August 19, 2010

કેતન મારવાડી : મુઠ્ઠી ઊંચેરા ગુજરાતી


દિવસ-રાત કશુંક નવું કરવા માટે હું વિચારતો રહું છું. સપનાં જોઉ છું અને તેને સાચાં પાડવા માટે મહેનત કરતો રહું છું. મને નવી વસ્તુને સિસ્ટમમાં મૂકવાનો આનંદ આવે છે.

૯૦માં નર્મદા ડેમની સાઈટ પર અંબુજા સિમેન્ટ કંપનીનો એક જુનિયર ટેક્નિકલ ઓફિસર કામ કરતો હતો. આજે એ યુવાન ૪૪ વર્ષનો છે અને દેશના ટોચના શેર બ્રોકિંગ હાઉસનો માલિક છે. કેતન મારવાડીની મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમિટેડની દેશનાં ટોપ ફાઈવ બ્રોકિંગ હાઉસિસમાં ગણના થાય છે.

માત્ર બે દાયકામાં કેતન મારવાડીની આ હરણફાળ આકસ્મિક નથી. તેની પાછળ ભવિષ્યને માપવાની તેની દ્રષ્ટિ, નવી તકને અગાઉથી ઓળખી લેવાની આવડત, બુદ્ધિપૂર્વકની મહેનત, કામ પ્રત્યેની નિષ્ઠા, ગ્રાહક પ્રત્યેની જવાબદારી, દરેક કામ માટેની સિસ્ટમ અને તેના પરફેક્ટ મેનેજમેન્ટની મહત્વની ભૂમિકા છે. સિવિલ એન્જિનિયર કેતન મારવાડીએ મેનેજમેન્ટનું ઔપચારિક શિક્ષણ લીધું નથી, પણ હવે તેઓ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ પણ ધરાવે છે.

અને પોર્ટફોલિયો મેનેજમેન્ટથી માંડીને મેન મેનેજમેન્ટ સુધીના વિષયોમાં નિષ્ણાત તરીકે તેમની ગણના થાય છે.
જામનગરમાં મિલિટરી એન્જિનિયર સર્વિસમાં નોકરી કરતા કિસનભાઈ મારવાડીના આ પુત્રની સફળતાની યાત્રા મેનેજમેન્ટની દ્રષ્ટિએ તપાસીએ ત્યારે રહસ્ય ખૂલે છે કે મેનેજમેન્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોનો તેઓ જાણે-અજાણે સબળ ઉપયોગ તો કરે જ છે, તેમણે પોતાનાં મેનેજમેન્ટ ફંડા પણ વિકસાવ્યાં છે.

તેનો ઉપયોગ તેઓ માત્ર શેરબજારમાં જ નહીં, પોતાનાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનમાં પણ સુપેરે કરે છે.મારવાડીઅટકને કારણે મોટાભાગના લોકો કેતનભાઈને રાજસ્થાની માની લે છે, પણ તેઓ મોઢ વણિક છે અને ચુસ્ત વૈષ્ણવ પરિવારમાંથી આવે છે. રજવાડાંના વખતમાં રાજ્યના કામ સબબ કેતનભાઈના વડવાઓએ મારવાડ જવાનું થતું હશે એટલે મારવાડી છાપ પડી ગઈ અને પછી તે અટક બની ગઈ. કેતનભાઈ કહે છે, ‘મને તો મારવાડી સરનેમનો બેવડો લાભ છે. ગુજરાતી પણ ગણાઉ અને મારવાડી પણ ગણાઉં!

તેમના પિતા નોકરીની સાથે શેરમાં થોડું રોકાણ કરતા અને સાથે કન્સ્ટ્રકશનનું પણ થોડું કામ કરી લેતાં. ત્રણેય પુત્રોને તેમણે જામનગરની સારી શાળાઓમાં ભણાવ્યા. ભણવામાં કેતનભાઈ ટોપર તો નહીં, પણ સારા માકર્સ જરૂર મેળવે. પિતાજી કન્સ્ટ્રકશન બિઝનેસ કરતા હોવાથી તેમણે કેતનભાઈને સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે બેંગ્લોર મોકલ્યા.

