August 19, 2010

ઉતાવળ વિનાની ઝડપ!


સ્કૂલ ડ્રોપ-આઉટ પરાક્રમસિંહ જાડેજા પોતાની કંપની શરૂ કરીને તેને ઝડપભેર ભારતની ટોચની કંપનીઓમાં શી રીતે હકથી સ્થાન અપાવી શક્યા? આ સવાલના જવાબની હિન્ટ એમના નામમાં જ છે: પરાક્રમ... સિંહ...

૧૯૮૮માં આ તરવરિયો યુવાન ક્રિકેટ અને ચેસના શોખને છોડીને લેથ મશીન પર જોબવર્ક કરતો હતો, આજે તેમની જ્યોતિ સીએનસી નામની કંપની દેશમાં સીએનસી મશીન બનાવનાર ટોચની કંપની છે. તેમણે ફ્રાન્સની હુરોન નામની એક મશીન ટૂલ્સ કંપની પણ ખરીદી લીધી છે. જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજાનો સમાવેશ માત્ર ગુજરાતના જ નહીં, દેશના સફળ સીઇઓમાં થાય છે.

રાજ્ય સ્તરની ચેસ ચેમ્પિયનશીપ રમવા માટે બારમા ધોરણની પરીક્ષા નહીં આપીને અભ્યાસ અધૂરો છોડી દેનાર પરાક્રમસિંહ જાડેજાની સફળતા કોઇ ચમત્કાર નથી. આ તો મહેનત અને નવી તકોને અગાઉથી ઓળખી લેવાની શક્તિને કારણે મળેલી સફળતા છે. મેનેજમેન્ટનું શિક્ષણ તો શું, કોલેજનું શિક્ષણ પણ નહીં લેનાર પરાક્રમસિંહ જ્યોતિ સીએનસીના સીઇઓ છે અને મેનેજમેન્ટ ગુરુઓને પણ ભૂ પાઇ દે એવી વ્યવસ્થાપનની તેમની સૂઝ કાબિલે તારિફ છે.

મહેનત અને મેનેજમેન્ટની સાથે જ આઘ્યાત્મિક વિચારસરણી ધરાવતા બેતાલીસ વર્ષીય પરાક્રમસિંહ જાડેજાની સફળતાને સમજવા માટે તેમની ઉદ્યોગ સાહસિક તરીકેની યાત્રાને મોડર્ન મેનેજમેન્ટના પરિપ્રેક્ષ્યમાં માણીએ.

સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટમાં લક્ષ્મીવાડી નામનો વિસ્તાર આજે પણ પછાતપણાનું લેબલ ધરાવે છે. પરાક્રમસિંહના પિતા ઘનશ્યામસિંહ લક્ષ્મીવાડીમાં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરતા હતા. ઓશોના સંન્યાસી ઘનશ્યામસિંહ સંતાનોને મુક્તપણે વિહરવા દેવામાં માનતા હતા. લક્ષ્મીનગરની સાંકડી ગલીઓમાં પરાક્રમસિંહનું બાળપણ મિલમાં નોકરી કરતા કારીગરો અને ટ્રક ડ્રાઇવરોના બાળકોની સાથે બિનધાસ્ત ધિંગામસ્તી કરવામાં વિત્યું.

ભણવામાં પરાક્રમસિંહ હોશિયાર, પણ રમતમાં જીવ વધુ ચોંટેલો રહે. રાજકોટની વિરાણી શાળામાં તે સમયે ટેક્નિકલ શિક્ષણ પ્રાથમિક વર્ષોમાં જ આપવામાં આવતું. પરાક્રમસિંહને ટેક્નિકલ શિક્ષણમાં ખાસ મજા આવતી. આજે પરાક્રમસિંહ કહે છે, ‘મારા એન્જિનિયરોને ટુ ડાયમેન્શન ડિઝાઇન ડ્રોઇંગમાં થર્ડ ડાયમેન્શન ન દેખાય એવું બને, પણ ડ્રોઇંગ જોતાં જ મારા મનમાં ત્રીજું પરિમાણ આપોઆપ ઉપસી આવે. મારો ઇમેજિનેશન પાવર વઘ્યો તેની પાછળ વિરાણીનું પાયાનું ટેક્નિકલ શિક્ષણ અને ચેસની રમતમાં મહારત કારણભૂત છે.’

બારમાની પરીક્ષા આવી ત્યારે જ રાજ્ય સ્તરની ચેસ ટુર્નામેન્ટ આવી. પરાક્રમસિંહે પરીક્ષા આપવાને બદલે ચેસ રમવાનું પસંદ કર્યું, ભણતરને બાય-બાય કહી દીધું. ૧૯૮૮માં વિદેશમાં ક્રિકેટ કોચિંગ કેમ્પમાં વિદેશ જવાની તક મળી. પરાક્રમસિંહે પિતાજી પાસે વિદેશ જવા માટે ત્રીસ હજાર રૂપિયા માગ્યા. આજ સુધી પરાક્રમસિંહે ક્યારેય વિચાર્યું નહોતું કે, પિતાજી કઇ રીતે ઘર ચલાવે છે અને કેટલું કમાય છે.

