August 20, 2010

સફળતાની ફોર્મ્યુલા


પોતાની સફળતામાંથી શીખો, જેથી તમે એનું પુનરાવર્તન કરી શકો. પોતાની નિષ્ફળતામાંથી પણ શીખો, જેથી તેનું પુનરાવર્તન ન કરો.

એક ઘનઘોર જંગલમાં કરાલકેસર નામનો સિંહ રહેતો . ‘ધૂસરક’ નામનું એક ગીધ ચોવીસે કલાક તેની સેવામાં હાજર રહેતું. સિંહ મહાશયને એક વખત એક અલમસ્ત હાથી સાથે હાથોહાથની લડાઇમાં ઊતરવું પડ્યું હતું, ત્યારથી જ તેની માઠી દશા બેઠી હતી. કારણકે, આ લડાઇમાં તે ખૂબ જ ઘવાઇ ગયો હતો અને એક પગ પણ ભાંગી ગયો હતો. એક ડગલું ભરવામાં પણ તેને નાકે દમ આવી જતો, ત્યાં શિકારની તો વાત જ ક્યાં કરવી? શિકાર વગર તો પેટ પણ ક્યાંથી ભરાય! ભૂખથી સિંહ અને ગીધ બન્નો બેહાલ હતા. એક દિવસ સિંહે ગીધને કહ્યું, ‘તું કોઇ શિકાર શોધીને મારી પાસે લઇ આવ. હું તેને મારી નાખીશ. પછી આપણે બન્નો પેટ ભરીને ખાઇશું.’

ગીધ શિકાર શોધવા બાજુના એક ગામમાં ગયું. ત્યાં તેને લીલું ઘાસ ચરતો લંબ કર્ણ નામનો એક ગધેડો દેખાયો. તેની પાસે જઇને મધમીઠા અવાજે ગીધ બોલ્યું, ‘નમસ્તે મામા! ઘણા દિવસો પછી દેખાયા? કે આટલા દૂબળા પડી ગયા છો?’

ગધેડો બોલ્યો, ‘શું કહું ભાણિયા? ધોબી મારી પીઠ પર અસહ્ય બોજો રાખે છે અને થોડો પણ ધીમો પડું તો લાકડીથી ફટકારે છે! મુઠ્ઠી ઘાસ પણ નથી આપતો. એટલે જ તો મારે અહીં આવીને માટીવાળું ઘાસ ખાવાના દિવસો આવ્યા છે. પછી દૂબળો ન થાઉં તો શું થાય?’

ગીધ બોલ્યું, ‘એમ વાત છે, મામા. તો પછી હું તમને એક એવી જગ્યા બતાવીશ કે જ્યાં આંખ ઠરે એવાં લીલાં ઘાસનાં મેદાન છે અને સ્વચ્છ નિર્મળ જળનું તળાવ પણ છે. ત્યાં જાઓ અને આરામથી જીવન ગુજારો.’લંબકર્ણ બોલ્યો, ‘તારી વાત તો સાચી ભાણિયા, પણ આપણે રહ્યા પાલતુ જાનવર. ત્યાં કોઇ જંગલી જાનવર મને ફાડી ખાય તો? એટલે જ હું ત્યાં ન આવી શકું.’

ગીધ: ‘એ શું બોલ્યા મામા? ત્યાં તો મારું શાસન ચાલે છે. હું છું ત્યાં સુધી કોઇની મજાલ છે કે તમારો વાળ પણ વાંકો કરી શકે! તમારી જેમ જ કેટલાય ગર્દભોને મેં ધોબીઓના ત્રાસમાંથી મુક્તિ અપાવી છે. અત્યારે ત્યાં ત્રણ યૌવનસભર ગર્દભ કન્યાઓ છે. તેમણે મને કહ્યું, ‘તમે અમારા સાચા પિતા હોવ તો અમારા માટે કોઇ ગર્દભ-પતિ શોધી લાવો. એટલે જ તો હું તમારી પાસે આવ્યો છું, મામા!’

આ સાંભળીને લંબકર્ણે ગીધ સાથે જવાનો નિર્ણય લઇ લીધો. ગીધની પાછળ-પાછળ તે પેલા ભૂખ્યા સિંહવાળા જંગલમાં આવી પહોંચ્યો. સિંહને ઊભો થતો જોઇને લંબકર્ણે તો ભાગવું શરૂ કર્યું પણ સિંહે પંજો મારી જ દીધો. લંબકર્ણ આ વાર ચૂકવીને છટકી ગયો. આ જોઇને ગુસ્સે થયેલા ગીધે સિંહને કહ્યું, ‘તમારો પંજો સાવ નકામો થઇ ગયો છે. એમાંથી તો ગધેડાં પણ છટકી જાય છે. શું આ જ તમારી હિંમત છે?’