એન્જિનિયર બન્યા પછી તરત કેતનભાઈ અંબુજા સિમેન્ટ કંપનીમાં જુનિયર ટેકનિકલ ઓફિસર તરીકે જોડાયા. નર્મદા ડેમ પર કંપનીના સિમેન્ટની ગુણવત્તા પર નજર રાખવાનું કામ તેમને સોંપવામાં આવ્યું. તે સમયે અંબુજાના એમડી તરીકે મિસ્ટર સકસેરિયા હતા. તેમણે કેતનભાઈનું હીર પારખ્યું અને માત્ર ૧૦ મહિનામાં સિનિયર ટેક્નિકલ ઓફિસરનું પ્રમોશન આપ્યું. કંપનીના નવા વાઈસ પ્રેસિડન્ટને રિપોર્ટ કરવાને બદલે સીધા એમડીને રિપોર્ટ કરવાની સત્તા કેતનભાઈને આપવામાં આવી.

ડેમનું બાંધકામ કરતી વખતે કેતનભાઈ ઝીરો એરર સાથે કામ કરવાનું શિખ્યા. કોઈપણ કામને ઓર્ગેનાઈઝ્ડ રીતે કરવાનું તો એન્જિનિયરિંગના અભ્યાસ વખતે જ તેમના સ્વભાવમાં વણાઈ ગયું હતું. દરેક કામ માટે નિયત પેટર્ન બનાવવી, તેને લાગુ કરવા માટેની સિસ્ટમ બનાવવી અને તેના દ્વારા ઈચ્છિત પરિણામો મેળવવાની કુનેહ તેમનામાં કેળવાતી જતી હતી. ડેમ પરની નોકરીને તેમણે કયારેય પોતાનું અંતિમ ઘ્યેય માની નહોતી. હા, ડેમનું બાંધકામ કરતી જે.પી. એસોસિયેટ્સ કંપનીના શેરની લે-વેચ તે વખતે તેમણે નાના પાયે કરી હતી. શેરબજાર તરફનો કેતનભાઈના પ્રેમની આ પહેલી અભિવ્યક્તિ હતી.

૧૯૯૧માં નોકરી છોડીને આવી ગયા અને નાના ભાઈ દેવેન મારવાડીની સાથે મળીને રાજકોટ સ્ટોક એક્સચેન્જનું સભ્યપદ લીધું. તે વખતે શેરનું બ્રોકિંગ ટ્રેડિશનલ ઢબે થતું. દેશભરના એક્સચેન્જને સાંકળતી કોઈ વ્યવસ્થા ત્યારે નહોતી. બ્રોકિંગના ધંધામાં પડેલા લોકો પરંપરાગત પઘ્ધતિથી કામ કરતા. કેતનભાઈને આ ધંધામાં નવી તકો દેખાઈ. ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં જબરદસ્ત વિકાસ થશે એ તેમણે માપી લીધું હતું.

તે વખતે દરેક એક્સચેન્જ સ્વતંત્ર રીતે કામ કરતાં. એટલે દેશભરના બ્રોકરોની જાતમુલાકાત લઈને તેમને પોતાની સાથે ધંધો કરવા સમજાવવાનું વિકટ કાર્ય કરવાનું હતું. આ કામ માટે કેતનભાઈ દેશભરનાં મોટાં શહેરોમાં ફર્યા. ત્યાંના બ્રોકરો સાથે બ્રોકિંગનું કામ શરૂ કર્યું. તે સમયે તેમને પોતાનાં ઉરચ શિક્ષણનો લાભ મળ્યો. બ્રોકરો સાથે ડિલિંગ કરતી વખતે પ્રોફેશનલ અપ્રોચથી લાભ થયો. કેતનભાઈને ધંધાનું પાયાનું જ્ઞાન મળ્યું, જે તેમને પછીથી સતત કામમાં આવ્યું.

મેનેજમેન્ટ ફંડા

૧. તકને ઓળખતાં શીખો.
૨. જે ક્ષેત્રમાં હો તેનાથી અલગ ક્ષેત્રમાં પણ વિકાસ થઈ શકે તે ઘ્યાનમાં રાખો.
૩. ધંધાના બેઝિક્સને માત્ર જાણો નહીં, નાનું કામ પણ પોતે જાતે કરો, ધંધાની આંટીઘૂંટી તો જ જાણી શકાય.
૪. પહેલ કરવાની વૃત્તિ કેળવો. એક નાનું કદમ મોટી સફળતાની શરૂઆત બની શકે.