પિતાજીએ બે દિવસ પછી દસ હજાર રૂપિયા આપ્યા. બીજા પાંચ હજાર રૂપિયા ત્રણ-ચાર દિવસ પછી આપ્યા. અઠવાડિયા પછી વધુ પાંચ હજાર જ્યારે પિતાજીએ પરાક્રમસિંહના હાથમાં મૂક્યા ત્યારે રહેવાયું નહીં. તેઓ પૂછી બેઠા: પપ્પા આ શું હપ્તે હપ્તે પૈસા આપો છો? તમારી પાસે ૩૦ હજાર રૂપિયા નથી?

પિતાજીએ કહ્યું: પહેલા દસ હજાર પ્રોવિડન્ટ ફંડ પર લોન લઇને મેળવ્યા છે, બાકીના પાંચ-પાંચ હજાર બે કર્મચારી ક્રેડિટ સોસાયટીઓમાંથી લોન તરીકે લીધા છે. બાકીના દસ હજાર માટે પર્સનલ લોનની અરજી કરી છે, મળતાં હજી અઠવાડિયું લાગશે.
અત્યાર સુધી સાવ બેફિકરાઇથી જિંદગી જીવતા પરાક્રમસિંહને પ્રથમ વખત જિંદગીની વાસ્તવિકતા સમજાઇ. જિંદગી એક ત્રિભેટે આવીને ઊભી હતી. નક્કી કરવાનું હતું કે, ક્રિકેટ અને ચેસ તરફ જવું કે ધંધા તરફ? નક્કી કર્યું, ક્રિકેટ કેમ્પમાં નથી જવું, કમાવું છે. ક્રિકેટર અને સારા ચેસ પ્લેયર પરાક્રમસિંહે રમતક્ષેત્રે કારકિર્દી બનાવવાનો વિચાર પડતો મૂકીને પોતાનું ઘ્યેય નક્કી કર્યું, લેથ મશીનના કામમાં આગળ વધવું છે.

ભણતર તો અધૂરું છોડી દીધું હતું, નોકરી મળવાની શક્યતા ઓછી હતી. આવડતું હોય એવું એક માત્ર કામ લેથ મશીન ચલાવવાનું હતું. વિચાર્યું, લેથનું કામ કરી શકાય. જે નાણાંમાંથી વિદેશ જવાનું હતું, તે નાણાંથી બાળપણના ગોઠિયા અને કાકાના દીકરા સહદેવસિંહ જાડેજાની સાથે મળીને અટિકા વિસ્તારમાં એક દુકાન ભાડે લીધી.

કાકાના મિત્ર એવા પ્રફૂલ્લ મામા નામના લેથ મશીનના વેપારી પાસેથી હપ્તેથી લેથ મશીન ખરીદ્યુ. કુટિર ઉદ્યોગની ૩૩ હજાર રૂપિયાની લોન પણ લીધી. લેથનું જોબવર્ક શરૂ કર્યું. પરાક્રમસિંહ આજે પણ એવું કહેતા અચકાતા નથી કે, જોબવર્ક એટલે મજૂરીકામ.

મેનેજમેન્ટ ફંડા:૧.તમારું ઘ્યેય નક્કી કરી લો, દિશા નક્કી કરી લો અને તેને વળગી રહો.ર.કામને ક્યારેય નાનું માનવું નહીં. મોટાં સપનાંની શરૂઆત નાના કામથી જ થતી હોય છે.૩.તમારા કૌશલ્ય પ્રમાણેના ધંધામાં જ ઝંપલાવો.

રાજકોટમાં તે સમયે લેથ પર જોબવર્ક કરનાર લોકોની કોઇ કમી નહોતી. ગળાકાપ હરીફાઇમાં પરાક્રમસિંહે આગળ વધવાનું હતું. જે પ્રફૂલ્લ મામાએ લેથ મશીન વેચ્યું હતું તેમણે જ શરૂઆતમાં ઘરાકો આપ્યા. પરાક્રમસિંહ અને સહદેવસિંહે રાત-દિવસ મહેનત શરૂ કરી. દિવસે સહદેવસિંહ કામ કરે અને રાત્રે પરાક્રમસિંહ.

