August 20, 2010

જિંદગી AAJ KAL

એક સમય હતો જ્યારે ઘરમાં શટરવાળું-લાકડાના કેબિનેટવાળું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હોવું અને આજુબાજુવાળાં આપણાં ઘરે રામાયણ-મહાભારત, બુનિયાદ કે હમલોગ ઇત્યાદિ જોવા આવે એ શાન-ઓ-શૌકતનો વિષય ગણાતો. દીકરીને કરિયાવરમાં પણ ટીવી અપાતું. એ પછી કલર ટીવી આવે અને એમાંય જો રિમોટ કંટ્રોલ હોય, તો આહા! જાણે કોઇ રજવાડાના રાજવી!પરંતુ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પાણી પણ માગ્યા વિના ગાયબ થઇ ગયા. દૂરદર્શન કેબલ કનેક્શનમાં દેખાતું થયું એટલે અગાશીઓ પર દેખાતા ટીવી એન્ટેના પણ ‘મિ. ઈન્ડિયા’ થઇ ગયા! જોકે એનું સ્થાન હવે ડીટીએચની નાજુકડી ડિશોએ લીધું છે. હવે તો દૂરદર્શનના જમાનામાં આવતી એવી માણવાલાયક સિરિયલો પણ ક્યાં જોવા મળે છે!

થોડા સમય પહેલાં કેમેરાના રોલ બનાવતી કોડક કંપનીએ પોતાના ‘કોડક્રોમ’ બ્રાન્ડ હેઠળ બનતાં રોલનું ઉત્પાદન બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી. રોલનું ઉત્પાદન કરતી અન્ય કંપનીઓ પણ આ જ ટ્રેન્ડને અનુસરે તો નવાઇ નહીં. કારણ? કેમેરાના રોલની અત્યંત ઓછી થઇ ગયેલી માગ.

સ્વાભાવિક છે, હવે જ્યારે મેમરીથી ફાટ ફાટ થતાં ડિજિટલ કેમેરાના ભાવ દિન-બ-દિન ઘટી રહ્યા હોય, સુવિધાઓ વધી રહી હોય અને મોબાઇલ ફોન ઉત્તમ કેમેરાની ગરજ સારવા લાગ્યા હોય, ત્યારે યે તો હોના હી થા! ઇન શોર્ટ, અગાઉ જેનો ચાર્મ ગણાતો હતો, એ ફોટા પાડવા-પડાવવાની ક્રિયા હવે અત્યંત સામાન્ય થઇ ગઇ છે.

હા, પ્રોફેશનલ ફોટોગ્રાફી અલગ વસ્તુ છે. પરંતુ જ્યારે બસ્સો પાંચસો કે ઇવન હજારના ગુણાંકમાં ફોટોગ્રાફ્સ પાડી એકસાથે સાચવી શકતા કેમેરા હોય, તો કોઇ પેલા છત્રીસ ફોટાના રોલવાળા કેમેરા ક્યૂં લે? વો ન લે!?

પરંતુ એક ટેક્નોલોજી વિદાય લે એટલે એની સાથે ઘણી બધી ચીજો સામટી વિદાય લેતી હોય છે. હવે કેમેરાની જ વાત લઇ લો. છત્રીસ ફોટાવાળા રોલ લઇને ફરવા ગયા હોઇએ અને રોલ ખાલી થાય તો શોધવા ન નીકળવું પડે એટલે બે-ત્રણ રોલ એક્સ્ટ્રા લઇને નીકળવું, નહીં તો અજાણી જગ્યાએ રોલ ખોળવા નીકળવું, રોલ ફીટ કરતી કે કાઢતી વખતે સહેજ પણ પ્રકાશમાં ન આવી જાય એનું ઘ્યાન રાખવું, રોલ ‘ધોવડાવવા’ જવું અને જ્યાં સુધી ધોવાઇને (ડેવલપ થઇને) ન આવે ત્યાં સુધી કેટલા ફોટા ફેઇલ ગયા હશે એના ઉચાટમાં રહેવું, એ જ રીતે અંધારી ઓરડીમાં ફોટોગ્રાફર ફોટા કેમિકલ્સવાળા દ્રાવણમાં ડૂબાડીને ડેવલપ કરતો હોય, અને એ જ રૂમમાં દોરી પર ફોટા સૂકવવા માટે ટાંગ્યા હોય... એ બધું ક્યાં જોવા મળે?

