August 20, 2010

જીવન સંગ્રામ સામે ઝૂઝવાની પ્રેરણા આપતો સ્પેનિશ કવિ

સ્પેનનો કવિ મિગુલ હર્નાન્ડેઝ ક્રાંતિકારીઓની સભામાં તે ક્રાંતિનાં ગીત ગાતો હતો ત્યારે તેને જનરલ ફ્રાંકોના સૈનિકોએ ‘એક્સ્ટ્રીમલી ડેન્જરસ પોએટ’ જાહેર કરીને તેને જેલમાં નાખ્યો. જેલમાં છુપો છુપો તે બીજા ક્રાંતિકારીનાં શર્ટ કે પીઠ પર કવિતા લખતો. તે સમયે સરમુખત્યારને લાગ્યું કે તેને ફાંસી આપવી જોઈએ. આ વાતનો લોકોને અણસાર આવતાં ભયંકર તોફાનો થયાં એટલે કવિને જન્મટીપની સજા થઈ.

કાતિલ

મૈં રોનેવાલા નહીં, કવિ હૂં

મૈં કાતિલ હૂં ઉનકા જો ઈન્સાનિયત કો કત્લ કરતે હૈ

હક્ક કો કત્લ કરતે હૈ સચ કો કત્લ કરતે હૈ

મુઝે દેશદ્રોહી કહા જા સકતા હૈ

લેકિન મૈં સચ કહતા હું યહ દેશ અભી મેરા નહીં હૈ

યહ તો કેવલ કુછ હી ‘આદમિયો’ કા હૈ

ઔર હમ અભી આદમી નહીં હૈ, બડે નિરીહ પશુ હૈ

હમારે જિસ્મમેં પાલતૂ મગરમચ્છોને દાંત ગડાએ હૈ, ઉઠો અપને ઘર કે ધુંઓ!

ખાલી ચૂલ્હો કી ઓર દેખકર ઊઠો

ઊઠો કામ કરનેવાલો મજદૂરો ઊઠો

ક્યોં ઝિઝકતે હૈ આઓ ઊઠો

મેરી ઔર દેખો મૈં અભી જિંદા હૂં

લહરોં કી તરહ બઢે, ઈન મગરમચ્છો કા દાંત તોડ ડાલે

ઓર જો ઈન મગરમચ્છો કી રક્ષા કરતે હૈ

ઉસ ચહેરો કા મૂંહ ખૂલને સે પહલે

ઉસમેં બંદૂક કી નાલી ઠોંક દે.- કવિ પાશ (અવતારસિંહ સંધુ)

(કાવ્યસંગ્રહ-‘બીચ કા રાસ્તા નહીં હોતા’)

સ્પેનની ધરતીમાં રૂપિયાનું રૂપિયાભાર અને તમારા ચહેરાને અને લોહીને લાલધૂમ કરી દે તેવું કેસર જ પાકતું નથી, પગના ઠેલાથી ફૂટબોલમાં ચેમ્પિયનશિપ કમાતા સ્પેનિશ ફૂટબોલરો રોજ પાકતા નથી. સ્પેનની ધરતીમાં સારા સારા કવિઓ ઊગ્યા છે. આજે રવિવારે તમને સ્પેનિશ કવિ મિગુલ હર્નાન્ડેઝની પીડાભરી પણ પ્રેરણાદાયી કથા કહેવી છે. તેનો સાર છે તમારાં જ મૂલ્યો પ્રમાણે દુ:ખી થવું પડે તો પણ મૂલ્યો સાથે જીવો.

ચિલિના કવિ પેબ્લો નેરુડા ક્રાંતિકારી કવિ હતા. જેલમાં ગયેલા તેના પિતા રેલવેના પાટા બેસાડનાર મજૂર હતા. નેરુડાને ડિગ્રી લેવી નહોતી. બસ કવિ થવું હતું. નાની ઉંમરથી કવિતા લખતા અને લખતા ગયા. તેને સાહિત્યનું નોબેલપ્રાઈઝ મળ્યું. બીજા મેકિસકોના ક્રાંતિકારી કવિ હતા. તેનું નામ ઓકટાવો પાઝ હતું. ૧૦ની ઉંમરે નમાયા થયા તે ઉંમરે કવિતા લખતા. ક્રાંતિકારી હતા. તે વખતનાં જુલમી શાસકો સામે લડતા. આ બન્ને કવિઓ પાસેથી પ્રેરણા લેનારા, કેસર ઊગે છે તે ધરતીમાં ઊગેલા કવિ મિગુલ હર્નાન્ડેઝની વ્યથાકથા અને પ્રેરણાકથા આજે કહેવી છે.

