August 20, 2010

યોગ્ય દિશામાં યોજનાબદ્ધ વિકાસ એટલે જ સફળતા

વિકસવું અને વધવું એ પ્રકૃતિ દ્વારા કુદરતે આપણને શીખવેલું જ છે. જે રીતે એક બીજ વિકાસ પામીને એક છોડ, વૃક્ષ કે પછી મોટું વટવૃક્ષ બની શકે છે, તેવી જ રીતે આ પૃથ્વી પર જન્મ લેનાર કોઇ પણ બાળક સ્વ-વિકાસ દ્વારા એક આદર્શ વ્યક્તિ, ર્દષ્ટાંતરૂપ વિભૂતિ કે પછી મહામાનવ પણ બની શકે છે. વિકાસ એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે અને સાચું માનો તો, વિકાસ કરવા માટે આપણને કોઇ તાકાત રોકી શકતી નથી, સિવાય કે આપણી પોતાની ગેરમાન્યતાઓ કે પછી ઘર કરી ગયેલી લઘુતાગ્રંથિ. યોગ્ય દિશામાં કરેલ યોજનાબદ્ધ વિકાસને જ સફળતા ગણી શકાય. અચાનક કે ક્યારેક મળેલી સફળતા એ માત્ર એક ઘટના છે.

હું ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી મારા ઘરે એક સાઇકલ પણ ન હતી અને શિક્ષણ બાબતે આખા કુટુંબમાં સાતમું ધોરણ પાસ કરનાર હું પહેલો હતો. હવે તમે જ કહો, આવી સામાન્ય પરિસ્થિતિમાં જોરદાર ઉચ્ચ ડિગ્રીઓ વગર કમ્પ્યૂટર ક્ષેત્રે આગળ વધવું, એટલું જ નહીં, કમ્પ્યૂટર વિષયનું અધ્યાપન કરવું, કમ્પ્યૂટર અંગેનાં પુસ્તકોના લેખક થવું, વિદ્યાર્થી તેમજ વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તેમજ વ્યક્તિત્વ વિકાસ અંગેના સેમિનાર યોજવા તેમજ વકતા બનવું, સ્ટેજ અને ટી.વી. પર્સનાલિટી બનવું કેટલું બધું અશક્ય લાગે... પરંતુ, પરિસ્થિતિને પલટાવવા માટે કંઇક કરી બતાવવાની તમન્ના, સ્વ-પ્રેરણા અને આત્મવિશ્વાસ વિષય માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ એવી ‘કુદરત યુનિવર્સિટી’ની પીએચ.ડી.ની ડિગ્રી મારી પાસે હતી.

મેં જ્યારે ‘નથિંગ ઇઝ ઇમ્પોસબિલ’ વાક્ય સાંભળ્યું હતું ત્યારે મને પણ પહેલાં તો એમ લાગેલું કે, એ તો કદાચ વાત વાતમાં કોઇએ બોલી નાખ્યું હશે... પરંતુ અશક્ય લાગતી અનેક બાબતોમાં પ્રયત્નપૂર્વક સફળતા મેળવ્યા પછી આટલા અનુભવે હવે ચોક્કસપણે હું એ કહી શકું કે, ‘રિયલી, નથિંગ ઇઝ ઇમ્પોસબિલ.’ જો કે, ટીવ કે ફિલ્મોની રીલ લાઇફની જેમ રિયલ લાઇફમાં સફળતા કંઇ રાતોરાત મળતી નથી. કારકિર્દીના શિખર પર ઝડપથી પહોંચવા માટે જરૂર છે સાચી દિશા શોધવાની.

જીવનમાં સાચી દિશામાં આગળ વધવા માટે સૌથી પહેલા તો પોતાનામાં પડેલી શક્તિઓ અને આવડતોને ઓળખી કાઢવી જોઇએ. એવું કહેવાય છે કે, દરેક વ્યક્તિમાં કુદરતે કોઇક ને કોઇક વિશેષતા મૂકી જ હોય છે. બસ જરૂર છે એને ઓળખી કાઢવાની. એ માટે આપણા પોતાના ગમા-અણગમા અને કોઇ ચોક્કસ પ્રવૃત્તિ સાથેના લગાવ અંગે જાતે વિચારી આપણી નજીકના હિતેચ્છુઓ સાથે ચર્ચા કરીને પણ જાણી શકાય.

