August 21, 2010

મજબૂત બ્રાન્ડ: ફેવિકોલ

એમ.બી.એ.માં માર્કેટિંગ અને પ્રોડક્ટ બ્રાન્ડિંગ સાથે સંકળાયેલા બે ખાસ શબ્દ બ્રાન્ડ લોયલિસ્ટ એટલે કે કોઈ બ્રાન્ડ પ્રત્યેના વફાદાર ગ્રાહક અને બ્રાન્ડ સ્વિચર એટલે કે ખૂબ ઝડપથી બ્રાન્ડ બદલનારા ગ્રાહક. આ દૃષ્ટિએ આપણે ભારતીય ગ્રાહકો વધારે પડતાં બ્રાન્ડ લોયલિસ્ટ ગણાઈએ. આપણે બધા કોઈ ચોક્કસ અને વિશ્વસનીય બ્રાન્ડને વળગી રહીએ છીએ.

આનો ઉત્તમ દાખલો ફેવિકોલ બ્રાન્ડ છે. પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આ ફ્લેગશિપ પ્રોડક્ટે આપણા દેશની ગ્લૂ ઈન્ડસ્ટ્રીને વિશ્વસ્તરે સ્થાન અપાવ્યું. આજે ફેવિકોલ લગાવેલી ચીજવસ્તુઓ ઘરના દરવાજા, બારી-બારણાં અને ગળતી છતના સમારકામ માટે, કાગળ-કવર ચોંટાડવાથી માંડીને ચિત્રકલાની દુનિયામાં રહેતા લોકોમાં ફેવિકોલ હોટ ફેવરિટ છે. ફેવિકોલ સાથે આપણા લોકોના મનોમસ્તિષ્ક મજહૂત રીતે ચોંટેલા છે.

સાઈઠના દાયકામાં આઝાદ ભારત પોતાના પગ પર ઊભા રહેવાની જોરશોરથી તૈયારી કરતું હતું. નવા નવા ઉધોગ સ્થપાતા હતા. ભારતીય ઉધોગપતિઓ વિદેશથી આયાત કરાતી બધી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘરઆંગણે થાય તે કામમાં પરોવાયેલા હતા. એવા સમયગાળામાં જ એક ફૂટડા યુવાન ઉધોગપતિ બી. કે. પારેખે સુથારોની લાકડામાં સાંધા જોડવાની સમસ્યાને પીછાણી. ફેવિકોલની શોધ પહેલાં સુથારીકામ કરતા કારીગરો પ્રાણીજ ચરબીમાંથી બનાવોલા સરેશ નામના પદાર્થનો ઉપયોગ કરતા હતા.

આ પદાર્થ પરંપરાગત ગુંદરના બદલે વપરાતો હતો. સરેશનો ઉપયોગ કરતાં પહેલાં તેને ઘણીવાર સુધી ઉકાળવો પડતો અને તેમાંથી માથું ફાટી જાય એવી તીવ્ર વાસ આવતી. ઊડું સંશોધન કર્યા પછી પારેખભાઈએ એવું તારણ કાઢયું કે કુદરતી ગુંદરના બદલે સિન્થેટિક રસાયણ થકી આ સમસ્યાનો કોઈ રસ્તો નીકળી શકે તેમ છે. તેમની શોધનો અંત ફેવિકોલના ઉત્પાદનથી આવ્યો, આ સાથે પિડિલાઈટ ઈન્ડસ્ટ્રી સ્થપાઈ.

૧૯૫૯માં પિડિલાઈટે સફેદ, ઘટ્ટ અને એરોમેટિક સુગંધવાળા ગુંદર સાથે બજારમાં પગ મૂક્યો. કંપનીએ શરૂઆતમાં આ પ્રોડક્ટ ફકત સુથારો માટે બનાવીને માર્કેટમાં મૂકી. ફેવિકોલે સુથારોને વર્ષોજૂની સમસ્યામાંથી છૂટકારો અપાવ્યો. તદુપરાંત તેમનું કામ સરળ અને મજબૂત બનાવ્યું. રસાયણશાસ્ત્રની દૃષ્ટિએ ફેવિકોલ એક સિન્થેટિક રેઝિન છે. તેની વિશેષતા એ છે કે તે સહેલાઈથી લગભગ દરેક સરફેસ પર ફેલાય છે અને તેને મજબૂતીથી કોઈ અન્ય સરફેસ કે વસ્તુ સાથે જોડે છે. આ કામ કરતા હાથ ખરાબ નથી થતા અને વાસ પણ નથી આવતી. આનો ઉપયોગ કરવા માટે ખાસ વધારે આવડતની જરૂર પડતી નથી.

