August 20, 2010

ગુજરાતી સંતસાહિત્ય મૂળ અને કુળ


સંતસાહિત્યના સર્જકો અને ઉપાસકોએ સમગ્ર પ્રજાની કેળવણીમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આ સાતત્યપૂર્ણ કેળવણીને કારણે ભારતીય સમાજ નિરક્ષર હોવા છતાં અભણ નથી અને ગરીબીમાં સબડવા છતાં આ સમાજે પોતાનું ગૌરવ અને પોતાની ગુણવત્તા ગુમાવ્યાં નથી.

ગુજરાતમાં દયારામ, રાજસ્થાનની મીરાં, બંગાળમાં વિદ્યાપતિ અને ચંડીદાસ અને આસામમાં શંકરદેવે વ્રજભાષામાં લખ્યું છે. સંતસાહિત્યના પ્રભાવથી આખા ઉત્તર ભારતમાં મઘ્યયુગમાં ભાષાકીય એકતા સ્થપાઇ તે નોંધવું જોઇએ.વિદ્યાની દેવી તરીકે સરસ્વતીની, સંપત્તિની સ્વામિની લક્ષ્મીની અને સામર્થ્યના પ્રતીક તરીકે કાલીની ઉપાસના કરનાર હિંદુ સમાજે સ્ત્રીઓને વિદ્યા ભણવાની, સંપત્તિ ધરાવવાની કે સામર્થ્યનો વપરાશ કરવાની સગવડ કે પરવાનગી આપી નથી.

જગતના તમામ ધર્મગ્રંથોની ભાષા અતિશય સરળ અને તેથી અત્યંત ચોટદાર છે. બાઇબલ, કુરાન કે વેદની ઋચાઓ અતિશય પ્રવાહી અને તદ્દન આસાન હોય છે. અતિશય દુર્બોધ અને પાંડિત્યભરી ભાષા લેખકની અધૂરપની નિશાની છે.ગુજરાતના સંતસાહિત્યે અખિલ ભારતીય વિચારધારાનો તેમ જ અન્ય પ્રદેશોમાં વિકસેલાં સંતસાહિત્યનો અમોલ વારસો મેળવ્યો છે અને પોતાની વિશિષ્ટ પરંપરામાં આત્મસાત્ કરી લીધો છે. આવા સમન્વયમાંથી ગુજરાતની અનોખી અને ભાતીગળ સાહિત્યપરંપરા વિકસી છે. ગુજરાતી સંતસાહિત્યનાં મૂળ પ્રાદેશિક હોવા છતાં તેનો કુળ-નાતો અખિલ ભારતીય પરંપરા અને પરિવર્તનો જોડે અતૂટ ધાગે બંધાયેલો છે. ગુજરાતના સંતસાહિત્યની વિલક્ષણ પરંપરાને અલગથી તારવ્યા-જોયા સિવાય ચાલે નહીં, તેમ તેના તાણાવાણાને પારખવા માટે ભારતીય સંદર્ભ સિવાય પણ ચાલે તેમ નથી.

સંતસાહિત્ય મુખ્યત્વે ભક્તિસાહિત્ય છે. પાનબાઇ, નરસિંહ મહેતા, અખા જેવા સર્જકોએ જ્ઞાનપ્રધાન તત્વચર્ચાઓ કરી છે, પણ છેવટે તો નરસિંહ મહેતાની ભાષામાં કહીએ તો —

પ્રેમરસ પાને તું મોરના પીરછધર
તત્વનું ટૂંપણું તુચ્છ લાગે

સંતસાહિત્યમાં તત્વ નિરૂપણ છે, પ્રસંગોપાત્ત ઉપનિષદો, દર્શનગ્રંથો જેવા જ્ઞાનગ્રંથોની છણાવટ પણ થઇ છે, પણ ભક્તિસાધના એ ગુજરાતી સંતસાહિત્યનો આખરી અને સર્વગ્રાહી ઉદ્દેશ છે, તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. જ્ઞાનસિદ્ધાંતોનું મર્મવેધી વિશ્લેષણ કરવામાં, તત્વસિદ્ધાંતોની રજૂઆતમાં, માનવીના ભાવજગતની ઊંચાઇ અને ઊંડાઇ માપી લેવામાં સંતસાહિત્યની તોલે મૂકી શકાય તેવી અભિવ્યક્તિ બીજે કશે સાંપડવી સહેલી નથી.

સંતસાહિત્ય અતિશય સરળ, ચોટદાર, તળપદી ભાષામાં લખાયું છે તેમાં કશી નવાઇ નથી. સ્વાનુભવમાંથી, ઊંડી અનુભૂતિ પછી જે કંઇ લખાય તે બધું હૃદયમાંથી સીધેસીધું જ પ્રગટ થાય છે અને આવાં લખાણની ભાષા હરહંમેશ અને તમામ સ્થળે અતિશય સરળ જ હોય છે. સંતોએ વિચારપૂર્વક, હેતુ સાધવા માટે જાણીબૂઝીને કરેલી ગોઠવણ અનુસાર લખ્યું નથી, પણ તેમનાથી લખાઇ ગયું છે.