દિવસે સાઇકલ લઇને જોબવર્ક શોધવા કારખાનેદારોને મળે. તે વખતે લેથ મશીનમાં એપ્રન ગીયર બોક્સ આવતા. પ્રફૂલ્લમામાએ એક મિસ્ત્રીને પાંચ એપ્રન ગીયર બોક્સનો ઓર્ડર આપ્યો હતો, મિસ્ત્રી ડિલિવરી આપવામાં ઠાગાઠૈયા કરતો હતો. એક દિવસ પરાક્રમસિંહને આજી વસાહતમાં કામ શોધવા માટે જવાનું હતું, એટલે પ્રફૂલ્લમામાએ કામ સોંપ્યું કે મિસ્ત્રીની દુકાન રસ્તામાં આવશે, તેને ડિલિવરી ક્યારે આપશે તે પૂછી આવજો.


પરાક્રમસિંહે મિસ્ત્રીને પૂછ્યું કે, પાંચ એપ્રન ગીયર બોક્સની ડિલિવરી આપો છો ને? મિસ્ત્રીએ નફ્ફટાઇથી કહ્યું, એની તો તાજી ફૂલવડી થઇ ગઇ. એક રોકડિયો ઘરાક આવ્યો એટલે એને આપી દીધાં. પરાક્રમસિંહનું દિમાગ તપી ગયું. આ તો ધંધાની અનૈતિકતા છે, બિઝનેસ એથિક્સનો ભંગ છે.

પરાક્રમસિંહ કહે છે, ‘પ્રફૂલ્લ મામા પાસે જઇને કહ્યું, આ માણસ તમને ડિલિવરી નહીં આપે, તમે કહો તો હું તમને એપ્રન ગીયર બોક્સ બનાવી આપું. મામાએ કહ્યું કે, આપણાથી ગીયર બોક્સ ન બની શકે, બહુ કડાકૂટિયું કામ છે.’ પણ પરાક્રમસિંહ માન્યા નહીં. તેમણે પોતાના જ લેથ મશીનમાંથી ગીયર બોક્સ કાઢીને તેનો અભ્યાસ કર્યો અને બનાવવાની શરૂઆત કરી.


એક મહિનામાં પાંચ ગીયર બોક્સ બનાવીને ડિલિવરી આપી દીધી. લેથ ઉપર જોબવર્ક કરનાર પરાક્રમસિંહે જાતે બનાવેલી આ પ્રથમ ચીજ હતી. તેમને હવે એક નવી દિશા મળી ગઇ હતી. તેમણે જ્યોતિ એન્ટરપ્રાઇઝ નામની પોતાની દુકાનમાં એપ્રન ગીયર બોક્સનું ઉત્પાદન શરૂ કર્યું. લેથ પર ટર્નિંગનું કામ કરનાર પરાક્રમસિંહની જિંદગીનો આ બીજો ટર્નિંગ પોઇન્ટ હતો.

લેથના કામમાં ટર્નિંગનો અર્થ થાય છે આકાર આપવો. એપ્રન બોક્સ બનાવવાના કામે જ્યોતિ સીએનસીને આકાર આપવાની, ટર્નિંગની શરૂઆત હતી. એપ્રન બોક્સ બનાવવાનો વિચાર સ્ફૂર્યો ત્યારે નિષ્ફળ જવાનો ડર ન લાગ્યો?

પરાક્રમસિંહ કહે છે, ‘જોખમનો વિચાર પણ નહોતો આવ્યો. એટલે ડરનો સવાલ જ નહોતો. ગુમાવવા માટે પાસે કશું ન હોય ત્યારે જોખમ શાનું?’ એપ્રન ગીયર બોક્સ બનાવવામાં ત્રણ-ચાર વર્ષમાં જ્યોતિ એન્ટરપ્રાઇઝનું નામ થઇ ગયું.

મેનેજમેન્ટ ફંડા:૧. તકને શોધવા માટેની દ્રષ્ટિ કેળવો.ર. નવા કામને ચેલેન્જ તરીકે લો.૩. ક્વોલિટી પ્રોડકટ આપો તો હરિફાઇવાળા બજારમાં પણ ધંધો વિસ્તારી શકાય.

જ્યોતિ એન્ટરપ્રાઇઝનાં એપ્રન ગીયર બોક્સ બજારમાં વખાણાયાં. લેથ મશીન બનાવનાર કારખાનેદારો તેનો ઉપયોગ કરવા માંડ્યા, પણ પરાક્રમસિંહને એનાથી સંતોષ નહોતો. તેમણે જોયું કે જે લેથ મશીન અહીં બનતાં હતાં તે પુલ્લી અને બેલ્ટવાળાં હતાં. રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ એચએમટી અને કિર્લોસ્કરનાં લેથ મશીનોની જેમ ગીયરવાળાં નહોતાં.

તેઓ લેથ મશીન બનાવતા ઉત્પાદકોને પૂછતા: તમે કેમ ગીયરવાળાં લેથ બનાવતા નથી? ઉત્પાદકો કહેતા કે એમાં બહુ ચોક્કસાઇની જરૂર પડે, આપણે તે ન બનાવી શકીએ. પોતે ઓલ ગીયર હેડસ્ટોક બનાવ્યાં. તેને વેચવા માટે નીકળ્યા ત્યારે માલૂમ પડ્યું કે કોઇ આ લેથ ખરીદીને જોખમ ઊઠાવવા તૈયાર નહોતું.