લાકડું, પ્લાયવુડ, વિનિયર, કોઈ પણ વુડન બોર્ડ, પુસ્તકો, કાગળમાંથી બનાવેલી સજાવટની વસ્તુઓ, હસ્તકલાની સામગ્રીને જોડવામાં ફેવિકોલનો જોટો જડે તેમ નથી. ફેવિકોલથી જોડેલી વસ્તુઓ ૮થી ૧૦ કલાકમાં સૂકાઈને પાકી થઈ જાય છે અને જો ૨૪ કલાક સુધી એમ ને એમ સૂકવવા માટે રાખી દો તો પછી લાંબા સમય સુધી એ સાંધાને કોઈ વાંધો ન આવે તેની ખાતરી આપી શકાય છે. ફેવિકોલની આવી બધી ખાસિયતોએ લીધે કારીગરો ખુશ કરી દીધા. પછી કારીગરો ખુદ આના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા.

તેમની સારી માઉથ પબ્લિસિટીને કારણે ફેવિકોલ શબ્દ લોકજીભે ચડયો. આમ આ રીતે આ પ્રોડક્ટે ઘર, ઓફિસ અને ઉધોગ સુધી પગપેસારો કર્યો.

પિડિલાઈટના સ્થાપક બી. કે. પારેખ કહે છે, ‘ અમે આ ક્ષેત્રમાં સાવ નવા નિશાળીયા હતા પણ સારી પ્રોડક્ટને કારણે પથદર્શક બન્યા. ઉત્તમ ગુણવત્તા, વિતરણ વ્યવસ્થા, ગ્રાહકો સાથેના સંબંધ અને હૃદયને સ્પર્શે તેવી જાહેરખબરો થકી પિડિલાઈટે ફેવિકોલને દરેક લોકોની જરૂરિયાત બનાવી દીધી.’

સિત્તેરના દાયકામાં પિડિલાઈટે માર્કેટિંગમાં ધરખમ ફેરફાર કરીને ફેવિકોલની ૩૦ ગ્રામની ટયુબ બજારમાં મૂકી. આ સાથે તે દરેક ગ્રાહકના હાથમાં પહોંચી. વર્ષોજૂના ગુંદરથી કંટાળેલા લોકોએ ફેવિકોલને હોશભેર ફૂલડેથી વધાવી લીધો. સ્કૂલ, કોલેજ, ઓફિસ બધે જ ફેવિકોલે જબરી જમાવટ કરી. ફેવિકોલે વર્ષોજૂના ગુંદરની ભૂરી બોટલની બોલબાલા ખતમ કરી. કંપનીના એકિઝકયુટિવ ડિરેકટર અપૂર્વ પારેખ કહે છે, ‘અમારે ફેવિકોલને ફકત કારપેન્ટર બ્રાન્ડ બનાવવી નહોતી. એટલે અમે માર્કેટિંગના પ્રમોશન પર પૂરેપૂરું ઘ્યાન આપ્યું. એમે ફેવિકોલની બ્રાન્ડ ઈમેજને માનવીય સંબંધ સાથે, તેમના રોજબરોેજના કામ અને જરૂરિયાત સાથે જોડીને તેને ઓલ પરપઝ એડહેસિવ સ્વરૂપે રજૂ કરી.’

