? એક-બે નહીં, પુરા ૭૩ સૈનિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે આ નાઝીઓના નાક નીચેથી ભૂગર્ભ ટનલ ખોદવી અને એમાં થઇને ભાગી છૂટવું.

પરફેક્ટ પ્લાન ગોઠવાઇ ગયો. સૈનિકોની યોગ્યતા અને આવડત પ્રમાણે કામની વહેંચણી પણ થઇ ગઇ. આ લિટરલી ભૂગર્ભ પ્રવૃત્તિને એવી રીતે અંજામ આપવામાં આવ્યો કે નાઝીઓને ખબર પડે તે પહેલાં તો પંછી પિંજરામાંથી ઊડી ગયા હોય! પરંતુ નાઝીઓના વૉર કેમ્પમાંથી ભાગી છૂટવું જેટલું અઘરું હતું એના કરતાં ક્યાંય વધુ અઘરું, અરે, અશક્યવત્ કામ હતું સલામત દેશમાં પહોંચવું. પરંતુ કરેંગે યા મરેંગેના સૂત્રને જીવતાં હોય એમ આ સૈનિકો ભાગ્યા, પણ... આ સત્યઘટના પરથી હોલિવૂડમાં એક માસ્ટરપીસ ફિલ્મ બનેલી, ‘ધ ગ્રેટ અસ્કેપ’.
… … …
૧૯૮૮માં જ્યારે અદાકાર ટોમ હેંકસ એકદમ ટીન એજ ટાઇપ દેખાતા હતા ત્યારે એક ફિલ્મ આવેલી ‘બિગ’. વાર્તા એવી કે જસ્ટ ટીન એજમાં પ્રવેશેલા છોકરાને ફટાફટ બિગ બોય બની જવું છે. કેમ કે સ્કૂલમાં બધા એને ટપલીદાવ કરે છે, બાસ્કેટ બોલની ટીમમાં એના જેવા બચ્ચાલોગને કોઇ સ્થાન નથી આપતું, એને ગમતી (એના કરતાં બેએક વર્ષ મોટી સ્કૂલમેટ) છોકરી આપણા હીરોભાઇથી મોટા છોકરાને પોતાનો બોયફ્રેન્ડ બનાવે છે અને આને બરચું ગણીને ડિચ કરી દે છે.

ઘરેય બધા વારંવાર કો રાખે, ‘તું તો હજી નાનો છે’. એટલે મેળામાં વિશ પુરી કરનારા મશીન પાસે માગે છે કે મને કોઇ પણ ભોગે મોટો કરી દો, બસ. અને ચમત્કાર, એક જ રાતમાં ભાઇ હટ્ટાકટ્ટા હેન્ડસમ નૌજવાન બની જાય છે! પરંતુ દરેક ઉંમરના એના માઇનસ પોઇન્ટ્સ પણ હોય છે.

એટલે ભાઇને મોટા થયા પછી સમજાય છે કે નાનપણની સરખામણીમાં આ મોટપની મજા તો કડવી કડવી લાગે છે! હોલિવૂડમાં જ આવી બીજી એક ફિલ્મ આવેલી, ‘૧૩ ગોઇંગ ઓન ૩૦’. સરખી વાર્તા, પરંતુ અહીં છોકરાને બદલે છોકરી મોટી થઇ જાય છે.
… … …
હોલિવૂડની કોમેડી ફિલ્મોમાં રોબિન વિલિયમ્સ, બિલ કોસ્બીનું નામ બડા આદરથી લેવાય છે. અને પ્રોડ્યુસર-ડાયરેક્ટર ફ્રાંસિસ ફોર્ડ કપોલાનું નામ પણ એટલી જ ઇજ્જતથી ઉચ્ચારવામાં આવે છે. કપોલાએ ૧૯૯૬માં ફિલ્મ બનાવેલી, ‘જેક’. ફિલ્મમાં પ્રિમેચ્યોર ડિલિવરીમાં જન્મેલા જેક પોવેલ (રોબિન વિલિયમ્સ)ને ‘વર્નર સિન્ડ્રોમ’ નામની પ્રોજેરિયા જેવી જ બીમારી છે, જેમાં તેના શરીરનો વિકાસ સામાન્ય કરતાં ચાર ગણી વધુ ઝડપે થાય છે.

દસ વર્ષની ઉમરે એ ચાલીસ વર્ષના પુરુષ જેવો દેખાય છે. જેકના ટ્યુર બિલ કોસ્બીના આઇડિયા પ્રમાણે જેકને પબ્લિક સ્કૂલમાં મૂકવામાં આવે છે. જ્યાં બાકીના વિદ્યાર્થીઓ દ્વારા શરૂઆતી હેરાનગતિ બાદ જેક સૌનો ચહેતો બની જાય છે.
… … …
૯૫૮ શબ્દોની આ કથા વાંચતાં વાંચતાં વચ્ચે વચ્ચે કંઇ જાણીતું લાગ્યું? વાત એવી છે કે ઉપરની દરેક ફિલ્મ પરથી આપણે ત્યાં ફિલ્મો બની ચૂકી છે (એના નામ પણ યાદ આવી જ ગયા હશે!). હજી આ લિસ્ટ એટલું લાંબું છે કે આખી સિરિઝ ચલાવી શકાય.