કેતન મારવાડી જ્યારે શેર બ્રોકિંગના ધંધામાં પ્રવેશ્યા ત્યારે પેઢીઓથી શેરનો ધંધો કરતા શેરદલાલો બજારમાં હતા. તેમની શાખ હતી, સંબંધો હતા, નાણાં હતાં, સ્પર્ધા ગળાકાપ હતી. આ સ્પર્ધામાં પ્રવેશવું અને અસ્તિત્વ ટકાવી રાખવું એ મુશ્કેલ કામ હતું. કેતનભાઈએ એવું શું કર્યું કે તેઓ સફળ થયા? કેતન મારવાડી આનો ઉત્તર આપતા કહે છે, ‘મેં જોયું કે તે વખતની પેઢીઓ પારંપરિક રીતે કામ કરતી હતી.

પ્રોફેશનલિઝમનો અભાવ હતો. નવું કરવાની ધગશ તેમનામાં નહોતી અથવા તો તેમને સરળતાથી ધંધો મળી જતો તો એટલે નવું કરવાની જરૂર નહોતી. મને અહીં તક દેખાઈ. જો પ્રોફેશનલી કામ કરવામાં આવે અને નવું કરવામાં આવે તો સફળ થઈ શકાય એ મને સમજાઈ ગયું હતું. તે સમયે કમ્પ્યુટર્સ અને ફેક્સનો ઉપયોગ બ્રોકરો કરતા નહોતા. અમે જામનગર અને રાજકોટ બન્ને શહેરની ઓફિસોમાં કમ્પ્યુટર્સ અને ફેક્સ વસાવ્યાં. દરેક કામ માટે સિસ્ટમ ડિઝાઈન કરી. ગ્રાહકોને સમયસર બિલ મળી જાય તેની સિસ્ટમ ગોઠવી.

તે વખતે ચાર-છ મહિને હિસાબો મેળવવામાં આવતા, અમે નિયમિત હિસાબો આપવાનું શરૂ કર્યું. રેકોર્ડ યોગ્ય રીતે મેન્ટેઈન થાય અને ગ્રાહકને મળે તેની વ્યવસ્થા ગોઠવી. આ બધી સિસ્ટમ મેં જાતે બનાવી. કમ્પ્યુટર્સના અમારે જોઈતા સોફ્ટવેર પણ જાતે બનાવડાવ્યા. ઈનવર્ડ રજિસ્ટર, આઉટવર્ડ રજિસ્ટર વગેરેની વ્યવસ્થા અમે શરૂઆતથી જ કરી એટલે કયાંય હિસાબી ભૂલ ન થાય. ગ્રાહકો સાથે અને અન્ય એકસચેન્જના બ્રોકર્સ સાથે પારિવારિક સંબંધો રાખ્યા.

બજારમાં તે વખતે નામ લખ્યા વગરના ચેક કરન્સીની જેમ ચાલતા. મારવાડીની શાખ એટલી વધી કે તેના ચેક જાણે અલગ કરન્સી બની ગયા. બ્રોકર નાણાંને બદલે મારવાડીનો શેર આપે તે લેતાં અન્ય એકસચેન્જના બ્રોકર્સ પણ અચકાય નહીં તેવી શાખ બની.

૧૯૯૫માં ઓફિસનું ઈલેકટ્રોનિક સ્ટોક એકસચેન્જ આવ્યું ત્યારે કેતનભાઈને પોતાની ઓફિસનું કમ્પ્યુટરાઈઝેશન ખાસ્સું લાભદાયી બન્યું. ઉદ્યોગ-સાહસિકની દૂરંદેશીનું આ ઉત્તમ ઉદાહરણ છે. ૧૯૯૫માં નેશનલ સ્ટોક એક્સચેન્જનું કાર્ડ મારવાડીએ એક કરોડ રૂપિયામાં લીધું હતું. આજે એ જ નેશનલ સ્ટોક એકસચેન્જની એકિઝકયુટિવ કમિટીમાં કેતનભાઈ સભ્ય છે. આ સભ્યપદ બાય ઈન્વિટેશન મળે છે, ચૂંટણીથી નહીં. આ ઉપરાંત એનએસઈના એસોસિયેશન એએનએમઆઈના પણ તેઓ સભ્ય છે.