છ મહિના સુધી પરાક્રમસિંહે સતત રખડીને વેચવા પ્રયાસો કર્યા, એક પણ મશીન વેચાયું નહીં. આજે તે સમય યાદ કરતાં પરાક્રમસિંહ કહે છે, ‘મને જ્યાં નવી તક દેખાતી હતી ત્યાં ઘરાકોને જોખમ દેખાતું હતું.


હું સતત વિચારતો કે તેમણે અપડેટ થવું જોઇએ, તેઓ વિચારતા કે જે પરંપરા ચાલે છે તે ચાલવા દો.’ નિષ્ફળતા છતાં પરાક્રમસિંહે પરાજય સ્વીકાર્યો નહીં. ચેસ માસ્ટર નવી દિશા ન વિચારે તો જ આશ્ચર્ય. એટલે એક બારી બંધ થાય તો અન્ય ખૂલી હશે તેમ માનીને શોધ ચાલુ રાખી.

મેનેજમેન્ટ ફંડા:૧. નવા વિચારોને પ્રવેશવાની તક આપો.ર. ટૂંકાગાળાની નિષ્ફળતાથી હતાશ થવાને બદલે આગળનું વિચારો૩. અપગ્રેડેશન માટે હંમેશાં તૈયાર રહો.૪. આમ જ થાય તેમ કહેવાને બદલે પૂછો: નવું કેમ ન કરી શકાય ?

પરાક્રમસિંહને એટલું તો સમજાયું કે સ્થાનિક બજારના ઉત્પાદકોમાં નવું કરવાથી નિષ્ફળ જવાનો ડર હતો. ડિઝાઇન કેપેબિલિટી નહોતી અને પારંપરિક સાધનોથી ચલાવી લેવાની માનસિકતા હતી. આ સ્થિતિમાં નવું વિચારનાર એકાદ-બે વખત નિષ્ફળ જાય, હંમેશા નહીં. એટલે તેમણે ડિઝાઇનર લેથ બનાવવાની શરૂઆત કરી.

૧૯૯૨માં જ્યારે કમ્પ્યુટર હજુ ખાસ પ્રચલિત નહોતાં થયાં. ત્યારે પરાક્રમસિંહ પોતાનું વિઝિટિંગ કાર્ડ બનાવડાવવા એક ડિઝાઇનર પાસે ગયા. તે માણસ કમ્પ્યુટર પર કાર્ડ ડિઝાઇન કરતો હતો. પરાક્રમસિંહને થયું કે જે ડિઝાઇનો તે ડ્રોઇંગશીટ પર બનાવે છે તે કમ્પ્યુટર પર ન લગાવી શકાય?

કાર્ડ બનાવનારને જ આ પ્રશ્ન તેમણે પૂછી લીધો. જવાબ મળ્યો કે કમ્પ્યુટર પર ડિઝાઇન બની શકે, તે માટે ઓટોકેડ નામનો પ્રોગ્રામ નખાવવો પડે. તે વખતે જ્યોતિ એન્ટરપ્રાઇઝની કુલ મૂડી પણ દોઢ લાખ રૂપિયા જેટલી નહોતી, છતાં ૧,૬૦,૦૦૦ રૂપિયાની કિંમતે તેમણે કલર મોનિટર વાળું કમ્પ્યુટર લીધું.

જાતે કમ્પ્યુટર શીખ્યા અને જોબવર્ક માટેની ડિઝાઇનો કમ્પ્યુટર પર બનાવવાનું શરૂ કર્યું. આ પગલું જ્યોતિ એન્ટરપ્રાઇઝ માટે એક બહુ મોટું કદમ હતું. લેથ અને કમ્પ્યુટરના કોમ્બિનેશન જેવા સીએનસી (કમ્પ્યુટરાઇઝ્ડ ન્યૂમરિકલ કંટ્રોલ) મશીન બનાવવાનું તે વખતે કદાચ તેમણે સપનું પણ નહોતું જોયું, છતાં લેથ અને કમ્પ્યુટર બન્ને જ્યોતિ સીએનસીમાં સાથે હતાં. ભવિષ્ય આકાર પામી રહ્યું હતું.

મેનેજમેન્ટ ફંડા:૧. બહુ નાની ઘટના પણ ભવિષ્યની મોટી ઘટના માટે કારણભૂત હોઇ શકે.ર. સફળતા મેળવવા માટે નવું વિચારવાની ક્ષમતા મેળવો.૩. ભવિષ્યનું યોગ્ય આકલન કરીને તેના માટે અગાઉથી જ પગલાં ભરો.૪. વિસ્તરણ માટે મોટું રોકાણ કરતાં ક્યારેય અચકાવું નહીં, જોખમ ઊઠાવી લેવું.

