August 21, 2010

બધાંનું સાંભળવું જરૂરી છે?

એક નાનકડી વાર્તાથી શરૂ કરીએ. તમારામાંથી અડધો અડધ જણાએ સાંભળી કે વાંચી હશે. પણ વાંધો નહીં. ઘણીવાર કોઇ આપણને સાવ જૂનો ચવાયેલો દસવાર સાંભળેલો જોક કહે તોયે એને સારું લગાડવા હસીએ છીએને? બસ, તો આજે અહીં પણ એવી જ સજજનતા દાખવીને ચૂપચાપ વાંચી લેજો.

એક કૂવામાં ઘણાં બધા દેડકા રહેતા હતા અને સાંકડી દુનિયામાં લાઇફ બોરિંગ લાગે તોયે જીવતા હતા. એમાં વળી એક અવળચંડો પેદા થયો. રૂટીન દેડકાગીરીથી કંટાળીને એણે ઊચું જોયું અને કૂવાની દીવાલ પકડીને ઉપરની તરફ ચઢવાનું શરૂ કર્યું. આ જોઇને ઉપર-નીચે બંને દિશામાં ગોકીરો મચી ગયો. સાવ ઉપરના ભાગમાં દસ-બાર હટ્ટાકટ્ટા ખૂબ વિદ્વાન, હોંશિયાર ગણાતા સુપરફ્રોગ બેઠા હતા. એમણે તુરછભાવે કહ્યું, ‘એય ઠોઠિયા, રહેવા દે, અહીં સુધી પહોંચવાની તારી હેસિયત નથી અડધે આવીને પાછો નીચે પડયો’તો હાડકા ભાંગી જશે.’

નીચે વસતા ગરીબડા ભાઇબહેનો, દોસ્તારો ને વડીલો ઉવારયા, ‘હા બાપા, સાચી વાત આપણે તો કપમંડુક કહેવાઇએ. સૂરજને આંબવાની કોશિશ સુદ્ધાં ન કરાય. આપણે તો છીછરા પાણીમાં જ છબછબિયાં કરવાને સર્જાયા છીએ.’ પરંતુ અવળચંડો દેડકો તો બસ દાંત ભીંસીને દમ લગાવીને ચઢતો જ ગયો, ચઢતો જ ગયો અને એક દિવસ ભાઇ સાચેસાચ બહાર અજવાળી દુનિયામાં પહોંચી ગયો. બધાને નવાઇ લાગી કે દેખાવે સાવ નબળા લાગતા આ મામૂલી મંડૂકે આવું પરાક્રમ કઇ રીતે કર્યું? બધાનું સાંભળીને એને ડર ન લાગ્યો?

છેવટે ખબર પડી કે આ દેડકો બહેરો હતો. કહેવાનો અર્થ એ કે બહાદુરી દેખાડવા માટે કયારેક બહેરાપણું ઉપયોગી થાય છે. અરે, કયારેક મનની શાંતિ જાળવી રાખવા માટે જાણીજોઇને બહેરા થવામાં શાણપણ હોય છે.

મારા એક પત્રકારમિત્રને નાની વયે થયેલી બીમારીને પરિણામે કાને બહેરાશ આવી ગઇ. ‘ઝઘડાખોર’ ગણાતા આ માણસે જોકે કુદરત સાથે પણ ઝઘડો કરવો હોય તેમ બહેરાશ આવી ગયા બાદ સંગીત શીખવાનું શરૂ કર્યું અને કલાસિકલ મ્યુઝિકમાં માસ્ટરી મેળવી. એની વે, અહીં વાત બીજી છે. પોતાની શારીરિક ખોડને હળવાશથી લેતા આ મિત્ર ઘણીવાર કહેતા કે, ‘અણગમતી વાત સાંભળવાની આવે, ત્યારે મારે તો બસ, કાનમાંથી મશીન કાઢી નાખવા જેટલી જ મહેનત કરવાની!’

જોકે દરેક જણ માટે આમ લિટરલી કે ફીગરેટીવલી બહેરા થઇ જવાનું શકય નથી હોતું. ગમે તેટલું સમજીએ, મથીએ તોયે કયારેક કોઇના શબ્દો કાળજે વાગી જાય. થોડા સમય પહેલાં આવો જ અનુભવ થયો.