ડિજિ-કેમ કે મોબાઇલ કેમેરાથી ફોટો પાડો અને એ જ મિનિટે સ્ક્રીન પર જોઇ લો. ફોટામાં કંઇક લોચો હોય, તો કરો ડિલિટ અને પાડો બીજો! અરે, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા અત્યારે આપણને યાદ પણ આવે છે?

ફિલ્મોમાં કોઇ બદમાશ વિલન પાસે કોઇના ભળતા ફોટા હોય, જે બતાવીને બ્લેક મેઇલ કરતો હોય અને હિરો કે હિરોઇન એને કાલાંવાલાં કરતાં હોય કે, ‘પ્લીઝ, ભગવાન કે લિયે ઇસ કી નેગેટિવ મુઝે દે દો...’ આવું આજની કોઇ ફિલ્મમાં બતાડ્યું હોય, તો ડિજિટલ જનરેશનના યંગસ્ટર્સનું રિએક્શન શું હોય!

બદલાતાં જમાનાને ઘ્યાનથી નિહાળનારાં વિદ્વાનો કહે છે કે પાછલા કેટલાંક સૈકાઓમાં નથી આવ્યું એના કરતાં વધુ પરિવર્તન છેલ્લા બે દાયકામાં આવ્યું છે. એમાંય સૌથી વધુ બદલાવ આવ્યો છે, ટેકનોલોજીની દુનિયામાં. જૂની ટેકનોલોજીઓએ ફટાફટ આવજો-રામ રામ કરવા માંડ્યું છે.

ફોર એક્ઝામ્પલ, ગ્રામોફોન અને તેની રેકર્ડ. ટેપ રેકોર્ડર આવ્યાં એટલે ગ્રામોફોનનું પત્તું કપાઇ ગયું. હવે તો ગ્રામોફોન કોઇ જૂની ફિલ્મોમાં, મ્યુઝિમમાં, કોઇ શોખીન સંગ્રાહક પાસે અથવા તો અમીરોના દીવાનખંડમાં એન્ટિક તરીકે ફર્નિચર બનીને શોભામાં અભિવૃદ્ધિ કરતાં જોવા મળે.

ગ્રામોફોન એટલે કે ‘તાવડીવાજું-થાળીવાજું’ વિદાય લે, તેની સાથે ‘પિન ચોંટી જવી’ કે ‘એની રેકર્ડ ચાલુ થઇ ગઇ’ જેવા શબ્દપ્રયોગો પણ વિદાય લે કે નહીં! શોખીનોનાં હૃદયમાંથી ગ્રામોફોનને પદભ્રષ્ટ કરનારાં ટેપ-રેકોર્ડર અને કેસેટે સારું એવું સામ્રાજ્ય ભોગવ્યું. પરંતુ એની પહેલાં ઘરની શોભા હતાં, વાલ્વવાળા હડિમદસ્તા જેવા રેડિઓ.

કોણ જાણે કેટલાંયે દાયકાઓ સુધી એણે લોકોની એકલતા ભાંગી હશે! ડ્રોઇંગરૂમમાં રેડિઓ હોવો એ પ્રતિષ્ઠાનો પર્યાય હતો અને રેડિઓ કાર્યક્રમોના દિવાના હોવું એ યુવાન હોવાની પારાશીશી હતી.

‘રેડિયો સિલોન’, ‘બિનાકા ગીતમાલા’, ‘ભુલેબિસરે ગીત’, ‘અમીન સાયાની’, ‘પહલી પાયદાન પર હૈ...’, ‘યે ઓલ ઈન્ડિયા રેડિઓ કી ઉર્દૂ સર્વિસ હૈ’, ‘જયમાલા-ફૌજી ભાઇઓં કે લિયે’, ‘ઝુમરી તલૈયા સે બિટ્ટુ, પિંકુ, બન્ટી, રાજુ, શ્યામલી...’, ‘ટિંગ ટોંગ’ વગેરે સાંભળી સાંભળીને સેંકડો ગીતો બાય હાર્ટ કરી લેનારાં વડીલોને એ આખો યુગ હજી આંખ સામે તરવરતો હશે!