તેમનાથી રહેવાયું નથી તેથી તેમણે લખવું કે ગાવું પડ્યું છે. કાલ માકર્સે ક્રાંતિને પ્રસૂતિની અનિવાર્યતા સાથે સરખાવી છે. પ્રસૂતિ કરી શકાતી નથી, થઇ જાય છે અને આવાં લેખન-કવન પ્રસંગે ભારેખમ શબ્દો, ક્લિષ્ટ શૈલી વાપરવાનું અથવા શબ્દોના સાથિયા પૂરવાનું કાર્ય અશક્ય થઇ પડે છે. નહેરના કાંઠા બાંધી શકાય છે, પણ ધસમસતાં પૂર તો કાંઠા તોડી નાખે છે. જગતના તમામ ધર્મગ્રંથોની ભાષા અતિશય સરળ અને તેથી અત્યંત ચોટદાર છે. બાઇબલ, કુરાન કે વેદની ઋચાઓ અતિશય પ્રવાહી અને તદ્દન આસાન હોય છે. અતિશય દુર્બોધ અને પાંડિત્યભરી ભાષા લેખકની અધૂરપની નિશાની છે.

ગુજરાતનાં સંતસાહિત્યને ભારતીય પરિપ્રેક્ષ્યમાં મૂકીએ તો ભારતમાં આવાં સંતસાહિત્યની ભરતી મઘ્ય યુગમાં ચડી. આ જમાનામાં તમિળ, કન્નડ, મરાઠી, ગુજરાતી, બંગાળી, હિંદી, ઉડિયા જેવી ભાષાઓમાં જે-તે પ્રદેશના સંત-ભક્ત-કવિઓએ અદભૂત સાહિત્યનું સર્જન કર્યું છે. ભક્તિરસમાં તરબોળ આ શબ્દસ્વામીઓ અને સ્વામિનીઓએ હસતાં, ગાતાં, નાચતાં લોકહૃદયમાં પ્રવેશ કરીને એવું સુદ્રઢ આસન જમાવ્યું છે કે સંતસાહિત્ય મોટા ભાગે લોકસાહિત્યરૂપે જીવતું રહી શક્યું. સંતસાહિત્યનાં થોડાં સંશોધનો-સંકલનો એ જમાનામાં પણ થયાં હતાં. યમુનાચાર્યનો ‘નાલાયીર દિવ્યપ્રબંધ’ તેનો નમૂનો છે. આ પ્રકારના ઘણાખરા ગ્રંથો આધુનિક જમાનામાં લખાયા ત્યાં સુધી આમજનતાએ સંતોની અને સંતસાહિત્યની જાળવણી કરી છે.

સંતસાહિત્યના અને તેમાં ધરબાયેલી ભક્તિના ઉદ્ભવ અને વિકાસનો સિલસિલાબંધ ઇતિહાસ આપણી પાસે નથી. સંતસાહિત્યનાં મૂળ હજુ શોધાયાં નથી. હકીકત અને વિગતોના છુટાછવાયા ટુકડા જ આપણી પાસે છે. આ ટુકડાને જોડી દઇને અથવા પરસ્પર સંબંધ જોડીને ભક્તિમાર્ગના પાવન પ્રવાહનો થોડો ખ્યાલ મેળવવાના પ્રયાસ અભ્યાસીઓ કરી રહ્યા છે. ભારતીય તત્વજ્ઞાન અને હિંદુધર્મ વિચારનો સળંગ અને ભરોસાપાત્ર ઇતિહાસ આપણી પાસે નથી અને આપણી જાણકારીમાં ઠેરઠેર મોટાં ગાબડાં પડેલાં છે. એક ઉદાહરણ જોઈએ.

વેદસાહિત્ય હિંદુ ધર્મનાં મૂળ અને પ્રમાણભૂત ગ્રંથો લેખાય છે. હિંદુધર્મ વિશે બોલવામાં કે લખવામાં આવે ત્યારે વેદ-ઉપનિષદોનો અતિશય આદરપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે છે, પણ ઋગ્વેદસંહિતામાં જે દેવોના ઉલ્લેખ થયા છે તેમાંથી એક પણ દેવની પૂજા આજે કરવામાં આવતી નથી. તેમાં ઉલ્લેખ પામેલા અશ્વિનૌ જેવા દેવને આજની હિંદુ આમજનતા ઓળખતી પણ નથી.

આજે જે દેવોની પૂજા થાય છે — રામ, કૃષ્ણ, હનુમાન અથવા કાલી - તેમાંથી એક પણ દેવના પૂજનનો ઉલ્લેખ સુઘ્ધાં વેદગ્રંથોમાં નથી. ઉપાસનાપદ્ધતિ પણ ફેરવાઇ ગઇ છે. યજ્ઞનું નામ સચવાયું છે, પણ વિધિવિધાનોમાં આસમાનજમીનનો ફરક પડી ગયો છે. વેદસાહિત્યમાંથી ઉપનિષદોનો અપવાદ ગણીએ તો બીજા ગ્રંથો કોઇ વાંચતું નથી અને બ્રાહ્મણગ્રંથો તો વાંચી શકાય એવા જ નથી. આપણાં અજ્ઞાન અને બેદરકારીને ઢાંકી દેવા માટે વેદસાહિત્ય અંગે મોટાં, ભારેખમ અને લાંબાલચક વિશેષણોનો છૂટથી વાપરવામાં આવે છે. જ્ઞાન કે સમજણનો અભાવ ઢાંકવા માટે વિશેષણો બહુ ઉપયોગી થઇ પડે છે!

