August 18, 2010

બડકમદાર બનવાની કળા



મને બહુ ઓછી જવાબદારી આપ તેવું હું માગતો જ નથી પણ તમામ અવરોધોને પાર કરી જાઉ એવી શક્તિ આપ.

ResilienceI ask not for good health But for an alert and discerning mindI ask not that things go my wayBut that I have perseverenceResilience and courgeI ask not for less responsibilityBut for increased strengthMaster Cheng Yen Tzuchi

(ચીની ફિલસૂફ)

ખમ્મા મારા વીરને લઉ વારણાં રે લોલ’’ એ સૌરાષ્ટ્રનું જુનું લોકગીત છે. માતા તેના બાળકને કે દાદી તેના પૌત્રને ગામતરે વળાવે ત્યારે દુખણાં કે ઓવારણા લે છે. ઠેસ વાગે અને બાળક પડી જાય ત્યારે ખમ્મા ખમ્મા મારા વીર એમ કહે છે. અંગ્રેજીમાં આ માટે બહુ સરસ શબ્દ છે. તેને રિસિલિયન્સ કહે છે. આજે ૨૧મી સદીના ઝડપી યુગ અને સ્પર્ધાત્મક યુગમાં તમારી પ્રગતિની ઇર્ષા કરનારો વર્ગ મોટો થતો જાય છે તેને સહન કરવાનો છે.

ડો. જેમ્સ નીલ નામના મનોવિજ્ઞાની કહે છે કે યુદ્ધમાં, સ્પોર્ટસમાં, સાયકોલોજિકલ ઘર્ષણમાં અને પ્રેમ સંબંધોમાં તમારે અવારનવાર પછડાટ ખાવી પડે છે. જાપાનીઝ કવિ માસાહીડે એ રિસિલિયન્સ અંગે લાંબી કવિતા લખેલી તે તો આપણા ગિરનારના બાવા કે નરસિંહ મહેતા કયારના કહી ગયા હતા. કંઈક નુકસાન થાય તો ભલું થયું ભાંગી જંજાળ તેમ કવિ માસાહીડ નરસિંહ મહેતાની જેમ કહેતા. આ કવિએ બે પંક્તિ લખેલી.

Burn is burnt down...Now I can see the moon.

આ સમજવા જેવી પંક્તિ છે. એક ખેડૂતે ઊભા કરેલા કોઠારમાં ઘાસની મોટી મોટી ગંજીઓ ખડકયા કરતો અને બસ, કોઈની પરવા ન કરતો. એક દિવસ આ બધા કોઠાર અને ઘાસની ગંજ બળી ગયાં. ત્યારે તેણે રોદણાં રોવાને બદલે કહ્યું ભલું થયું આ ગંજ બળી ગયા હવે હું ચંદ્રને જોઈ શકું છું.તાત્પર્ય કે માનવના જીવનમાં બધું સમુસૂતરું ચાલતું હોય ત્યારે તે આજુબાજુની સૃષ્ટિ કે દુનિયાને જોઈ શકતો નથી. એક વખત જો પરાજ્ય આવે કે પતન થાય તો પછી એને રિસિલિયન્સ એટલે શું તેની અક્કલ આવે છે.

રિસિલિયન્સ એટલે લચનશીલતા, લચીલાપન, પ્રતિ સ્કન્દન, ઉભરને કી શક્તિ, પડી ગયા પછી બેઠા થઈ જવાની શક્તિ, પુનરુત્થાન અને તકલીફોમાં સ્વસ્થ રહેવું વગેરે. આપણને ગીતામાં તો કૃષ્ણ ભગવાને ગેરંટી આપી છે-યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિરભવતિ ભારત... એમ કહીને જ્યારે જ્યારે જગતમાં અનિષ્ટો વધી જાય ત્યારે કૃષ્ણે જન્મ લેવાની ગેરંટી આપી છે. પણ આજે તમે ૨૦૧૦ની સાલના ચાર મહિના લો.

ચારેકોર કેવો ધનનો લોભ, રાજકારણમાં ભ્રષ્ટાચાર, ક્રિકેટ અને ફૂટબોલની રમતમાં દુરાચાર, ઓફિસોમાં અને રાજકારણીઓની કેબિનોમાં સેક્સાચાર, કંપનીઓની છેતરપિંડી, આવકવેરા અધિકારીનો ધનલોભ, આડા સંબંધો, ટીનેજરોના કાચી વયે યૌન સંબંધો, મા-બાપોને ઘરડાઘરોમાં ધકેલવાની સંતાનોની ધગશવગેરે જોઈને લાગે કે ખૂબ બેહિસાબ ધર્મની ગ્લાનિથઈ છે. પણ કૃષ્ણ ભગવાનની ધર્મની ગ્લાનિની અવધિની વ્યાખ્યા શું છે તે આપણે જાણતા નથી.