આપણી આવડતોને ઓળખ્યા પછી એ દિશામાં રહેલી શક્યતાઓ, તકો અને તે ક્ષ્ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને જાણવી જોઇએ. જુઓ, દરેક ક્ષ્ક્ષેત્રમાં અનેક તકો પડેલી જ હોય છે. જોકે, આપણને અનુકૂળ તક મળવી એ નસીબની વાત છે પરંતુ આપણા માટે અનુકૂળ તકને ઊભી કરવી એ દીર્ઘદ્રષ્ટિ, મહેનત અને આવડતની વાત છે. તક મળવી એ એક વાત છે અને એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો એ બીજી વાત છે. તક તો ઘણાંને મળતી હોય છે પરંતુ મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવનાર વ્યક્તિ જ સફળતાનો હકદાર બને છે.

આપણને ગમતા ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓને મળીને સફળ વ્યક્તિ સફળ કેવી રીતે બની તે જાણી શકાય અને એ રીતે આ ક્ષ્ક્ષેત્રમાં આગળ વધવાની અનુકૂળતા, અવરોધો અને પરિસ્થિતિનો તાગ મેળવીએ તો સફળતાના માર્ગને થોડો સરળ બનાવી શકાય. સફળ વ્યક્તિઓમાંથી જે વ્યક્તિ આપણને અભિમાની કે નાસીપાસ કરતા લાગે તો તેનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

જોકે આવા અભિમાની લોકોના અભિમાનને ચકનાચૂર કરી દેવાનો સંકલ્પ કરીને આપણે ધારીએ તો સફળ થવાનો પાયો પણ રચી શકીએ. સફળ વ્યક્તિઓમાંથી કોઇ યોગ્ય વ્યક્તિને મનમાં રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત કરી તેમની ખૂબીઓ, ખાસિયતો તેમજ કાર્યશૈલીને જાણીને તેને આત્મસાત્ કરવાની કોશિશ કરીએ અને આ કોશિશને સતત જારી રાખીએ તો એક દિવસ ચોક્કસપણે આપણે પણ નક્કી કરેલા સ્થાને પહોંચવામાં સફળ રહીશું તેવું હું દ્રઢપણે કહી શકું.

સફળતા મેળવવા માટે નિષ્ફળતાઓનો સામનો કરવાની તૈયારી તો રાખવી જ પડે પણ સાથે એક વાતને ખાસ યાદ રાખવી કે કોઇપણ નિષ્ફળતા ક્યારેય કાયમી નથી હોતી અને કોઇ સફળતા આખરી નથી હોતી. સફળતા એ મંજિલ કે મુકામ નહીં પરંતુ ખરેખર તે એક સતત ચાલતો પ્રવાસ હોવો જોઇએ. એટલે કે એક સફળતા મેળવીને આપણે જો અટકી જઇએ તો લોકો તેને આપણી સફળતા નહીં પણ એક ઘટના ગણશે. એક સફળતા પછી બીજી અને બીજી સફળતા પછી ત્રીજી એમ એક પછી એક સફળતા મેળવી આગળ વધીએ ત્યારે સમાજ આપણને સફળ વ્યક્તિ ગણે છે. નાની ઉંમરમાં વિશ્ચના સૌથી ધનાઢય વ્યક્તિ બની શકનાર બિલ ગેટ્સ એમની સફળતાઓની હારમાળા સર્જવા માટે કહેલું કે, ‘મને મળેલી સફળતાઓના મૂલ્યાંકનમાં હું ક્યારેય સમય બગાડતો નથી, પરંતુ હજુ કઇ સફળતા મેળવવાની બાકી છે તેના પર વિચાર કરું છું.’

તમારા ક્ષેત્રે વિકાસની તકો ધરાવતા સ્વર્ણિમ ગુજરાતમાં, ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ. આપણી આવડતોને ઓળખીએ, શક્યતાઓને શોધી કાઢીએ અને ચોક્કસ ધ્યેય નક્કી કરી આગળ વધીએ...વધતા રહીએ.

No comments:

Post a Comment