ગુજરાતી સંતસાહિત્યમાં વેદ, ઉપનિષદ અથવા ખટદર્શનોના ઉલ્લેખ થયા કરે છે. તેમાં નર્યો વિવેક છે અથવા ઢોંગ છે, કારણ કે આ ઉલ્લેખોમાં વાસ્તવિકતાનો છાંટો સુઘ્ધાં નથી. આ સંતોએ આ ગ્રંથો વાંચ્યા હોય તેવું દેખાતું નથી અને સંસ્કૃત ભાષાનાં અજ્ઞાન તથા અ-બ્રાહ્મણો માટે વેદાભ્યાસની મનાઇના કારણે અમુક સંતો માટે વેદોની જાણકારી મેળવવાનું અશક્ય છે. તેમણે જે ઉલ્લેખ કર્યા છે તે માત્ર સાંભળેલી વાતો છે. સંતોએ આપમેળે અથવા સ્વતંત્ર રીતે કહ્યું-લખ્યું-ગાયું છે તે તેમની પોતાની અનુભૂતિ પર આધારિત હોવાથી તેમાં નક્કરતા વધારે છે વળી, સંતોને વિશેષણોની જરૂર પડતી નથી. તેઓ આંતરિક અનુભૂતિ અને ભાષાવૈભવના ધોરણે અંદરથી અને બહારથી સમૃદ્ધ છે, પણ તેમની ભક્તિને વેદસાહિત્ય જોડે કશો જ સંબંધ નથી.

આખા વેદસાહિત્યમાં ‘ભક્તિ’ શબ્દ જ વપરાયો નથી અને સંહિતા કે બ્રાહ્મણગ્રંથોમાં તો મોક્ષ કે અઘ્યાત્મનો અંશ પણ નથી. ભક્તિ શબ્દ માત્ર શ્વેતાશ્વતર ઉપનિષદમાં વપરાયો છે, પણ આ ઉપનિષદ ઘણું પાછળથી લખાયું છે અને ઘુસાડી દેવાયું છે તેવું ઘણા વિદ્વાનો માને છે. વેદમાં ભક્તિ નથી પણ ભક્તિને મળતા આવે તેવા અનુરાગી સંબંધો-ખાસ કરીને વરુણ અંગેના ઉલ્લેખો છે.

આ સંબંધોનાં વર્ણનમાં એટલી શૃંગારિક ભાષા છે કે એના દાખલા અહીં ટાંકી શકાય તેમ નથી. વરુણના અન્ય મંત્રોમાં ભક્તિ જેવી ભાવના જોઇ શકાય છે. ઉપનિષદમાં આત્માનુભવ અંગે કહેવાયું છે કે આત્માજ્ઞાન એ પ્રવચન ઇત્યાદિથી મળતો નથી પણ આત્માનુભવ જેની વરણી કરે તેની પાસે પ્રગટ થાય છે. રામાનુજ સંપ્રદાયના અનુગ્રહ અને વલ્લભાચાર્યના ‘પુષ્ટિ’ના ખ્યાલ જોડે આ રજૂઆત સરખાવી શકાય.

ભક્તિ શબ્દનો અર્થ પણ કાળક્રમે ફેરવાઇ ગયો છે. સંસ્કૃત વ્યાકરણની બાબતમાં સર્વશ્રેષ્ઠ લેખાતા પાણિનીએ અષ્ટાઘ્યાયીમાં ભક્તિ શબ્દ ખાસિયત અથવા ગુણના અર્થમાં વાપર્યો છે. ગરમી અગ્નિભક્તિ છે, શૌર્ય ઇન્દ્રભક્તિ છે. આજના અર્થમાં ભક્તિ શબ્દ સૌથી પહેલા બૌદ્ધ ભિખ્ખુણીઓની થેરીગાથાઓમાં વપરાયો છે અને મહાભારતમાં વપરાયો છે.

ગીતામાં ભક્તિયોગ, ભકતોનાં લક્ષણો અને તેમના માહાત્મ્ય અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. મહાભારતનો - ખાસ કરીને ગીતાનો લેખનકાળ અતિશય ચર્ચાસ્પદ છે પણ આ બંને બુદ્ધના ઉપદેશ પછી લખાયા છે તેવું લગભગ તમામ વિદ્વાનો સ્વીકારે છે. ઇશુના ચોથા-પાંચમાં સૈકા પછીથી લખાવા માંડેલાં પુરાણોમાં ભક્તિરસ છલોછલ છલકે છે. નારદ અને શાંડિલ્યનાં ભક્તિસૂત્રોમાં ભક્તિની વ્યાખ્યા અને વ્યાપનાં આલેખન થયાં છે.

ભાગવતમાં અને પદ્મપુરાણમાં ભક્તિ અંગેની એક અતિ સુંદર રૂપકકથા સચવાઇ છે. ભક્તિ તમિળનાડુમાં જન્મી, કર્ણાટકમાં પુખ્ત થઇ અને ગુજરાતમાં પહોંચી ત્યારે વૃદ્ધ થઇ ગઇ. નારદકથા અનુસાર આ વૃદ્ધાભક્તિ વૃંદાવનમાં પહોંચી ત્યારે ફરીથી નવયૌવના બની ગઇ, પણ તેનાં બંને પુત્રો — જ્ઞાન અને વૈરાગ્ય મરણ પામ્યા, કારણ કે પરમ પ્રેમસ્વરૂપા ભક્તિ માટે જ્ઞાન અથવા વૈરાગ્યની કશી જરૂર રહેતી નથી.

ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ થઇ તેવા કથનથી માઠું લગાડવાનું કારણ નથી. ભાગવત તમિળનાડુમાં લખાયું તેવું મનાય છે. વળી ગુજરાત-આનર્ત પરાપૂર્વથી, મહાભારતના જમાનાથી વ્રાત્ય (એટલે કે અનાર્ય) પ્રદેશ ગણાયો છે. હરિવંશમાં કૃષ્ણે પણ તેની કબૂલાત કરી છે. ગુજરાતમાં પગ મૂકનાર આર્યોએ પ્રાયિશ્ચત્ત કરવું પડે, કારણ કે ગુજરાતનો સમાવેશ આર્યાવર્ત-આર્યોનાં પ્રદેશમાં થતો નથી.

પુરાણોની આ રૂપકકથા ભક્તિમાર્ગ અને તેના અન્વયે સંતસાહિત્યનાં વિકાસની જે રૂપરેખા રજૂ કરે છે તેનું સમર્થન ઇતિહાસના કેટલાક ટુકડા અને સાલવારીથી મળે છે. ભારતમાં સૌથી જૂનું ભક્તિસાહિત્ય તમિળ ભાષામાં લખાયું છે. વૈષ્ણવ અળવારો અને શૈવ નાયનારોએ લખેલાં-ગાયેલાં પદ અને ભજનરૂપે સંતસાહિત્યનો પ્રારંભ થયો. સમયગાળા અંગે મતભેદ છે પણ આ પરંપરા ઓછામાં ઓછી બારસો વરસ જૂની તો છે જ. આદિ શંકરાચાર્ય આ કવિકર્મથી વાકેફ છે અને શંકરાચાર્ય ઇશુની આઠમી સદીમાં થયા છે.

તમિળની સરખામણીએ ગુજરાતી સંતસાહિત્યની ખાસિયત નોંધવી જોઇએ. ગુજરાતનું સંતસાહિત્ય વૈષ્ણવી સાહિત્ય છે. તમિળનાડુનાં નાયનારો, કર્ણાટકની અક્કા મહાદેવી કે કાશ્મીરનાં લલ્લેશ્વરી (લલ્લા) જેવું શૈવપંથી સંતસાહિત્ય આપણી પાસે નથી. આ ઊણપ થોડી નવાઇભરી છે, કારણ કે સિંધુ સંસ્કૃતિથી રંગાયેલા સૌરાષ્ટ્રમાં શિવપૂજા અતિ પ્રાચીન છે. બાર જ્યોતિર્લિંગમાં પહેલું નામ સૌરાષ્ટ્રનાં સોમનાથનું લેવાય છે અને પાશુપત સંપ્રદાયના પ્રવર્તક લકુલિશ ગુજરાતના હોવાનું મનાય છે, છતાં શૈવસંતોનું સાહિત્ય આપણી પાસે નથી.

સંતસાહિત્યની ગંગોત્રી કહીએ તેવા ભક્તિમાર્ગના પ્રારંભ અને પ્રચારનો જશ રામાનુજથી માંડીને વલ્લભાચાર્ય સુધીના અને નાથમુનીથી લઇને બસવેશ્વર સહિતનાં નાનામોટા આચાર્યોને આપવામાં આવે છે. ઉપનિષદો-બ્રહ્મસૂત્ર અને ગીતાની પ્રસ્થાનત્રયી પર ભાષ્યો લખીને આ વિદ્વાન આચાર્યોએ ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો અને સંતસાહિત્યનાં સર્જન માટેનો માર્ગ મોકળો કર્યો તેવું કહેવાય છે.

જોકે, આવું કહેવામાં હકીકતદોષ છે. આચાર્યોના જન્મ અને પ્રવૃત્તિ અગાઉ અનેક સદીઓ પહેલાં સંતોએ ભક્તિમાર્ગનું અને કદાચ વૈષ્ણવ ધર્મનું સ્થાપન-સંગોપન કરવાનો આરંભ કર્યોહતો. વૈષ્ણવ ધર્મની કથા ઘણી લાંબી છે અને ઘણી ગૂંચવાયેલી છે અને તેના આદિ કાળ અંગે આપણી પાસે બહુ ઓછી જાણકારી છે. વૈષ્ણવ આચાર્યોની પરંપરા રામાનુજાચાર્યથી શરૂ થઇ અને રામાનુજ અગિયારમી સદીમાં જન્મ્યા.

તેની સાતસો વરસ અગાઉ એટલે કે ચોથી-પાંચમી સદીના ગુપ્ત રાજાઓ - ખાસ કરીને સમુદ્રગુપ્ત -પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવે છે. હજુ પાછળ જઇએ તો ઇશુના જન્મકાળની આસપાસના સૈકામાં મહારાજા ભાગદત્તના દરબારમાં યવનરાજા એમ્પ્તીયોકિલસના રાજદૂત હેલીયોદોરાસે ‘દેવદેવસ્સ વાસુદેવસ્સ’નો ગરુડસ્તંભ ઊભો કરાવેલો તે બેસનગરમાં આજે પણ ઊભો છે. તમામ વૈષ્ણવ આચાર્યો(આસામના શંકરદેવનો અપવાદ છે) વૈષ્ણવકુળમાં જ જન્મ્યા છે. શ્રી વલ્લભાચાર્યના પૂર્વજો ગોપાળને પૂજે છે.

