August 21, 2010

સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ?

આઇપીએલના વહેતા વોકળામાં હાથ ધોવા મેદાનમાં ઉતરેલા થરૂર અને લલિત મોદી ભેખડે ભરાયા છે. કોંગ્રેસ-ભાજપ-એનસીપી અને એના કરતાંય ચડિયાતા એવા ભારતીય ક્રિકેટના રાજકારણમાં બંનેએ નો બોલ ફેંકયા છે. હવે ફ્રી હીટ મળી છે કોંગ્રેસ અને બીસીસીઆઇને. થરૂરનું પક્ષમાં અને મોદીનું ક્રિકેટમાં વધતું કદ તેમના માટે ઓર જોખમી સાબિત થયું છે. કોંગ્રેસ પાર્ટી થરૂર માટે અને લલિત મોદી માટે બીસીસીઆઇ હવે ‘સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ’ ગમે ત્યારે લઇ શકે છે.

ન્યૂયોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના ૩૯ માળના બિલ્ડિંગમાં પોતાની ઓફિસમાંથી તેમણે દુનિયાની ઝાકઝમાળ જોઇ. ત્રીસ વર્ષની બેદાગ કારકિર્દીમાં તેઓ ગરીબ દેશોના ઉદ્ધાર માટે અનેક દેશોના વડાઓને મળ્યા. આંતરરાષ્ટ્રીય રાજનીતિ જોઇ. પણ ભારતના રાજકારણમાં આવ્યા પછી થરૂર જે જોઇ-અનુભવી રહ્યાં છે તે દેશની સૌથી મોટી લોકશાહીનો અને દેશના સૌથી જૂના રાજકીય પક્ષના વહીવટનો અનોખો અનુભવ છે. પોતે ચોખ્ખા છે એવું સાબિત કરવા માટે તેમણે કોંગ્રેસના નેતાઓના બંગલે-બંગલે જવું પડયું. લોકસભામાં નિવેદન આપ્યું પછી ‘આ તો તેમનું અંગત નિવેદન છે’ એમ કહી કોંગ્રેસ પક્ષે તેમને છેટા કરી દીધા.

મૂળ સમસ્યા એ થઇ કે થરૂર એક પ્રોફેશનલની જેમ રાજકારણી બનવા ગયા. ભારતના રાજકારણને ‘ઉજળું’ કરવા અને વતન-કેરળની મિટ્ટીની સોડમ લેવા આવેલા થરૂરને દેશી રાજકારણના કાદવનો અનુભવ થઇ ગયો છે. વડાપ્રધાન ડો. મનમોહનસિંહની મિત્રતાને કારણે તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી લડ્યા અને મંત્રી પણ બન્યા. કોંગ્રેસમાં તેમની ગણના બૌદ્ધિક તરીકે થાય છે, પણ અસલ-જૂના અને પીઢ નેતાઓને થરૂર કણાની જેમ ખૂંચવા માંડયા હતા. મંત્રીપદ મળ્યાના છ મહિનામાં તો કોંગ્રેસ માટે શશી થરૂર એક ‘જવાબદારી’ બની ગયા છે.

થરૂરની જોકે સૌથી મોટી ભૂલ એ થઇ કે તેમણે કોચીની ટીમ માટે જરૂર કરતાં વધારે રસ લીધો. કારણ હતું - સ્ત્રીમિત્ર સુનંદાને પણ પ્રીતિ ઝિન્ટા અને શિલ્પા શેટ્ટી કે નીતા અંબાણીની જેમ આઇપીએલની ટીમ ખરીદવી હતી. થરૂરે ચોખવટ કરી કે તેમણે તો કોચીની ટીમની અને કેરળની સેવા કરી છે. સુનંદાની સેવા કે કેરળની? કેવી સેવા? તેમણે કહ્યું કે મારે તો સેવા કરવા સિવાય કંઇ લેવાદેવા નથી. કોંગ્રેસના નેતાઓને આ વાત ગળે નહોતી ઉતરતી. કારણ કે આઇપીએલ -૪ની બીડિંગ વખતે શશી થરૂરની ઓફિસમાં કામ કરતો જેકબ જોસેફ હાજર હતો. તે ભાઇ ત્યાં શું કરતા હતા?

વિદેશ રાજયમંત્રીના ઓએસડીએ પ્યોર ‘વેપારી સંસ્થા’ આઇપીએલના બીડિંગમાં હાજર રહેવાની શું જરૂર હતી? જેકબ થરૂરનો ખાસ માણસ છે અને દુબઇમાં તેની કંપની છે. યાદ રહે, શશીની સ્ત્રી મિત્ર સુનંદા પણ દુબઇમાં બિઝનેસ કરે છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ દુબઇ અને ત્યાંથી આવેલા નાણાંનો રૂટ પણ તપાસવો પડ્યો.

ત્રીજી અને સૌથી મોટી ભૂલ એ કે બહુ ઓછા સમયમાં તેમણે અનેક વિવાદો ઊભા કરીને કોંગ્રેસ પાર્ટીને અકળાવી નાખી. તેમના સિનિયર મિનિસ્ટરથી માંડીને કોંગ્રેસના મહામંત્રીઓ અને સરકારના અન્ય મંત્રીઓ પણ તેમના ‘ટિ્વટર એટિટયૂડ’થી નારાજ થયા હતા. બીસીસીઆઇમાં પડદા પાછળ એનસીપીના શરદ પવાર છે અને થરૂરનો ઘડોલાડવો એક કરવા પવાર-મોદી એક થઇ ગયા છે એના કારણે પણ કોંગ્રેસના સમીકરણો બગડી શકે છે. કેરળમાં સ્થાનિક ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં આવવાની છે એટલે કોંગ્રેસને ‘થરૂર ઇફેકટ’થી બચવામાં વધુ સાર લાગે એ સ્વાભાવિક છે.