૧૯૯૫નું વર્ષ જ્યોતિ એન્ટરપ્રાઈઝ અને પરાક્રમસિંહ માટે સંઘર્ષનું વર્ષ હતું. એક્સપાન્શન માટે અઢળક નાણાંની જરૂર હતી અને સામા પક્ષે હાથ પર ફંડ નહોતું. માર્કેટમાં સીએનસી મશીનો આવવા માંડ્યાં હતાં અને આ હરીફાઈમાં પાછળ રહી જવાનો ડર હતો.

પરાક્રમસિંહના બધા કઝીન હાઈલી એજ્યુકેટેડ હતા અને વિવિધ ફિલ્ડમાં સારી રીતે ગોઠવાઈ ગયા હતા. ખૂબ જ માનસિક તણાવમાંથી પસાર થતા પરાક્રમસિંહને પહેલી વખત થયું કે ભણ્યા નહીં એટલે અત્યારે દુ:ખી થઈ રહ્યા છીએ. પિતાજી મિત્ર જેવા હતા એટલે તેમને કહી બેઠા, મેં બારમાની પરીક્ષા આપવાને બદલે ચેસની ટુર્નામેન્ટમાં જવાનું નક્કી કર્યું ત્યારે તમે મને રોકી શક્યા હોત, પણ તમે ઘ્યાન ન આપ્યું અને હું જિંદગીમાં નિષ્ફળ ગયો.

પિતાજીએ બહુ જ સાજિકતાથી કહ્યું, ‘તને લાગે છે કે તું નિષ્ફળ છે, મને નથી લાગતું. મેં ૧૯૭૧માં ઓશોના એક પ્રવચનમાં સાંભળ્યું હતું કે, બાળકો તમારી સંપત્તિ નથી કે મન ફાવે તેમ તેનો ઉપયોગ કરો. મેં મારા સંતાનો પર ક્યારેય દબાણ નથી કર્યું. મને લાગે છે, પરાક્રમ, કે તું સાચા રસ્તે જ છો.’ અને પરાક્રમસિંહે ત્યારે પ્રથમ વખત પપ્પાની કેસેટ લઈને ઓશોનું પ્રવચન સાંભળ્યું.

ઓશોના સંન્યાસી પણ બન્યા. ઘ્યાન અને સાધના શરૂ કરી દીધી. મનની સ્થિરતા માટે જે ખૂટતું હતું તે મળી ગયું. મુશ્કેલીઓ આવે ત્યારે એક સામટી આવતી હોય છે. પરાક્રમસિંહે હોકી પ્લેયર રાજશ્રી સાથે લગ્ન કર્યા, પણ લગ્ન પછીનાં થોડાં વર્ષોમાં પત્નીની તબિયત બગડી અને તેમની સારવારમાં ઘણો સમય ખર્ચાયો અને માનસિક અસ્વસ્થતા પણ રહી.

ઘ્યાન દ્વારા તેઓ આ સ્થિતિમાંથી બહાર આવ્યા. ૧૯૯૭-૧૯૯૮માં ટેક્નોલોજીના ક્ષેત્રમાં પરિવર્તન આવી રહ્યું હતું. રાજકોટમાં જે સીએનસી લેથ મશીન આવ્યાં હતાં તેના માલિકો તેને જોવા પણ દેતા નહોતા. તે સમયે સીએનસી મશીનો અંગેનો એક સેમિનાર રાજકોટમાં યોજાયો. તે જોઈને પરાક્રમસિંહે સિમેન્સ કંપનીને પોતાના મશીનમાં કમ્પ્યુટર ફીટ કરાવવાની ઈચ્છા હોવાનું કહ્યું અને રાત્રે બે વાગ્યે પહેલી કમ્પ્યુટર સિસ્ટમનો ઓર્ડર આપ્યો.

જ્યોતિ એન્ટરપ્રાઈઝે સીએનસી લેથ બનાવવાનું શરૂ કર્યું. કંપની માટે આ સૌથી મોટો વળાંક હતો. લિયોનાર્દોદ વિન્ચીના નામ પરથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાટર્મેન્ટ સહિતના વિવિધ વિભાગો શરૂ કર્યા.

