August 20, 2010

સ્પર્ધા વધતાં રોજગારી માટે શું કરવું?

છેલ્લા એક દાયકામાં આપણા દેશની મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રીએ વાર્ષિક ૮ ટકાના દરે વિકાસ કર્યો અને ૩૧ માર્ચ, ૨૦૧૦ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં દેશની એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (જીડીપી)માં આ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ૧૬.૧ ટકા રહ્યું. આઝાદ ભારતના ઈતિહાસમાં એવું પહેલીવાર છે, જ્યારે દેશના વિકાસમાં મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રીનું યોગદાન કૃષિ ઉદ્યોગથી વધારે રહ્યું હોય. પરંતુ એક ભયાનક આંકડો એ પણ છે કે, દેશમાં રોજગારીના સર્જનમાં મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રીનું યોગદાન માત્ર ૧૨ ટકા રહ્યું.

આવું શા માટે? ખરેખર પૂરતા શ્રમિકો મળતા હોવા છતાં ભારતીય મેન્યુફેકચરર આ મુદ્દે કરકસરભયું વર્તન રાખે છે. થોડા દિવસ અગાઉ મને પુણેના સૌથી મોટા ઉધ્યમી અને ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણીને મળવાની તક મળી. તેમની કંપની એંશીના દાયકામાં પ્રતિ શ્રમિકના હિસાબે ૮૦૦-૧૦૦૦ રૂપિયા માસિક વેતન ચૂકવતી હતી. આજે આ જ કંપની સરેરાશ ૨૨,૦૦૦-૩૧,૦૦૦ રૂપિયા માસિક વેતન આપે છે.

આજે તેમની કંપનીને સવૉધિક સક્ષમ કંપનીઓમાં ગણવામાં આવે છે. ભારત ફોર્જે તકનિકમાં કરોડોનું રોકાણ કર્યું, જેનાથી ઉત્પાદનની સાથે શ્રમિકોની ક્ષમતા પણ વધી. ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલી દરેક કંપની આવું કરી રહી છે. આ વાતની બીજી બાજુ એ છે કે, ચીનની શ્રમશક્તિ મોંઘી થઈ રહી છે. જો દુનિયાનાં પ્રોડક્શન હાઉસ કે મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રીઝ તે દેશમાંથી નીકળવાનું વિચારે તો આટલી વિશાળ શ્રમશક્તિ પૂરી પાડતો બીજો દેશ ભારત જ છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)નું અનુમાન છે કે, વર્ષ ૨૦૨૦ સુધી ભારતીય શ્રમશક્તિ ૮ કરોડ સુધી પહોંચી જશે. કેટલાંક અગ્રણી બિઝનેસ અખબારોએ ચેતવણી આપી છે કે, આ તમામ ૮ કરોડ લોકોને રોજગારી આપવી તે દેશ માટે એટલું સરળ નહીં હોય. હવે તથ્ય નીકળે છે કે, આવનારાં વર્ષોમાં સ્પર્ધા હજુ વધશે. આ સ્થિતિમાં સારા કામદારોને જ રોજગારી મળશે.

જોકે આંકડા તમે વિચારો છો એટલી ખરાબ તસવીર રજુ નથી કરતા. આખરે તે લોકો જ પ્રભાવિત થશે જે ભણેલા-ગણેલા તો છે, પરંતુ કોઈ રોજગારને લાયક નથી એટલે કે શિક્ષણ અને શ્રમશક્તિ બંનેની ગુણવત્તાની બાબતમાં ઊતરતા છે.

ફંડા એ છે કે, જો તમે લોકો રોજગારને લાયક બનવા માગો છો તો તનતોડ મહેનત માટે તૈયાર થઈ જાઓ અને ગુણવત્તાપૂર્ણ પ્રોડકટ રજુ કરો.

No comments:

Post a Comment