August 21, 2010

મેનેજમેન્ટના મહારથીની એક્ઝિટ

દેશ અને દુનિયાની દશા બેઠી હોય તેવું લાગે છે. તેમાં માઠા સમાચાર એ આવ્યા કે થોડા દિવસ પહેલાં જ દેશવાસીઓએ વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ ગુરુ સી. કે. પ્રહલાદને ગુમાવી દીધા. અમેરિકામાં અને દુનિયાભરમાં આઈટીના ક્ષેત્રે બેંગ્લોરના આઈટી નિષ્ણાતોની બોલબાલા હતી ત્યારે મેનેજમેન્ટના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારત અને અમદાવાદનું નામ ગાજતું કરનારા મેનેજમેન્ટ ગુરુ સી.કે. પ્રહલાદ હતા.

૬૮ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થયું. વર્ષ ૨૦૦૯માં વિશ્વના ૫૦ સર્વશ્રેષ્ઠ બિઝનેસ ગુરુની યાદીમાં સી. કે. પ્રહલાદ સતત બીજી વાર સૌથી વધુ પ્રભાવશાળી ગુરુ તરીકે પસંદગી પામ્યા હતા. આવા બિઝનેસ થિન્કર સી. કે. પ્રહલાદ માટે અમદાવાદ જ્ઞાનભૂમિ બની રહી.

ચેન્નઈની લોયોલા કોલેજમાંથી બી.એસસી. કર્યા પછી તેમણે અમદાવાદની આઇઆઇએમમાંથી એમબીએની ડિગ્રી મેળવી અને સાથે પત્ની ગાયત્રીબહેન પણ! અહીં જ તેમનો પરિચય અમદાવાદનાં ગાયત્રીબહેન સાથે થયો અને પાંચ વર્ષ પછી તેમણે લગ્ન કયાô. આમ તેઓ અમદાવાદના જમાઈ બન્યા. પછી તો આ અમદાવાદી જમાઈએ અમેરિકામાં ડંકો વગાડયો. અમદાવાદના જમાઈના નાતે તેઓ દર વર્ષે અમદાવાદની મુલાકાતે અચૂક આવતા.

તેઓ ભારતમાં આવે એટલે અમદાવાદ આવે જ. કોર્પોરેટ સ્ટ્રેટેજીના નિષ્ણાત પ્રહલાદનો જન્મ દક્ષિણ ભારતીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ચેન્નઈની અદાલતમાં જજ અને સંસ્કતના વિદ્વાન હતા. કોઈમ્બતુર ક્રિષ્ણરાવ એટલે કે સી. કે. પ્રહલાદ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રોફેસર હતા.

તદુપરાંત તેઓ પોલ એન્ડ રૂથ મેકક્રેકન યુનિવર્સિટીમાં કોર્પોરેટ સ્ટ્રેટેજીનો વિષય ભણાવતા. અમેરિકામાં વેસ્ટર્ન ગુરુની બોલબોલા હતી એવા સંજોગોમાં તેમણે વેસ્ટર્ન મેનેજમેન્ટના થિન્કિંગ પ્રોસેસમાં ભારે માનપાન મેળવ્યાં. પદ્મભૂષણથી સન્માનિત પ્રહલાદની ‘કોર કોમ્પિટન્સ’થી માંડીને ‘બોટમ ઓફ ધ પિરામિડ’ જેવી અનેક ફિલોસોફી મેનેજમેન્ટના ક્ષેત્રે જાણીતી બની. સી.કે. સાહેબની વિશેષતા તેમની ‘આઉટ ઓફ ધ બોક્સ’ એટલે કે જરા હટકે વિચારસરણી હતી.

ભૌતિકશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી ૧૯ વર્ષની વયે સી.કે. પ્રહલાદ યુનિયન કાર્બાઈડ કંપનીના બેટરી પ્લાન્ટમાં મેનેજર તરીકે જોડાયા. અહીં તેમણે ચાર વર્ષ નોકરી કરી. પછી તેમની જિંદગીનો ટિર્નંગ પોઈન્ટ આવ્યો. અમદાવાદમાંથી એમબીએનું શિક્ષણ મેળવ્યા પછી તેઓ ઉરચ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં દાખલ થયા.

