August 21, 2010

વિશ્વને થંભાવતી ‘રાખ’

આઇસલેન્ડના જ્વાળામુખીની રાખે ચાલીસ હજારથી પણ વધુ ફ્લાઇટો રદ કરાવી. આ જ્વાળામુખીનું ગરમાગરમ સાયન્સ રસાળ શૈલીમાં..

ગયે અઠવાડિયે ઉત્તર યુરોપના દેશ આઇસલેન્ડના હિમશિખર પર જ્વાળામુખી ફાટ્યો અને તેમાંથી ઊડેલી રાખનાં વાદળોએ હજારો વિમાનોનાં ઉયનો રદ કરાવ્યાં. વાવાઝોડું, ચક્રવાત, ભૂકંપ, ત્સુનામીની જેમ જ જ્વાળામુખી આપણને કુદરતની શકિતનો પરિચય કરાવે છે.

એક સિદ્ધાંત મુજબ સૂર્યમાંથી છૂટી પડેલી પથ્વી કાળક્રમે ઠંડી પડતી ગઇ અને રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાઓના ફળ સ્વરૂપે પૃથ્વીનું આજનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું છતાં પણ પૃથ્વીના પેટાળમાં હજુ પણ ધગધગતો લાવા ધરબાયેલો છે. તેની સાથે ગરમ વાયુ અને રાખ પણ છે. પૃથ્વીની સપાટીને/ખડકોને તોડીને લાવા એટલે કે જ્વાળામુખી બહાર નીકળે છે.

ધરતીના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટ હોય છે. જેની મિલન રેખાવાળો વિસ્તાર ધરતીકંપ પ્રભાવિત વિસ્તાર છે. ત્યાં જ્વાળામુખીની સંભાવના પણ ખૂબ વધી જાય છે. મઘ્ય આટલાન્ટિક સમુદ્રમાં ટેકટોનિક પ્લેટ સતત દૂર ખેંચાણ અનુભવે છે. જ્યારે પ્લેટ દૂર ખસે છે ત્યારે પીગળેલા ગરમ ખડકો દ્વારા નવી સપાટી બને છે.

આ નવી સપાટી પાતળી અને નાજુક હોય છે. જેને લીધે અંદરનો લાવા અને વાયુઓ જગ્યા કરી દબાણ સાથે બહાર ધસી આવે છે. આ નવી સર્જાયેલી ધાર કયારેક સમુદ્રની બહાર ઊપસી આવે છે અને ટાપુઓ બને છે (ઉદાહરણ: આઇસલેન્ડના ટાપુઓ).

લાવા અને ઝેરી વાયુ ઓકતો શંકુ આકારનો પર્વત જ્વાળામુખીના ઘણા પ્રકારોમાંનો આ એક પ્રકાર છે. આંદામાન ટાપુ પરનો મડ વોલ્કેનો જમીન પરના નાના છિદ્રોમાંથી સતત કાદવ બહાર કાઢે છે. જ્વાળામુખીના લગભગ દસેક પ્રકાર છે. તેમાંથી નીકળતા લાવાના ધગધગતા ચીકણા પ્રવાહીમાં રેતી (સિલિકા)નું પ્રમાણ ૪૫થી ૬૫ ટકા જેટલું હોય છે.

લાવાની ચીકાશને લીધે વાયુઓ પણ તેની સાથે જોડાઇ જાય છે. બારસો ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલા ઊચા તાપમાને જ્યારે આ ભારે પ્રવાહી બહાર નીકળે છે ત્યારે આજુબાજુમાં ફેલાઇ જાય છે, પરંતુ તેની સાથે ઊડતી રાખ હલકી હોવાથી આખાય વિસ્તારને ઢાંકી દે છે અને નીચે બેસી જતાં પહેલાં કેટલાય કિલોમીટરની યાત્રા કરે છે. લાવામાં રેતી ઉપરાંત લોખંડ અને મેગ્નેશિયમ પણ હોય છે.