સર્વ દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત કરવાની આપણી પ્રકૃતિ ફિલ્મોમાં ખૂબ ખીલી છે. ક્યાંક આખ્ખી ફિલ્મ જ બેઠ્ઠી ઉઠાવી લેવાની, અથવા તો એનો બેઝિક પ્લોટ લઇને ભારતીય બીબામાં ઢાળી દેવાનો. ક્યાંક મૂળ વાર્તાને સવાલ પૂછવાનો કે ‘આ સિચ્યુએશનમાં આપણો હીરો હોય તો એ શું કરે?’

સવાલ એ છે કે પ્રેરણા લો છો તો એને સ્વીકારવામાં શેની ચૂંક આવે છે? શરૂઆતમાં પ્રેરણાસ્રોતનું નામ ન લખો તો ‘થ્રી ઇડિયટ્સ’ની જેમ ‘રોલિંગ ક્રેડિટ્સ’માં લખો, પણ દર્શકોથી છુપાવવું એ એક પ્રકારનો વિશ્વાસઘાત જ છે. બડે અરમાન સે હોલિવૂડની કોઇ જૂની ધાંસૂ ફિલ્મની ડીવીડી લઇ આવીએ, અને જેવી ફિલ્મ શરૂ થાય કે આગળ વધતી સ્ટોરી જોઇને લાગે કે સાલું, આ તો આપણી ફલાણી ફિલ્મ જેવી સ્ટોરી છે.

અને ટેબલ પર મુક્કો મારી બેસીએ જ્યારે આપણો શક યકીનમાં પલટાઇ જાય. ખાસ કરીને, કોઇ સસ્પેન્સ ફિલ્મનું રહસ્ય પણ હિન્દી ફિલ્મમાં બેઠ્ઠું મારી લેવામાં આવ્યું હોય! આ પૃથ્વી પર મોડા જન્મવાની આ કિંમત ચૂકવવાની?! અરે, હિન્દી ફિલ્મમાં ક્રેડિટ ન આપી શકો તો તેની ડીવીડીમાં સ્પેશિયલ ફીચર વિભાગમાં ફિલ્મના મેકિંગ વિશે વાત કરતી વખતે તો કંઇક કહો!

હોલિવૂડની દર બીજી-ત્રીજી ફિલ્મ કોઇને કોઇ પુસ્તક પરથી બનેલી હોય છે. તો પછી પ્રેરણા લેવા માટે આપણે ત્યાં સ્વદેશી સર્જકોની કમી છે? ગુજરાતી સહિત ભારતની લગભગ બધી જ પ્રાંતીય ભાષાઓમાં એક એકથી ચડિયાતી વાર્તાઓ પડી છે. જો અશ્વની ધીર શરદ જોશીની એક રચના (‘તુમ કબ જાઓગે અતિથિ?’) પરથી એક ઋષિકેશ મુખર્જી ટાઇપની હળવી પારિવારિક અને નખશિખ સુંદર ફિલ્મ બનાવી શકતા હોય, તો અન્ય સર્જકો કેમ નહીં?

હોલિવૂડના ઓસ્કર એવોર્ડ્ઝમાં ‘એડપ્ટેડ સ્ક્રીનપ્લે’ની અલાયદી કેટેગરી હોય તો આપણે ત્યાં એ વાતની ‘પ્રેરણા’ કેમ લેવાતી નથી? જો ત્યાંનો ‘ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ’ ફિલ્મનો આઇડિયા લઇને અહીં સકસેસ સિક્યોર કરવી હોય, તો ઇતિહાસ ગવાહ છે કે સફળતાની શ્યોર શોટ ફોર્મ્યુલા આજ દિન સુધી કોઇને જડી નથી.

વિદેશી ફિલ્મોના રાઇટ્સ ખરીદીને ફિલ્મ બનાવવાની ટેવ પડતાં હજી આપણને વાર લાગશે. પરંતુ દાયકાઓથી હોલિવૂડની ફિલ્મો આપણે ત્યાં અવતરતી જ રહી છે. જો કે હવે, વિદેશી પ્રોડક્શન હાઉસ સાથે મળીને ફિલ્મો બનાવવાના ટ્રેન્ડ પછી આ રીતે આંખમિચૌલી ક્યાં સુધી ચાલશે એ જોવાનું રહે છે. ગ્રો અપ ગાય્ઝ, બી ઓનેસ્ટ, શો સમ ગ્રેસ.

No comments:

Post a Comment