ત્યાં તેમણે ફક્ત અઢી વર્ષમાં ડી.બી.એ.ની ડિગ્રી મેળવી. પછી તેઓ માદરે વતન પાછા ફર્યા. અમદાવાદની આઈઆઈએમમાં બિઝનેસના પાઠ ભણાવ્યા. થોડા સમયમાં તેઓ ફરીથી અમેરિકા જઈ વસ્યા અને ત્યાં તેમણે કોર્પોરેટ સ્ટ્રેટેજીનો તથા બિઝનેસનો સકસેસ મંત્ર ભણાવવાનું કાર્ય શરૂ કર્યું. સાથોસાથ લેખન કાર્ય પણ થતું ગયું. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. સોની, ફિલિપ્સ ઈલેકટ્રોનિકસ અને એટી એન્ડ ટી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓના સલાહકાર તરીકે વ્યાવસાયિક સેવા આપી.

બિઝનેસ થિન્કર સી. કે. પ્રહલાદ બિઝનેસની સફળતાનો મૂળમંત્ર આપતા કહેતા, ‘તમારી વિશિષ્ટતા પારખીને તેને વિકસાવો.’ તેમની ‘બોટમ ઓફ ધ પિરામિડ’ ફિલોસોફી અનુસાર જે રીતે પિરામિડનો પાયો પહોળો અને મોટો હોય અને તેની ટોચ નાની હોય છે તેવી જ રીતે બિઝનેસનો બેઝ આર્થિક રીતે નીચલા સ્તરને સ્પર્શતો મોટો હોય તેટલી સફળતાની સંભાવના વધી જાય છે.

મેનેજમેન્ટના માંધાતા સી. કે. પ્રહ્લાદે મુંબઈમાં ટિફિન સેવા પૂરી પાડનારા ડબ્બાવાળા પર રિસર્ચ કરીને આ ‘પિરામિડ’ ફિલોસોફી વિકસાવી હતી.વર્ષ ૨૦૦૯માં પ્રવાસી ભારતીય સન્માન મેળવનારા પ્રહલાદ સાહેબ ખરા દેશભકત હતા. તેઓ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન સાથે છેલ્લાં ૧૬ વર્ષથી સંકળાયેલા રહ્યા હતા. ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ ગુરુ તરીકે લોકો તેમને મોં માગી કિંમતે દુનિયાભરમાં લેકચર આપવા માટે બોલાવતા ત્યારે તેઓ અમદાવાદમાં એએમએએ યોજેલા એકેએક કાર્યક્રમ માટે સમય ફાળવીને વિના મૂલ્યે વકતવ્ય આપતા અને માર્ગદર્શન પૂરુ પાડતાં.

વિશ્વના ટોપ ટેન બિઝનેસ થિન્કર્સમાંના એક સી. કે. પ્રહલાદને સાંભળવાનો મોકો અમદાવાદી બુદ્ધિજીવીઓ કયારેય ચૂકતા નહોતા. પ્રહલાદને સાંભળવા માટે એએમએનો હોલ નાનો પડતો. તેમના પ્રવચનનું ખાસ આયોજન લૂઈ કાહ્ન પ્લાઝાના પ્રાંગણમાં કરવું પડતું.

ચિક્કાર જનમેદની સમક્ષ તેઓ જુદા જુદા વિષયો પર બોલતા ત્યારે તેમના વકતવ્યનું કેન્દ્રબિન્દુ ‘ઈન્ડિયા’ જ રહેતું. તેમણે એએમએ ખાતે આપેલા યાદગાર ભાષણમાં ‘ઈન્ડિયા ઓફ માય ડ્રીમ્સ (મારા સપનાનું ભારત)’નો ઉલ્લેખ કરવો પડે. સી. કે. પ્રહલાદ છેલ્લે ૧૧ જાન્યુઆરી,૨૦૧૦ના રોજ અમદાવાદ ખાતે આવ્યા હતા.

ગુલાબી ઠંડીના માહોલમાં અમને આત્મીયતાથી મળ્યા હતા અને હૂંફ તથા માર્ગદર્શન પૂરાં પાડ્યા હતાં. ત્યારે કોને ખબર હતી કે આ અમારી છેલ્લી મુલાકાત બની રહેશે! આ અંગત સ્વજનને ગુમાવ્યાનો ભારોભાર રંજ છે. અંતમાં ગર્વ સાથે એટલું જ કહેવું છે, ‘હી ઈઝ અ મેન ઓફ મેનેજમેન્ટ’!

No comments:

Post a Comment