August 18, 2010

તમારા જીવનની સ્ક્રિપ્ટ બીજાને લખવા ન દો


તમારાં માબાપે લખેલી પટકથા (સ્ક્રિપ્ટ) પ્રમાણે હંમેશાં જીવશો નહીં. માબાપની ડાહી સલાહને પણ તમારી બુદ્ધિથી ચકાસજો.

ઐસે ખીલતે હૈ ફૂલ ફાગુન મેં

લોગ કરતે હૈ ભૂલ ફાગુન મેં

ધૂપ પાની મેં યું ઉતરતી હૈ

ટૂટતે હૈ ઉસૂલ ફાગુન મેં

સૂર્યભાનુ ગુપ્ત

(કાવ્યસંગ્રહ : એક હાથ કી તાલી)

૨૧મી સદીમાં માબાપે પણ સંતાનોને તેમની લાગણીઓ અને બુદ્ધિને માન આપવું અનિવાર્ય છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહેલું કે જે માણસ કદી જ ભૂલ કરતો નથી તે ઘણો ક્રૂર હોઈ શકે છે. તેનાથી ડરતા રહેજો. બરાબર ૧૦૦ વર્ષ પહેલાં જન્મેલા કવિ કથાલેખક માલ્કમ કલેરેન્સ લાઉરીએ પણ કહેલું કે તમે સતત સાવચેતી રાખીને માબાપ કે બીજાની વધુ પડતી ડાહી શિખામણ માનશો તો બહુ આગળ નહીં વધો. સાવચેતીથી ડગલાં ભરનાર પર વિશ્વાસ ન રાખતા. જે જીવનમાં કૂદી અવનવી પ્રવૃત્તિ હાથ ધરે છે તે જ સિદ્ધિ મેળવે છે.

માલ્કમ લાઉરીને એક આંખે ફલું પડતા તેને સલાહ અપાઈ કે તેણે ટ્રેનની સફર ન કરવી. માલ્કમ લાઉરી તો તેનાથી ઊલટો જઈને વિશ્વ પ્રવાસ માટે જહાજમાં નીકળી પડ્યો. શરૂમાં ચીન જતી સ્ટીમરમાં એક કેબિનબોય તરીકે પીરસણિયો બન્યો પછી અમેરિકન સ્ત્રીના પ્રેમમાં પડયો. એ વખતે કોઈએ લગ્નમાં સાવચેતી રાખવા કહ્યું એટલે બીજી સ્ત્રીના પ્રેમમાં પડી તેની સાથેય લગ્ન કયાô. એ પછી એક જંગલમાં બન્ને પત્ની સાથે રહ્યો.

પાંચ પાંચ આવૃત્તિવાળું એક પુસ્તક નામે સ્ક્રિપ્ટસ પીપલ લિવ બાયઅમેરિકાના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડો. કલોડ સ્ટેઈમરે લખેલું. તેની પાસે આવતી યુવતીઓ કે યુવાનો માનસિક રીતે બીમાર રહીને પ્રગતિ કરતાં નહોતાં. મોટા ભાગના યુવાનો તેમનાં માબાપે તૈયાર લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે જીવતા હતા.

એ તમામનો ડોકટરે આત્મવિશ્વાસ દ્રઢ કરી તેના જીવનની પટકથા તેમણે પોતે જ કંડારવી તેવી સલાહ આપી. તેથી ઘણા દર્દીસાહસિક બની સફળ વેપારી થયા. ધીરુભાઈ અંબાણી જો માસ્તર હીરાચંદની સ્ક્રિપ્ટ પ્રમાણે જીવ્યા હોત તો માત્ર પંતુજી બનત. સુભાષચંદ્ર બોઝ ગાંધીજીની સ્ક્રિપ્ટ પ્રમાણે જીવવા માગતા નહોતા.

સ્વતંત્રતા પછી કેટલાય બબુચકગણાય તેવા ગાંધીવાદીઓ ગાંધીજીની સ્ક્રિપ્ટ પ્રમાણે જીવે છે તે એક ડગલું આગળ વઘ્યા નથી.

ડો. કલોડ સ્ટેઈનરે સ્ક્રિપ્ટસ પીપલ લિવ બાયલખ્યું તે તેણે ડો. એરિક બર્નનું પુસ્તક વાંચીને લખેલું અને એ વાંચ્યા પછી બળવાખોર બની જીવ્યા. ડો. એરિક બર્નએ ગેઈમ્સ પીપલ પ્લેનામનું પુસ્તક લખેલું.