સંતોના સાહિત્યસર્જન પછી આચાર્ય પરંપરા શરૂ થઇ છે તેનો જડબેસલાખ પુરાવો છે. રામાનુજાચાર્યનાં પૂર્વસુરી અને તેમના મામા યમુનાચાર્યે અળવાર સંતોનાં ભજન-પદોનાં સંશોધન-સંપાદન કરીને ચાર હજાર નાલાયીર પદોનો દિવ્ય પ્રબંધ તૈયાર કર્યો. તે તમિળ વેદ કહેવાય છે. દક્ષિણ ભારતના શ્રીવૈષ્ણવ સંપ્રદાયનાં તમામ મંદિરોમાં આ પદોનો દૈનિક પાઠ કરવાની પ્રણાલી રામાનુજાચાર્યે શરૂ કરાવી તે આજે પણ ચાલે છે. આ તમિળ વેદને વેદગ્રંથો જેટલું જ મહત્વ આપવાનાં કારણે રામાનુજાચાર્ય બેવડા વેદાંતી-ઊભય વેદાંતી કહેવાયા છે.

વૈષ્ણવ આચાર્યો ભક્તિમાર્ગના અથવા સંતસાહિત્યના પ્રણેતા નથી, પણ આ બંને ક્ષેત્રમાં તેમનું પ્રદાન ઓછું આંકી શકાય તેમ પણ નથી. આચાર્યોએ પ્રખર બુદ્ધિપ્રતિભા અને વિદ્વતાનાં આધારે ભક્તિને વેદસાહિત્ય જોડે સાંકળી લેવાની અથાગ જહેમત ઉઠાવી. ભક્તિસાહિત્યને વેદોકત રૂપ આપ્યું.

સંતો અને કવિઓને પ્રોત્સાહન, પ્રતિષ્ઠા આપ્યાં. વિવિધ સંપ્રદાયો માટે વ્યવસ્થિત માળખું ઘડી આપ્યું અને સંતસાહિત્યને પોષણ આપવા માટે આમજનતાને પ્રેરણા આપી. મંદિરોના ઉત્સવો, પૂજાવિધિને આખરી ઓપ આપ્યો અને સંતોની આજીવિકા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરી. રામાનુજે બાર અળવાર સંતોની મૂર્તિપ્રતિષ્ઠા શ્રીરંગના મુખ્ય દેવળમાં કરી અને સંતોને પૂજનીય સ્થાન અપાવ્યું. ચૈતન્ય સંપ્રદાયના રૂપ, સનાતન જેવા સાહિત્યસર્જક-ગોસ્વામીઓની વંદના મધુસૂદન સરસ્વતીએ પણ કરી છે.

વલ્લભાચાર્યના અનુગામીએ અષ્ટસખાનો સાથ લીધો. ભક્તિમાર્ગ અને સંતસાહિત્યના કેટલાક સમર્થ પ્રવકતાઓ માટે આચાર્ય શબ્દ વપરાતો નથી છતાં તેમનું સ્થાન અને કાર્ય આચાર્યોકરતાં રજમાત્ર ઊતરતા નથી.
એકબીજાના પૂરક અને એકમેક પર આધારિત આચાર્યોઅને સંતો વચ્ચેની સરખામણી પણ રસપ્રદ છે, બધા આચાર્યોબ્રાહ્મણ છે, અતિ વિદ્વાન છે. સંસ્કૃત ભાષામાં લખે છે અને સમૃદ્ધ છે.

તેમનાં ભક્તો અને અનુયાયીઓએ અહોભાવથી લખેલાં પ્રશસ્તિગ્રંથો અતિશયોક્તિ અને ચમત્કાર કથાઓથી ઊભરાય છે. સંતો સમાજનાં ઉચ્ચતમથી માંડીને ઠેઠ તળિયે ઠરેલાં વર્ગોમાંથી આવે છે. નરસિંહ મહેતા બ્રાહ્મણ છે. રૈદાસ અને પીપા જેવા જન્મે શુદ્રો પણ તેમાં સ્થાન પામ્યા છે. સાહિત્યસર્જનના ક્ષેત્રે અતિતેજસ્વી અભિવ્યક્તિ ધરાવતા કેટલાક સંતો અસ્પૃશ્ય વર્ણોમાંથી આવે છે. તેમાં જેસલ જેવો લૂંટારો પણ છે. આ સંતો મોટા ભાગે અતિશય ઓછું ભણેલા છે અથવા નિરક્ષર છે. ઓછું શિક્ષણ પામ્યા હોવાનાં કારણે તેઓ લોકભાષાનાં સર્જકો છે. તુલસીદાસે તો જાણીબૂઝીને લોકભાષા અપનાવી લીધી. શ્રીવૈષ્ણવ સંપ્રદાયના ટેંકલૈ વિભાગે હંમેશાં પ્રાદેશિક ભાષાને મહત્વ આપ્યું. રામાનંદે હિંદી ભાષાની પ્રતિષ્ઠા આખા ઉત્તર ભારતમાં કરી.

