August 21, 2010

કમબખ્ત લાઈફ, ભારે ચંચળ!

સુખી ઘરના એક યુવકને એક દિવસ નાઝીઓ પકડીને લઇ ગયા. ઘરે દિવસમાં ત્રણ ટંક ખાનાર એ યુવકને અચાનક ચાર દિવસમાં એક જ ટુકડો બ્રેડ મળે ત્યારે...

કમબખ્ત લાઈફ, ભારે ચંચળ! પળવારમાં ક્યાંથી ક્યાં ફંગોળાઈ જાય! જેમ કે, સુખી ઘરનો એક યુવક હતો. એક દિવસ નાઝીઓ એને પકડી ગયા. અને ચાર દિવસ લાંબી યાત્રા બાદ એને કોન્સન્ટ્રેશન કેમ્પ (મોતની છાવણી)માં ફંગોળી દેવામાં આવ્યો.

એ દરમિયાન, ખાતાપીતા ઘરના આ યુવકને (અને ટ્રેનમાંના તમામ કેદીઓને) શું ખાવા મળ્યું? બ્રેડનો ફક્ત એક ટુકડો. રોજ ત્રણ ટંક પેટ ભરીને ખાનારની જિંદગી ફંગોળાઈને સીધી એવા તબક્કે પહોંચી ગઈ જયાં પૂરા ચાર દિવસમાં ફક્ત એક ટુકડો બ્રેડ જ મળે... કમબખ્ત લાઈફ, ભારે ચંચળ.

જોવા જેવું એ છે કે આ યુવક છટકી શકે તેમ હતો. એનું નામ હતું વિક્ટર ફ્રેન્કલ (એના પુસ્તક મેન્સ સર્ચ ફોર મીનિંગ- સાર્થકતાની શોધ- ની આપણે વાત કરી રહ્યા છીએ). બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાં સુધીમાં વિકટરે મનની તંદુરસ્તી માટેની ‘લોગોથેરપી’ નામની પોતાની આગવી ચિકિત્સાપદ્ધતિ વિકસાવી લીધી હતી.

અમેરિકાને લાગ્યું કે આ માણસ છે દમદાર. એટલે અમેરિકાએ વિક્ટરને તેડું મોકલ્યું: આવી જાવ અમેરિકા. એ વખતે હિટલર ઓસ્ટ્રિયાને ધમરોળી રહ્યો હતો. ઓસ્ટ્રિયાના બધા યહૂદી જાણતા હતા કે હિટલરના નાઝીઓ એમને પકડીને મારી નાખે એવી શકયતા પૂરેપૂરી હતી. એ તબક્કે અમેરિકાએ હજુ યુદ્ધમાં નહોતું ઝંપલાવ્યું.

એટલે અમેરિકા તરફથી વિક્ટરને કાગળ મોકલવામાં આવ્યો કે વિયેનાની અમેરિકી એલચી કચેરીમાં આવીને વિઝા લઈ જાવ. વિક્ટરે ફક્ત એટલું જ કરવાનું હતું કે પોતાના જ શહેરમાં આવેલી એલચી કચેરીમાં જઈને વિઝા લઈ આવવાનો, પછી અમેરિકા જેવા ‘ફળદ્રુપ’ દેશમાં જતા રહેવાનું, પોતે શોધેલી ‘લોગોથેરપી’નો પ્રચાર કરવાનો, પુસ્તકો લખવાનાં, પૈસા-પ્રસિદ્ધિ કમાવાનાં. અને ખાઈ-પીને રાજ કરવાનું.

પણ વિક્ટર ફ્રેન્કલ એક વાતે મૂંઝાયા. મમ્મી-પપ્પાને ઓસ્ટ્રિયામાં એકલાં મૂકીને અમેરિકા જવાય કે ન જવાય? મમ્મી-પપ્પા એકદમ સ્પષ્ટ હતાં: નીકળી જ જવું જોઈએ. આમ પણ, વિયેનામાં રોકાઈને દીકરો મા-બાપને તેમ જ પોતાની જાતને નાઝીઓની ચૂંગાલમાંથી બચાવી નહોતો શકવાનો. એટલે અમેરિકા જવામાં જ સમજદારી હતી. પણ દિલ કોચવાતું હતું.

