August 21, 2010

ગૂગલ ને ગૂગળીની ગુસપુસ

દુવારકાની ગૂગળી ૫૦૫ બ્રાહ્મણ જ્ઞાતિના ગગનવાલાનો સ્વભાવ મોસ્ટલી બોલકણો નથી. પોતાના વિશે બોલવાનું ન ગમે, યુ ફોલો? પણ ભાષા-બાષાની વાત આવે ત્યારે ગૂગળીનું મોઢું ગોળગોળ થઇ જાય ને એમાંથી ગોળપાપડીની જેમ ફટાક ફટાક કડવાં મીઠાં વેણ બહાર આવે. તેમાં જો કમ્પુટર ઉપર ગુજરાતી લખવાનો ટોપિક હોય તો ખલ્લાસ..! ગગનવાલા પગે ઘુંઘરૂ બાંધીને ડોલવા માંડે, કયોંકિ ગગનવાલા ભી કભી કમ્પ્યુટરવાલા થા.

સને ૧૯૮૪ની આસપાસ અમે મેકિન્ટોશ કમ્પ્યુટર માટે ગુજરાતી ટાઇપ બનાવેલા, ને તે વડે હરકિસન મહેતાને કાગળ લખીને ભોંય પાડી દીધેલા. ત્યારે જ અમે ભાખેલું કે સીસાંબીસાંના બીંબાં હવે ફીફાં ખાંડસે, ને ફોટોટાઇપસેટિંગ ઓઇલ બાય કરવા જાસે, ને ફ્યુચરમાં ચોપડાચોપડી ને છાપાં વગૈરાહ કમ્પયુટર ઉપર કમ્પોઝ થાશે. તે લખાણ હરકિસનદાસે હસી કાઢેલું. પણ તે ફયુચર તો આજે દાયકાથી આવી પહોંરયું છે. જોકે આ લેખમાં અમે બીજા ફ્યુચરની વાત કરવાના છિયેં.

હરકિસનદાસને તે ભવિષ્યવાણીનો કાગળ લખ્યા પછી અમે સદીઓ સુધી અમે સુંદર સુંદર ગ્રંથો કમ્પયુટર ઉપર જ લખતા. તેમાંના કેટલાક હજી છપાવાના બાકી છે, ને જેટલા છપાયા છે, તેમાંથી ઘણા હજી વેચાવાના બાકી છે. પછી વિન્ડોઝ આવ્યું ને તેમાં ચાલે નહીં એટલે ગુજરાતી વાચકો થોડો સમય બચી ગયા.

પણ વળી ચંદરિયાદાદાના સ્નેહી હિમાંશુ મિસ્ત્રીએ મેકિન્ટોશવાલા જ કીબોર્ડ પીસી માટે પણ બનાવી આપ્યું, તે ફાઇન હતું પણ તે ઇન્સ્ટોલ કરતાં ન આવડયું, ને ઇન્સ્ક્રિપ્ટ, ભારતી, યુનિરાઇટર વગેરે કીબોર્ડ અજમાવ્યાં, ને છેવટે બાબુલાલા સુથારવાલાનું કીબોર્ડ અપનાવ્યું.

તો પાછી નવા વિન્ડોઝ સેવન સાથે કોમ્પેટિબિલીટીની કાણ થઇ ને ફરી ગગનવાલા ધૂળવાલા થયા. જાતે હસ્તે પોતે લખવાનો મહાવરો જ છૂટી ગયો હોવાના કારણે લખવાનું સાવ બંધ થઇ ગયું. અચાનક ગૂગલ-યોજિત ગુજરાતી પ્રોગ્રામ હાથ ચડ્યો અને ઓત્તારીઇઇઇ! આ પ્રોગ્રામ ટાઇપિસ્ટ નહીં પણ સેક્રેટરીની જેમ આપણે લખીએ તે પહેલાં આપણાં વિચાર ભાંપી લે છે!

તમે એન ટાઇપ કરો ત્યાં ણ, ન, નામ વગેરે સજેસ્ટ કરે ને આપોઆપ ‘જિંદગી’ને ‘જીવન’ની જોડણી સાચી કરે, ને લાહૌલ બિલાકુવ્વત! તમારે શું લખવાનું હશે તેના વિકલ્પો આપે, વન, ટુ, થ્રી, ફોર..! જિગર, હાળી રાડ ફાટી જાય કે માળા ‘ગૂગલ’વાલા પરદેસીને બી આપણી ભાષાની આટલી બધી ખેવના છે!