મેનેજમેન્ટ ફંડા:૧. મુશ્કેલીના સમયમાં મનને શાંત રાખો. મનને શાંત રાખવા માટે ઘ્યાનથી માંડીને સંગીત સુધીના નુસખા વ્યક્તિગત પસંદગી પ્રમાણે અપનાવી શકાય.૨. કોઈ મુશ્કેલી એવી નથી હોતી, જેનો ઉપાય ન હોય. કોઈ તાળું ચાવી વગરનું બનતું નથી.૩. તમારી પોતાની નબળાઈઓને ઓળખો અને તેમાંથી બહાર આવવાની કોશિશ કરો.૪. વિસ્તરણની ગતિમાં સાતત્ય જાળવી રાખો. સાતત્ય તૂટે તો ક્યારેક આખું ઓર્ગેનાઈઝેશન પડી ભાંગે એવું બને.૫. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનું રોકાણ ડેડ ઈન્વેસ્ટમેન્ટ નથી, તે લાંબાગાળે પણ સારાં પરિણામ આપે છે.

જ્યોતિ સીએનસીએ ૨૦૦૬માં ફ્રાન્સની હુરોન મશીન ટુલ્સ કંપની સાથે કોલાબરેશન કર્યું અને ૨૦૦૭માં જ્યોતિ સીએનસી કરતા બમણી મોટી અને વિશ્વભરમાં નામના ધરાવતી ૧૫૦ વર્ષ જૂની આ કંપનીને અઢીસો કરોડ રૂપિયામાં ખરીદી પણ લીધી. તેની સાથે જ, જર્મની અને કેનેડામાં સબ્સીડિયરી કંપનીઓ દ્વારા ટેકનોલોજી સેન્ટરો સ્થાપીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું શરૂ કર્યું.

પોતાને જોઈતા વર્કફોર્સને પોતે જ તાલીમ આપવાનો અભિગમ જ્યોતિ દ્વારા અપનાવાયો. પરાક્રમસિંહ કહે છે, ‘તમને જોઈતા વર્કફોર્સને તમે તાલીમ આપીને ઈચ્છા પ્રમાણે ઢાળી શકો. અમે તાલીમ આપેલા વિદ્યાર્થીઓ દેશની ગમે તે કંપનીમાં જોડાય, અમારા બ્રાન્ડ એમ્બેસેડર બની રહે છે.

કંપનીની એચઆર પોલીસી એકદમ સ્પષ્ટ છે. કર્મચારીઓને અહીં બિઝનેસ પાટર્નર ગણવામાં આવે છે.’ જાડેજા ઉમેરે છે, ‘કર્મચારીઓને ઓનરશીપ આપો, ઈચ્છિત પરિણામની જવાબદારી આપોઆપ આવશે.’ સતત નવું નવું કરીને આ સ્તરે પહોંચેલા પરાક્રમસિંહ પોતાના કર્મચારીઓને ઈનોવેશનની મોકળાશ આપે છે.

મહિને એક વખત બધા જ કર્મચારીઓની મીટિંગ મળે છે, જેમાં દરેકને સૂચન કરવાની તક મળે છે. પરાક્રમસિંહ કહે છે, ‘અહીં માત્ર સૂચન કરવાની પરંપરા નથી. માત્ર સૂચન નહીં, તેનો અમલ કર્મચારીએ કરી બતાવવો પડે. કર્મચારીઓને ભૂલ કરવાની છૂટ છે. ભૂલમાંથી તેઓ શીખતા રહે છે.

અમે કહીએ છીએ કે ગધા ભી ઈતના બડા ગધા નહીં હોતા કી એક હી ગઢ્ઢે મેં દો બાર ગીરે.’ સ્પોર્ટ્સમેન જાડેજાએ કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે કંપનીના પરિસરમાં જ વિશાળ સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યું છે. તેમાં ઈન્ડોર સ્ટેડિયમથી માંડીને સ્વીમિંગ પુલ સહિતની સુવિધાઓ છે. કર્મચારીઓ આ સુવિધાનો નિયમિત ઉપયોગ કરે છે.

કંપનીના પરિસરમાં આવડું મોટું સ્પોર્ટ્સ સંકુલ બનાવવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા જાડેજા કહે છે, ‘અમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ કોમ્પ્લેક્સ બનાવ્યું છે એ સાચું, પણ વાસ્તવમાં મારો ઉદ્દેશ અલગ છે.

હું ઈચ્છું છું કે અહીં તાલીમ લઈને કોઈ એથ્લિટ ઓલિમ્પિક્સમાં પહોંચે અને ભારતનું નામ રોશન કરે. મારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના દરવાજા દરેક એથ્લિટ માટે ખુલ્લા છે અને તેમની તાલીમ માટેની વ્યવસ્થા અહીં છે.’ અહીં તમામ કર્મચારીઓ સાથે બેસીને એક સાથે જમે છે, જેમનું અન્ના ભેગું તેમના મન ભેગા.

મેનેજમેન્ટ ફંડા:૧. કર્મચારીઓને કર્મચારી તરીકે નહીં, પરિવારના સભ્ય તરીકે ટ્રીટ કરો.૨. નવું કરવાની મોકળાશ તમામને આપો, ભૂલમાંથી એ પોતે શીખશે.૩. કર્મચારીઓને સુવિધાઓ આપો, તે તમને વધુ સારું કામ આપશે.૪. કર્મચારીઓને ઓનરશીપ આપો, ઈચ્છિત પરિણામ આપોઆપ આવશે.