એવામાં ‘ભગવાને’ મૂંઝવણ ઉકેલી આપી. થયું એવું કે વિકટરે ઘરના ટેબલ પર એક નાનકડો પથ્થર જોયો. પપ્પા એ પથ્થર વિયેનાના સૌથી મોટા સિનેગોગ (યહૂદીઓના ધર્મસ્થળ)માંથી લઈ આવેલા. નેશનલ સોશિયલિસ્ટોએ એ સિનેગોગ બાળી મૂકેલું. બળેલા સિનેગોગની અમુક ‘ટેબ્લેટ્સ’ પર ટેન કમાન્ડમેન્ટ્સ (પવિત્ર આદેશો) કોતરાયેલા હતા.

એ ટેબ્લેટ્સનો એક પથ્થર વિક્ટરના પપ્પાના હાથમાં લાગ્યો એટલે એ પવિત્ર પથ્થર પપ્પા ઘરે લઈ આવ્યા. એ પથ્થર પર એક હિબ્રુ અક્ષર કોતરેલો હતો. પપ્પાએ ફોડ પાડ્યો: ‘આ અક્ષર દસમાંનો એક કમાન્ડમેન્ટ સૂચવે છે.’ દીકરાએ આતુરતાથી પૂછ્યું: ‘કયો કમાન્ડમેન્ટ?’ પપ્પાએ જવાબ આપ્યો: ‘તમારા પિતા અને તમારી માતાની કાળજી લેશો તો આ પૃથ્વી પર લાંબુ આયુષ્ય પામશો.’

જવાબ મળી ગયો. દીકરાએ એ જ પળે નક્કી કર્યું કે નથી જવું અમેરિકા. પહેલી નજરે એવું લાગે કે મૂંઝવણ ‘ભગવાને’ ઉકેલી આપી. બીજી નજરે જોતાં એવો વિચાર આવે કે અહીં પણ છેવટે મામલો સાર્થકતાનો હતો. ‘જીવન એટલે સાર્થકતાની શોધ’ એવું કહેનાર દીકરા વિક્ટર ફ્રેન્કલને એવું સમજાયું હશે કે મા-બાપને છોડીને અમેરિકા ગયા બાદ પ્રચંડ સફળતા મળે તો પણ એ સાર્થક નહીં લાગે, એ સફળતા સુખ નહીં આપી શકે, પરંતુ મા-બાપ ખાતર ઓસ્ટ્રિયામાં ટકી ગયા પછી કદાચ મોત પણ આવે તોય જીવન સાર્થક બની રહેશે. મુદ્દે, માણસ એટલે સાર્થકતા ઝંખતું પ્રાણી એવી વિક્ટરની થિયરીમાં દમ તો છે જ અને એટલે જ તો એના પુસ્તકની આપણે વાત કરી રહ્યા છીએ.

ખેર, છેવટે વિક્ટરનો અમેરિકન વિઝા ઓસ્ટ્રિયાની કચેરીમાં પડ્યો પડ્યો એકસ્પાયર થઈ ગયો અને બીજી તરફ વિક્ટર ફ્રેન્કલ નાઝીઓના હાથમાં પકડાઈને ચાર દિવસની યાતના-યાત્રા બાદ એક કેમ્પમાં ઠલવાયા. કેમ્પમાં સામે એક નાઝી અફસર ડાબી હથેળીમાં જમણી કોણી ટેકવીને ઊભો હતો. લાઈનમાં એની સામે આવી રહેલા એક પછી એક યહૂદી કેદીને એ નાઝી ઓફિસર જમણા હાથની આંગળી વડે ડાબે કે જમણે જવાનું સૂચન કરતો હતો.

આપણા લેખક વિક્ટર ફ્રેન્કલને અફસરે ધારીને જોયા પછી જમણી બાજુ મોકલ્યા. એ સાંજે લેખકે અન્ય એક સિનિયર કેદીને કહ્યું કે કેદીઓમાં મારો એક મિત્ર પણ હતો. એને ક્યાં મોકલવામાં આવ્યો હશે? સિનિયર કેદીએ વળતો સવાલ પૂછ્યો: ‘એને ડાબી બાજુ મોકલવામાં આવેલો?’