એનએસઈમાં મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ બીજા ક્રમનું સૌથી મોટું બ્રોકરેજ હાઉસ છે. ઈલેકટ્રોનિક સ્ટોક એક્સચેન્જ આવ્યા પછી મારવાડીનું ફલક જબરદસ્ત વિકસ્યું. કેતનભાઈ કહે છે, ‘અમે ઘરાક રહી ચૂકયા છીએ, સબ બ્રોકર રહી ચૂકયા છીએ અને બ્રોકર પણ રહી ચૂકયા છીએ એટલે તમામ સ્થિતિનો જાતઅનુભવ છે. અમે ખુદ પેઈન લીધું છે એટલે ઘરાક તરીકે કે સબ બ્રોકર તરીકે જે તકલીફો ભોગવી તે અમારા ગ્રાહકો અથવા સબ બ્રોકરોએ ભોગવવી ન પડે તેનો ખ્યાલ રાખીએ છીએ.

કોન્ટ્રેકટ નોટ ગ્રાહકના ઘરે પહોંચાડવાની સૌપ્રથમ શરૂઆત અમે કરી. આ ઉપરાંત, સોદો થઈ જાય એટલે ગ્રાહકને ફોન અને એસએમએસ દ્વારા જાણ કરવાની પણ વ્યવસ્થા ગોઠવી. સાંજે સોદો ફાઈનલ થાય તેની કોન્ટ્રેકટ નોટ બીજા દિવસે સવારે અમારા ગ્રાહકને મળી જ જાય. દરેક ગ્રાહકનો સંપૂર્ણ ડેટા, તેના તમામ વ્યવહારોનો રેકોર્ડ અમે મિનિટોમાં હાજર કરી દઈએ.

મેનેજમેન્ટ ફંડા

૧. પરંપરાથી અલગ વિચારતાં શીખો. નવી પરંપરા શરૂ કરો.
૨. પ્રતિસ્પર્ધા જે નથી કરતા તે કરીને ફાયદો મેળવો.
૩. ગ્રાહકને ઉત્તમ સેવા આપવાનો આગ્રહ રાખો.
૪. આધુનિકીકરણની તૈયારી હંમેશાં રાખો, પોતાને અને ઉપકરણોને અપડેટેડ રાખો.
૫. ટેકનોલોજિકલ અપગ્રેડેશનની વ્યવસ્થા રાખો.

કેતનભાઈની વાતમાં સતત બે શબ્દો રિપિટ થયા કરે છે- સિસ્ટમ અને ડોમેઈન-નોલેજ. આજે મારવાડીની બ્રોકિંગ માટેનાં વિવિધ કાર્યોની સિસ્ટમ્સ જોવા માટે મોટી મોટી કંપનીઓ આવે છે. દરેક કામ અહીં સિસ્ટમ કરે છે, માણસ નહીં. કેતનભાઈ કહે છે, ‘માણસ ભૂલ કરી શકે, સિસ્ટમ નહીં.જો કે સિસ્ટમની ભૂલનું એક હળવું ઉદાહરણ પણ તેઓ આપે છે. દરેક ગ્રાહકને સોદાની જાણ કરતા એસએમએસની સિસ્ટમના મશીનમાં કંઈક ખરાબી થઈ અને, રાત્રે પોણા બે વાગ્યે એસએમએસ શૂટ થવા માંડ્યા.

બીજા દિવસે તે સિસ્ટમમાં કેતનભાઈએ બે સુધારા કરાવ્યા: રાત્રે આઠ વાગ્યે એસએમએસ કરવાનું મશીન બંધ જ થઈ જાય તેમજ પહેલો અને છેલ્લો મેસેજ કેતનભાઈને જ મળે. આજેય કોઈ ગ્રાહક અડધી રાત્રે પણ કેતન મારવાડીને ફોન કરે તો તેની ફરિયાદ તેઓ સાંભળે છે અને તેના અનુસંધાને પગલાં પણ લે છે. ફીડબેકને તેઓ સૌથી વધુ મહત્વ આપે છે. સાચો ફીડબેક મળે તો જ ખામીઓ સુધારી શકાય. એટલે, ફીડબેક માટેની અલગ સિસ્ટમ પણ છે.