પરંતુ ટેલિવિઝનના અને એમાંય સેટેલાઇટ ચેનલ્સના આગમન પછી રેડિઓના વળતાં પાણી શરૂ થયા. કાને ટ્રાન્ઝિસ્ટર લગાવીને સુશીલ દોશીના અવાજમાં મેચની કોમેન્ટ્રી સાંભળતાં લોકો ઘરે બેસીને મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોતાં થયાં. રેડિઓ પર ગીતો સાંભળવાનું સ્થાન મ્યુઝિક ચેનલ્સે લીધું.

જોકે રેડિઓની કહાનીમાં ટ્વિસ્ટ છે. ઓલ્મોસ્ટ નાશ:પ્રાય થઇ ગયેલો રેડિઓ એફ.એમ. (ફ્રિક્વન્સી મોડ્યુલેશન) ચેનલ્સના આગમન પછી જાણે ગ્રીક દંતકથાના ફિનીક્સ પંખીની જેમ રાખમાંથી બેઠો થયો. અત્યંત ક્લિયર અવાજ અને ફ્રેન્ડલી-તરોતાજા ભાષાએ જવાં દિલોં પર કબ્જો જમાવ્યો.

પરંતુ ચાંદની રાતે અગાશી પર કે ફળિયામાં ખાટલો નાખીને બીબીસી પર સમાચાર કે જૂના ગીતો સાંભળવાની મજા કદાચ એફ.એમ. રેડિયો પણ ન આપી શકે! હવે તો ગંજાવર મેમરીવાળા મોબાઇલ ફોન અને આઇપોડ જેવા નાજુકડા ઉપકરણોએ સંગીતની આખી લાઇબ્રેરી ખિસ્સામાં લાવીને મૂકી દીધી છે!

જોકે ટીવીની વાત નીકળી તો એક સવાલ પૂછવાનું મન થાય કે છેલ્લે દૂરદર્શન ક્યારે જોયું હતું?! ભારતના આકાશમાંથી વરસતી ચારસો ઉપરાંત ચેનલ્સે પચાસ વર્ષના દૂરદર્શનને જાણે સો-દોઢસો વર્ષ પાછળ ધકેલી દીધું છે.

એક સમય હતો જ્યારે ઘરમાં શટરવાળું-લાકડાના કેબિનેટવાળું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હોવું અને આજુબાજુવાળાં આપણાં ઘરે રામાયણ-મહાભારત, બુનિયાદ કે હમલોગ ઇત્યાદિ જોવા આવે એ શાન-ઓ-શૌકતનો વિષય ગણાતો. દીકરીને કરિયાવરમાં પણ ટીવી અપાતું. એ પછી કલર ટીવી આવે અને એમાંય જો રિમોટ કંટ્રોલ હોય, તો આહા! જાણે કોઇ રજવાડાના રાજવી!

પરંતુ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પાણી પણ માગ્યા વિના ગાયબ થઇ ગયા. દૂરદર્શન કેબલ કનેક્શનમાં દેખાતું થયું એટલે અગાશીઓ પર દેખાતા ટીવી એન્ટેના પણ ‘મિ. ઈન્ડિયા’ થઇ ગયા! જોકે એનું સ્થાન હવે ડીટીએચની નાજુકડી ડિશોએ લીધું છે. હવે તો દૂરદર્શનના જમાનામાં આવતી એવી માણવાલાયક સિરિયલો પણ ક્યાં જોવા મળે છે!

એલસીડી, એલઇડી અને પ્લાઝ્મા જેવા સ્લિમ ટીવીના આગમન પછી ખૂંધવાળા પરંપરાગત સીઆરટી ટીવીનો સૂર્ય પણ અસ્તાચળે છે. બાકી તમે આમ ખમતીધર પાર્ટી હો અને ફિલમ બિલમ જોવાનો શોખ હોય, તો એક જમાનામાં ઘરે વીસીઆર-વીસીપી (વીડિયો કેસેટ રેકોર્ડર-પ્લેયર) વસાવ્યું હશે.