અલબત્ત હજી પાપાપગલી છે પણ કોઇ ચતુર સુજાણ પલાંઠી વાળીને બેસે કે આને એક કદમ આગે લઇ જઇએ, ને એવો સ્માર્ટ પ્રોગ્રામ બનાવે, જે તમારી લખવાની રૂઢિ સમજી લે ને ટન્નન્નના..! તમે ‘ની’ લખો તેટલીવારમાં આખું ‘નીલે ગગન કે તલે’ હેડિંગ ટાઇપ કરી નાખે. કોઇ માટીડો તેનાથીયે વળી મોર થવા માગે તો ધન્નન્નના..! તમે ની લખો તો પ્રોગ્રામ હાળો હેડિંગ લખીને, નેટ ઉપરથી છાપાં બાપાં વાંચીને, નવી કોલમના વિષયો સૂચવે: ગગનભાઇ, ગગનભાઇ, ઓલી નવી ફિલમ વિશે લખો, કે કોક ચોપડીની વાત કરો, યા તો કરછના અખાતમાં કેટલાં માછલાંને કોલેરા થયો છે, તેના આંકડા ઠઠેડો.

અહો! કોને ખબર કદીક પ્રોગ્રામ એવો પેચીદો બને કે, ઘોડા મારે શીંગડાં, ઇ મામો ફટફટ તમારી કોલમની જોડણીબોડણી ને ગ્રામરબ્રામર સુધારવા મંડે, શબ્દમર્યાદા મુજબ કાપકૂપ કરી નાખે, કેવું લખાયું છે તેનું વિવેચન બી કરી આપે! લાઇક, આવું લખે તો રઘુવીર સાહેબ શું નિવેદન આપી શકે, શરીફાબાનુ કેવા લાફા મારી શકે, નાયક સાહેબ કેવી નાયકી કે સાયબી કરે...

યુસી, તમે ભૂલ કરવા જાઓ તે પહેલાં બેટમજી તમને વોરનિંગ આપી દે, યુ ફોલો? વળી તમારા લખાણનો બીજી લેંગ્વેજીઝમાં છપાવાનો સુયોગ કેવો છે, તેને ગાંધીનગરની અકાદમીનો પુરસ્કાર મળવાની ટકાવારી કેટલી, રણજિતરામનો જોગ કેવો, દિલ્હીની સાહિત્ય અકાદમી પુરસ્કારનો સ્કોપ કેટલો, તેમાં ટીવી સીરિયલ બને એવું કાઠું છે કે: તામિલ ફીચર? બોલિવુડ? બ્રોડવે? હોલીવુડ? યુનો, આ આખી કુંડલી કાઢીને તે લખાણ છપાવવું કે કેમ તેની વિંશોતરી કાઢી આપે.

લાઇક, હમણાં આપણી પાસે અંગ્રેજી સ્પેલચેકર છે, ગ્રામરચેકર છે, ને વર્ડપ્રોસેસિંગમાં સર્ચ†રિપ્લેસ દ્વારા આખા ડોકયુમેન્ટમાં જ્યાં સીતા લખ્યું હોય તેમાંથી ગીતા કરવું હોય તો એકી ઘાએ સુધારવાની સોઇ છે, તે જ રાહે કદાચ કોઇ ગૂગળીને આસાપુરા માતા પંડ આવે ને અહીંયા જે જે શેખચલ્લાઇ કરી છે તેને સાચી પાડે એવો ધુબાકાબંધ પ્રોગ્રામ બનાવી નાખે તો? જે સીધેસીધો‘કળશ’ના કમ્પોઝખાતાના કમ્પ્યુટરમાં ગોઠવાઇ જાય ને સટાસટ છપાઇને બહાર આવે?

ને શેઠિયા..! એક દિવસ એવોયે ઊગે કે એવરી બુધવારની સોનેરી સવારે તમારા લેપટોપમાં એલાર્મ વાગે કે ધણણણણ, ધડામ..! હેય ગગનકુમાર તમારો લેખ છપાણો છે, તેનું પાનું તમારા ડેસ્કટોપ ઉપર ડાઉનલોડેડ છે ને નેકસ્ટ કોલમ માટે તાજા સમાચારમાંથી સ્ફુરેલા ચાર ટોપિક ઉપર ચાર ડ્રાફટ તૈયાર છે. વન, ટુ, થ્રી, ફોર..! તો ગૂગલકુમારને આપણી ચેલેન્જ છે કે કાંઇક આવો પ્રોગ્રામ બનાવે તો અમે જાણી કે તું શાણો છે! આસાપુરા માત કી જે!

No comments:

Post a Comment