August 21, 2010

વ્યવહારુ ઉકેલ શું?

ગયા અઠવાડિયે નિરમા કંપનીના સિમેન્ટના કારખાના અને તેના વિરોધ એમ બંને પાસાઓની વિગતે છણાવટ કરી. આ વખતે ઉકેલ વિશે વાત.

સિમેન્ટ કારખાનાવિરોધી આંદોલનના આગેવાનોએ આપેલા દસ્તાવેજો અને કાગળિયાનો પૂરો અભ્યાસ થવો જોઇએ. લોકોમાં અત્યારે જે ઉત્સાહ છે તે કેટલો વખત અને કેટલા પ્રમાણમાં ટકશે તે આપણે જાણતા નથી. ભાવનગરના salinity ingress controlતરફથી બંધાયેલા અને બંધાઇ રહેલા બંધારાની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે.

શેલત સમિતિના હેવાલનો પહેલો ભાગ, બંધાઇ ચૂકેલા બંધારાથી ખેતીવાડીને થયેલા લાભની નોંધ અને સરકાર સાથે થયેલા પત્ર વહેવારની નોંધ અતિશય મહત્વના દસ્તાવેજો છે. તાતાના મોટર કારખાનાને હાંકી કાઢનાર ખેડૂતો હવે પોતાની જમીન વેચવાનાં ફાંફાં મારી રહ્યા છે તેવો અખબારી હેવાલ તાજેતરમાં પ્રસિદ્ધ થયો હોવાથી ગણતરીમાં લેવાયો નથી.

કારખાના બાબત આ વિસ્તારમાં લોકોમાં ફેલાયેલા અજંપા અને આ શંકાઓની જાણકારી કળસરિયાએ અધિકારીઓ અને આગેવાનો સુધી પહોંચાડયા પછી ગુજરાત સરકારે તેમની રજૂઆતનું મહત્વનું સ્વીકાર્યું અને કામ અટકાવ્યું. કારણ કે મંત્રી સમિતિએ જણાવ્યું છે તેમ ‘ખેડૂતોનાં હિતને નુકસાન ન થાય તેમજ ઔધોગિક મૂડીરોકાણને તીવ્ર વેગ મળે તેવી સંવાદિત ભૂમિકા રાજ્ય સરકારે અપનાવેલી છે.’ વાસ્તવિક પરિસ્થિતિની ચકાસણી માટે શેલત સમિતિની નિમણૂક કરવામાં આવી અને આ સમિતિએ આઠ મહિના બધા પાસાં અને રજૂઆતોનો અભ્યાસ કર્યો. નિષ્ણાતોના અભિપ્રાયો મેળવ્યા અને પોતાનો હેવાલ સુપરત કર્યો.

નરેન્દ્ર મોદીની સરકાર કહેવાય છે તે ખોટું છે. ગુજરાત સરકાર કાયમી સંસ્થા છે. પ્રધાનમંડળો કામચલાઉ હોય છે અને અલગ અલગ પક્ષોની સત્તા હોવા છતાં સરકારી તંત્ર સતત કામ કરે છે અને બધા અધિકારીઓ સત્તાધારી પક્ષના ટેકેદાર હોતા નથી. પણ અમલદારો ખુશામતિયા અને પક્ષપાતી હોઇ શકે છે.

અમને સાંભળવામાં આવ્યા નથી તેવી લોકોની રજૂઆત છે. અમે જાતે સ્થળ પર જઇને, મહુવામાં બધા લોકોની વાત સાંભળી છે તેવો સમિતિનો દાવો છે અને તેમણે તારીખો પણ આપી છે. સમિતિના કહેવા મુજબ તેમણે ૧૮ જૂથોને સાંભળ્યાં તેમાંથી ૧૪ જૂથોએ સિમેન્ટ કારખાનાની તરફેણ કરી છે. તળાજાના ધારાસભ્ય ઉપરાંત જિલ્લા પંચાયત, કેટલીક તાલુકા પંચાયતો અને ગામડાંઓના સરપંચોમાં પણ આ બાબતમાં મતભેદ છે અને કારખાનાનો વિરોધ થાય છે તેમ કારખાનું ઊભું થાય તેના પક્ષમાં પણ કેટલાક આગેવાનો છે તે નોંધવું રહ્યું. સંખ્યાના અને વિરોધની ઉગ્રતાનું માપ કાઢી શકાયું નથી.