નહીં તો જાગરણ જેવા પ્રસંગે ભાડે તો લાવ્યા જ હશો. સાથે આવે વીએચએસ કહેવાતી વીડિયો કેસેટ્સ. એય કોમ્પેક્ટ ડિસ્ક-ડીવીડી પ્લેયર્સના આગમન પછી ખોવાઇ ગયાં. કમ્પ્યૂટરે ટાઇપ રાઇટરનો ભોગ લીધો અને દસમામાં ‘ટાઇપ’ સબ્જેક્ટ રાખનારાં વિદ્યાર્થીઓ પણ કમ્પ્યૂટર તરફ વળી ગયાં.

ઘેર ઘેર લેન્ડલાઇન અને ખિસ્સે ખિસ્સામાં મોબાઇલ ફોન આવ્યા પછી ટપાલ અને અંતર્દેશીય (ઇનલેન્ડ) પત્રોની ડિમાન્ડ પણ તળિયે પહોંચી છે. મફતના ભાવે એસએમએસથી શુભેચ્છા પાઠવી દેવાનું ચલણ વધતાં રંગબેરંગી ગ્રીટિંગ કાર્ડ્સના પણ વળતા પાણી થયા છે.

એસએમએસ અને ઇ-મેઇલથી સંદેશાઓની આપ-લે કરવામાં પોતાના હાથે લખવાનો ચાર્મ જતો રહ્યો. હવે તો જવાનિયાંવ ફેસબુક-ઓર્કુટથી પ્રેમમાં પડે છે અને જી-ટોકથી સંપર્કમાં રહે છે. ત્યારે એમને ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ કે ‘ફુલ તુમ્હેં ભેજા હૈ ખત મેં’ જેવા ગીતો ક્યાંથી અપીલ કરે!

ઇન્ટરનેટ અને એમાંય વળી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન થિંગ થયા પછી દેશ-દેશાવર જેમને જોયા પણ ન હોય, એવી વ્યક્તિઓને પત્રો લખીને ‘પત્રમિત્રો’ બનાવવાનો કન્સેપ્ટ તો સાવ ભૂંસાઇ ગયો છે. એકચ્યુઅલી, પોતાના હસ્તાક્ષરે લખવાની કળા જ લુપ્ત થતી જાય છે.

આપણે સહી કરવા સિવાય લગભગ કશું લખતા જ નથી. આ લેખ લખાયો છે એ જ રીતે સીધા કમ્પ્યૂટર પર અક્ષરો પડવા માંડ્યા છે. ફાઉન્ટન પેન અને શાહીના ખડિયાએ મોટું ગામતરું કર્યું છે. આજના કોઇ કલમજીવીને નર્મદ જેવી પ્રતિજ્ઞા લેવી હોય, તો ‘કલમના ખોળે છઉ’ને બદલે ‘કી-બોર્ડના ખોળે છઉ’ એવું કહેવું પડે!

એક જમાનામાં ઘરે ‘કાનુડા’નું કે ‘લક્ષ્મી’નું આગમન થતું ત્યારે ‘ઝભલું’ આપવાનો રિવાજ હતો. હવે ટી-શર્ટ કે સોફ્ટ ટોય્ઝ અપાય છે. બાબા-બેબી પોટી પોટી કરે, તો સાદા બાળોતિયાં બદલાવવાની ઝંઝટમાં પડવા કરતાં આધુનિક જનનીઓ ડિસ્પોઝેબલ ડાયપર્સ જ ખરીદતી થઇ છે.

આપમેળે જ ઝૂલ્યે રાખતાં ઓટોમેટિક પારણાંએ ઘોડિયાંમાં હિંચકાવવાની મજા લૂંટી લીધી છે અને અત્યારના બાળકો બિચારાં હાલરડાં સાંભળ્યા વિના જ સૂઇ જાય છે. હાલરડાં જ શા માટે, લગ્નગીતો, ફટાણાં, પ્રભાતિયાં, ભજન, લોકગીતો કોઇને આવડતાં નથી (જેનો કોઇને ગમ-શોક પણ નથી!).