મારવાડીના તમામ કર્મચારીઓ સિસ્ટમ ડ્રીવન છે. કર્મચારીને સિસ્ટમ તેનું પેન્ડિંગ કામ યાદ કરાવતી રહે અને જો કોઈ કર્મચારી પોતાનું કામ પૂરું કર્યા વગર ઓફિસ છોડે તો તેના વટિર્કલ હેડને સિસ્ટમ તેની જાણ કરે. કેતનભાઈ કહે છે, ‘મિકેનિકલ કામ માણસ પાસેથી નહીં લેવાનું, મશીન પાસેથી લેવાનું. માણસ પાસેથી ક્રિયેટિવ કામ લેવાનું.
સિસ્ટમ એટલી નક્કર કે કેતનભાઈ કે તેમનાં પત્ની સવિતાબહેનને પણ કોન્ટ્રાકટ નોટ ઘરે કુરિયરમાં જ મળે અને જો સવિતાબહેન બહારગામ હોય અને સહી ન કરે તો તેના શેરનું પણ ઓકશન થઈ જાય!

એટલે જ, દેશની સૌથી મોટી ડીપી (ડિપોઝિટરી પાટિર્શિપન્ટ) હોવા છતાં થોડાં વર્ષો પહેલાં થયેલાં કરોડોના ડીપી સ્કેમમાં મારવાડીને એકપણ નોટિસ નથી મળી. તેમણે એવી સિસ્ટમ ગોઠવી છે કે તે ડુપ્લિકેટ આઈડી ખોલવા જ ન દે. અગાઉ સ્ટોર થયેલું નામ અને સરનામું ફરીથી એન્ટર થાય એટલે સિસ્ટમ તરત જ એલર્ટ કરે. મારવાડીના ૮૦ ટકા સોફ્ટવેર ઈનહાઉસ છે. દર બે કલાકે તેનાં કમ્પ્યુટર્સ બેન્ક એકાઉન્ટ્સ સાથે પોતાના હિસાબો મેળવતાં રહે છે.

મેનેજમેન્ટ ફંડા

૧. દરેક કામ માટેની સિસ્ટમ બનાવો.
૨. મિકેનિકલ કામ માટે ઓટોમેશનનો આગ્રહ રાખો.
૩. ફીડબેક માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવો.

શેરબજારના ધંધામાં તેજી-મંદી નિરંતર આવતી રહે છે. મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સને મંદી નથી નડી? કેતનભાઈ ઉત્તર આપે છે, ‘તેજી-મંદી અમારા ધંધાનો એક ભાગ છે. યોગ્ય આયોજન હોય, પરિસ્થિતિને અગાઉથી પામી લેવાની આવડત હોય અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઘટનાઓની બજાર પર કેવી અસર પડશે તેનું એનાલિસિસ કરવાની ક્ષમતા હોય તો મંદી પણ ફાયદાકારક નીવડી શકે. લોકો તેજી વખતે નવી ઓફિસો ખોલતા હોય છે, અમે દરેક ઓફિસ મંદીમાં ખોલી છે.

તેજીમાં ભાવ વધુ હોય એટલે ખર્ચ બમણો થાય. વળી, પ્લાનિંગ કરવાનો પૂરતો સમય ન મળે એટલે ઓફિસ કેવડી લેવી, કયાં લેવી, ભવિષ્યમાં કેટલો વિકાસ થઈ શકશે તેનો સાચો અંદાજ મળતો નથી. બજારની મંદી વખતે ગ્રાહકોનો કારોબાર ઓછો થાય છે, પણ તેનાથી બહુ મોટું નુકસાન અમને ગયું નથી. ધંધાનું વિસ્તરણ કરતી વખતે અમે ગણતરીપૂર્વક નિર્ણયો લીધા છે.

નિર્ણય ઝડપથી લેવા જોઈએ કે બહુ વિચારીને? ‘કયો નિર્ણય લેવાનો છે તેના પર તેની ઝડપનો આધાર રહેલો હોય છે,’ કેતનભાઈ કહે છે, ‘શેરબજાર અત્યંત પ્રવાહી બજાર છે. દર મિનિટે પરિસ્થિતિ પલટાતી રહેતી હોય છે એટલે અમુક નિર્ણયો ત્વરિત લેવા પડે છે. જ્યારે રેગ્યુલેટરને જવાબ આપવાનો હોય કે લાંબા ગાળાનું આયોજન કરવાનું હોય ત્યારે વિચારીને, તમામ પાસાંનું એનાલિસિસ કરીને, જોખમ તથા ફાયદાનું આકલન કરીને નિર્ણયો લેવાય તે આવશ્યક છે.