જ્યોતિ સીએનસીનાં ત્રણ સંકુલોમાં ફરો ત્યારે બધું જ લાર્જર ધેન લાઈફ લાગે. તોતિંગ મશીનો અને એમાં બનતા વિવિધ પાટર્ટ્સ. જ્યોતિ સીએનસી અને હુરોન નાસાથી માંડીને લોકહીડ માટિર્ન જેવી વિમાની કંપનીઓ, ઓટો કંપનીઓ વગેરેને પાર્ટ્સ પૂરા પાડે છે. પરાક્રમસિંહનો કેરિયર ગ્રોથ રોકેટ ઝડપી છે. ૧૯૯૮થી ૨૦૧૦ સુધીના ગાળામાં તેમણે જબરદસ્ત પ્રગતિ કરી છે.

આ પ્રગતિ પાછળનો સૌથી મોટો ડ્રાઈવિંગ ફોર્સ તેમની રિસ્ક ટેકિંગ કેપેસિટી છે. સદીઓ પૂરાણું ડહાપણ છે કે પછેડી હોય એટલા પગ લંબાવવા, પણ પરાક્રમસિંહે પછેડી કરતાં પાંચ ગણા પગ લંબાવવાની હિંમત કરી છે અને દર વખતે પછેડીનો વિસ્તાર વઘ્યો છે. તેમને જ્યારે આ જોખમ ઉઠાવવાની તાકાતના ભયસ્થાનો વિશે પૂછ્યું ત્યારે તેમણે બહુ જ સાહજિકતાથી ઉત્તર આપ્યો, ‘ડર મને ક્યારેય લાગતો નથી કારણ કે હું વર્તમાનમાં જીવનાર માણસ છું. ભૂતકાળમાં જીવતો નથી અને ભવિષ્યમાં રાચતો નથી.

સારો ચેસ પ્લેયર છું એટલે દરેક ડગલું માંડતા પહેલાં તેનાં વિવિધ પાસાં આપોઆપ વિચારાઈ જાય છે. ચેસમાં દરેક ચાલ વખતે સંભવિત જોખમ, સંભવિત તક, સંભવિત વિકલ્પ અને વ્યૂહરચનામાં સંભવિત પરિવર્તન ઘ્યાનમાં લેવાતું હોય છે. મને ડિસિસન મેકિંગમાં ચેસ અનાયાસ જ ઘણું ઉપયોગી બન્યું છે.

ઉતાવળે નિર્ણય લેવામાં હું માનતો નથી પણ ઝડપથી નિર્ણય લેવામાં ચોક્કસ માનું છું. આ બન્ને બાબતો વિરોધાભાસી નથી. ઉતાવળો નિર્ણય તમામ પાસાં વિચાર્યા વિના લેવાતો હોય છે, ઝડપી નિર્ણયનો અર્થ એ નથી કે બધાં પાસાં બાબતે વિચારાયું નથી.

હું હંમેશાં કહું છું કે ભૂલ થવાની બીકે નિર્ણયો પાછા ન ઠેલો. દરેક માનવીએ એ સમજીને ચાલવું જોઈએ કે મોત ગમે ત્યારે આવી શકે છે. નેક્સ્ટ મોમેન્ટ કુડ બી ડેથ. મનમાંથી ડર કાઢી નાખો એટલે નિર્ણયો આસાન થઈ જાય.’ અઘ્યાત્મ અને મોડર્ન મેનેજમેન્ટના સાયુજ્ય જેવી આ ફિલોસોફી જાડેજા બહુ જ સાજિકતાથી અમલમાં મૂકી શકે છે. તેમની વાતોમાં જ નહીં, વહીવટમાં પણ અઘ્યાત્મ છલકાતું રહે છે.

મેનેજમેન્ટ ફંડા:૧. ધંધામાં હંમેશાં વિવિધતા લાવો, વિવિધતાથી જોખમ મિનીમાઈઝ થાય છે.૨. નિર્ણય ઝડપથી લો, પણ તમામ પાસાંઓનો વિચાર કરીને લો.૩. ભવિષ્યમાં થનારા નુકસાનની આશંકાથી ડરવાને બદલે તેનો વાસ્તવિક અંદાજ કાઢો અને નિર્ણય લો.

જ્યોતિ સીએનસીનું ૨૦૦૩માં નક્કી થયેલું વિઝન સ્ટેટમેન્ટ હતું, ૨૦૧૦ સુધીમાં કવોલિટી, ટેક્નોલોજી અને વોલ્યૂમમાં ભારતની નંબર વન મશીન ટુલ્સ કંપની બનવું. આ ઘ્યેય સિઘ્ધ થઈ રહ્યું છે. હવે નવું વિઝન છે, ૨૦૧૫માં વિશ્વની ટોપ ટેન મશીન ટુલ્સ કંપનીમાંની એક બનવાનું.