શુભપ્રસંગે પ્રોફેશનલ સિંગર્સને બોલાવીને કામ ચલાવવામાં આવે છે. વિભક્ત કુટુંબોમાં દાદા-દાદી સાથે રહેતાં નથી અને મમ્મી-પપ્પા પાસે ટાઇમ નથી એટલે રાજકુમાર અને પરીઓની વાર્તાઓ કોઇ કહેતું નથી. કે.જી.માંથી જ પેન્સિલ-નોટબૂક વપરાવા માંડ્યા છે એટલે પાટી-પેનનો જમાનો ચાલ્યો ગયો છે.

એટલે પાણીના પોતાથી ભૂંસેલી ભીની પાટી સૂકવવા માટે ‘ચક્કી ચક્કી પાણી પી’ એવું કોઇ ભૂલકું બોલતું નથી. કમાઉ દીકરા જેવી ઇંગ્લિશ ભાષાના લલાટે તિલક થાય છે એટલે ‘હાથી ભાઇ તો જાડા’, ‘ચક્કીબેન ચક્કીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં’, ‘મેં એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે’, ‘એક બિલાડી જાડી, એણે પહેરી સાડી’ વગેરે જોડકણાંનું સ્થાન ‘હમ્પ્ટી ડમ્પ્ટી’, ‘બા બા બ્લેકશિપ’, ‘જેક એન્ડ જિલ’ વગેરેએ લીધું છે.

‘બે દુ ચાર, પાંચ ચોકે વીસ, નેવે નેવે એક્યાસી’ એવું બોલીએ તો ‘ડેડી, યુ આર સો ફન્ની’ કહીને ટાબરિયું દાંત કાઢે! એને સમજાવવા માટે ‘ટુ ટુઝા ફોર, થ્રી થ્રીઝા નાઇન’ એવું બોલવું પડે! માટીનાં રમકડાં કે લાકડાંના (એય મહુવાના હોય તો બેસ્ટ) પાટલો-વેલણ વગેરેથી હવે કોઇ નથી રમતું.

હવે બાર્બી-જીઆઇજો-પોકેમોન બચ્ચાંલોગને લુભાવે છે. સંતાકુકડી, થપ્પો, સાતોલિયું (નારગોલ), ઉઠલી-બેઠલી, ભમરડા, ગિલ્લી (મોઇ)-દાંડિયો, લખોટી જેવી રમતોની જગ્યાએ બચ્ચાંલોગ માત્ર ક્રિકેટ, સ્કેટિંગ અને બહુ બહુ તો બેડમિંટન કે ટેનિસ રમતાં થયા છે.

ઇન્ડોર ગેમ્સમાં એક સમયે ચોપાટ, ઇશ્ટો, નવ કાંકરી, (મેચ બોક્સની) છાપ અને (ફિલ્મસ્ટાર્સના) ફોટા ચલણમાં હતા. જ્યારે હવે મોટા ભાગનો સમય કમ્પ્યૂટર વીડિયો ગેમ્સમાં વીતે છે.

સવારે બાવળનું (ને ક્યારેક લીમડાનું) દાતણ કરતાં વડીલો પોતાના દાંત બતાવીને કહે કે આજકાલના ટૂથબ્રશમાં એવું પોષણ, દાંત-પેઢાંને એવી કસરત ક્યાંથી મળવાની! વર્ષો જૂની દંતમંજનની શીશી પડી હોય, તો ખરી બાકી બોલો અંબે માત કી!

મોડ્યુલર કિચન વિથ ચિમનીનો જમાનો આવ્યો એટલે ચુલા-સગડી-પ્રાયમસ (અવાજવાળાં) -સ્ટવ (મૂંગા) એ ઓલમોસ્ટ વિદાય લીધી છે. જોકે એનાથી સારું એ થયું કે સ્ત્રીઓને ધુમાડામાંથી છુટકારો મળ્યો છે (કમનસીબે ‘પ્રાઇમસ ફાટવાથી’ પરિણિતાઓનો ભોગ લેવાવાનું બંધ નથી થયું!).

