August 18, 2010

પુસ્તકો બોલે છે, પણ...

એક માણસ બહુ વાંચે. આખો દિવસ, બસ વાંરયા જ કરે. વાંચવા આડે પત્ની સાથે પણ ખાસ બોલે નહીં. ખપપૂરતી જ વાત. પાછો શાણોય એવો કે પત્ની ચૂપ હોય ત્યારે તેની ચૂપકીદીમાં ખલેલ ના પહોંચાડે. અરીસા સામે બેસીને પત્ની વિચાર્યા કરે કે ચોપડીમાં એવું તે શું બળ્યું છે તે મારા જેવી સુંદર બૈરી સામે નજર માંડવાને બદલે આ મૂરખ આખો દિવસ પુસ્તકોના જંગલમાં આથડાયા કરે છે.

એક દિવસ પતિની ગેરહાજરીમાં તેણે કબાટમાંથી પુસ્તકો કાઢીને ઉથલાવવા માંડ્યા. એક પછી એક પુસ્તક તેણે ફરસ પર પટકવા માંડ્યું. પતિ ઘરે આવ્યો ત્યારે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડતાં તેણે ફરિયાદ કરી : ધીઝ બુક્સ... ધે ડુ નોટ ટોક, વિથ મી... ધે ડુ નોટ ટોક વિથ મી...

આ પરથી કહી શકાય કે પુસ્તકો બોલતાં હોવાં જોઇએ, પણ તેમને સાંભળવા આપણી પાસે કાન નથી. કોઇકે મજાકમાં ટકોર કરી છે કે મારી લાઇબ્રેરીમાં ગાંધીજી-ન્હાનાલાલ, નર્મદ-દલપત, મડિયા-બ્રોકર, શિવકુમાર-બક્ષી, બધા છે, એમને હું બાજુ-બાજુમાં રાખું છું, તોય એ લોકો કોઇ દિવસ અંદરઅંદર ઝઘડતા નથી. સંપીને રહે છે.

આ વર્ષ આપણે પુસ્તક પર્વ તરીકે ઊજવી રહ્યા છીએ. એટલે આજે આપણે પુસ્તકોની અને તેની આસપાસની દુનિયામાં લટાર મારીશું.

જૂના જમાનામાં આપણી પ્રજા બે ભાગમાં વહેંચાયેલી હતી. જેની પાસે મબલક રૂપિયા હતા એવા લોકો બુદ્ધિ મેળવવાના લોભમાં પુસ્તક ખરીદતા અને જેની પાસે સિલકમાં બુદ્ધિ વધારે હતી તે ધનિક પાસે પુસ્તક ખરીદાવતો ને પોતે આરામથી વાંચતો. એ વખતે એક કહેવત ચાલતી કે મૂરખાઓ ચોપડીઓ ખરીદે છે તે ડાહ્યાઓ વાંચે છે.

જોકે નસીબદાર પ્રજાનો વાચનશોખ, વાંચવાની લતની કક્ષાએ પહોંચી જાય છે- તેમનો પુસ્તકપ્રેમ ઊધઇ જેવો બની જાય છે. કહે છે કે વિશ્વયુદ્ધ વખતે બોમ્બમારો ચાલુ હતો ત્યારે બ્રિટનમાં એક પ્રોફેસર પોતાનાં પુસ્તકો સલામત જગ્યાએ ખસેડતો હતો. આ રીતે પુસ્તકો બચાવતો જોઇને કોઇકે તેને પૂછ્યું : અત્યારે ઇંગ્લેન્ડને બચાવવાને બદલે તમારાં પુસ્તકો બચાવી રહ્યા છો?’ તેના અવાજમાં ઠપકો હતો. જેના ઉત્તરમાં પ્રોફેસરે જણાવ્યું : પુસ્તકો નહીં હું ઇંગ્લેન્ડને બચાવી રહ્યો છું.

પણ આપણે ધારવાનું છે. હવે ધારો કે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે, અમદાવાદ પર બોમ્બાર્ડમેન્ટ ચાલતું હોય ત્યારે મારી લાઇબ્રેરીના મારાં તેમજ સુંદર ગુજરાતી પુસ્તકોનું હું સ્થળાંતર કરતો હોઉ ને એ વખતે કોઇ અવળચંડો મારી પાસે આવીને મને પૂછે કે અમદાવાદ જ નહીં, આખા ગુજરાત પર બોમ્બ ઝીંકાઇ રહ્યા છે, ત્યારે તમે ગુજરાતી સાહિત્યને બચાવવા નીકળ્યા છો?- ખરા છો તમે!