તે કવિ કોઈ મહેલમાં રહેનારા બાપના લાડકવાયા દીકરાની જેમ કવિતાના ટાયલા કરનારો પુત્તર નહોતો. તેનો બાપ ઘેટાં-બકરાં પાળતો, ઘેટાંનું ઊન વેચતો. બાપને હતું કે દીકરો થોડું ભણીને ઘેટાં ઉછેરશે. માતાને પાળશે. બચપણથી જ ઘેટાં, બકરાં, ગાયના તબેલાનાં છાણમૂતર હર્નાન્ડેઝ સાફ કરતો. ઘરકામમાં માતાને મદદ કરી રસોઈ કરતો. શિક્ષણ માટે દમડી નહોતી. ભરવાડના દીકરાને વળી ભણતર કેવાં? બાપ કહેતો કે ‘જા દૂધ વેચી આવ. આપણી તગડી બકરીના દૂધ (ભેળસેળ વગર) વધુ પૈસા ઉપજાવે છે. માતા ગધ્ધાવૈતરું કરે છે. ભણતરથી દાડા નહીં પાકે.’

પિતાને ખ્યાલ નહોતો કે દીકરો તો રસ્તામાં કે પસ્તીમાં જે કંઈ પડ્યું હોય તે વાંચે છે. ગાડર ઘેટાં ચરાવતો તે બીજાનાં ખેતરમાં ચરવા ઘૂસે તેને હાંકવાને બદલે પુસ્તકોમાં ડૂબી જતો. કવિતા લખતો. પુસ્તકનાં પાછલાં કોરાં પાનામાં કવિતા લખતો. ૧૦ની ઉંમરે કવિતા લખતો થયો. યાદ રહે કે તે ગોવાળ ભરવાડનો દીકરો હતો. જે વાંચતો તે યાદ રહી જતું. ધીરે ધીરે લાઈબ્રેરીમાં જઈ તમામ સ્પેનિશ સાહિત્ય વાંચી નાખ્યું. સ્પેનના ક્રાંતિવીરો જુલમી શાસકો અને ડિકટેટરો સામે લડીને લોહીલુહાણ થતા તેની લાલધૂમ કથા વાચતો.
અહીં યાદ કરાવું છું કે નદીઓ સંસ્કૃતિના ધામ જેવી છે.

નદીકાંઠે જન્મેલો જો કવિ કે લેખક હોય તો તે રોજ રોજ સમાજ સામે બળતરા કરનારો હોય. સ્પેનની સેગુરા નદી વહેતી હતી. ત્યાં તેનો જન્મ થયો. સ્પેનમાં અમુક તો પૂરેપૂરાં ગરીબોનાં જ ગામડાં હતાં, પણ ગરીબીમાં ધરતીની સમૃદ્ધિ લીલા લહેર કરાવતી. એ ધરતીમાં અંજીર પાકતાં, મુલબેરી પાકતી, કેસર પાકતું. અનેક ફળો સીધા ઝાડ ઉપર પથ્થર ફેકીને ખવાય તેવાં પાકતાં. આવાં ફળો અને બકરીના દૂધ પીને ઊછર્યો. નસીબ હોય તો બ્રેડ મળતી.

ગાયની ગમાણમાં બેસી હર્નાન્ડેઝ કવિતા લખે ત્યારે પિતા કહેતો હજી તારા આઠ ભાંડુ છે. તેને આ કવિતા નહીં પોષે, વધુ બકરા વેચાતા લઈ પાળ. પણ માતા ભેરે થતી. એટલે કવિતાને વળગી રહ્યો. જાતે જ ખેતરોમાં વાંચી વાંચીને વિદ્વાન થયો. હેન્રિ વોર્ડ બીયરે એક સરસ વાત લખી છે. ‘માણસ સાવ તળિયાનો હોય ત્યારે જનાવર હોય છે. વચેટનો હોય તો સારો નાગરિક બને છે પણ જ્યારે ટોચે પહોંચે છે ત્યારે દિવ્ય બની જાય છે...’ પરંતુ આ દુનિયાનું હવામાન એવું છે કે ભાગ્યે જ કોઈ તેનાં કર્મોને વિચારો દ્વારા અસ્તિત્વની અને દિવ્યતાની ટોચે પહોંચે છે.

