August 21, 2010

મિલિયોનર માઈન્ડસેટ

આપણું ભવિષ્ય આપણાં વર્તમાનની કુખે જન્મ લેતું હોય છે અને આપણો વર્તમાન કાળ આપણાં હાથમાં છે. મિલિયોનર બનવાની ઈચ્છા સૌને હોય છે, પરંતુ મિલિયોનર કે મિલ્ટમિલિયોનર બનવું અને એ સ્થિતિને જાળવી રાખવી તે એવા લોકો માટે જ શકય છે કે જેઓ મિલિયોનર માઈન્ડસેટના માલિક છે. તમે એવા ઉદાહરણ જોયાં હશે કે કોઈ માણસને કરોડો રૂપિયાની લોટરી લાગે અને રાતોરાત ઝૂંપડપટ્ટીમાંથી આલિશાન બંગલામાં આવી જાય, એની આખી દુનિયા,બાહ્ય વ્યક્તિત્વ અને લાઇફસ્ટાઇલ અચાનક જ બદલાઈ જાય.

પરંતુ અભ્યાસ પરથી જણાયું છે કે એમાંના મોટાભાગના લોકો માત્ર ત્રણ કે ચાર વર્ષમાં જ ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. જાણો છો, શા માટે? કારણ કે એ લોકો લોટરી જીત્યા છે પણ એમનો માઈન્ડસેટ મિલિયોનરનો નથી હોતો, ગરીબીનો હોય છે. બીજી તરફ કેટલાંક એવા લોકો પણ જોવા મળે છે કે જેઓ અચાનક જિંદગીભરની કમાણી ગુમાવી બેઠા હોય પણ થોડા સમયમાં જ શૂન્યમાંથી સર્જન કરીને ફરીથી બેઠા થઈ ગયા હોય. આનું કારણ એમનો મિલિયોનર માઈન્ડસેટ છે. તમારો માઈન્ડસેટ નક્કી થાય છે માન્યતા દ્વારા.

જો તમે માનતા હો કે તમે ભવિષ્યમાં અઢળક આવક કરી શકો તેમ છો તો તમે સાચા છો અને જો એવું માનતા હો કે તમારી આવક અતિશય વધી જાય તેવી શકયતા ઓછી છે તો પણ તમે સાચા છો. તમારી માન્યતા જ તમારી હકીકત છે. ગઈકાલની માન્યતા આજે હકીકત બનીને સામે ઊભી છે અને આજની માન્યતાઓ આવતીકાલે હકીકત બનવાની છે.

આપણી જિંદગીમાં આપણી આસપાસ રોજ અસંખ્ય ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાઓનો આપણે એવો જ પ્રતિભાવ આપીએ છીએ કે જેવી એ ઘટના વિશેની આપણી માન્યતા હોય. એક જ ગ્રાહકને બે જુદા જુદા વેપારીઓ જુદો જુદો પ્રતિભાવ આપે છે કે ગ્રાહક માટેની બંને વેપારીઓની માન્યતા જુદી જુદી છે. જેના કારણે એ જ ગ્રાહક દ્વારા બંને વેપારીઓને જુદા જુદા પરિણામો મળે છે.

થોડાં સમય પહેલાં જ મારા એક મિત્રે માન્યતાની શકિતનો પોતે કેવી રીતે ઉપયોગ કરે છે તેની વાત કરી. એ નેટવર્ક માર્કેટિંગના વ્યવસાયમાં છે. એ કહે, ‘મારી ડાઉન લાઈનમાંના ડિસ્ટિ્રબ્યુટર્સને હું ઘણી વાર કહું છું કે હું તમને આવતા અઠવાડિયે એક એવા બિઝનેસમેનની ઓળખાણ કરાવી શકે જેમનું ગ્રૂપ બહુ મોટું છે, વળી એ મહેશભાઈ મારા ખાસ પરિચિત છે અને ખૂબ સારા માણસ છે.

હું તમને માત્ર ઓળખાણ કરાવી દઈશ પછી આગળ તમારે સંભાળી લેવાનું. જો તમે એને આપણા બિઝનેસમાં જોડાવા માટે કન્વીન્સ કરી શકો તો એમના મોટા મિત્ર મંડળનો ફાયદો મળી શકે. પણ આવતા અઠવાડિયે એ મળી શકશે. અઠવાડિયામાં બે-ત્રણવાર આ વાત કહેવાથી સાત દિવસમાં પેલા ડિસ્ટિ્રબ્યૂટરના મનમાં એવી માન્યતા ઘર કરી જાય કે મહેશભાઈનું ગ્રૂપ મોટું છે, મહેશભાઈ સહકાર આપે એવા છે.

આના કારણે ખરેખર જયારે મહેશભાઈ પાસે એ બિઝનેસ પ્રપોઝલ લઈને જાય ત્યારે ખૂબ સારું વર્તન કરે, ઉત્સાહથી વાત કરે, વધારાની સેવાઓની ઓફર કરે, અને જબરદસ્ત પરફોર્મન્સ કરીને મહેશભાઈને બિઝનેસમાં સામેલ કરીને જ આવે. ખરેખર તો મહેશભાઈ ખાસ સહકાર ન આપે એવા જ માણસ છે પણ હું મારા ડિસ્ટ્રિબ્યુટરના મનમાં સકારાત્મક માન્યતા જ રોપું છું અને પરિણામે અશકય લાગતાં કામો થવા લાગે છે.’

જો એ ડિસ્ટિ્રબ્યુટર પહેલેથી જાણતા હોત કે મહેશભાઈ સહકાર આપે તેવા નથી તો એ એવું જ માનતો હોત કે ત્યાં મારું કામ નહીં થાય માટે એ પ્રયત્ન જ ન કરત અને પ્રયત્ન કર્યોહોત તો તે ઉપરછલ્લો અને નબળો હોત. પરિણામ પ્રયત્નોનું જ મળે છે પણ આપણાં દરેક પ્રયત્ન પાછળ કોઈ માન્યતા રહેલી જ હોય છે. જો હજુ સુધી ઈચ્છિત પરિણામ ન મેળવી શક્યા હો તો તમારી માન્યતાઓને ચકાસી જોજો.‘
સોના મહોર : નિર્ધન અને ધનવાન વચ્ચે સૌથી મોટો ફરક એમની માન્યતોનો હોય છે

No comments:

Post a Comment