August 18, 2010

ભાઈ તમારે એકસ્ટ્રા ઓર્ડિનરી બનવું છે ?


આ દુનિયામાં પરફેક્ટ (પૂર્ણ) કોઈ થઈ શકે નહીં. જે પરફેકટ હોવાનો દાવો કરે તેને માટે બે સ્થાન ખુલ્લાં છે. એક છે સ્વર્ગ. બીજું છે ગાંડાની ઈસ્પિતાલ. સ્વર્ગ કોઈએ દીઠું નથી એટલે તમને પરફેકટ બનાવવા હાલી નીકળેલાને પાગલ સમજવા. હેન્રી વોર્ડ બીચર અમેરિકામાં ગુલામી નાબૂદ કરવાની અને ખાસ કરીને સ્વતંત્રતાની વાતો કરનારા પણ પત્નીને ગુલામ તરીકે રાખનારાના નેતાઓના સખત ટીકાકાર હતા. ખાસ કરીને તેમણે જોયું કે ઉપદેશકો પોતે જ અપૂર્ણ હોય, લોભી હોય, ધનના લાલચુ હોય, કીર્તિ પાછળ પડયા હોય તે બીજાને પૂર્ણ કરવા હાલી નીકળે છે. ઉપરાંત પોતે દુનિયાથી અલગ દેખાવા કંઈ ને કંઈ નવા વેશ પહેરીને પછી પોતે એકસ્ટ્રા ઓર્ડિનરી છે તેમ પુરવાર કરવા માગે છે.

હેન્રી વોર્ડ બીચરે કહેલું કે કોઈ જ આ દુનિયામાં પરફેકટ થઈ શકે નહીં. જે પરફેકટ (પૂર્ણ) હોવાનો દાવો કરે તેને માટે બે સ્થાન ખુલ્લાં છે. એક છે સ્વર્ગ. બીજું છે ગાંડાની ઈસ્પિતાલ. સ્વર્ગ કોઈએ દીઠું નથી એટલે તમને પરફેકટ બનાવવા હાલી નીકળેલાને પાગલ સમજવા.

પોતે જ અલગ દેખાવા દાઢી વધારે. રજનીશમાંથી ઓશો થવા માથે અવનવાં ફીંડલાં પહેરે. સત્ય સાંઈબાબા અનોખી જાતનો વાળનો ઝંડો રાખે છે. કોઈ વળી કાળી કામળીને બ્રાન્ડ રાખે. કોઈ જુદી રીતે સફેદ શાલ પહેરે છે. બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ માત્ર રાજકારણી નહોતો તેની અલગ ફિલસૂફી હતી. તેણે કહેલું કે પરફેકશનનું બીજું નામ પેરેલિસીસ છે. જે માણસ કહે કે હું ઓશો છું, ભગવાન છું, કે દિવ્યતાનો ઘરાક છું તેને પક્ષઘાત થયો છે તેમ માનવું. માનવે તો સતત ભૂલને પાત્ર બનીને ભૂલો કરી, ઘણી વખત મીઠી મીઠી ભૂલો કરીને સુધારતાં સુધારતાં જીવવાનું છે. સૂક્ષ્મ વ્યાખ્યામાં પણ કોઈ ભૂલ આવી જ જાય છે.

અલાન વોટ્સ મારા ફેવરિટ લેખક છે. તે ફિલ્મકાર મહેશ ભટ્ટના ગુરુ યુ. જી. કૃષ્ણમૂર્તિ જેવા બળવાખોર ફિલસૂફ હતા. તેનું નાનકડું પુસ્તક ડઝ ઈટ મેટર?’ વાચવા જેવું છે. તે કહેતા કે તમે તમારી જાતને શું કામ બદલવા માગો છો? સાહેબ! તમે એકસ્ટ્રા ઓર્ડિનરી બનવા શું કામ બીજાને નીચા રાખવા માગો છો? અલાન વોટ્સનાં આ વાકયો હૃદયસ્થ કરવા જેવા છે આપણે બીજાને ભ્રષ્ટાચારી, ગપોડી, લોભી કે રાસ્કલ કહીએ છીએ. પણ તમે જરા અંતરને તપાસશો તો પ્રતીત થશે કે આપણા તમામની અંદર એક જાતનો રાસ્કલ કે ગુલાંટ મારનારો કે થોડોક બગડેલો જણ બેઠો છે.