પણ હું હેન્રિ બીયર વોર્ડ નામના કવિને કહેવા માગું છું કે આ ભરવાડના પુત્ર નામે હર્નાન્ડેઝ જ્યારથી ઘેટાં ચરાવતો અને નિષ્ઠાપૂર્વક ગીત ગણગણતો ગાયોની ગમાણનું છાણ ભેગું કરતો ત્યારથી જ તે દિવ્ય થતો અને પછી તે વખતના જુલ્મી આપખુદ અને સરમુખત્યાર જનરલ ફ્રાંકોના શાસનમાં આવ્યો ત્યારે ક્રાંતિકારી બનીને દિવ્યતાને ઓર ઊંચા લેવલે પહોંચ્યો. શહીદ થયો. એક વાક્યમાં કહું તો જે સ્ત્રી કે પુરુષ હૃદયમાં સ્ફુરે તે સાચું કવિતા દ્વારા વ્યક્ત કરે તે આપોઆપ દિવ્ય બની જાય છે. (કહેવાતા કવિઓ સાવધાન).

હર્નાન્ડેઝના પિતા સતત દીકરાને ઠમઠોરતાં. પુસ્તકો ઝૂંટવીને બાળી નાખતા. આનો વિરોધ તે માત્ર કવિતારૂપે પ્રગટ કરતો પણ તેનાથી તેને સખત માથાનો દુખાવો રહેવા લાગ્યો. તે સ્કૂલે જવાને બદલે સ્પેનના કેસરના અને બીજા ફૂલના બગીચામાં ફર્યા કરતો. સિયેરા ર્દ મોલાની ટેકરી ઉપર ચઢી વાદળો સાથે વાતો કરવા અને સેગુરા નદીમાં નાગોપુત્રો પડ્યો રહેતો. જાણે ઈશ્વરે મોકલેલી જળની ચાદર ઓઢીને સૂતો હોય. આમ કુદરત સાથે ઓતપ્રોત થઈ તેણે સેલ્ફ એજ્યુકેશન લેવા માંડ્યું.

કહેવા ખાતર તે સ્કૂલમાં ૯થી ૧૫ની ઉંમર સીધો રહ્યો પણ પિતાએ જોયું કે તે ટેકરીઓમાં ને જંગલોમાં ભટકે છે એટલે તેને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો. પણ ગુપચુપ તે ઘરે ભણીને કોલેજમાં પહોંચીને ત્યાં સ્પેનિશ સાહિત્ય વાંચતો થયો. ઘરમાં તો પુસ્તકો ખરીદવા રાતી પાઈ નહોતી. પણ દેવળના એક પાદરીએ હર્નાન્ડેઝની જ્ઞાનની ભૂખ જોઈ અને તેની કવિતા વાંચીને તેને તમામ ફિલસૂફીનાં પુસ્તકો આપ્યાં. શહેરના એક જુગારખાનામાં જનારા જુગારીએ તેની કવિતા વાંચીને તેને પુસ્તકો માટે પૈસા આપ્યા.

આખરે તેની કવિતાઓનો સંગ્રહ પ્રગટ થયો. પ્રથમ વાંચન જુગારખાનાના જુગારી વચ્ચે કર્યું! તેમાંથી પૈસા મળ્યા તેમાંથી તે સ્પેનના રાજધાનીના શહેર મેડ્રીડમાં ગયો અને તેના જીવનમાં જબ્બર પલટો આવ્યો. ત્યાં ૧૯૩૧માં તે નોકરીઓ બદલતો હતો અને મિલિટરીમાં જોડાવાનો વિચાર કરતો ત્યારે શાસકના જુલમથી વ્યથિત થયો ત્યારે જ જોસેફા નામની સુંદર છોકરી તેની કવિતાથી આકષૉઈ પરંતુ તેણે કહ્યું કે મારી કવિતામાંથી કાંઈ નીપજતું નથી. હું એક ભૂખે મરું છું. આપણે બે મરીશું. કારકુનની નોકરીમાંથી જુતાં કે નવાં કપડાં પણ ખરીદી શકાતાં નથી. પણ તેને જોસેફાનું એટલું બધું સેક્સુઅલ આકર્ષણ હતું કે તે સંયમ રાખતો ગયો તેમ તેમ ટેન્શન અને માથાનો દુખાવો વધતો ગયો. દરમિયાન એક કૌતુકવાળી વાત બની. જોસેફાના પિતાએ કવિને લખ્યું કે તારા વિના મારી દીકરી ઝૂરે છે. તું ગમે તેવો ગરીબ હો એની પરવા નથી. તમે બંને આત્માઓ એકબીજા સાથે જોડાવા સર્જાયા છો.