એમ લાગે છે કે કૃષ્ણ ભગવાને પોતે જ હાથ ધોઈ નાખ્યા છે. કદાચ સૂઈ ગયા છે. જો આવું હોય તો તો વધુ સારું છે. માત્ર કૃષ્ણ ભગવાને અર્જુનને એક જ વધુ શબ્દ કહેવો હતો રિસિલિયન્સ. હું ચારેકોર ધર્મચ્યુતતાને પહોંચી નહીં વળું એટલે હે માનવ! ૨૧મી સદીમાં તું જ તારો પોતાનો કૃષ્ણ બની જા. ખમ્મા મારા વીરકહેનારી માતા ન હોય તો તું જ તને પોતાને ખમ્મા ખમ્મા કહીને લૂગડાં ખંખેરીને બેઠો થઈ જજે.

ચાઇનીઝ કવિ ત્ઝુચીએ ઉપરની કવિતામાં ઈશ્વરને કહ્યું છે કે હું કાંઈ તારી પાસે શરીરનું કાયમી આરોગ્ય માગતો નથી પણ હે ભગવાન! મને એકદમ જાગૃત મન આપ. ડિસર્નિંગ-માઈન્ડ આપ. એટલે કે વિચારશક્તિવાળું મન આપ. વિવેકી મન આપ. મારી તકલીફોને હું ટૂંકી દ્રષ્ટિથી નહીં પણ દીર્ઘદ્રષ્ટિથી જોઉં. હે ભગવાન! કદાચ મારી તકલીફો, તેં મને ઉજળા ભવિષ્ય માટે પણ આપી હોય તેવું બને. હે ઈશ્વર! હે ખુદા! હું ઈચ્છતો નથી કે મારી મરજી મુજબ જ બધું બન્યા કરે.

પણ મારી મરજી વિરુદ્ધ કંઈ જતું હોય ત્યારે ધીરજપૂર્વક અને હિંમતપૂર્વક તે આફતોનો સામનો કરું તેવી શક્તિ આપ. મને બહુ ઓછી જવાબદારી આપ તેવું હું માગતો જ નથી પણ તમામ અવરોધોને પાર કરી જાઉ એવી શક્તિ આપ. આ રિસિલિયન્સ વિશે કવિ રુડયાર્ડ કીપલિંગે પણ સરસ લાંબું કાવ્ય લખ્યું છે. તેની બે પંક્તિ જ અહીં ટાંકું છું. તેણે લખેલું કે જ્યારે તમામ લોકો પરાજયમાં નીચી મૂંડી રાખે કે મિજાજ ગુમાવે ત્યારે હે ઈશ્વર હું મારું માથું ઊંચું રાખી શકું તેવી શક્તિ આપ!

આજે જ્યારે આપણા સૌનો (અપવાદ વગર) ધનલોભ, કીર્તિલોભ, તમારી પ્રતિષ્ઠાના ડંકા ચારેકોર વાગે તેવી એષણા, સતત સેક્સની ભૂખ વગેરે વધી ગયું છે, ત્યારે તો રિસિલિયન્સના ગુણની ખાસ જરૂર છે. સ્વિડન દેશના સ્ટોક હોમ શહેરમાં તો જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રે જે પરાજ્ય, નિરાશ કે પછડાટ ખાધી હોય તેવા માટે રિસિલિયન્સ સેન્ટરઊભું થયું છે. તેમાં સાયકોલોજિકલ-રિસિલિયન્સના પ્રેક્ટિકલ પાઠ ભણાવાય છે. ‘What is psycholiogical-Resillience’ નામનું પુસ્તક પણ ડો. સાલ્વાટોર અને તેની પત્ની ડોબોરાહએ લખ્યું છે.

આજે આપણને કોઈ પણ અભાવો સહન થતાં નથી. મને તો ચાર વર્ષની ઉંમરથી આજે ૭૫ વર્ષ સુધી સફળતા કરતાં નિષ્ફળતાં, વફાઈ કરતાં બેવફાઈ અને સતત સહકાર્યકરોની નાહકની ઇર્ષાનો સામનો કરવો પડ્યો છે. એટલે કૃષ્ણ ભગવાનનો ગીતાનો ઉપદેશ અને કૃષ્ણની જવાબદારી મેં મારા પર લઈ લીધી છે. ૮૦ વર્ષની ઉંમરે સતત રોજ પંદર કલાક કામ કરીને અને રોજ રોજ બેઠો થઈ જઈને રિસિલિયન્સનો સાચો ઘરાક થવા કોશિષ કરું છું-હા કોશિષ કરું છું.