ત્રણચાર સ્ત્રીઓ મળીને આડીઅવળી, સામાન્ય વાતો કરતી હતી. ત્યાં અચાનક એમાંથી એક જણને વળી શું સૂઝી આવ્યું કે એણે મારા તરફ વળીને કહી દીધું, ‘તમે લખો છો એટલે ભલે. તમને બધા હોંશિયાર ગણતા હોય પણ બીજું શું? અચાનક ઘરમાં પાંચ-સાત જણ જમવા આવી જાય તો તમારાથી મેનેજ કયાં થાય છે? તરત હોટલમાં ફોન કરો.’

હું તો ડઘાઇ ગઇ. મેં કયારેય હોંશિયાર હોવાનો દાવો કર્યોનથી અને બીજાઓ સાથે મારી જાતની સરખામણી કરવામાં કે કોઇને શિખામણ આપવામાં મને રસ નથી તો પછી આ શું થઇ ગયું?’

હવે, શોર્ટ નોટિસ પર બે માણસની રસોઇ બનાવવાની પણ આવડત મારામાં નથી એ હકીકત છે. પણ દુ:ખ આ વાતનું નથી. મને નવાઇ એ લાગી કે કોઇ દેખીતા કારણ વિના અચાનક આવું બોલીને એ મહિલાએ મને ઉતારી પાડવાની કોશિશ શું કામ કરી? સાવ નજીકનો સંબંધ એટલે કાળજે સહેજ ચચરાટ પણ થયો.

એ વખતે તો હું ચૂપ રહી ગઇ. પણ હમણાં એક મિત્ર પાસે અનાયાસે આ ઘટનાનો ઉલ્લેખ થઇ ગયો. પણ એ તો હસી પડી. ‘બરાબર છે, આવું બોલનારને જવાબ અપાય જ નહીં. અને આમાં તને ખરાબ લાગવા જેવું શું છે?’

એણે પછી આખીયે વાતમાં સામેવાળાની સાઇકોલોજી સમજાવી. ‘જો આપણે ઘરબહાર નીકળીને કમ સે કમ એટલું કામ તો કર્યું છે ને કે ચાર માણસ આપણને નામ માત્રથી ઓળખે. આપણું લખેલું વાંચે. પ્રેમથી બોલાવે! હવે વર્ષોથી માત્ર હાઉસવાઇફનો રોલ જમાવીને કંટાળેલી પેલી સ્ત્રીને તારી અદેખાઇ આવે કે પોતાનું ચઢિયાતાપણું દાખવવાની ઇચ્છા થાય તો એ રસોઇ સિવાય બીજા કયા હથિયારનો ઉપયોગ કરી શકે? અને કયારેક આવું બોલીને એને સંતોષ મળતો હોય, તારી બરોબરી કર્યાનો આનંદ આવતો હોય તો બોલવા દે ને બિચારીને?’

વાત મારા ગળે ઊતરી ગઇ. ઊલટું મને ઉતારી પાડનારી સ્ત્રી માટે હવે થોડી સહાનુભૂતિ થાય છે. એ હોંશિયાર છે પણ ઘરની બહાર નીકળીને પોતાની ટેલેન્ટ બતાવવાનો વધુ મોકો એને મળતો નથી. અફકોર્સ, ફુલટાઇમ પત્ની અને માતા તરીકેનો રોલ એણે પોતાની મરજીથી સ્વીકાર્યોછે અને બખૂબી નિભાવે પણ છે, પરંતુ આટલા વરસે કદાચ એને કયારેક કંટાળો આવતો હશે.

કોઇ નાદાને એને ઓર્ડિનરી હાઉસવાઇફ હોવા અંગેનો ટોણો માર્યોહશે, અચાનક એ દિવસે એને પુરવાર કરવાની તીવ્ર ઇચ્છા થઇ ગઇ હશે કે, હું પણ તમારાથી કમ નથી. કમનસીબે એણે પોતાની લીટી મોટી કરવાને બદલે મારી લીટી ભૂંસીને નાની કરવાનો રસ્તો અપનાવ્યો. ઠીક છે, વાંધો નહીં. અમારા સંબંધો હજી સારા છે એ મને જાતજાતની વાનગીઓ બનાવીને જમાડે છે અને મારા લેખો, પુસ્તકો પણ વાંચે છે. નાનામોટા ટોણાં મારવાનું ચૂકતી નથી પણ મેં હવે બહેરા બનવાની પ્રેકિટસ ચાલુ કરી દીધી છે. ઘણીવાર ન સાંભળવામાં સવાસો ગુણ! એ પણ એક દિવસ આ ગુણ કેળવી લેશે અને પછી ઓલ વિલ બી વેલ!‘

No comments:

Post a Comment