August 19, 2010

સ્મૃતિ : એક રોમાંચક પ્રક્રિયા




સ્મૃતિ કેવળ એક પ્રક્રિયા નથી, એ ઘણી બધી પ્રક્રિયાનું મિશ્રણ છે. આપણે જેને સ્મૃતિ કહીએ છીએ એ ખરેખર તો મગજમાં થતી વિવિધ ક્રિયાઓ છે, જે આપણી અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની ક્ષમતા ડિફાઇન કરે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સ્મૃતિ કેવળ યાદ રાખવામાં મદદ નથી કરતી, બલકે આપણને જાતજાતની કુશળતા આપે છે, જેનો પ્રભાવ આપણાં વ્યક્તિત્વ પર સ્પષ્ટપણે દેખાય છે.

ડિક્લેરેટિવ મેમરી



ડિક્લેરેટિવ મેમરી એ છે, જેને આપણે જીવન જીવતાં જીવતાં જાણીએ છીએ. ‘અમુક વ્યક્તિના વાળ સફેદ છે’ કે ‘ફ્રાન્સ યુરોપમાં છે’ જેવી વાતો આપણે છાતી ઠોકીને કહી શકીએ એનું કારણ આ સ્મૃતિ છે. આપણે આવાં વિધાનો એટલે કહી શકીએ છીએ કે પેલી વ્યક્તિને જોઇને કે ફ્રાન્સ વિષે વાંચી-જોઇને વિગતો યાદ રાખી શકીએ છીએ.

વિજ્ઞાનીઓએ મેમરીને બે ભાગમાં વહેંચી છે — પહેલી એપિસોડિક મેમરી. જોબ કે કોલેજના પહેલા દિવસ જેવા આપણાં વ્યક્તિગત સ્મરણ સાથે એ જોડાયેલી છે. બીજી છે સેમેન્ટિક મેમરી, જેનો સંબંધ સાધારણ માહિતી સાથે છે. ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે સ્વીચ ચાલુ કર્યા વગર બલ્બ નથી સળગી શકતો, વગેરે.

પ્રોસિજરિયલ મેમરી

પ્રોસિજરિયલ મેમરી એ વાતને યાદ રાખવાની ક્ષમતા આપે છે કે કયું કામ કઇ રીતે કરવામાં આવે. આ એક એવા પ્રકારની સ્મૃતિ છે, જે લગભગ ઓટોમેટિક હોવાનો અનુભવ કરાવે છે. ડ્રાઇવિંગ, ટાઇપિંગ કે દૈનિક જીવનનાં બધાં નાનાં-મોટાં કામ આ સ્મૃતિના પ્રતાપે જ શકય બને છે. જ્યારે આપણે લખીએ કે બોલીએ છીએ ત્યારે આપણું શબ્દભંડોળ ડિક્લેરેટિવ મેમરીમાં સંગ્રહ પામે છે, જ્યારે ઉપયોગમાં લેવાતું ભાષાનું વ્યાકરણ કે એના બીજા નિયમની કુશળતા પ્રોસિજરિયલમાં સ્થાન ધરાવે છે.

શોર્ટ ટર્મ મેમરી

શોર્ટ ટર્મ મેમરી આપણને ઉપલબ્ધ સૌથી વધુ પ્રત્યક્ષ કે તાત્કાલિક સ્મૃતિ છે. તમે તમારા ટેબલ પર કામ કરી રહ્યા હો અને પેન્સિલ કાગળોની વચ્ચે મૂકી દો તો શોર્ટ ટર્મ મેમરી થકી તમે એને પાંચ મિનિટ પછી પણ તરત જ શોધી કાઢશો. એક યાદીમાંથી બીજી યાદીમાં આંકડાની નકલ કરતી વખતે શોર્ટ ટર્મ મેમરી તમને આંકડા થોડી ક્ષણો પૂરતા મગજમાં રાખવામાં મદદ કરે છે, જેથી તમે એને બીજી યાદીમાં ઉતારી શકો.

આપણે આ સ્મૃતિનો સતત ઉપયોગ કરતા રહીએ છીએ. હોટલમાં મેનુમાંથી વાનગી પસંદ કરીને વેઇટર આવે અને ઓર્ડર અપાય ત્યાં સુધીની બે-પાંચ-દસ મિનિટ એ યાદ રાખવા જેવી તમામ બાબતોમાં આ સ્મૃતિ કામ કરતી હોય છે.

