August 20, 2010

તમારું ઇમોશનલ બેંક બેલેન્સ કેટલું છે?

બે વ્યક્તિઓ સંબંધ નામના પ્રદેશમાં કદમ મૂકતાંની સાથે જ જાણે-અજાણ્યે ‘પરસ્પર પ્રેમ અને વિશ્વાસ’ નામનું એક અકાઉન્ટ ખોલાવી નાખતી હોય છે.

કોયલ કદાચ આગ્રહ રાખે-‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લેટ બંધાવી આપોપછી જ ટહુકો મૂકું.’થોડાક પૈસા વધુ મળે તોનદી પોતાનું બધું જ પાણીસામે કાંઠે ઠાલવી નાંખે તો નવાઈ નહીં.ચાલ મન! એવા દેશમાં જઈએજ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે! - વિપિન પરીખ

એક હતી ચકી અને એક હતો ચકો (પહેલા ચકીને એટલા માટે મૂકી છે કારણ કે કહેવાતા નારીવાદી સંગઠનો તૂટી ન પડે!) એક જ ડાળીએ બેસી બંને હોમવર્ક કરતા, એટલે પ્રેમ ન થાય તો જ નવાઈ. ક્રમશ: ચકા-ચકીને લાગવા માંડ્યું કે ધે આર મેડ ફોર ઈચ અધર. પણ એક દિવસ ચકી મોડી પડી ને ચકારાજાને આવ્યો ગુસ્સો. બિચારી ચકીબેને મોડા પડવાના કારણો આપવા પડ્યા. થોડીક રકઝક પછી બંને બાહોમાં બાહો નાંખી ચિં ચિં કરવા માંડ્યા. પણ ચકા-ચકી વચ્ચેનો જે મજબૂત ભાવનાત્મક સંબંધ બંધાયો હતો એમાં ગાબડું તો પડ્યું જ. ચકા-ચકીને લાગ્યું એમનું ઇમોશનલ બેંક બેલેન્સ એ દિવસે ઓછું થયું. પાછો ચકો માંદો પડ્યો ને ચકીએ ખડે પગે સેવા કરી. ચકો સાજો થયો ન થયો ત્યાં જ લોટ દળાવવા ગયેલી ચકીનું એક્ટિવા ખરાબ થયું ને ચકો ભર વરસાદે ઉપડ્યો અને ચકીને ખભે બેસાડી માળે લઈ આવ્યો. એટલે પાછું તેમનું ઇમોશનલ બેંક બેલેન્સ સધ્ધર થવા માંડ્યું.

આમ ચકો-ચકી નાની નાની વાતોમાં એકબીજાનું ધ્યાન રાખી તેમના ઇમોશનલ બેંક બેલેન્સને જાળવી રાખતા. ચકા-ચકીની સમજમાં એટલું તો આવવા લાગ્યું હતું કે માળું આ ઇમોશનલ બેંક બેલેન્સમાં ગાબડું અભાનપણે અને તરત પડી જાય છે અને ઊંચું લઈ જવા સભાન પ્રયત્ન કરવા પડે છે! તેવામાં વળી એક દિવસ ચકો બીજા ચકાઓ સાથે પાર્ટી શાર્ટી કરવા બેસી ગયો ને આ બાજું ચકી લાલઘુમ! એ દિવસે ચકીએ ચકાને ગમતું આખા ભીંડાનું શાક બનાવ્યું હતું ને ચકો તો રાજાપાઠમાં હતો! આ વખતે ચાર દિવસે ઠેકાણું પડ્યું, પણ ત્યાં સુધીમાં તો ઇમોશનલ બેંકમાંથી નોટિસ આવી ચૂકી હતી કે તમારા ઇમોશનલ અકાઉન્ટમાં બેલેન્સ નથી, ચેક બાઉન્સ થાય છે. હવે પુન: એ બેલેન્સને ક્રેડિટ તરફ લઈ જવામાં મહિનાઓ લાગે છે.

મેનેજમેન્ટ ગુરુ સ્ટીફન કોવેએ ઇમોશનલ બેંક અકાઉન્ટ જેવું રૂપક એમના જગ-વિખ્યાત પુસ્તક ‘સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલ’માં માનવ-સંબંધોમાં વિશ્વાસ કેવી રીતે વિકસે છે એની વાત માંડીને આપ્યું છે. બે વ્યક્તિઓ સંબંધ નામના પ્રદેશમાં કદમ મૂકતાંની સાથે જ જાણે-અજાણ્યે ‘પરસ્પર પ્રેમ અને વિશ્વાસ’ નામનું એક અકાઉન્ટ ખોલાવી નાખતી હોય છે. આ એકાઉન્ટ સ્વાભાવિક રીતે જ જોઈન્ટ એકાઉન્ટ છે અને બધાં સોક્રેટીસ નથી કે ઝેન્થપી ચિલ્લાયા કરે ને તેઓ ચિંતનના મહાસાગરમાં ડૂબકી લગાવી શકે! આ ઇમોશનલ બેંક બેલેન્સ ક્ષણે ક્ષણે વધે છે અને ક્ષણે ક્ષણે ઘટી શકે છે. બેલેન્સ એટલે લાગણીઓ કે ભાવનાઓથી જોડાયેલા કોઈ પણ બે સંબંધમાં પછી તે મિત્રો, પ્રેમીઓ, ભાઈ-બહેન, માતા અને સંતાન અને પિતા અને સંતાન હોય એમ દરેક ભાવનાત્મક સંબંધમાં આ એકાઉન્ટ કાર્યરત હોય છે.