લેખકે કહ્યું: ‘હા.’ સિનિયરે થોડે દૂર એક ચીમની તરફ આંગળી ચીંધી. એમાંથી ભખ્ભખ્ કરતી આગની જવાળા નીકળી રહી હતી અને ઉપર ધૂમાડાનું મોટું વાદળ રચાયું હતું. સિનિયર કેદીએ કહ્યું: ‘ત્યાં તમારો મિત્ર સ્વર્ગમાં તરી રહ્યો હશે.’

ત્યારે લેખકને સમજાયું કે પેલો નાઝી અધિકારી પળવારમાં આંગળી ડાબે-જમણે કરીને જે નિર્ણય લેતો હતો તે એટલો જ હતો કે મજબૂત, કામે લાગે એવા માણસોને જીવતા રાખવા (જમણે મોકલવા) અને બાકીના, મોટા ભાગના, લગભગ નેવું ટકા લોકોને ડાબી બાજુ મોકલીને તરત, થોડા કલાકમાં મારીને બાળી મૂકવા.

લેખક સહિત જે ગણ્યાંગાંઠ્યા લોકોને જમણી બાજુ મોકલાયા એમના શરીર પર જે કંઈ હતું એ બધું કાઢી નાખવા જણાવાયું (એ સિવાયનો સામાન તો પહેલેથી જ છીનવાઈ ચૂક્યો હતો). જીવનભરની મહેનતના સરવાળા જેવું, લોગોથેરપીના લખાણનાં કાગળિયાંનું ભુંગળું લેખકે કોટના ખિસ્સામાં રાખી મૂકેલું.

એ કાગળિયાં કેટલા મહત્વના છે એ સમજાવવાની લેખકે કોશિશ કરી ત્યારે જવાબ મળ્યો: ‘શિટ.’ એટલે કે મળ એટલે કે કચરો. એ પળે લેખકને પહેલી વાર સરચાઈની ભયાનકતા પૂરેપૂરી સમજાઈ અને એ જ ઘડીએ જાણે આખેઆખો ભૂતકાળ મનમાંથી ખરી પડ્યો.

અગાઉ તમે શું હતા, કોણ હતા, તમે શું કર્યું તેનાથી હવે કશો જ ફરક નથી પડતો... ટૂંકમાં, અગાઉની આખી જિંદગીનો કોઈ અર્થ જ નથી. પરિણામે મન આપોઆપ આખો ભૂતકાળ ખંખેરી નાખે એ અનુભૂતિ કેટલી ખતરનાક હોઈ શકે તેની આપણે તો ફક્ત કલ્પના જ કરી શકીએ. પણ લેખકે આ બધું અનુભવ્યું.

એટલે જ, આ પુસ્તક ફક્ત લોગોથેરપીની વાત કહેવાને બદલે કોન્સન્ટ્રેશન કેમ્પના અનુભવો કહ્યા પછી લોગોથેરપીની વાત કહે છે. એને કારણે પુસ્તક વધુ મજબૂત બન્યું છે. ફક્ત કોન્સન્ટ્રેશન કેમ્પના અનુભવો કે માત્ર લોગોથેરપીની વાતો હોત તો પુસ્તક આટલું ધારદાર, અસરકારક ન બન્યું હોત. પહેલા નિરર્થકતા-નિરાશા-કરુણતાની વાતોનો અંધકાર... પછી જીવનમાં પ્રકાશ પાથરવા માટેનું માર્ગદર્શન! આ ગોઠવણ સારી છે.

માટે, પહેલાં તો કેમ્પની વાતો એકદમ ટૂંકમાં જાણીએ. સુખી-સંપન્ન પરિવારોના યહૂદીઓની જિંદગી ક્યાંથી ક્યાં ફંગોળાતી રહી અને કમબખ્ત લાઈફ કેટલી ચંચળ છે અને ભલભલી સ્થિતિમાં પણ માણસ કેવો ટેવાઈ જતો હોય છે એ બધું જાણ્યા-સમજયા પછી વાત કરીશું લોગોથેરપીની. ચાલશે ને!

No comments:

Post a Comment