સ્વાદરસિકો ક્યારેક ધોખો કરતાં હોય છે કે ગેસ પર બનેલા ઊંધિયા-રોટલા-રીંગણના ભડથામાં ચુલા જેવો સ્વાદ નથી આવતો! નોનસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલનો સૂર્યોદય થતાં માટી-તાંબા-પિત્તળનાં વાસણો અભેરાઇએ ચડી ગયા. એટલે જ એને કલાઇ કરી આપનારાંને પણ કામ મળતું બંધ થઇ ગયું.

કાચના ગ્લાસ આવ્યા એટલે સ્ટીલના ગ્લાસ અને લોટા-ટબુડી બધું ય ધીમે ધીમે આવજો કહેવા લાગ્યું છે. ધજમજેના ‘ગ્લાસટોપ’ ડાયનિંગ ટેબલ પર બેસવા માંડ્યા ત્યારથી આસનિયાં, ઢીંચણિયાં, પાટલા, બાજોઠ બધુંય વિસરાઇ ગયું છે.

અરે, આપણી વાનગીઓમાંય કેવું પરિવર્તન આવી ગયું છે! બાવટો, રાગી, બાજરી, (સાત ધાનનો) ખીચડો જેવાં નામ કોઇ ફૂડ ફેસ્ટિવલમાં જ જોવા-વાંચવા મળે, બાકી આપણે તો ચાઇનીઝ ઝિંદાબાદ!

દાદા-દાદી શોખીન હોય, તો જમીને સૂડીથી સોપારી કાતરે અથવા પાનની પેટીમાંથી નાગરવેલનાં પાન પર કાથો-ચૂનો ચોપડીને ગલોફામાં જમાવે! ગામડાંમાં ગામને ચોરે અથવા ખાટલે હુક્કો ગુડગુડાવતાં વડીલો તો હવે ગુજરાતી ફિલ્મોમાંય જોવા નથી મળતાં.

ટ્રેન્ડી ટ્રેન્ડી ઘર થઇ ગ્યા, ઇટાલિયન સ્ટાઇલના લેટેસ્ટ ફર્નિચર આવી ગયા એટલે ખાટલા, લોખંડના પલંગ, લોખંડના (ગોદરેજના!) કબાટ, તિજોરી, ગોખલા એમાં ફીટ નથી થતાં. રેફ્રીજરેટરે અદ્ધર લટકાવાતું શીકું ગાયબ કરી નાખ્યું. મિક્સર, હેન્ડ બ્લેન્ડર અને રેડીમેઇડ અનાજ-મસાલા આવવાથી બે પડવાળી ઘંટી, સાંબેલું, ખાંડણી-દસ્તો, ખરલ, ઓરસિયો, ચટણી વાટવાનો પથ્થર, (ઘમ્મર) વલોણું બધુંય એકસાથે નિમાણું બની ગયું છે.

એની સાથે જોડાયેલી આપણી કહેવતો: ‘દળી દળીને ઢાંકણીમાં’, ‘વાસીદે સાંબેલું જાય, જોયા જેવો તાલ થાય’ (અખો), ‘છાશમાંથી માખણ જાય ને વહુ ફુવડ કહેવાય’ વગેરેય ભૂલી જ જવાનીને! સ્ટીલના છરી-ચાકાં-કાતર આવ્યાં એટલે સરાણિયા પાસે ધાર કઢાવવાની જરૂર પડતી નથી.

ક્ષારવાળા પાણી થયા એટલે મિનરલ વોટર સિવાય આપણને પાણી ગળે ઉતરતું નથી. ઘરે મશીન દ્વારા સ્વચ્છ કરાયેલા પાણીની બોટલ્સ આવતી હોય તો ઠીક, નહીંતર ‘આર.ઓ. વોટર પ્લાન્ટ’ આદર્શ ગૃહિણીની પસંદગી બનતા જાય છે.

વચ્ચે થોડા વર્ષ આપણી વચ્ચે રહીને સ્વચ્છ પાણી પૂરું પાડતા રહેલા ‘ધોકાવાળા ફિલ્ટર’ યાદ આવે છે ખરાં!? ‘પાણીનો ગોળો’ કહેતા માટલાનું ચલણ પણ ઘટતું જાય છે. એટલે પાણી ગાળવાનું ગળણું પણ જવાનું ને! પછી ‘સો ગળણે ગાળીને પાણી પીવા’ની કહેવતો માત્ર કહેવત કોષમાં જ રહી જશે?