ને જવાબમાં હું નમ્રતાથી જણાવું કે આવા ટાણે જ ગુજરાતી સાહિત્યને સાચવી લેવાનો મારો ધર્મ છે- આ પણ એક પ્રકારની સાહિત્ય-સેવા જ છે, તો પેલો મને તરત જ સંભળાવશે કે ભલામાણસ, તમને જો ગુજરાતી સાહિત્યની સેવા કરવાની સાચે જ પડી હોત તો તમે કયારનુંય લખવાનું બંધ કરી દીધું હોત, છેલ્લાં પંચાવન વર્ષથી ગુજરાતી સાહિત્યને તમે બાનમાં લઇને બેઠા છો, તમને કોઇ કહેનાર જ નથી કે હવે તો અટકો!ગુજરાતી સાહિત્ય પરિષદના આ પૂર્વ પ્રમુખને આવું બધું સાંભળવું પડત.

અન્ય રાજ્યો અને ભાષાઓના મુકાબલે આપણો લવ ફોર બુકસ ઓફ એકાઉન્ટ્સ- ચોપડા-પ્રેમ- ચોપડી-પ્રેમ સુધી જઇ શક્યો નથી એવું મહેણું આપણા માથે છે. જોકે આ લખનાર એ મહેણા સાથે ખાસ સંમત નથી. માણસ પુસ્તક ખરીદીને વાંચતો હોય તો જ તેને સાચો પુસ્તક પ્રેમી ગણવો. કદાચ એટલે તો પુસ્તકો માટે કહેવાયું છે કે કેટલાક લોકો પુસ્તકો ઉછીના મેળવે છે, કેટલાક ચોરી લે છે, બાકીના લેખક પાસેથી ભેટમાં મેળવી લે છે.

આ જ કારણે પુસ્તકની ચોરીને કોઇ ચોરી ગણતું નથી. પુસ્તકની ચોરી તે કંઇ ચોરી કહેવાય! જેને વાંચવાનું વ્યસન છે એવા કોઇ પણ પુસ્તક-ધેલાની અંગત લાઇબ્રેરી પર છાપો મારવામાં આવે તો એમાંથી બીજાઓ પાસેથી વાંચવા લાવેલાં ને પરત નહીં કરેલાં અનેક પુસ્તકો મળી આવશે. જાણતાં કે અજાણતાં માણસ અન્યનાં પુસ્તકોથી પોતાની લાઇબ્રેરી સમૃદ્ધ કરતો હોય છે.

કેટલાક વાચકોને ઉત્તમ પુસ્તકોની તલાશ હોય છે. એ રીતે સુંદર પુસ્તકોને પણ આદર્શ વાચકોની ગરજ રહેતી હોવી જોઇએ. મેં એવા ઘણા વાચકો જોયા છે જે સારાં પુસ્તકો મેળવવા હંમેશાં તત્પર હોય છે-મહદંશે સ્કોલરશિપના ધોરણે. આ કારણે કોઇ મજાના પુસ્તકની જાહેરમાં પ્રશંસા કરવામાં કોઇકવાર જોખમ ઊભું થાય છે.

એક મેગેઝિનની મારી કોલમમાં એક વાર મેં પ્રોતિમા બેદીની આત્મકથા ટાઇમપાસનાં વખાણ કર્યા. પુસ્તકો વિશે લખનાર જે તે પુસ્તક વાંચીને જ લખતો હશે એવી શ્રદ્ધાવાળા એક મિત્રે મને ફોન કર્યો: જે ચોપડી વિશે આ વખતના અંકમાં તું વરસી ગયો છે એ તો તારી પાસે હશે જ, નથી એવું ના કહેતો પાછો. તારા દીકરા જોડે પહોંચતી કરને!

ત્યારે હું સેલ્સટેક્સની પ્રેક્ટિસ કરતો. એક સેલ્સટેક્સ ઓફિસરે મને બોલાવીને કહ્યું : તમારી એકાદ જૂની ચોપડી-બોપડી પડી હોય તો આપજોને, જરા!આમ તો માલના વેચાણ પર જ લાગતા વેરાને વેચાણવેરો કહેવાય છે. કિન્તુ કેટલીવાર તો વેચાણ ના થતું હોય એવી ચીજ પર પણ સેલ્સટેક્સ લાગી જતો હોય છે.