એ દરમિયાન ૧૮-૭-૧૯૩૬ના રોજ સ્પેનિશ મિલિટરીએ જનરલ ફ્રાંસિકો ફ્રાંકોના આપખુદ રાજ સામે બળવો કર્યો. ટ્રેનો-વહાણો બંધ કર્યા. હવે હર્નાન્ડેઝ વધુ જોશવાળી ક્રાંતિની કવિતા લખવા માંડ્યો. સ્પેનમાં આંતરયુદ્ધ ચાલ્યું. ઘણા આર્ટિસ્ટો, લેખકો, કવિઓ દેશ છોડીને સલામતી માટે ભાગી ગયા. પ્રેમિકાની પ્રેરણા સાથે તે જનરલ ફ્રાંકો સામે લડનારા રિપબ્લિકન પક્ષના લશ્કરમાં જોડાયો. તેને પ્રેમિકાએ લખ્યું કે તું ક્રાંતિકારી કવિતા લખતો રહે તેની બહુ જ અસર થાય છે. એ દરમિયાન તે જાણે રાષ્ટ્રકવિ બની ગયો. તેને થયું કે હવે પરણી જવું જોઈએ ત્યારે ખબર મળ્યા કે જોસેફાના પિતાનું ફ્રાંકોના સૈનિકોએ ખૂન કર્યું છે.

જોસેફા પાસે વેડિઁગ ડ્રેસનાં નાણાં નહોતાં. પણ કવિએ કહ્યું હવે પરણી જ નાખીએ. પરણ્યાં ખરાં. થોડું સાથે રહ્યાં. ક્રાંતિની લડાઈ ચાલુ હતી. જોસેફાને ગર્ભ રહ્યો. પુત્ર જન્મ્યો, પરંતુ ત્યારે જ ક્રાંતિકારીઓની સભામાં તે ક્રાંતિનાં ગીત ગાતો હતો ત્યારે તેને જનરલ ફ્રાંકોના સૈનિકોએ ‘એક્સ્ટ્રીમલી ડેન્જરસ પોએટ’ જાહેર કરીને તેને જેલમાં નાખ્યો. એક જેલમાંથી બીજી જેલમાં ફરવું પડ્યું. જેલમાં છુપો છુપો તે બીજા ક્રાંતિકારીનાં શર્ટ કે પીઠ પર કવિતા લખતો. તે સમયે સરમુખત્યારને લાગ્યું કે તેને ફાંસી આપવી જોઈએ. આ વાતનો લોકોને અણસાર આવતાં ભયંકર તોફાનો થયાં એટલે કવિને જન્મટીપની સજા થઈ.

જેલમાં પત્નીનો કાગળ આવ્યો. આપણો પુત્ર મોટો થયો છે. પિવરાવવા દૂધ-ફળ નથી. સસ્તી વાસી બ્રેડ અને ડુંગળી ખાઈને મોટો થાય છે. પિતા વગરના આ પુત્રને જાણે પિતા પ્રત્યે એવું લાગણીનું ખેંચાણ છે કે તે પ્રેમથી ડુંગળી બ્રેડ ખાય છે, આશા સાથે કે એક દિવસ કવિ પિતા આવશે અને ત્યારે કવિતા સાંભળીને ભૂખ્યો રહી શકશે! આ કાગળ વાંચીને જેલમાં ઉધરસ ખાતો ખાતો અને આંસુ પાડવાને બદલે કવિતા લખવા બેસી ગયો. પત્નીને લખેલું કે હવે દીકરાને આ કવિતા પીવરાવીને હાલરડું ગાઈને સુવાડી દેજે. ‘હે મારા પુત્ર! તું ડુગળીમાંથી ઉત્તમ પ્રેમનું લોહી પેદા કરે છે.

આ તારું Onion Blood એક દિવસ ક્રાંતિ કરશે. સુગંધિત થઈને સ્પેનને આઝાદ કરશે.’ જેલમાં હર્નાન્ડેઝનો ટીબીનો રોગ વધતો ચાલ્યો. ૩૨ની ઉંમરે ૧૯૪૨માં તે મરી ગયો. તેના છેલ્લા શબ્દો હતા ‘મારા પુત્રને ભૂખનાં પારણામાં સુવડાવીને ક્રાંતિ કરવા નીકળ્યો તે બદલે કહેજો કે મારો પુત્ર મને માફ કરે.’સ્પેનનું કેસર ખાઓ ત્યારે તેની ધરતીમાં આ કવિની રજ ભળી છે અને કેસરની સુગંધમાં તેની પીડા વણાયેલી છે તે યાદ કરજો.


ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ

No comments:

Post a Comment