તેમણે યુવાનો તેમ જ રોમેન્ટિક જીવન ઈચ્છતી યુવતીઓને ઉદ્દેશીને કહેલું કે તમારા જીવનમાં ત્રણ મૂળભૂત વાતો ઘ્યાનમાં રાખજો. તમારાં માબાપે લખેલી પટકથા (સ્ક્રિપ્ટ) પ્રમાણે હંમેશાં જીવશો નહીં. માબાપની ડાહી સલાહને તમારી બુદ્ધિથી ચકાસજો.

યુવાન તરીકે તમારામાં સ્પોન્ટેનિટી હોવી જોઈએ. અવેરનેસ અને ઈન્ટિમસી હોવી જોઈએ. જે કોઈ મૌલિક વિચાર આવે તેનો તત્કાળ અમલ કરવો. સદાય જાગૃત રહેવું અને ઈન્ટિમસી એટલે કે કોઈ સાથે આત્મીયતા બાંધતા ગભરાવું નહીં. આજનાં માબાપો કે વડીલો તમારા જીવન સાથે તો ખેલ કરે છે. તેથી તમારું જીવન લવલેસ બને છે.

વ્હોટ એવર ઈઝ ટોટ ઈન ધ ફેમિલી ઈઝ ઓપ્રેસિવ. તમારું કુટુંબ જે કાંઈ શિખામણો આપતું હોય છે તે તમારા સાહસિક સ્પિરિટને દાબી દે છે. આપણે ઉપર લખેલા ત્રણ સુવર્ણ નિયમો છે તેને અનુસરવું. બધું જ સલામત રાખીને તમે ધબકતું જીવન જીવી ન શકો. આ દુનિયામાં પાગલ લાગતા કે ધૂની લોકો ન હોત તો દુનિયા આગળ વધી ન હોત.

વિલ્હેમ બીચ નામના સેક્સોલોજિસ્ટે ઉપરના બે વિદ્વાનોની વાતને આગળ વધારીને કહ્યું છે કે સેક્સુઅલ રિપ્રેશન થકી કેટલાય ડાહ્યા ખ્રિસ્તી પાદરીઓ, હિન્દુ પ્રવચકો અને ગાંધીજી જેવાએ ઊલટાના બનાવટી બ્રહ્મચર્યવાળા દંભી પેદા કર્યા છે. જેમ ઓથોરિટેરિયન સરકારવાળો દેશ આગળ વધતો નથી તેમ ઓથોરિટેરિયન માબાપનાં સંતાન બહુ આગળ જતાં નથી.

એડવર્ટાઈઝિંગના મોડર્ન વિચારના પિતામહ ડેવિડ ઓગિલ્વીએ યુવાનોને સૂત્ર આપ્યું-બેટર ટુ રેઈન ઈન હેલ ધેન સર્વ ઈન હેવન. નરકમાં તમે તમારા રાજા બનો તે બહેતર છે. સ્વર્ગમાં દાસ બનીને જીવવામાં મજા નથી. સ્વતંત્ર કારકિર્દી ઘડો. જૈન વણિકો, કચ્છીઓ, ભાટિયાઓ, લોહાણાઓ અને રાજસ્થાની શું કામ અબજપતિ બને છે?

કારણ કે તે સ્વતંત્ર ધંધો કરવામાં માને છે. કવિ સૂર્યભાનુ ગુપ્ત ઉપરની કવિતામાં કહે છે કે કોઈ પ્રેમીજીવને ફાગણ મહિનામાં કશીક સુહાની ભૂલ કરવાની તો છૂટ આપો. ફાગણ મહિનામાં થોડાક ઉસૂલ તોડવા દેવામાં તમારું શું જાય છે?

લેખક તરીકે હું બળવાખોર બન્યો અને બેન્કનો ઓફિસર બનવાને બદલે પત્રકાર બની શકયો. અમને કાઠિયાવાડમાં એક લોકગીત સતત સાંભળવા મળતું સંગડો ના કરીએ રે મારા પરદેશી પાંદડા.આ ગીત ગાવા માટે અને પ્રેમમાં પડનારને લાલ વાવટી દેખાડવા બરાબર હશે પણ તેની પંક્તિથી ઊલટા જીવવાનું જ જેણે રાખ્યું છે તેણે કંઈક મેળવ્યું છે.