પરાક્રમસિંહ કહે છે, ‘દેશની બાઉન્ડ્રી વટાવીને અમે ફ્રાન્સ, જર્મની અને કેનેડામાં પગ જમાવ્યો છે, હવે વિશ્વમાં ટોચની કંપનીઓની હરોળમાં સ્થાન મેળવવું છે.’ એનાથી આગળ પછી શું? એવા પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે, ‘આ વિઝન એચિવ થાય એટલે આગળનું વિચારીશું. અત્યારે એક જ ઘ્યેય નક્કી કરવું છે, બે ઘોડા પર સવારી ન કરાય.’

કંપનીનું મિશન સ્ટેટમેન્ટ તેમણે ‘પ્રોપેલિંગ ટેક્નોલોજી, પ્રોસ્પેરિંગ લાઈફ’ રાખ્યું છે. ગ્રાહકો, કંપનીના કર્મચારીઓ, વેન્ડરો વગેરે તમામની જિંદગી સમૃદ્ધ બને તે કંપનીનું મિશન છે. જાડેજાએ મેનેજમેન્ટનું ફોર્મલ શિક્ષણ લીધું નથી, કોલેજનું શિક્ષણ પણ લીધું નથી છતાં વિઝન અને મિશન સ્ટેટમેન્ટ નક્કી કરવા તથા મોર્ડન મેનેજમેન્ટના નિયમોને અનુસરીને ચાલવાનું તેઓ ક્યાંથી શીખ્યા?

તેઓ કહે છે, ‘માણસ પોતાના મનની બારી ખુલ્લી રાખે તો ઘણું શીખી શકે. મારા કર્મચારીઓ માટે હું સમયાંતરે મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજું છું જેથી આધુનિક મેનેજમેન્ટના પ્રવાહોથી તેઓ અને કંપની વાકેફ રહે.’ જાડેજા પોતે પણ પોતાના ફીલ્ડની માહિતીથી સતત અપડેટ રહે છે. પુષ્કળ વાંચે છે અને ટેક્નોલોજીની દુનિયામાં જે કાંઈ નવું થાય તે અંગે વિસ્તૃત માહિતી મેળવતા રહે છે.

મેનેજમેન્ટ ફંડા:૧. તમારું વિઝન એકદમ સ્પષ્ટ અને એચિવેબલ રાખો.૨. એક સમયે એક જ ઘ્યેય પર નજર રાખો.૩. સતત શીખતા રહેનારના જ્ઞાનને કોઈ સીમા હોતી નથી.૪. તમારાં ફીલ્ડની માહિતી સતત મેળવતા રહો.

લાંબા ગાળાનાં ઘ્યેય હાંસલ કરવા માટે જ્યોતિ સીએનસીમાં કલેક્ટિવ ડિસિસન લેવાની પરંપરા છે. પરાક્રમસિંહ જાડેજાની સાથે ચૌદ વ્યક્તિની કોર ટીમ છે. ટીમના મોટાભાગના સભ્યો યુવાન છે અને ઘણા સમયથી જાડેજાની સાથે જોડાયેલા છે અથવા મિત્રો અને સંબંધીઓ છે.

સંબંધીઓ અને મિત્રો કંપનીમાં મહત્વના પદો પર હોય ત્યારે મેનેજમેન્ટ કરવામાં મુશ્કેલી અનુભવાય ખરી? જાડેજા કહે છે, ‘મને તો મુશ્કેલી નહીં સરળતા રહે છે. તમામ લોકો મારા સ્વભાવ, મારી આવડત, મારી ખાસિયતો, મારી એબિલિટી અને મારી ખામીઓથી અવગત છે અને હું તેમના ગુણો-અવગુણોને જાણું છું. તેને કારણે હું યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ સોંપી શક્યો છું અને કંપનીનો રોકેટ ગતિએ વિકાસ થઈ શક્યો છે.’

પત્ની રાજશ્રી, દીકરી પ્રાર્થના અને પોતે એમ ત્રણ જણાનો નાનકડો પરિવાર ધરાવતા જાડેજા જીવનને સાધના તરીકે લે છે. તેમની ઈચ્છા છે કે જ્યોતિ સીએનસી પોતાના વિના ચાલી શકે એટલી મજબૂત કંપની બની જાય તે પછી નાનકડું કોમ્યુન ખોલીને સાધના કરવી છે. બાળકો માટે કામ કરવું છે. ઓશોના સંન્યાસીની ઈચ્છા સાધના સિવાય બીજી હોય પણ શી?

No comments:

Post a Comment