રિસિલિયન્સનો ગમે તેટલા ઉદ્દાત્ત મનોવૈજ્ઞાનિક ઈલાજ બતાવીએ પણ જન્મજાત નિરાશ થવાના, નંખાઈ જવાના, હાથ ધોઈ નાખવાના સંસ્કાર સૌમાં સુતેલા પડ્યા છે. અને આવા સંસ્કાર યુરોપ-અમેરિકામાં વધુ છે. તે તમામ લોકોને રાતત તનમનિયા જોઈએ છે. અમેરિકાનોને યુદ્ધમાં વિજય જ ખપે. શેરબજાર કે અર્થબજારમાં તેજી જ જોઈએ એટલે આજે યુરોપ-અમેરિકા વધુમાં વધુ માનસિક બીમારી ભોગવે છે.

આપણે સગાવહાલાનાં મોત, ક્રોનિક બીમારી (જુની માંદગી) સેક્સની તકલીફો, લાગણીના ધક્કા, કોઈએ દીધેલી ગાળ વગેરેને સહન કરી શકીએ છીએ. છેવટે મોરારીબાપુની કથા કે રમેશ ઓઝાનું ભાગવત સાંભળીને મન મનાવીએ છીએ, પણ અમેરિકનો પાસે તો આવો ઈલાજ નથી. તે બધા બેન્કની લોનો કે ડોલરના થોકડા છે તે લઈને સાયકિયાટ્રિસ્ટ પાસે દોડે છે. ખરેખર તો ઉપર કહ્યું તેમ આપણે જ આપણા કૃષ્ણ એટલે કે આપણે જ આપણા માનસોપચારક બનવાનું છે.

ડો. જહોન ડેવી નામના ફિલોસોફરે ૯૦ વર્ષ પહેલાં કહેલું કે આપણું જીવન જુની ઘરેડ પર ચાલતો ખખડધજ ખટારો બની ન જાય તે માટે કશીક તકલીફો આવે છે, તો જ રિન્યુઅલ્સ આવે છે, તો જ નવચેતનની પ્રક્રિયા શરૂ થાય છે. જન્મથી જ અંધ અને બહેરી હેલન કેલર આ બન્ને ખામીઓને ગાંઠતી નહોતી. નેલ્સન મંડેલા, ગાંધીજી, બમૉની નેતા આંગ સાન સુ કી વગેરે તમામ રિસિલિયન્સના દાખલાઓ છે. એક જુદી જ જાતનો તમને દાખલો આપું છું.

આઈસલેન્ડના જવાળામુખી પછી યુરોપમાં લાખ્ખો ઉતારુ ૧૭ એરપોર્ટોમાં ફસાયા ત્યારે હરેકૃષ્ણપંથના એક યુરોપિયન કૃષ્ણભક્ત કંઈ પણ ઉપાધિ કર્યા વગર એરપોર્ટના ખૂણામાં બેસીને ગૌમુખીમાં રાખેલી માળામાં કૃષ્ણજાપ કરતા રહ્યા અને કોણ જાણે એરલાઈન્સના માણસે તેમને જ પસંદ કરીને કોઈ વૈકિલ્પક રૂટથી તેમને સૌપ્રથમ અમેરિકાથી થઈ મુંબઈ-જુહુ પહોંચાડવાની વ્યવસ્થા કરી. યુરોપના એરપોર્ટ પર ફસાયેલાએ રિસિલિયન્સ રાખી માળા ફેરવ્યે રાખી.

અર્થાત્ ઈશ્વરભક્ત હોય તે માનવ જો ભગવાનનું નામ લે તો તેનું દશે દિશાનું મંગળ થાય છે. અર્થાત્ કંઈ પણ તકલીફમાં રિસિલિયન્સ માટે આપણી આ માળા એક જબ્બર માનસિક ઉપચાર બની જાય છે. મુસ્લિમો તસબી રાખીને ખુદાને સ્મરે છે. કોઈપણ ભાષામાં નામ-જપ કરો તો સરખું જ ફળ મળે છે. જેનો જપ-ઉચ્ચારણ શ્વાસોચ્છ્વાસ જેવો સ્વાભાવિક થઈ જાય છે તે ઈશ્વરમય થાય છે. એટલે કે તકલીફમાં જ રિસિલિયન્સનો ગુણ કેળવવાનું કહ્યું છે તેમાં જપ શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉપાય છે.

No comments:

Post a Comment