અમારી કંપનીમાં ડિસિઝન-મેકિંગ ડિસેન્ટ્રલાઈઝ્ડ છે. દરેક વટિર્કલ હેડને પોતાના વટિર્કલના નિર્ણયો લેવાની સત્તા છે. મોટા નિર્ણયો માટે કોર કમિટીઓ બનાવવામાં આવે છે. નીતિવિષયક અથવા ક્રિટિકલ નિર્ણયો કંપનીનું મેનેજમેન્ટ લે છે. અમે શુષ્ક પ્રોફેશનલિઝમમાં માનતા નથી. પ્રોફેશનલ અને પારંપરિક પેઢીના મિશ્રણ જેવી વ્યવસ્થા અમે રાખી છે. વર્ક-ટુ-રૂલ જેવી જડ વ્યવસ્થા અહીં નથી. ફલેકિસબિલિટી રાખીને પર્સનલાઈઝ્ડ ટચ સાથે કામ કરીએ છીએ. એટલે નિર્ણયો ઝડપથી પણ લેવાય છે અને તેમાં જડતા પણ નથી આવતી.

કર્મચારીઓએ શું કરવું અને શું ન કરવું તેનાં મેન્યુઅલ્સ છે. કર્મચારીને નિયમિત ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમને પ્રોત્સાહન મળતું રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી છે. બ્રોકિંગના ધંધામાં કર્મચારીએ સતત અપડેટ રહેવું પડે છે. નિયમો અને કાયદા બહુ ઝડપથી બદલાતા હોય છે, સેબી જેવી રેગ્યુલેટરી ઓથોરિટીના નિર્ણયો અને કેસના ચુકાદાથી કર્મચારીઓને વાકેફ રાખવાની વ્યવસ્થા પણ છે. કર્મચારીઓ પોતાનું કામ સમજીને નોકરી કરે તે માટેનું વાતાવરણ પૂરું પાડવાનો અમારો પ્રયત્ન રહે છે.

મેનેજમેન્ટ ફંડા

૧. વૈશ્વિક ઘટનાઓની તમારા ધંધા પરની અસરનું આકલન કરતા રહો.
૨. તેજીમાં જ તક હોય છે, મંદીમાં નથી હોતી એવું જડપણે માનવાને બદલે મંદીમાં પણ તક શોધો.
૩. ડિસિઝન-મેકિંગમાં એક જ ફોમ્ર્યુલા ન અપનાવો, પરિસ્થિતિ મુજબ ઝડપથી કે વિચારીને નિર્ણયો લો.
૪. નિર્ણયો લેવાની સત્તાનું ડિસેન્ટ્રલાઈઝેશન કરો.
૫. કર્મચારીઓને અપડેટ રાખવા માટેની વ્યવસ્થા ગોઠવો.

મુંબઈની કોઈ કોર્પોરેટ હાઉસની ઓફિસને ટક્કર માટે તેવી મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સની દસ માળની અત્યાધુનિક ઓફિસમાં રવિવારે પણ કેટલાક કર્મચારીઓને કામ કરતા જોઈ શકાય. ટ્રેડિંગના કામ સિવાયનું કામ કર્મચારી પોતાની અનુકૂળતા મુજબ કરી શકે એવી પણ વ્યવસ્થા છે.

માત્ર તેણે નિયત સમયમર્યાદામાં એ પૂરું કરવું પડે. અહીં માર્કેટિંગના કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવતાં નથી. આ બાબતે કેતનભાઈની ફિલોસોફી અલગ છે. તેઓ કહે છે, ‘ટાર્ગેટ આપીને કર્મચારી પાસેથી મહત્તમ કામ કઢાવવાને બદલે તેમને મહત્તમ કામ કરવાનું વાતાવરણ તથા પ્રોત્સાહન આપીને કામ કરાવી શકાય. ટાર્ગેટ આપ્યા પછી કર્મચારી તેનાથી આગળ વિચારી શકતો નથી.

