August 21, 2010

ફુરસદનો સમય પસાર કરવો છે?

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ ગયું હોય તો એને કેમ કાઢવાથી લઇ બ્લોગ કઇ રીતે બનાવવો તે પ્રકારનાં એક લાખથી પણ વીડિયોઝનો ખજાનો ખોલી આપતી સાઇટની વાત...

કહે છે કે એક ચિત્ર હજાર શબ્દની ગરજ સારે છે. આ એ જમાનાની કહેવત છે, જ્યારે વિડિયો બનાવવા કે જોવા આજના જેટલા સહેલા નહોતા. હવે તો એમ કહેવું પડે કે એક વિડિયો હજાર ચિત્રોની ગરજ સારે છે. ગયા અઠવાડિયે આપણે કઈ ચીજવસ્તુ કેવી રીતે બને તેની વિગતવાર માહિતી આપતી સાઇટની વાત કરી હતી, પણ એમાં માત્ર શબ્દોનું રાજ હતું. જ્યારે આજે જેની વાત કરવી છે એ સાઇટ પર વિડિયોની ભરમાર છે.

જી નહીં, વાત યુટ્યુબની નથી. વાત છે હાઉકાસ્ટની (www.howcast.com). આ સાઇટ પર, ‘હાઉ - કેવી રીતે?’ એ સવાલનો જવાબ આપે એવા ટચૂકડા, પણ પારાવાર વિડિયોઝ છે.

આ સાઇટ ગૂગલના કેટલાક ટોચના અધિકારીઓએ ગૂગલથી છૂટા પડીને ૨૦૦૮માં શરુ કરી. એક ભારતીય પણ આ કંપનીના સીઓઓ છે. સાઇટ પર ૨૫થી વધુ કેટેગરીના વિડિયોઝ છે.

કેટેગરીઝ પર એક ઉડતી નજર ફેરવી લઈએ - આર્ટ એન્ડ મીડિયા, બિઝનેસ એન્ડ ફાઇનાન્સ, કરિયર એન્ડ એજ્યુકેશન, કાર, ક્રાફટ્સ એન્ડ હોબીઝ, એન્વાયન્ર્મેન્ટ, ફસ્ર્ટ એઇડ, ફૂડ એન્ડ ડ્રિંક્સ, ગેમ્સ, હેલ્થ, હોલિડે, હાઉસ એન્ડ ગાર્ડન, કિડ્સ, માઇન્ડ એન્ડ બોડી, પેરેન્ટિંગ, પર્ફોર્મિંગ આર્ટસ, રીલિજીયન, સ્પિરિચ્યુઆલિટિ, રિલેશનશીપ્સ, સ્પોર્ટસ એન્ડ ફિટનેસ, ટેક્નોલોજી, ટીન્સ, ટ્રાવેલ્સ વગેરે વગેરે.

નહાતી વખતે તમારા કાનમાં પાણી ભરાઈ ગયું હોય તો એને કેમ કાઢવું એ સમજાવતો વિડિયો આ સાઇટ પર છે. તો સળગતી કારમાં ફસાઇ ગયેલી વ્યક્તિને બહાર કાઢવાનો વિડિયો પણ મળશે. પત્તાંની વિવિધ ગેમ્સ કેમ રમવી એ જાણવા મળશે તેમ હેડકી કેમ બંધ કરવી એ પણ શીખવા મળશે.

ગણિતમાં અવયવ શીખવા હોય તો એનો વિડિયો છે અને નાના બાળકને દૂધ પીવડયા પછી હળવો ધબ્બો મારીને ઓડકાર કેમ ખવડાવવો એનો વિડિયો પણ છે. પાલતુ કૂતરાના નખ કેમ કાપવા અને એને દવા કેમ પીવડાવવી એ સમજાવતા વિડિયો પણ છે. ‘મારે પણ એક બ્લોગ હોય’ એવું તમારું સપનું હોય તો વર્ડપ્રેસ પર બ્લોગ કેમ શરુ કરવો એ અહીં શીખી શકશો.

આટલામાંથી તમને પૂરતો અંદાજ આવી જશે કે આ સાઇટ પર તમને શું શું જાણવા મળશે! આમ તો ઇન્ટરનેટ પર વિડિયો કમ્પાઇલ અને કેટેગરાઇઝ કરીને તમારી સમક્ષ મૂકતી અનેક સાઇટ છે, પણ આ સાઇટ બધાથી અલગ એ રીતે પડે છે કે તેમાં દરેક વિડિયો માત્ર ‘હાઉ - કેવી રીતે?’ એ એક જ પ્રશ્ન્રના જવાબમાં બનેલા વિડિયો છે.

મોટા ભાગના વિડિયો નાના નાના છે. હોબી અને ક્રાફટ કેટેગરીમાં નાના નાના પ્રોજેક્ટ પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એ રીતે વિડિયોમાં સમજાવેલા છે. વિડિયો બિલકુલ ટચૂકડા હોવાથી લોડ થવામાં બહુ વાર નહીં લાગે.થોડી ફુરસદ હોય અને એનો ઉપયોગ ‘હાઉ- કેવી રીતે’ કરવો એવો પ્રશ્ન સતાવતો હોય તો એક લાખ જેટલા જવાબ આ સાઇટ પર મળશે!

No comments:

Post a Comment