પણ મને એમ કે ચાલો, આ બહાનેય આ પ્રકારના માણસો કશું વાંચતા હોય તો સારું, તેમની સદ્ગતિ થશે. મેં પૂછ્યું : તો સાહેબ, તમને વાંચવાનો શોખ ખરો?’ ‘શોખ તો શું, પણ રાતે ચોપડી હાથમાં પકડું, બે-ચાર પાનાં ફેરવું-ના ફેરવું ને ઊઘ આવી જાય છે.તેમણે ખુલાસો કર્યો. ને તોય મેં તેમને મારું પુસ્તક ભેટ આપ્યું. એ વાંચીને ભલે વાંચનાર હસી ના શકે, ઊઘી શકે તો પણ ક્યાંથી!- આપણું પુસ્તક ઊઘની દવા-ટ્રાંકિવલાઇઝર તરીકે ખપમાં આવે છે એવો પ્રચાર થતાં ક્યારેક તો તે કેમિસ્ટની દુકાને મળશે! અને ઘરાક પ્રકાશક પાસે માગે છે એવું કમિશન કેમિસ્ટ પાસે તો નહીં માગે!

લેખક બન્યા હોઇએ એટલે પ્રસિદ્ધિની ભૂખ ભાંગવા આપણા પુસ્તકોની છુટ્ટે હાથે લહાણી કરવી પડે તો જ પ્રજામાં છવાઇ જવાયને! એક પ્રોફેસર, ગુજરાતીના પ્રોફેસરને મેં મારું પુસ્તક તેમનું નામ લખીને તેમને સપ્રેમ ભેટ આપ્યું. ભેટ આપ્યાના બીજા અઠવાડિયે મારા કાકાના દીકરાએ એ પુસ્તક મારા હાથમાં મૂકયું.

મેં તેને પૂછ્યું : આ પુસ્તક પ્રોફેસરે પરત મોકલ્યું? મેં તેમને માત્ર વાંચવા નહીં, સપ્રેમ ભેટ આપેલું...’ ‘તેમણે નથી આપ્યું. કાકાના દીકરાએ હસતાં હસતાં ચોખવટ કરી : આ પુસ્તક મને ગુજરીમાંથી મળ્યું, ફક્ત બે રૂપિયામાં.’ (આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે કાકા-મામાના સુપુત્રો એમાંથી અનેરો આનંદ મેળવતા હોય છે). આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે રાજકારણમાં પડ્યા છે કે રાજકારણ તેમનામાં પડ્યું છે એ સંશોધનનો વિષય છે, કિન્તુ પૂર્વાશ્રમમાં તે નિર્ભેળ કવિ-વાર્તાકાર હતા એટલે ગુજરી, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદ શું છે એની તેમને પાકી ખબર છે. ગુજરાતી પ્રજાની નાડ પણ તે પારખી ગયા છે એટલે માત્ર ને માત્ર આ જ કારણોસર સ્વિર્ણમ ગુજરાત નિમિત્તે તેમણે સૂત્ર આપ્યું છે : વાંચે ગુજરાત, પ્રજાને તે કહે છે કે તમે પુસ્તકો વાંચો. પુસ્તકો ખરીદો અને વાંચો એવું ભારપૂર્વક નથી કહેતા- તેમને ખબર છે કે પ્રજા બેવડો માર નહીં ખમી શકે. તમને ગમતું હોય એ પુસ્તક વાંચો. પછી ભલે તે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ હોય તો પણ વાંચો. બસ, વાંચો એ જ મહત્વનું છે.

નરેન્દ્રભાઇ, તમારા કિસ્સામાં તો આજપર્યંત જે કંઇ ખરાબ લખાયું છે તેની પ્રજાને જાણ છે. પરંતુ જો તમે જ ઊઠીને તમારી વિરુદ્ધ કોઇ પુસ્તક લખો તો શકય છે કે પ્રજા પોતાની જૂની, ખરાબ ટેવ છોડીને એ પુસ્તક ખરીદીને હોંશે હોંશે વાંચશે- એ જોવા કે આ માણસ ખુદના વિશે કેટલું જાણે છે! જો લખો તો એ પુસ્તકનું નામ રાખજો : ન.મો. વર્સિસ ન.મો.આમ તો આપણી અંદર બેઠેલો માણસ જ આપણો સૌથી મોટો શત્રુ હોય છે.


No comments:

Post a Comment