મતભેદ અને અજંપાના મુખ્ય મુદ્દાઓ ત્રણ છે. (૧) સિમેન્ટ કારખાનું થવાથી આ વિસ્તારમાં બંધાયેલા ત્રણ અને બંધાઇ રહેલા બે બંધારાઓ નકામા બની જશે અને એકઠા થયેલા પાણીથી કરવામાં આવતી સિંચાઇ નાશ પામશે. આ જળાશયના કારણે આસપાસના કૂવાઓમાં પાણી વઘ્યાં છે અને ખેડૂતોને લાભ થયો છે તેને નુકસાન પહોંચશે. (૨) આ પાણી સંઘરો ઘટવાથી દરિયાઇ ક્ષારનો ફેલાવો ઝડપથી વધી પડવાના કારણે આખા મહુવા પંથકની ખેતીવાડીનું સત્યાનાશ નીકળી જશે. ખારોપાટના કારણે લગભગ ૧૦,૦૦૦ એકર જમીન ખરાબ થશે. (૩) ચૂના-પથ્થરો માટે ખોદાયેલી ખાણના વિસ્તારમાં ખેતીવાડી નાબૂદ થશે.

આ ખાડાઓના કારણે દરિયાનો ખાર વધારે વિસ્તારમાં અને વધારે ઝડપથી ફેલાશે અને આ જમીન નવસાઘ્ય કરવા માટે અનેક દાયકાઓ સુધી કરોડો રૂપિયા વાપરવા પડશે. કારખાનું ન થાય તો બંધારાના પાણીથી સુધરેલી ખેતીથી કરોડો રૂપિયાની આમદની થશે, સેંકડો અને હજારો ખેડૂતો આબાદ થશે, ખેતી પર આધારિત ઉદ્યોગો હજારોને રોજીરોટી આપશે અને પશુપાલનને પ્રોત્સાહન મળશે. બંધારાથી થયેલા જળાશયને કશું નુકસાન ન થાય, ખેતીવાડીને સિંચાઇ દ્વારા અને કૂવાઓ મારફતે મળતા પાણીમાં ઘટાડો ન થાય અને આ વિસ્તારમાં દરિયાઇ ખારોપાટનો ફેલાવો અટકાવી શકાય.

શેલત સમિતિએ આ બાબતમાં જળ સંચય માટે ભારત સરકારે સ્થાપેલી સ્વાયત્ત સંસ્થા-વાયકોસ લિ.ના નિષ્ણાતોનો અને ગુજરાતના ખેતીવાડી ખાતાના કૃષિ નિષ્ણાત ડાયરેક્ટરના અભિપ્રાય મેળવ્યા છે. કૃષિ ડાયરેક્ટરે દૂધમાં અને દહીંમાં પગ રાખ્યો છે. બંધારાનાં પાણીથી ખેતીવાડી સુધરી છે, કૂવામાં પાણીનાં તળ ઉપર આવ્યાં છે પણ ખારાશ ઘટી નથી. આટલા વરસોથી જામેલી ખારાશ ઓછી થવા માટે થોડાં વરસ લાગી જાય તે તેમણે નોંઘ્યું નથી.

આ બંધારાઓ સિંચાઇ માટે નથી પણ દરિયાઇ ખારોપાટ ફેલાતો અટકાવવા માટે છે. પાણીનો ઉપયોગ ખેતી માટે થાય છે તે અલગ વાત છે પણ ખારોપાટ ફેલાતો અટકાવવો જોઇએ તે મુખ્ય વાત છે. તેથી જળ નિષ્ણાતોનો અભિપ્રાય મહત્વનો છે અને સમિતિનો હેવાલ તેના આધારે ચાલે છે. સમઢિયાળા બંધારા વિસ્તારની ૨૪૨ હેક્ટર જમીન કારખાનાને આપવામાં આવી હોવાથી બંધારા જળસંગ્રહ શકિતમાં બે કરોડ દસ લાખ ઘનફૂટનો ઘટાડો થાય છે.

આ વિસ્તારમાં આઠેક ફૂટ જેટલું વધારે ખોદકામ કરવામાં આવે તો આ ઘટાડો પૂરેપૂરો સરભર થઇ જશે. થોડું પાણી વધશે. આવા ખોદકામથી દરિયાનું પાણી અંદર આવીને બંધારાના તમામ પાણીને ખારું બનાવી મૂકશે તેવો ડર ખોટો છે. ૮ ફૂટ વધારે ખોદાણ થવાથી દરિયાઇ ખારાશ આવવાની કે ફેલાવાની કોઇ સંભાવના નથી.