‘મિનરલ વોટર’માં બનેલી પાણીપુરી જેવા ટ્રેન્ડ જોતાં એવોય ધ્રાસ્કો પડે કે સચોડા પાણિયારાં જ ગાયબ થઇ જશે કે શું? પછી ‘પાણિયારાનો મુનશી’ જેવી કહેવતોય ભૂલાઇ જશે. ઇંઢોણી, હેલ, કાંઠો, બેડું (ગાગર-હાંડો), ડોયો, પાણિયારે દીવો બધુંય ચાલ્યું જશે?!

લિસ્સા બારણાં આવી ગયા એટલે સાંકળવાળાં કમાડ ખાલી વાર્તાઓમાં જ આવે, ટોડલો (અને એના પર બેસતો મોર) ગીતોમાં જ આવે, બારણે અલીગઢી તાળાંને બદલે ફેન્સી લેચ લગાવવામાં આવે છે. હા, બારણા પર કંકુમાં ઘી નાખીને ‘શ્રી૧|’ અને ‘શુભ-લાભ’ હજી લખાય છે, પણ આસપાસ મોરલા ચિતરાતાં બંધ થઇ ગયા છે.

દિવાળીએ કે શુભ પ્રસંગોએ આસોપાલવનું તોરણ બંધાય, પણ વહુએ મહેનતથી મોતીડાં પરોવીને બનાવેલું તોરણ કે ઝુમ્મર હવે દેખાતાં નથી. દિવાલો પર પ્લાસ્ટિક પેઇન્ટ લાગવા માંડ્યા એટલે છાણનું લીંપણ ઉતરી ગયું.

ફ્લેટમાં ઝાંપો તો ક્યાંથી હોય! બીકના માર્યા લોખંડની તોતિંગ જાળીમાં પુરાઇ રહેવું પડે છે. હા, નજર ન લાગે એટલે લીંબુ-મરચાં કે ભાગ્યદેવતાને રિઝવવા માટે ઘોડાની નાળ જડવાનું કોઇ ભૂલતું નથી!

રૂપની રાણીઓ હવે શાંત ઝરૂખે નહીં, પણ બાલ્કનીમાં વાટ નિરખે છે! મમ્મીઓ રૂ પિંજાવી, તડકે સૂકવીને ગાદલાં-ઓશીકાં ભરાવીને થાકી ગઇ છે. જૂની સાડીઓમાંથી ગોદડાનાં પડ આધુનિક ઘરની વ્યાખ્યામાં બેસતાં નથી. હવે તો નાનાં છોકરાંવ ડબલ બેડના પેટી પલંગ પર વોશેબલ ગાદલાં-પિલો ખૂંદે છે.

અરે, આપણાં કપડાં પણ કેટલાં બદલાઇ ગયા છે! હવે, ધોતિયું, પંચિયું, કેડિયું, બંડી, ચોરણી, પાઘડી, ચણિયા-ચોળી વગેરે નવરાત્રિએ ‘ટ્રેડિશનલ’ પહેરવાના કામમાં જ આવે છે. હવે પાલવ અડક્યાના વહેમ થતાં નથી, કેમ કે છોકરીઓ પાલવ જ નહીં, સચોડી સાડીઓ જ પહેરતી નથી.

હવે, તો પંજાબી ડ્રેસ, જિન્સ, કેપ્રી-ટી-શર્ટ, એન્ડ ઓલ ધોઝ યુ નો! નાકમાં ‘સાનિયા રિંગ’ પણ હવે આઉટડેટેડ છે, એમાં મોટી નથણી ક્યાં ખોળવા જવી? કાનના ઝુમ્મર ‘ડૂલ્સ’ તરીકે ઓળખાય છે! વાળમાં રિબિન નાખીને કોઇ કોડીલી કન્યા બે ચોટલા વાળીને નીકળતી નથી.