સંગ અને નિ:સંગ એ બે શબ્દો છે. સૌરાષ્ટ્ર-ગુજરાત એ બંનેની સંસ્કૃતિ પોઝિટિવ રીતે સંગડાની છે. કુદરતી રીતે પ્રેમમાં પડવાની છે. તે સંગડાનો સંકુચિત અર્થ લેવાયો નહીં. આજે ૨૧મી સદીમાં પણ ગુજરાતી માબાપ તેની પુત્રીઓને તેના મૌલિક વિચાર પ્રમાણે જીવવા દેતાં નથી.

માત્ર થોડી પુત્રીઓ બળવો કરીને જીવનના મેદાને આગળ આવે છે. બાકીની ઘરકૂકડી બનીને સલામત જિંદગીજીવે છે. તેથી ઊચા પદે બહુ ઓછી ગુજરાતણો છે. ખરેખર તો સંગડો કરવાના સંસ્કાર ગામડેથી મળેલા હોય છે.

ગામડામાં બધા જ પ્રેમી હોય છે. વગર કારણે-વગર સ્વાર્થે આફુડા આફુડા પ્રેમ કરતા હોય છે પરંતુ કદાચ કોઈ પ્રેમમાં પડીને દાઝ્યો હશે તેણે સંગડા શબ્દનો ટેકો લઈને સંગડો ન કરવાના કસમ ખાધા હશે. આ ગીત નેગેટિવ નથી સંગડો કરીએ તો જીવનભર સંગડાને નિભાવીએ એવો ભાવ છે.

ઈશ્વરે માનવને પેદા કર્યો ત્યારે તેને કોઈ તૈયાર સ્ક્રિપ્ટ લખી આપી નહોતી. માનવને આજે નિ:સંગ થવું કેમ પાલવે? ભલભલા ઋષિઓ સંગડા વગર રહી શક્યા નથી. ઘણાને ઋષિપત્ની હતી. અમારે ગામડે સાધુ આવે ત્યારે ગામને ચોતરે કે ઝાંપાના ચબૂતરે બેસે. ગામડાના કોળીઓ, વોળાવાયા, પૂજારીઓ અને યુવાનો ભેગા થાય.

હિમાલય બાજુથી બાવો ગાંજો લાવ્યો હોય તેને એક બે જણ ખૂબ ચાખે. તેનું ઝેરકાઢે. બીજા છાણા લાવીને દેવતા (અગ્નિ) પ્રગટાવે. તેમાં બાવળની લાકડાની કટકી મૂકે. એ ધગધગતી કોલસી મળે તે ચિલમમાં ભરે અને પછી સૌ સાથે મળીને ચિલમને વારાફરતી ફેરવે. એક ફૂંક મારે ત્યાં બાર ભવન ખુલ્લાં થઈ જાય?

જાણે સ્વર્ગનું સુખ મળે. વળી તેનું એડિક્શન નહીં. બાવો એકાદ અઠવાડિયું રહી ચાલ્યો જાય પછી ચાર, , સાત, બાર મહિને બીજો બાવો હિમાલયથી ગાંજો લઈને આવે ત્યારે જ ચિલમ ફૂંકવા મળે.
આવા વ્યાસંગ માટે સંગડો કરવો જ પડે.

અલાન સિલિટો નામનો ધુઆંધાર અંગ્રેજ નવલકથાકાર એક ચામડા કમાવનારા મોચીનો પુત્ર હતો. ચૌદની ઉંમરે તે ફેક્ટરીમાં મજૂરી કરતો. ભણ્યો. તેનો પરિચય મલેશિયામાં થયો ત્યાં તે બ્રિટિશ લશ્કરનો રેડિયો ઓપરેટર હતો. તેને ટીબી થયો. તેનાં માતાપિતા અને પાદરીઓએ તેને સંયમના પાઠ ભણાવ્યા પણ તે બળવાખોર બન્યો.

તેણે સેટર ડે નાઈટ એન્ડ સનડે મોર્નિંગનામની નવલકથા લખી. તેમાં એક યુવાન કામદારની વાર્તા હતી. કામદાર ખૂબ ભણ્યો પણ તેને કારખાનાના મજૂર થવું પડ્યું. જીવનને ઘણું દાબી રાખ્યું. તેને શરાબ અને સુંદરીથી દૂર રહેવાનું કહેવાયું પણ શરાબ અને સુંદરીએ જ તેને જીવનનો અનુભવ અપાવ્યો.