આંખો દેખા હાલનામના કવિતા સંગ્રહમાં એક કવિ જેને બાપુ થવું નહોતું કે દાઢી વધારવી નહોતી કે માથે ફીંડલું બાંધીને બીજાથી અલગ દેખાવું નહોતું તેણે કવિતારૂપે કહેલું :

મેરે ભીતર એક નદી બહ રહી હૈ

ઉસે તો તુમ સુન સકતે હો

લેકિન મેરે ભીતર જો રેગિસ્તાન ફૈલા હુઆ હૈ

ઉસમેં તો સિર્ફ મુઝે ભટકના હૈ

કવિ કહેવા માગે છે કે તમે મને બહારથી ખૂબ રૂડો-રૂડો જુઓ છો. કદાચ મારામાં જે પ્રેમ કે વાસના કે કરુણાની નદી વહે છે તેનો ખળખળાટ, ઉફાંદ કે તુફાન તમે સાંભળી શકો છો, પરંતુ મારી ભીતર એક રણ છે-રેગિસ્તાન ફેલાયેલું છે એમાં તો મારે એકલાએ જ ભટકવાનું છે અને તેવું જ રેગિસ્તાન તમામ પાસે છે. તેને થોડુંક હરિયાળું બનાવી શકાય. પણ આખી દુનિયાના રણને હરિયાળું બનાવી ન શકાય.

ભાવનગરની શાક માર્કેટમાં શિયાળાની મોસમમાં ઘણા કાછિયા રીંગણાને આકર્ષક બનાવવા તેને તેલ લગાવી તેને ચળકતા કરતા. આ પ્રકારે જ બાપુઓ બાહ્ય આડંબર થકી પોતાની જાતને તેલલગાવીને કૃત્રિમ ચળકાટ લાવે છે. ખરેખર તો રીંગણું જેવું છે તેવું જ બહુ સારું છે તેને સ્વાદિષ્ટ બનાવવાનું તમારા હાથમાં છે. જ્યારે આચાર્ય રજનીશ માત્ર આચાર્ય હતા.

ત્યારે સરસ, ચોટદાર અને મૌલિક વાતો કરતા. તેઓ કહેતા કે જો તમારે જીવનનો ખરો આનંદ મેળવવો હોય કે દુનિયામાંથી જુદા જુદા દિલચશ્પ અનુભવો લેવા હોય અને જો તમે અંદરથી નક્કર હો તો દુનિયાની દ્રષ્ટિએ નક્કામાબની જાઓ. આવા નક્કામા બનવામાં જે આનંદ આવે છે તે બાહ્ય ચળકાટ પેદા કરવા થકી આવતો નથી.

આજે ડોકટરો, શિક્ષકો અને વકીલો વગોવાયેલા છે. પહેલાના જમાનામાં વકીલો, વૈધો કે આચાર્યોફી લીધા વગર તેમની સેવા આપતા. ડોકટરો દવાખાનામાં ફ્રી થાય ત્યારે કવિ મિત્રોને બોલાવી કવિતાઉ કરતા. આજે ડોકટરો મિનિટ મિનિટના ડોલર કે રૂપિયા ગણે છે. કવિ થવું એ તો જાણે નક્કામા થવાબરાબર ગણાય છે. કેટલાક વ્યવહારુ લોકો કહેતા કે પોએટ્રી ઈઝ યુઝલેસ એકિટવિટી. પરંતુ યાદ રહે કે જે સમાજમાં કવિઓ, ચિત્રકારો, કલાકારો, પ્રેમીઓ, સંગીતકારો પૂજાતા હોય એ સમાજ જ સમૃદ્ધ છે.