જ્યારે, ટાર્ગેટ ન હોય તે તેનાથી પણ વધુ સારું કામ થઈ શકે. ટાર્ગેટ કરતાં વધુ એચિવ કરવાની આ અમારી ફોમ્ર્યુલા છે. અહીં કર્મચારી ભૂલ કરે તો કયારેક લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય. છતાં, ભૂલ કરનારને હાંકી કાઢવાને બદલે તેને તાલીમ આપીને વધુ સજજ બનાવવામાં આવે છે. કર્મચારીને આદર મળે અને પરસ્પર પારદર્શિતા રહે તે માટેની વ્યવસ્થા અમે ગોઠવી છે.

મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સમાં એર્ટિઝન રેટ ઝીરો છે. અર્થાત્ કર્મચારીઓ કંપની છોડીને જાય તેવું બનતું નથી. ઈનોવેટિવ આઈડિયા માટેની સ્પર્ધા રાખવામાં આવે છે અને મૌલિક કે નવતર કામ કરનાર કર્મચારીને પ્રોત્સાન આપવાની વ્યવસ્થા છે.

મેનેજમેન્ટ ફંડા

૧. માર્કેટિંગ માટે ટાર્ગેટ ઉપરાંતની વ્યવસ્થા પણ વિચારી શકાય.
૨. કર્મચારીઓને નવું કામ કરવાની તક આપો.
૩. પરસ્પર પારદર્શિતા રહે તે માટેની વ્યવસ્થા ગોઠવો.

મારવાડીના ૯૫ ટકા કર્મચારીઓ યુવાન છે. યુવા પેઢી તરફ કેતનભાઈની અપેક્ષા પણ ઘણી છે. તેઓ કહે છે, ‘દેશની ૬૫ ટકા વસ્તી યુવાન છે. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફાસ્ટ મૂવિંગ બની છે. તે તેજતરાર છે અને ભણવામાં વધુ તેજસ્વી છે. આ પેઢીને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવે તો તે વિઘ્વંસક પણ બની શકે. એટલે જ, અમે મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન બનાવ્યું છે. ૧૭.૫ એકરમાં પથરાયેલાં આ કેમ્પસમાં એમબીએ, એમસીએ અને પીજીડીબીએમનું શિક્ષણ આપવામાં આવે છે.

ઈન્સ્ટિટ્યૂટ હજુ શરૂ જ થઈ છે. આગામી પાંચ વર્ષમાં યુનિવર્સિટીનું સ્ટેટસ મેળવવાનું કેતનભાઈનું ઘ્યેય છે. વિધાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તેના પર અહીં ઘ્યાન આપવામાં આવે છે. આઈઆઈએમની તરાહ પર શિક્ષણ આપવા માટે સજજ ફેકલ્ટીઝ છે અને વિશ્વના શ્રેષ્ઠ નિષ્ણાતોનો લાભ વિધાર્થીઓને મળે તે માટે વીડિયો કોન્ફરન્સથી શિક્ષણ આપવાની વ્યવસ્થા છે.

વિધાર્થીઓની હાજરી પૂરવા માટે એટેન્ડન્સ રજિસ્ટરની જગ્યાએ અહીં ક્વિઝની વ્યવસ્થા છે. આગળના દિવસે જે ભણ્યા હોય તે અંગેના પ્રશ્નો તેમાં હોય. દરેક વિધાર્થીએ હાજરી પૂરવાની જગ્યાએ ક્વિઝમાં જવાબ લખવા પડે. આ વ્યવસ્થાનો ફાયદો એ છે કે આગળના દિવસનું શિક્ષણ તાજું થાય. આ ઉપરાંત દરેક કલાસની વીડિયોગ્રાફીનો નવતર આઈડિયા પણ અમલમાં મુકાઈ રહ્યો છે, જેથી કોઈએ કલાસ મિસ કર્યોહોય અથવા ભણાવતી વખતે કશું ન સમજાયું હોય તો વીડિયો જોઈને તેને સમજી શકે.

અમે એજ્યુકેશનને મિશન તરીકે જોઈએ છીએ, ધંધા તરીકે નહીં. કેતનભાઈ પોતે નિયમિત રીતે ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લે છે અને કયારેક લેકચર પણ આપે છે. તેમનો પુત્ર જીત બેંગ્લોરમાં ભણે છે. કેતનભાઈ જ્યારે બેંગ્લોરમાં ભણતા હતા ત્યારે તેમને સવિતાબહેન સાથે પ્રેમ થયો અને ૧૯૯૨માં બન્નેએ લવમેરેજ કર્યા. કેતનભાઈ કહે છે, ‘મારી સફળતામાં મારા પરિવારનો મોટો ફાળો છે.