ખરેખર કેટલું સાચું કહે છે અપૂર્વભાઈ! હાલમાં દેશના ૫૦ હજાર સ્ટોર્સ અને લાખો દુકાનો પર ફેવિકોલ પોતાના નામથી અને કામથી વેચાય છે. રસપ્રદ વાત એ છે કે જયારે કોઈ દુકાનદાર ફેવિકોલને બદલે કોઈ બીજો ગુંદર હાથમાં પકડાવવાની કોશિશ કરે ત્યારે તેને ગ્રાહકના ગુસ્સાનો ભોગ બનવું પડે છે. હાલમાં આ બ્રાન્ડ ફેવિકિવક, ફેવિસ્ટિક, ફેવિક્રિલ, ફેવિબોન્ડ જેવા કેટલાય સ્વરૂપે જુદી જુદી જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉપલબ્ધ છે.

પિડિલાઈટે ફેવિકોલની સાથે એડહેસિવ, સિલેન્ટ, કન્સ્ટ્રક્શન, આર્ટ મટીરિયલ, રેઝિન અને ઓર્ગેનિક પિગમેન્ટ જેવા ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. આવી સફળતા પાછળનો મૂળમંત્ર ગ્રાહકનો સંતોષ છે. આ એકમાત્ર કંપનીએ દેશવાસીઓને ભારે ઉપયોગી પ્રોડક્ટ આપી છે. અરે, તેના નામે મોટી ના"ન-બ્રાન્ડેડ માર્કેટ બની ગઈ છે.

થોડા મહિના પહેલાં ‘ઈકોનોમિક ટાઈમ્સ’ની યાદી અનુસાર ભારતની ૫૦૦ ટોપ લિસ્ટેડ કંપનીઓમાં પિડિલાઈટ ૧૩૧માં સ્થાને છે. વિશ્વભરના ૫૦થી વધુ દેશમાં ૧૩ વિદેશી એકમો ધરાવતી પિડિલાઈટને ભારતની મિલ્ટનેશનલ કંપની કહેવામાં જરાય અતિશયોકિત નથી.

હાલમાં પિડિલાઈટની અમેરિકા, બ્રાઝિલ, થાઈલેન્ડ, સિંગાપોર અને દુબઈ ખાતે આવેલા એકમો વડે દુનિયાભરમાં ધાક જમાવી છે. ફેવિકોલે ભારતીય કોર્પોરેટ જગતથી માંડીને જાહેરખબરની દુનિયામાં ઈતિહાસ રરયો છે. ફેવિકોલે આગવી ઓળખ ઊભી કરી છે એટલું જ નહીં આ બ્રાન્ડનેમનો ઉપયોગ બોલચાલની ભાષામાં પણ છૂટથી થવા માંડયો.‘

‘ગત વર્ષ દરમિયાન મજબૂત બ્રાન્ડ ફેવિકોલે ૫૦ વર્ષ પૂરા થવાની શાનદાર ઉજવણી મુંબઈમાં કરી. આ પ્રસંગે નવી એડફિલ્મ ‘મૂઁછો વાલી લડકી’ની રજૂઆત સાથે ફેવિકોલના ભવ્ય અતીતની દમદાર ઝલક દર્શાવી. આ સાથે વિસરાયેલી યાદ તાજી કરાવી. એ વખતે ત્યાં હાજર રહેનારા લોકોએ આ ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી. આ ફિલ્મને કાન્સના પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહમાં ભારતની પ્રતિનિધિ ફિલ્મ તરીકે દર્શાવવામાં આવી. કોઈ કંપનીની બ્રાન્ડના પ્રચાર માટે બનાવેલી ફિલ્મનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સમાવેશ થયો હોય તેવો કદાચ આ પહેલો બનાવ છે.

‘બહુ ઓછા લોકોને ખબર હશે કે ૮૦ના દાયકામાં ટીવી પર દર્શાવાતી જાહેરખબરમાં મૂછાળો યુવાન ‘ફેવિકોલ કા મજબૂત જોડ હૈ, ટૂટેગા નહીં’કહીને ફેવિકોલ પ્રત્યેનો પોતાનો અતૂટ ભરોસો બતાવે છે. આ મૂછડ યુવાન એટલે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર હીરાણી.

No comments:

Post a Comment