હવે તો બસ, લેયર્સ, સ્ટેપ્સ, કલર્સ, મશરૂમ કટ જેવી હેર સ્ટાઇલ્સ ઇન થિંગ છે! માથામાં તેલ નહીં, જેલ, હેર કલર્સ નખાય! અને હા, માથું ધોવા માટે અરીઠા વપરાય એ ખબર હોય, તો ‘હાઉ બોરિંગ’ અને ‘એનાથી મારાં વાળ ડ્રાય થઇ જાય છે’ પ્રકારના ડાયલોગ્સ બોલીને નિગ્લેક્ટ કરાય છે.

રેડીમેઇડ કપડાંની થપ્પીઓમાં ઘરે દરજીભાઇ આવીને આખા ઘરના કપડાં સિવતાં અને એક તાકામાંથી બધા ભાંડરડાંના એકસરખા કપડાં સિવાતા એવી વાતોના જવાબમાં નવી પેઢી પાસેથી ‘ડોન્ટ ટેલ મી!’ એવા ઉદ્ગાર સાંભળવા મળે!

આવા બધાં તૈયાર થઇને બાઇક પર ધમધમાટ જતાં હોઇએ, ત્યારે કલ્પના પણ આવે, કે એક જમાનામાં છોકરાંવ કોલેજમાં પણ સાયકલ લઇને જતાં અને લ્યુના-મોપેડ તો માલેતુજારોના સંતાનો વાપરતા.

સ્કૂલે જવા માટે ઘોડાગાડી તો નજીકનો જ ભૂતકાળ છે. એ જ રીતે ફિઆટ અને એમ્બેસેડર ગાડીઓ પણ અત્યારની પોશ ગાડીઓમાં મિસફિટ છે. છુક છુક ગાડીનાં સ્ટિમ એન્જિન ગયાં એની સાથે દીવાવાળા સિગ્નલ્સ પણ ગયા.

સરકારી નોકરિયાતને જ દીકરી દેવાય એવો આગ્રહ માતા-પિતાઓ જતો કરવા લાગ્યા છે, કેમ કે સરકારી નોકરીઓ જ દોહ્યલી બની છે. હવે ચકચકિત ઓફિસોમાં પ્રાઇવેટ જોબ થાય છે, જ્યાં બપોરે રંગબેરંગી ટિફિનમાં લંચ થાય છે. એટલે સ્ટીલના અને એલ્યુમિનિયમના ખાનાંવાળા ટિફિન કાં તો અભેરાઇ પર ચડી ગયા છે અથવા તો ભંગારમાં નીકળી ગયા છે.

બળબળતી બપોરે પાણીનાં પરબ, સાંજે ગામના ટાવરમાં નવના ડંકા પડે એટલે ગામના ચોરે નાટક મંડળીઓ, કઠપૂતળીના ખેલ, લોકડાયરા, ભવાઇ, રામલીલા શરૂ થતાં, મેળામાં મદારીના ખેલ, બાયોસ્કોપ, નટબજાણિયા, ફરતી ટોકિઝ.. આ બધું ટીવીના પડદામાં સમાઇ ગયું છે.

મલ્ટિપ્લેક્સ સિંગલ સ્ક્રીન થિયેટરો અને પરિણામે ૧૨-૩-૬-૯ના શો, ગુલાબી-પીળી-દુધિયા ટિકિટો, ‘દસકા બીસ’ બોલીને કરાતી બ્લેક, અપર-બાલ્કની, લાકડી પછાડીને ભીડને કાબૂમાં લેતાં ‘લાલા’.. આ બધી જ રંગતોને ઓહિયા કરી રહ્યો છે.

ખેર, સમય સમયનું કામ કરે. ભલે નવરાત્રિમાં ડિસ્કો ડાંડિયા આવ્યા પણ ઉન્માદ એ જ છે. લાલ કપડાંવાળાં નામાંના ચોપડા ‘ચોપડા પૂજન’માં જ દેખાતાં હોય અને કમ્પ્યૂટરને કંકુ-ચોખા કરાતાં હોય, શ્રદ્ધા હજી એ જ છે. તો બસ, ગયું એને યાદ કરીએ, ને નવાને વધાવીએ!

No comments:

Post a Comment