ભક્તિમાર્ગને વેદસાહિત્ય સાથે જોડવાના આચાર્યોના પ્રયાસ સફળ થયા નથી, કારણ કે ભક્તિમાર્ગ અને સંતસાહિત્ય વેદવિરોધી નહીં તો પણ વેદથી વિમુખ છે. ભક્તિ પૌરાણિક હોવાથી તમામ આચાર્યોએ પુરાણોને આધારગ્રંથ તરીકે સ્વીકારવા પડ્યા અને વલ્લભાચાર્યે તો ભાગવતને પ્રસ્થાન ગ્રંથ તરીકે અપનાવી લીધું છે. વૈષ્ણવ ધર્મમાં ભાગવતની કૃષ્ણલીલાના કારણે વૃંદાવન ધર્મક્ષેત્ર અને વ્રજ ધર્મભાષા બન્યા.

આનું એક પરિણામ એ આવ્યું કે વ્રજભાષા આખા ઉત્તર હિંદુસ્તાનમાં ગુજરાતથી માંડીને આસામ સુધી ફેલાઇ અને અસંખ્ય સંતકવિઓએ વ્રજ ભાષામાં સાહિત્યસર્જન કર્યું. ગુજરાતમાં દયારામ, રાજસ્થાનની મીરાં, બંગાળમાં વિદ્યાપતિ અને ચંડીદાસ અને આસામમાં શંકરદેવે વ્રજભાષામાં લખ્યું છે. સંતસાહિત્યના પ્રભાવથી આખા ઉત્તર ભારતમાં મઘ્યયુગમાં ભાષાકીય એકતા સ્થપાઇ તે નોંધવું જોઇએ.

ભક્તિને સમગ્ર ભારતમાં લોકપ્રિય બનાવનાર સંતસાહિત્યે અનેક પરંપરા તોડીફોડીને નવા ચીલા પાડયા છે. વેદનો કર્મકાંડ, ઉપનિષદોનો શુષ્ક બુદ્ધિવાદ, બૌદ્ધોનો નિર્ગુણ શૂન્યવાદ અને જૈનોના કઠોર તપસ્યા માર્ગને વટાવી જઇને સંતોએ પોતાની સાહિત્યિક શક્તિથી સામાજિક અને આઘ્યાત્મિક ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારોનો પાયો નાખ્યો છે.
ઉપનિષદોના નિર્ગુણ, નિરાકાર, જ્ઞાનમય બ્રહ્મને બાજુએ ફગાવી દઇને સંતોએ અને પુરાણકારોએ સગુણ-સાકાર-પ્રેમસ્વરૂપ મૂર્તિપૂજાની સ્થાપના કરી છે.

આ ખ્યાલ એટલો પ્રબળ બન્યો કે સ્વામી સહજાનંદજીએ ‘વચનામૃત’માં નિર્ગુણ નિરાકારની ઉપાસનાને પંચ પાપ કરતાં પણ અધમ ગણાવી છે અને આ પાપનું કોઇ પ્રાયિશ્ચત્ત નથી તેવું પણ કહ્યું છે. આઘ્યાત્મિક ક્ષેત્રે સંતસાહિત્યનો પ્રભાવ દર્શાવવા માટેનાં નમૂના તરીકે આ વાત ઠીક છે પણ સહજાનંદજીનો મત સ્વીકારીએ તો અસંખ્ય ઋષિઓ, દ્રષ્ટાઓ અને આદિ શંકરાચાર્યને પણ પાપી ગણવા પડે.

ભક્તો અને સંતોએ સામાજિક ક્રાંતિનો પાયો નાખ્યો છે. તેના પર ચણતર થયું નથી પણ પાયો હજુ સાબૂત છે. વેદધર્મનાં સંકુચિત દાયરામાં સમાજના ૮૦ ટકા લોકો માટે પ્રવેશ નિષિદ્ધ છે. સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો માટે અઘ્યાત્મના અને શિક્ષણનાં દ્વાર ખોલનાર ભગવાન બુદ્ધની વિભાવના ભક્તિમાર્ગી આચાર્યોઅને સંતોએ અપનાવી લીધી. રામાનુજે આદરેલી અને વલ્લભાચાર્યે વિકસાવેલી આ વિચારક્રાંતિનું સર્વોચ્ચ શિખર રામાનંદમાં જોવા મળે છે.

ગીતાકાર કૃષ્ણે ધર્મક્ષેત્રમાં સ્ત્રીઓ, વૈશ્યા તથા શૂદ્રા, યેપીસ્યુપાપયોનય:નો પ્રવેશ કરાવી આપ્યો. રામાનુજે ઉત્સવ પ્રસંગે હરિજનોને મંદિર પ્રવેશનો અને રથસેવાનો અધિકાર આપ્યો. વલ્લભાચાર્યના અનુયાયીવૃંદમાં તેજબીબી અને રસખાનનો સમાવેશ થાય છે. ‘જાતપાત પૂછે નહીં કોઇ, હરિકો ભજે સૌ હરિકા હોઇ’ તેવા અભિગમના કારણે સંતસાહિત્યના સમર્થ સર્જકોમાં બધા વર્ણ, વર્ગ અને જાતિના લોકોનો સમાવેશ થાય છે.