એનો ઉપયોગ સતત થતો રહેતો હોવાથી એની બિલ્ટ-ઇન-લિમિટ હોય છે, એટલે કે એ કેવળ થોડી વાતો જ યાદ રાખી શકે છે. જુદી જુદી વૈજ્ઞાનિક કસોટીમાં જણાયું છે કે શોર્ટ ટર્મ મેમરી એકસાથે સાતથી નવ વાત યાદ રાખી શકે છે.

લોંગ ટર્મ મેમરી

લોંગ ટર્મ મેમરી એ સ્મૃતિઓ માટે સંગ્રહનું કામ કરે છે, જેને આપણે ભવિષ્યમાં ઉપયોગમાં લઇએ છીએ. તમારી શોર્ટ ટર્મ મેમરી તમને યાદ અપાવે છે કે તમે થોડા સમય પહેલા પેન્સિલ ક્યાં મૂકેલી, પરંતુ બીજા દિવસે કે થોડા દિવસ પછી તમને યાદ નથી રહેવાનું કે પેન્સિલ ક્યાં મૂકેલી, ખાસ કરીને જો એ વાત ખાસ મહત્વની ન હોય. જોકે, નવી પેન્સિલ તમે હંમેશાં ટેબલના જમણી બાજુના ઉપરના ખાનામાં રાખો છો એ ઉપયોગી હકીકત તમારા મગજની લોંગ ટર્મ મેમરીમાં ઉપલબ્ધ હોય છે. સારી યાદદાસ્ત માટે જરૂરી બાબતોમાંની એક છે કોઇ હકીકતનું શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં સ્થાનાંતર થવું.

વર્કિંગ મેમરી

શોર્ટ ટર્મ મેમરીથી મળેલી માહિતીને પહેલેથી સંગ્રહ પામેલી જાણકારી (એટલે કે તમને ઓલરેડી ખબર છે એ વાત) સાથે જોડવા માટે તમે જેનો ઉપયોગ કરો છો તે વર્કિંગ મેમરી છે. ઉદાહરણ તરીકે તમે ચોક્કસ વ્યક્તિને ફોન કરવા તમારી ડાયરી ખોલી એનો નંબર વાંચી લો છો અને શોર્ટ ટર્મ મેમરી થકી એને યાદ કરી તમે ફોનના બટન દબાવો છો. લોંગ ટર્મ મેમરી એ માહિતીનો સંગ્રહ કરે છે કે ૦૧૧ કે ૦૨૨ એરિયા કોડ કયા શહેરનો છે. એ પછી વર્કિંગ મેમરીનું કામ શરૂ થાય છે. જેવી તમે પેલી વ્યક્તિ સાથે ફોન પર વાત કરવા માંડો છો તેવા જ ત્યાંના હવામાનની બરાબર જાણકારી તમારી પાસે હોવાથી તમે તરત પૂછી લો છો કે ત્યાં કેવી મસ્ત મોસમ છે, નહીં? આમ, વર્કિંગ મેમરી તમને પહેલેથી મળેલી નિશ્વિત માહિતીને નવી માહિતી સાથે જોડવામાં મદદ કરે છે.


ઇડેન્ટિક (eidentic) મેમરી

ઇડેન્ટિક મેમરી જટીલ છે, પરંતુ મહત્વની છે. તેને ફોટોગ્રાફિક મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના વડે આપણે આકૃતિ-ચિત્રાત્મક છાપને જોવા સક્ષમ બનીએ છીએ. આ ક્ષમતાને કારણે જ જોનાર વ્યક્તિ કલાકો પછી પણ પોતાની સ્મૃતિમાં એને ફરીથી જોઇ શકે છે અને એ વસ્તુ અંગે વધારાની માહિતી પણ આપી શકે છે. બાળકોમાં આ સ્મૃતિ એકદમ તીવ્ર હોય છે. ૧૦ વર્ષથી નાનાં લગભગ ૫૦ ટકા બાળકોમાં આ ક્ષમતા હોય છે, પરંતુ કિશોરાવસ્થા સુધી પહોંચતાં તેઓ એ ગુમાવી બેસે છે. સ્મૃતિ ધૂંધળી થવી એ જૈવિક, જૈવ-રાસાયણિક કે મનોવૈજ્ઞાનિક પરિવર્તન છે એ બાબતનો જવાબ વિજ્ઞાનીઓ હજી મેળવી શક્યા નથી

No comments:

Post a Comment