પિકાસો જેવા મહાન ચિત્રકારે તેના જીવનના અનુભવના નિચોડરૂપે કહેલું કે ઘણા માનવી એટલા બધા મહત્ત્વાકાંક્ષી હોય છે કે પોતાની તમામ કતિ માસ્ટરપીસ બનવી જોઈએ તેવો અભરખો રાખે છે.પરંતુ યાદ રહે કે દરેક કતિ પરફેકટ બને નહીં. તુલસીદાસે પણ ગાવું પડેલું એક એક અવગુન સબ મેં ડાલીયો.દરેકમાં કોઈ ને કોઈ અવગુણ હોય છે. સીતાને સુવર્ણમૃગનો મોહ ન થયો હોત તો રામાયણ ન સર્જાત. મોક્ષ પામવા માટે સાધના કરોતેમ મહાત્માઓ કહે છે. અલ્યા ભાઈ! મોક્ષ શું કામ? આ દુનિયા કેટલી રંગીલી, રસાળ છે! અને ૨૦મી સદીમાં હતી તેના કરતાં ૨૧મી સદી વધુ રસાળ છે-રંગબેરંગી છે અને વધુ બેરંગી અને બેઢંગી પણ બનવાની છે. દરેક જન્મે નવા રંગઢંગ લેવા ફરી જન્મ લઈએ એ જ સારું છે. હેન્રી મિલર કહેતા કે મને કોઈ પૂછે કે આવતા જન્મે શું થવા માગો છો? દેશનેતા, માછીમાર કે મહાજન? તો મારો જવાબ છે કે હું કોઈ હીરો ન બનું.

મોટો લેખક ન બનું, કારણ કે પ્રતિષ્ઠિત લેખક બનવાનો ભયંકર બોજ હોય છે તે લખવા બેસે ત્યારે સ્વઆનંદ માટે લખી શકતો નથી. તમે લખીને ડાયરીમાં રાખી મૂકો તેના જેવો આનંદ બીજો કોઈ નથી. હું કોઈ હીરો બનવાને બદલે કોઈની ગણનામાં ન આવું તેવો સામાન્ય માનવી બનવા જ ઈરછું-આઈ વુડ ઈલેકટ ટુ બી એ નોબડી.આમ નોબડીબનવામાં અમને બધાને યૌવનકાળમાં જલસા જ જલસા હતા.

મિત્રો સાથે ગપ્પાં મારતા. તમે અસમાન્ય બનો પછી અસમાન્ય આનંદ તો મળતો નથી પણ ઊલટાના સામાન્ય ચીજના આનંદથી વંચિત થાઓ છો. આંબલી પર પથ્થર મારી કાતરા ખાઈ ખટાશમાંથી આનંદ લૂંટી શકતા નથી. યુકીઓ મિશીમા નામના વિખ્યાત જાપાની લેખકે આત્મહત્યા કરેલી. તેણે કહેલું કે હું દુનિયાના રંગઢંગથી વાજ આવી ગયો છું. મને આશા હતી કે હું મારાં લખાણો અને પ્રવચન દ્વારા દુનિયાને સુધારી લઈશ. પણ એ પ્રક્રિયામાં હું જ મારી જાતને નાની કરતો ગયો. મેં ક્રાંતિકારી ફેરફારો તો ન કર્યા પણ મારામાં ઊધી બુદ્ધિ સૂઝતાં મેં આપઘાત કરવાનો નિર્ણય કર્યો છે!

એ વખતે તેને અંજલિ આપવા ઘણા વિદ્વાનો આવ્યા. માત્ર એક સામાન્ય માણસે લખ્યું જગતને હું તો એક મોટું પાગલખાનું સમજું છું. દુ:ખપૂર્વક કહેવું પડે છે કે બધા પાગલલોકો બહાર આવી ગયા છે. અને કહેવાતા ડાહ્યા લોકો જે પાગલખાનામાં હોવા જોઈએ તે હજી સુધી બહાર છે. પ્રતિષ્ઠા મેળવવા ફાંફાં મારવાં તે પાગલપણું છે. જેને પ્રતિષ્ઠા મેળવવી છે તે જો જાણ્યે-અજાણ્યે લોકોને અન્યાય કરે છે. પોતાની માટી તો બગાડે છે પણ બીજાના જીવનનો પણ ઘ્વંસ કરે છે.

હેન્રી મિલરનું છેલ્લું સૂત્ર જોઈએ. જીવનમાં ભૂલો વધુ મહત્ત્વની છે. ભૂલ જ તમને વધુ સારા માર્ગે જવા પ્રેરે છે, પણ ભાઈસાબ જાણી જોઈ ભૂલ કરવાની નથી.

No comments:

Post a Comment