સંતસાહિત્યમાં વર્ણભેદ નથી તેમ લિંગભેદ પણ નથી. લલ્લા, મીરાં, મહાદેવી, પાનબાઇને સહજભાવે સમાનસ્થાન અપાયું છે. પણ આ મુદ્દા અંગે અતિશયોક્તિથી બચવું જરૂરી છે, કારણ કે સત્યનો સૌથી મોટો શત્રુ અતિશયોક્તિ છે અને તે અસત્ય કરતાં વધારે ઘાતક છે. સંતો અને ભકતોએ તથા આચાર્યોએ પ્રબોધેલી જાતિ-પાતિની સમાનતા માત્ર અઘ્યાત્મ ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત રહી છે. વહેવારુ જીવનમાં, ઊંચનીચના સામાજિક ભેદભાવમાં, રોટીબેટીની લેવડદેવડમાં તેના કારણે કશો ફેરફાર થયો નથી.

સમાજજીવનમાં નાતજાતની સજજડ નાગચૂડ જરાપણ ઢીલી પડી નથી. ભક્તિમાર્ગથી અથવા સંતસાહિત્યના સેવનથી દલિતો કે નીચી ગણાતી જ્ઞાતિઓ અને સ્ત્રીઓને સામાજિક, કૌટુંબિક, આર્થિક અથવા શૈક્ષણિક ક્ષેત્રે તલમાત્ર પણ લાભ મળ્યો નથી. તેમની અવહેલના અને શોષણ યથાવત્ ચાલતાં રહ્યાં છે. સ્વાર્થ સાધવો હોય ત્યારે અઘ્યાત્મ અને વ્યવહાર વચ્ચે લોખંડી પડદો પાડી દેવામાં આપણે પાવરધા છીએ. જે ધર્મ અને જે સિદ્ધાંત રોજબરોજનાં જીવનમાં ચરિતાર્થ ન થાય તે લાંબા ગાળે દંભ બની જાય છે. વિદ્યાની દેવી તરીકે સરસ્વતીની, સંપત્તિની સ્વામિની લક્ષ્મીની અને સામર્થ્યના પ્રતીક તરીકે કાલીની ઉપાસના કરનાર હિંદુ સમાજે સ્ત્રીઓને વિદ્યા ભણવાની, સંપત્તિ ધરાવવાની કે સામર્થ્યનો વપરાશ કરવાની સગવડ કે પરવાનગી આપી નથી.

આનો દોષ સંતો કે સંતસાહિત્યને આપી શકાય તેમ નથી. તેમણે તો પોતાની વિચારધારાની રજૂઆત અતિશય સ્પષ્ટતાથી અને ધારદાર રીતે કરી છે, પણ આપણા દંભી સમાજે તેમનો સ્વીકાર માત્ર શાબ્દિકરૂપે જ કર્યો છે. આવી વૈચારિક-ક્રાંતિથી સમાજના કલેવરની કાયાપલટ થવી જોઇતી હતી તે થઇ નથી. આના પરિણામે સંતસાહિત્યનો પ્રભાવ મર્યાદિત અને કેટલાક અંશે કુંઠિત બની ગયો અને ભજનમાં ગવાતા શબ્દો ઠાલા ઠમકારા બની રહ્યા.સંતસાહિત્ય, ખાસ કરીને બંગાળ અને ગુજરાતનાં સંતસાહિત્ય પર તંત્રનો ખાસ્સો પ્રભાવ પડ્યો છે.

ગુજરાતી સંતસાહિત્યમાં તાંત્રિક પરિભાષા ભરપૂર માત્રામાં વપરાય છે. ઇડા, પીંગલા, સુષુમ્ણા, ચક્ર, ચક્રભેદ, કુંડલિનીનો ઉલ્લેખ અવારનવાર થયા કરે છે. આ તમામ ખ્યાલો તંત્ર અને હઠયોગ જોડે સંકળાયેલા છે. તંત્રના ઊગમ અને વિસ્તરણ અંગે આપણી પાસે કશી જ માહિતી નથી. નવરાત્રીનો ઉત્સવ બંગાળમાં અને ગુજરાતમાં ધામધૂમથી ઉજવાય છે અને વચ્ચેના ભૌગોલિક પ્રદેશોમાં તેનું નામોનિશાન નથી તે સમસ્યાનો ઉકેલ પણ આપણી પાસે નથી.

ઉપનિષદોમાં અને ગીતામાં યોગ છે પણ તેમાં આવા કોઇ ખ્યાલ જોવા મળતા નથી. યોગદર્શનનાં પ્રમાણગ્રંથ ‘પાતંજલ યોગદર્શન’માં પણ નાડી, ચંદ્ર કે કુંડલિનો ઉલ્લેખ સરખો નથી. હઠયોગનાં, દીક્ષા, બંધ અને મુદ્રાનો પતંજલિને કશો ખ્યાલ નથી. વેદ-ઉપનિષદ કે ગીતામાં પણ મંત્ર, યંત્ર અથવા સદગુરૂની કોઇ વાત નથી.