કારખાના માટે અપાયેલી જમીનમાંથી માત્ર સો-સવાસો એકર જમીન પાછી લઇને તેમાં જળાશય બનાવવામાં આવે તો જળસંગ્રહ ઊલટો વધારે મોટો થશે. આવું થાય તો આ વિસ્તારના ખેડૂતોને વધારે પાણી મેળવી આપવાનો જશ કળસરિયાને આપવો જોઇએ.ખાણના ખાડાઓને મીઠા પાણીથી ભરી દેવા માટે સમિતિએ કરેલી ભલામણનો અમલ થાય તો આખા વિસ્તારમાં ખેતીવાડી વધારે આબાદ થાય.

લોકોના અનુભવ અને લાગણી અને નિષ્ણાતોનો મત એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. લોકશાહીમાં લોકોના મત અને ભાવના હંમેશાં ગણતરીમાં લેવાવા જોઇએ. પણ નિષ્ણાતોનો મત અલગ હોય છતાં તેને વધારે મહત્વ આપવું જોઇએ. બીમાર દર્દીનો જાત અનુભવ અને લાગણીનો વિચાર દાક્તરો હંમેશાં કરે છે પણ આખરે તો દાકતરના મત પ્રમાણે આપણે ચાલીએ છીએ.

લોકોનો મત અનુભવ અને પરંપરા પર આધાર રાખે છે. નિષ્ણાતો વૈજ્ઞાનિકો પદ્ધતિએ અભ્યાસ કરીને જાણકારી મેળવે છે. આવી જાણકારી હંમેશાં અનુભવ કરતાં ચડિયાતી હોય છે. લાગણી લક્ષમાં રાખીએ પણ આખરી નિર્ણય નિષ્ણાતોના કહેવા મુજબ લેવો જોઇએ.

મહુવા સિમેન્ટ કારખાનાનો સવાલ મહત્વનો છે કારણ કે આ વિસ્તારમાં હજુ પણ આવાં વધારે કારખાનાં ઊભાં થવાનાં છે. આ કારખાનાની બે વિશિષ્ટતા ઘ્યાનમાં રાખવી જોઇએ. એક તો આ કારખાનું સરકારી જમીન પર ઊભું થાય છે અને તેમાં એક પણ ખેડૂતની જમીન છીનવાઇ જતી નથી.

બીજું આ વિસ્તારમાં સરકારે ખાણ ખોદવાની મંજૂરી આપી છે. પણ કશી સગવડ આપી નથી. ખાણ વિસ્તાર-૩૪૬૦ હેક્ટરમાંથી ૨૮૭૧ હેક્ટર જમીન ખેડૂતોની છે અને સરકાર એક પણ ખેડૂતની જમીન પડાવી લેવાની છે. સિમેન્ટ કંપનીએ ખેડૂતો પાસેથી આ જમીન મોંઘાભાવે ખરીદ કરવાની છે અને ખેડૂતો જમીન ન આપે તો કારખાનું આપોઆપ બંધ પડી જાય.

નિરમાને ખસેડવા અને હાંકી કાઢવા માટે ખેડૂતો જીવ આપી દેવા તૈયાર છે તેવું વારંવાર કહેવાય છે. જીવ આપવાની કશી જરૂર નથી. જમીન ન આપો તો કારખાનાએ ભોગવવું પડે. પણ પોતાની ઉજજડ જમીનો મોંઘાભાવે વેચવા માટે ખેડૂતો તૈયાર છે અને તલપાપડ છે તેવી રજૂઆત સમિતિ પાસે થઇ છે.

ભાવનગર જિલ્લાના તળાજાથી શરૂ કરીને ઓખા જિલ્લા સુધીની દરિયાઇ પટ્ટીમાં ૨૭૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિમેન્ટ બનાવી શકાય તેવા ચૂના-પથ્થરો છે. આ વિસ્તારમાં અત્યારે સિમેન્ટનાં કારખાનાં છે અને બીજાં પણ ઊભાં થવાનાં છે.સૌરાષ્ટ્રનાં નાનાં બંદરોનો વિકાસ થાય, ખનીજ સંપત્તિનો પૂરો લાભ ઉઠાવવામાં આવે તો લોકોની આવક અને રોજગારીમાં અઢળક લાભ થાય. તેવું અર્થશાસ્ત્રીઓ કહે છે.

No comments:

Post a Comment