મારી પત્ની તથા બન્ને ભાઈઓ દેવેન અને સંદીપનું યોગદાન બિઝનેસમાં મળતું રહે છે. બિઝનેસમાં ટોપ પર પહોંચવું અને વલ્ર્ડ કલાસ સર્વિસ આપવી એ અમારું વિઝન છે. આ વિઝનને મૂર્તિમંત કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. દિવસ-રાત કશુંક નવું કરવા માટે હું વિચારતો રહું છું. સપનાં જોઉ છું અને તેને સાચાં પાડવા માટે મહેનત કરતો રહું છું. મને નવી વસ્તુને સિસ્ટમમાં મૂકવાનો આનંદ આવે છે. એન્જિનિયરિંગનાં બેકગ્રાઉન્ડે મને ઓર્ગેનાઈઝ્ડ અને એનાલિટિકલ બનાવ્યો છે. કોઈપણ ચીજને ગ્રાફિક્સ મોડમાં મૂકવાની ક્ષમતા ડેવલપ થઈ છે તેનો હું ઉપયોગ કરું છું અને કરતો રહીશ.

પરફેકશનના આગ્રહી કેતનભાઈએ મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સના દસ માળના મકાનની ડિઝાઈનનું અડધોઅડધ કામ જાતે કર્યું છે. તેનો સિવિલ એન્જિનિયરનો આત્મા આ ઓફિસની બાંધણીમાં અને તેના ઈન્ટિરિયરમાં બરાબર ખીલ્યો છે.

મેનેજમેન્ટ ફંડા

૧. ધંધામાં ડાયવર્સિફિકેશનની પણ જગ્યા રાખો.
૨. કંપનીના યુવાન કર્મચારીઓના માઈન્ડ સેટને સમજો.
૩. શૈક્ષણિક સંસ્થા સ્થાપો તો પણ ગુણવત્તામાં બાંધછોડ ન જ કરો.
૪. નવતર પ્રયોગો કરતા રહો.
૫. કંપનીનું વિઝન સ્પષ્ટ રાખો અને તેને સિદ્ધ કરવાનું આયોજન કરો.
૬. સપનાં જોવાં પૂરતાં નથી, તેને સાચાં પાડવા માટે મહેનત કરો.

આજે પણ કેતન મારવાડી રાત્રે એક વાગ્યા સુધી કામ કરે છે અને, સવારે વહેલા ઊઠીને ઓફિસમાં ગોઠવાઈ જાય છે. નિવૃત્તિ પછી શું કરશો એવા પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે, ‘હું કયારેય નિવૃત્ત થવાનો નથી, પ્રવૃત્ત જ રહેવાનો છું. મને કામ કરવામાં આનંદ આવે છે. નિવૃત્તિનો વિચાર એ માણસ કરે જેને પોતાનાં કામ સિવાય બીજું કશું કરવાની ઈરછા હોય અને તેમાં મજા આવતી હોય. મને ફિલ્મો જોવામાં કે ફરવામાં જેટલો આનંદ આવે તેના કરતાં ઘણો વધુ આનંદ મારાં કામમાં આવે છે.

પોતાના કામ પ્રત્યે આટલો લગાવ, તેના પ્રત્યેની આટલી નિષ્ઠા, સતત નવું કરવાનું જોમ અને ધીરજ જ આટલી સફળતા અપાવી શકે. કેતનભાઈ શેરબજારમાં સફળતાનો પર્યાય છે, આગામી દિવસોમાં કદાચ, શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતાનું બીજું નામ હશે.

મેનેજમેન્ટ ફંડા

૧. જે કામમાં આનંદ આવે તે જ ક્ષેત્ર પસંદ કરો.
૨. તમારાં ઘ્યેયને ધીરજપૂર્વક વળગી રહો.
(
તસવીરો: અનિરૂદ્ધ નકુમ)

આજે મારવાડીની બ્રોકિંગ માટેનાં વિવિધ કાર્યોની સિસ્ટમ્સ જોવા માટે મોટી મોટી કંપનીઓ આવે છે. દરેક કામ અહીં સિસ્ટમ કરે છે, માણસ નહીં. કેતનભાઈ કહે છે, ‘માણસ ભૂલ કરી શકે, સિસ્ટમ નહીં.

No comments:

Post a Comment