ગુરુ શબ્દ માત્ર શિક્ષકના અર્થમાં વપરાય છે. ગુરુ શક્તિપાત્ત કરે, પીયાલો પાય અથવા ગુરુ સિવાય જ્ઞાન ન મળે અથવા ગુરુ તો ઇશ્વર અથવા ઇશ્વરથી પણ ચડિયાતો તેવી કોઇ વાત આપણા કોઇ પણ પ્રાચીન ગ્રંથમાં નથી. સંત સાહિત્યમાં ગુરુનું જે સ્થાન છે તે તંત્ર-શાસ્ત્રીય ખ્યાલ છે અને વૈદિક પરંપરા જોડે તેને કશી નિસબત નથી.

આ ખ્યાલો અને આ માન્યતાઓ કેવી રીતે ઉદ્ભવ્યા, સમાજમાં અને સંતસાહિત્યમાં તેમને ક્યારે, શા માટે અને કેવી રીતે સ્થાન મળ્યું તે આપણે જાણતા નથી, પણ આ બધા ખ્યાલો સૌથી પહેલા બૌદ્ધ ધર્મના ત્રીજા ચરણ-વજ્રયાનમાં જોવા મળે છે. સિદ્ધ અને સાધક શબ્દો પણ ત્યાંથી જ આવ્યા છે. મંત્ર, યંત્ર અને વજ્રાચાર્યનું મહત્વ પણ વજ્રયાનમાં છે અને તેને તંત્રયાન પણ કહેવાય છે. આ બૌદ્ધચર્યાનો હિંદુધર્મ જોડે સમન્વય સાધવાનું કામ નાથ સંપ્રદાયે કર્યું તેવું આજે માનવામાં આવે

સંતસાહિત્યે સામાજિક ચેતનાને ઢંઢોળીને જાગ્રત કરી અને ઠેઠ તળિયે પડેલો સમાજ સંતસાહિત્યના બાજોઠ પર ટેકો લઇને ટટ્ટાર થયો. સંતસાહિત્યનું સૌથી મોટું પ્રદાન શૈક્ષણિક છે. મઘ્યયુગનાં અંધાધૂંધ અને અરાજકતાના જમાનામાં લોકશિક્ષણનો અભાવ સંતસાહિત્યે નિવાર્યો છે. રામાયણ-મહાભારતની કથાઓ અને તેમાંથી પ્રગટ થતાં નિષ્કર્ષો, પુરાણોની ચરિત્રગાથાઓ અને ભકતોની જીવનચર્યા, ઉપનિષદો અને દર્શનશાસ્ત્રોના સિદ્ધાંતોનું સરળીકરણ ઉપરાંત અગણિત જ્ઞાનગ્રંથોનું દોહન કરીને તેનો સાર આમજનતા સુધી પહોંચાડવાનું મહાકાર્ય સંતસાહિત્યે સફળતાપૂર્વક અને સહજ રીતે બજાવ્યું છે.

સંતસાહિત્યના સર્જકો અને ઉપાસકોએ તે જમાનામાં જંગમ વિદ્યાપીઠો અને હરતીફરતી શાળાઓ તરીકે ભાગ ભજવ્યો છે. આ સાતત્યપૂર્ણ કેળવણીને કારણે ભારતીય સમાજ નિરક્ષર હોવા છતાં અભણ નથી અને ગરીબીમાં સબડવા છતાં આ સમાજે પોતાનું ગૌરવ અને પોતાની ગુણવત્તા ગુમાવ્યાં નથી. આવી પરસ્પર વિરોધી દેખાતી સિદ્ધિઓ દુનિયામાં અન્ય સમાજમાં ભાગ્યે જ જોવા મળે છે.

ધાર્મિક, આઘ્યાત્મિક અને સામાજિક નીતિમત્તા અંગે સંતસાહિત્યે આપેલાં શિક્ષણનાં પરિણામે ભારતીય સમાજમાં છેક છેવાડા સુધી ફરજ પરસ્તીનાં અને નીતિમત્તાનાં મૂળ ઊંડે સુધી ફેલાયાં છે. ભ્રષ્ટ અને નીચ રાજયતંત્રોની જોહુકમી, અન્યાય અને સિતમની અનરાધાર વર્ષા અને અતિશય ત્રાસપૂર્ણ જીવન છતાં આ મૂળ કોઇ ઉખેડી શક્યું નથી તેથી ભારતીય સમાજમાં આજે જે કંઇ શુભ તત્ત્વો અને શાલીનતા દેખાય છે તેનો જશ સંતસાહિત્યને આપવો જોઇએ.સંતસાહિત્યના કારણે થયેલું નુકસાન પણ નોંધવું જોઇએ.

સંતવાણીના ભાવથી આમજનતાની ધાર્મિક ધેલછા અને તેની અંધશ્રદ્ધામાં ઉમેરો થયો છે. આ શ્રદ્ધા, આ ધેલછાના કારણે સંતસાહિત્યની આછી-અધૂરી જાણકારી મેળવી લઇને મહંતો, બાપુઓ અને ગુરુઓએ આમજનતાનું આર્થિક અને યૌનશોષણ કરવામાં બાકી રાખ્યું નથી અને સમાજ આ પાપલીલા ચુપચાપ સાંખતો રહ્યો છે. ધર્મવિચાર અને ધર્મસંસ્થાઓની સતત અધોગતિ થતી રહી છે તે માટે સંતસાહિત્યનો
દુરુપયોગ કરનાર લોકો વધારે જવાબદાર છે

No comments:

Post a Comment