નાની નાની વાતોમાં ઝઘડતાં ચંગુ-મંગુઓએ આ એકાઉન્ટમાં દેવાળું ફૂંક્યું છે એટલે ઝઘડ્યા કરે છે અને જેમ ઝઘડે છે એમ બેલેન્સ વધુ ને વધુ માઇનસ તરફ જાય છે અને ફ્રેંચ લેખક આંદ્રે મોરીસ કહે છે એમ સમસ્યા વિનાનું રાષ્ટ્ર અને સંઘર્ષ વિનાનું લગ્નજીવન અસંભવ છે! પાછું આ બેલેન્સ પરસ્પર પ્રેમથી ન વધે એટલું કંકાસથી ઘટે! આ એકાઉન્ટ કાર્યરત રહેવાના અદભૂત નિયમો છે! બે જણ વચ્ચે જેટલું ટ્યુનિંગ વધારે એટલું આ એકાઉન્ટ વધારે સધ્ધર અને જે સંબંધમાં સતત અપેક્ષાઓ, વણસંતોષાયેલી અપેક્ષાઓ, ફરિયાદો, સ્પષ્ટતાઓ થયા કરે છે ત્યાં આ એકાઉન્ટ એટલું જ તળિયાઝાટક થયા કરે છે. અને કહ્યું છે ને કે જ્યારે બેહતરની અપેક્ષા રાખીએ છીએ ત્યારે સારું પણ સારું રહેતું નથી! ઇમોશનલ બેંક બેલેન્સ સંબંધે સંબંધે અલગ હોય છે. તમારી પત્ની સાથે જે અને જેટલું બેલેન્સ હોય છે એવું અને એટલું બેલેન્સ તમારા મિત્ર સાથે ન પણ હોઈ શકે... વધારે કે ઓછું પણ હોઈ શકે છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોમાં અને એમાંય પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ઇમોશનલ બેંક બેલેન્સ અતિ મહત્વની બાબત છે. સતત સાથે રહેવું, સતત પરસ્પરના સ્વભાવ, ટેવો, વલણોને સમજવા અને સ્વીકારવા અને છતાંય બેલેન્સ (આમાં દિમાગનું બેલેન્સ પણ આવી જાય છે!) જાળવી રાખવું કઠિન બની જતું હોય છે અને સતત સાથે રહેતા હોવાથી ઇમોશનલ બેંક બેલેન્સ તરોતાજા રાખવું પડે છે. શાળા સમયનો કોઈ મિત્ર વર્ષો પછી મળી જાય તો એની સાથેનું ઇમોશનલ બેંક બેલેન્સ જ્યાંથી છુટાં પડ્યા હતા ત્યારે હતું ત્યાંથી શરૂ થાય છે. પણ ચકા-ચકીના જીવનમાં એવું એટલા માટે શક્ય નથી કારણ કે અપેક્ષાઓ સતત ચાલ્યા જ કરે છે.

પછી સ્ટીફન કોવે કહે છે એમ જો તમે દાંપત્યજીવનના ઇમોશનલ બેંક બેલેન્સમાં સતત જમા ન કર્યા કરો તો લગ્ન ખાડે જ જાય છે અને ખાડે ગયેલા લગ્નજીવનવાળા જીવે તો છે પણ કહેવાતી સ્વતંત્ર લાઇફસ્ટાઇલમાં. તું સાસુ-વહુની સિરીયલો જો, હું આ ચાલ્યો પાનના ગલ્લે. આ લાઇફસ્ટાઇલને કોવે સાહેબ ‘ફાઇટ ઓર ફ્લાઇટ’નો સંબંધ કહે છે: મળીએ ત્યારે ઝઘડવું, નહીંતર તું કોણ અને હું કોણ!

પ્રશ્નનો મહાપ્રશ્ન: સંવાદિતા છે તો ઇમોશનલ બેંક બેલેન્સ વધે છે કે ઇમોશનલ બેંક બેલેન્સ છે એટલે સંવાદિતા છે? ઝઘડો/દલીલ કરીએ ત્યારે આ બેલેન્સ ઘટે છે કે બેલેન્સ નથી એટલે ઝઘડીએ છીએ? મરઘી પહેલી કે ઈંડું પહેલું જેવી આ વાત છે, પણ એવું કહી શકાય કે સંવાદિતા થકી આ બેલેન્સ વધે છે અને બેલેન્સ નથી એટલે કંકાસ થાય છે. બાકી પરસ્પર પ્રેમ, મસ્તી અને વિશ્વાસ હોય (બહુ મોટી અપેક્ષાઓ રાખો છો, બાબા રણછોડદાસ!) તો ઝઘડવાની જરૂર પડતી નથી.

કોવે સાહેબે ઇમોશનલ બેંક એકાઉન્ટમાં છ મહત્વની ડિપોઝિટ્સ ગણાવી છે જે થકી આ એકાઉન્ટ માતબર રહી શકે છે. એ ડિપોઝિટ્સ છે: વ્યક્તિને સમજવી, નાની બાબતોનું ધ્યાન રાખવું, વચનો પાળવા, અપેક્ષાઓ સ્પષ્ટ કરતા રહેવું, ઇન્ટિગ્રિટી ટકાવી રાખવી અને ખાસ તો સંજોગવશાત્ તમારાથી આ એકાઉન્ટમાંથી ઉપાડ થઈ જાય તો ગંભીરતાપૂર્વક એનો સ્વીકાર કરી માફી માગી લેવી. તમારું ઇમોશનલ બેંક બેલેન્સ કેટલું છે?‘

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ: આપણી ભાવનાઓ માત્ર અને માત્ર એવી ઘટનાઓ છે જે દિવસ અને રાતને જોડતી રાખવામાં પ્રયત્નશીલ છે... અંગ્રેજ કવિ ટી. એસ. એલિયટ

No comments:

Post a Comment