નવલકથાકાર અલાન સિલિટો આ લખું છું ત્યાં સુધી જીવે છે. ૮૦ વર્ષની ઉંમરે પણ મારી જેમ ૧૫ કલાક વાચન-લેખન કરે છે. પોતાની વાત તેણે વાર્તાના હીરોને મોઢે બોલાવી છે. મેં તમે સૌએ જિંદગીમાં અનુભવ કર્યો હશે કે તમારા વિશે ઉપલક જાણીને લોકો તમારા વિશે અભિપ્રાય બાંધી દે છે.

તમારા જીવનની પીડાઓ, તમારા માર્ગમાં વડીલો અને સમાજે મૂકેલા રોડાઓ-અવરોધોને પાર કરવામાં તમારી કેટલી બધી શક્તિ હણાઈ છે તે કોઈ જાણતું નથી. અને ખરેખર તમારા વિશે બીજા લોકો જે અભિપ્રાય બાંધે છે તેવા તમે હોતા જ નથી. તમે તો જુદા જ વ્યક્તિ છો.

અલાન સિલિટો સમાજ ઉપર ૮૦ વર્ષે પણ ધુંધવાયેલો રહેલો હતો. તેણે લંડનમાં રહી રોષવાળી નવલ લખી : ધ લોન્લીનેસ ઓફ દ લોંગ ડિસ્ટન્સ રનર.જીવનની દોર ઘણી લાંબી હોય છે અને અમુક વખત તમારે એકલાએ જ દોડવાનું હોય છે. લંડનમાં તે રહેતો હતો ત્યારે માત્ર વાર્તાની સફળતા થકી જ તે થોડો ખાતોપીતો કે બે પાંદડે થયો. પણ બીજા લેખકો તેની ઇર્ષ્યા કરતા. તે લેખકોની આલમની સિસ્ટમ પ્રમાણે જીવતો નહોતો.

બીજા લેખકો જેને ખૂબ ભણવાની સગવડ હતી અને ફાઈવસ્ટાર હાલતમાં જીવતા હતા તેને ખબર નહોતી કે અલાન સિલિટો કેવી દારુણ ગરીબી (એબ્જેકટ પોવર્ટી)માં જીવેલો. એક કાતરિયા નીચે-દાદરા નીચે તે જન્મેલો.
ત્યાં લોકો સવારે કુદરતી હાજતે આવતા. તેની માતા એક દારૂના પીઠામાં નોકરી કરતી અને દીકરાને ઉછેરવા પૈસા માટે નાછૂટકે બીજાને શરીર ધરી દેતી. તેના પિતા અવારનવાર બેકાર બનતા.

સદ્ભાગ્યે અલાન સિલિટોને અર્નેસ્ટ બર્ટન નામનો મિત્ર મળ્યો. અર્નેસ્ટ બર્ટનનાં બાળકો સ્કૂલ-કોલેજમાં ઈનામ જીતતા તે પુસ્તકોરૂપે મળતાં. આ પુસ્તકો વાંચી વાંચીને જ અલાન સિલિટો દુનિયાને જાણી શક્યો. સિલિટોએ ડહાપણનું કામ એ કર્યું કે તેણે બળવાખોર લેખકો સાથે જ દોસ્તી કરી અને વટથી જીવ્યો.

છેલ્લે તેનું જીવન વાંચીને તાજેતરમાં ડો. પીટ મૂરએ સરસ પ્રેરણાદાયી પુસ્તક લખ્યું છે બીઈગ મી : વ્હોટ ઈટ મીન્સ ટુ બી હ્યુમન?’ ડો. પીટ મૂરએ લખ્યું છે કે તમારી જાતને ચારેકોરથી બીજાનાં ધોરણો પ્રમાણે વેતર્યા-છોતર્યા ન કરો. એમ કરશો તો પછી બીજાના ધોરણને અનુરૂપ થતા તમે વેતરાઈ વેતરાઈને હાડપિંજર રહેશો. અખંડ માનવ તરીકે જીવવા તમારે ખંડિત થવું હોય તો તમારી ઇચ્છા પ્રમાણે સ્વમરજીથી ખંડિત થાઓ. એવા ઘાવ સાથે તમે વધુ ક્રિએટિવ બનશો.

No comments:

Post a Comment