જ્વાળામુખી ફાટે ત્યારે વરાળ, પીગળેલી રેતી સાથેનો લાવા, અંગારવાયુ, ઝેરીવાયુ વગેરે બહાર ફેંકે છે જે માનવ માટે ખતરનાક છે. જ્વાળામુખીની સાથે ભૂકંપ, ગરમ પાણીના ઝરા વગેરે સંલગ્ન પ્રક્રિયા છે. આ ઉત્સર્જનમાં પાણીની વરાળ સૌથી વધુ હોય છે અને અન્ય વાયુઓ જેવા કે સલ્ફર ડાયોકસાઇડ, હાઇડ્રોજન કલોરાઇડ વગેરેનું પ્રમાણ વધઘટ હોય છે. આ બધા જ વાયુઓ વાતાવરણમાં સોળથી બત્રીસ કિ.મી.ની ઊચાઇ સુધી જાય છે. જ્વાળામુખીમાંથી ઊડતો સલ્ફર ડાયોકસાઇડ વાતાવરણમાં સલ્ફેટના સૂક્ષ્મ કણોમાં પરિવર્તિત થાય છે.

તે સૂર્યકિરણોને પરાવર્તિત કરે છે જેને લીધે પૃથ્વીનું ન્યૂનતમ ઉષ્ણતામાન વધુ નીચું જાય છે. આ કણો પૃથ્વી દ્વારા વિકિરણીત થતી ઉષ્માને શોષી પણ લે છે જેથી કરીને વાતાવરણ ગરમ પણ થાય છે. જ્વાળામુખી ફાટવાને લીધે બે ત્રણ વર્ષ સુધી ધરતીનું તાપમાન અડધો ડિગ્રી સેન્ટિગ્રેડ ઓછું રહે છે.

સલ્ફર ડાયોકસાઇડના ઉત્સર્જન અને તેને લીધે થતા આબોહવામાં ફેરફારને લીધે દુકાળ સર્જાય છે. ૧૬૦૧-૦૩નાં વર્ષોમાં પડેલો રશિયાનો દુકાળ જ્વાળામુખીને કારણે હતો. સલ્ફરના કણો વાતાવરણમાં કલોરિન અને નાઇટ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અસંતુલન સર્જે છે. જેના પરિણામે ઓઝોન વાયુનાં પડમાં ગાબડાં પડે છે.

જ્યારે આ સૂક્ષ્મ સલ્ફર કણ વાતાવરણમાં સ્થિર થાય ત્યારે જ્વાળામુખીમાંથી નીકળેલાં અને પાણીનાં બિંદુઓ સાથે ભળેલા હાઇડ્રોકલોરાઇડ અને હાઇડ્રોફલોરાઇડ ધરતી પર વરસી પડે છે અને આપણને તેજાબ વર્ષાનો અનુભવ થાય છે. જ્વાળામુખીની જ્વાળાએ કાર્બન ડાયોકસાઇડ અથવા તો કાર્બનનો ભંડાર હોય છે.

જ્વાળામુખીના ઠંડા લાવાને લીધે જમીન ફળદ્રુપ બને છે જ્યારે આકાશમાં રચાયેલા રાખનાં વાદળો વિમાનને મુશ્કેલીમાં મૂકી દે છે. જેટ વિમાનનું એન્જિન ઘણા ઊચા તાપમાને કામ કરતું હોય છે. જ્યાં રાખના કણો ઓગળી જવાની શકયતા છે, જેને લીધે એન્જિનની કાર્યપદ્ધતિ સંપૂર્ણ ખોરવાઇ જાય છે અને અકસ્માતની શકયતાઓ ખૂબ વધી જાય છે.

અત્યાર સુધીમાં આ કારણે લગભગ એંસી વિમાન અકસ્માત થઇ ચૂકયા છે. સન ૧૯૮૨ના ઇન્ડોનેશિયાના અને સન ૧૯૮૯ના અલાસ્કાના જ્વાળામુખીની આ પ્રકારની ઘટના પછી લોકો ખૂબ સાવચેત થઇ ગયા છે અને આ વખતે તો સાવચેતીના પગલારૂપે લગભગ ચાલીસ હજાર ઉડાન રદ કરી નાખી. ચેતતા નર સદા સુખી.‘

શોર્ટ સર્કિટ: જ્વાળામુખીનો ધુમાડો હોય કે વાહનોનો ધુમાડો! હેરાન તો કરે જ! પછી ભલે તે આકાશ હોય કે ધરતી.(લેખક ‘ઇસરો’, અમદાવાદના નિવૃત્ત ઇજનેર છે.)

No comments:

Post a Comment