વધુ એક સમસ્યા એ થઇ કે આખા વિવાદમાં ગુજરાતના મુખ્યમંત્રીનું નામ આપીને તેમણે વાતને ટિ્વસ્ટ કરવાની કોશિશ કરી. કોચીની ટીમના હિસ્સેદારો ગુજરાતમાં તેનો બેઝ બનાવવા માગતા હતા એવું કહીને તેમણે હિસ્સેદારો, નરેન્દ્ર મોદી અને લલિત મોદી અને શરદ પવાર એ બધા પર નિશાન તાક્યું. પણ બે મોદી વચ્ચે સેન્ડવિચ જેવી સ્થિતિમાં આવી ગયા. ગુજરાત ક્રિકેટ તરફથી અને લલિત મોદી તરફથી આનો છેદ ઉડાડી દેવાયો. દેખીતી રીતે જ હાઇ કમાન્ડને આ વાત ન ગમે.

થરૂર રાજરકારણ-ક્રિકેટ-અંગતજીવન આ બધું જુદું સમજી રહ્યાં છે પણ ભારતમાં આવા જુદા ખાનાં હોતા નથી. અમેરિકામાં સંયુકત રાષ્ટ્રસંઘનો અનુભવ થરૂરને ભારતની ‘વાઇબ્રન્ટ’ લોકશાહીમાં કામ ન લાગ્યો. અહીં તો મંત્રી કામ કરે છે કે નહિ એના કરતાં તેની ગર્લફ્રેન્ડ કોણ છે અને તેના અંગત જીવનમાં કેવા વિખવાદો છે એની કૂથલી કરવામાં જ ભારતની જનતાને વધુ રસ છે. બીસીસીઆઇ કોઇની જાગીર થોડી છે?

થોડા વર્ષો પહેલાં એવું કહેતા લલિત મોદીએ એ સાબિત કરી આપ્યું છે કે એ પછી આઈપીએલ મહાનાયક લલિત નામના મોદી સાથે વિવાદમાં ફસાયા. જેવી દશા થરૂરની કોંગ્રેસમાં છે એવી જ દશા લલિત મોદીની બીસીસીઆઇમાં છે. ભારતમાં ક્રિકેટનું રિમોટ કન્ટ્રોલ લલિત મોદીના હાથમાં આવી ગયું છે એવું લાગ્યા પછી બીસીસીઆઇના ઘણા પદાધિકારીઓના પેટમાં તેલ રેડાયું છે. ધર્મશાલામાં બીસીસીઆઇના ટોચના પદાધિકારીઓ ભેગા થયા પણ તેમાં લલિત મોદીને ન બોલાવાયા.

વિશ્વની હોટેસ્ટ સ્પોટ્ર્સ લિગના ક્રિએટર લલિત મોદીનો ભૂતકાળ ‘ભવ્ય’ છે. અમેરિકામાં ભણતા હતા ત્યારે આ ભાઇ ડ્રગ્સને લગતા એક કેસમાં સંડોવાયા હતા. આફ્રિકાની મોડલને વિઝા ન આપવા તેમણે શશી થરૂરને દબાણ કર્યું હોવાનું કહેવાય છે. ટૂંકમાં બંને પક્ષે એક-એક મહિલા આ થરૂર-મોદી વચ્ચેના ઝઘડામાં કારણભૂત છે.

ફ્લડલાઇટની જેમ એક જ ધડાકે હજજારો વોટના પબ્લિસિટી ધોધમાં આ ભાઇ વહેવા માંડયા. દેશના પાવરફૂલ લોકોની યાદીમાં એક જ વર્ષમાં સૌથી વધુ પાવર મેળવનારી આ એકમાત્ર વ્યકિત છે. જાણીતા બિઝનેસ ફેમિલીનો આ પુત્ર નોખી માટીનો નીકળ્યો. આમ તો છેલ્લા એક દાયકાથી લલિત મોદી ક્રિકેટ બોર્ડમાં હવાતિયાં મારતા હતા. પણ રાજસ્થાન ક્રિકેટ બોર્ડમાં ઘૂસીને તેમણે બીસીસીઆઇના પાયા ડગમગાવવાનું શરૂ કર્યું. પવારના માણસ તરીકે તેમણે દાલમિયાની હકાલપટ્ટી કરાવી અને પછી આઇપીએલનું એમ્પાયર ઊભું કર્યું.

ક્રિકેટને જેન્ટલમેન ગેમના પરંપરાગત ગ્રાઉન્ડમાંથી બહાર કાઢીને તેણે ગ્લેમરના વાઘા પહેરાવ્યા. એની સાથે પેકેજમાં આવતા અન્ય દૂષણો ફ્રી હીટની જેમ ઘૂસ્યા છે એ પાછો જુદો વિષય છે. શશી થરૂર અને લલિત મોદી બંને બળવાખોર છે. થરૂર કોંગ્રેસના પરંપરાગત રાજકારણને ચાતરીને ચાલ્યા અને મોદી બીસીસીઆઇની બાઉન્ડ્રીને વળોટીને બહાર નીકળી ગયા. આ બંને તોફાની છોકરાઓને કન્ટ્રોલમાં રાખવા હવે બંનેની માતૃસંસ્થાઓ કામે લાગી છે. સવાલ હવે કોંગ્રેસ પાર્ટી અને બીસીસીઆઇ સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ કયારે લે તેનો છે

No comments:

Post a Comment