શરમાયેલા સિંહે ઉત્તર વાળ્યો, ‘હજી તો મેં પંજો બરાબર ઉગામ્યો પણ નહોતો કે ત્યાં તે ભાગી ગયો. બાકી આ પંજાની પકડમાંથી તો હાથી પણ છટકી ન શકે!’

ગીધ બોલ્યું, ‘સારું, હું ફરી એક વખત તેને તમારી પાસે લઇ આવીશ. જો જો આ વખતે વાર ખાલી ન જાય.’
‘મને જોઇને જે ગધેડો ભાગી ગયો છે, તે પાછો થોડો આવવાનો છે? તું બીજા કોઇને શોધ.’સિંહે કહ્યું.‘તમારે એની કંઇ ચિંતા કરવાની જરૂર નથી. તમે બસ તૈયાર રહેજો.’

ગીધે જોયું કે ગધેડો પાછો એ જ જગ્યાએ ઘાસ ચરી રહ્યો છે.તેને જોઇને ગધેડો બોલ્યો, ‘વાહ રે ભાણિયા! તું પણ બહુ સારી જગ્યાએ લઇ ગયો. થોડું પણ આઘું-પાછું થયું હોત તો આજે હું જીવતો ન રહેત.’

ગીધ હસી પડ્યો, ‘તમે પણ ગજબ છો, મામા! ગધેડીએ તમને જોઇને આલિંગન કરવા હાથ લંબાવ્યા અને તમે ભાગી છૂટ્યા. હવે, તમારા વિના એ કેમ જીવશે? એ તો જીદ લઇને બેઠી છે કે લંબકર્ણ મારો પતિ ન બન્યો તો હું તો અગ્નિસ્નાન કરી લઇશ! એટલે હવે તો તમારે મારી સાથે આવવું જ પડશે.’

ગીધની વાત સાંભળીને ગધેડો પીગળી ગયો અને પાછો જંગલમાં ગયો. આ વખતે સિંહ પણ તૈયાર જ હતો. ગધેડાને જોતાવેંત તેને પૂરો કરી નાખ્યો!

ધનની જેમ સમયનો પણ સદુપયોગ થવો જોઇએ. સિત્તેર વર્ષની વય સુધી પહોંચીએ તેમાં લગભગ, પચ્ચીસ વર્ષ ઊંઘમાં, પંદર વર્ષ ભણવા-ગણવામાં, છ વર્ષ રજા અને મોજમસ્તીમાં, પાંચ વર્ષ રોજબરોજની મુસાફરીમાં, ચાર વર્ષ ખાવામાં, ત્રણ વર્ષ બીજાં પરચૂરણ કામોમાં પસાર થાય છે. આ બધું બાદ કરતાં કોઇ મહત્વપૂર્ણ કામ કરવા માટે માત્ર બાર વર્ષ વધે છે! અમેરિકન કરોડપતિ ચાર્લ્સ શ્વેબની બહુ જાણીતી વાત છે. ઇ.સ. ૧૯૩૬માં તેમણે પોતાના સલાહકારને એક સલાહ માટે ૨૫,૦૦૦ ડોલર આપ્યા હતા. એ સલાહ કંઇક આવી હતી. દિવસની શરૂઆતમાં અગત્યનાં કામોને ઊતરતા ક્રમમાં ગોઠવી, તેની યાદી બનાવો અને એ રીતે જ કાર્યો પૂર્ણ કરતા જાઓ.

- નિર્ણય ન લઇ શકવાની વૃત્તિ બહુ જ મોંઘી પડે છે.

- નિષ્ફળતાથી આકુળવ્યાકુળ થવાને બદલે તેમાંથી શીખો.

- ખાલી કંતાનની બોરી ક્યારે ઊભી ન રહી શકે.

- જે સદા અવઢવમાં રહે છે, તે છેવટે હારે છે.

- જ્યારે બીજાઓ બોલવાનું પુરું કરી લે ત્યારે જ ડાહ્યા માણસો બોલે છે.

- એક રડાર રાખો, તેને ચારે તરફ ઘુમાવતા રહો.

- એક ખુલ્લા પાકિટ કરતા એક ખુલ્લું મગજ વધુ ધન-સંપત્તિ એકઠી કરી શકે છે.

- સામાન્ય કામ કરતી વખતે વધુ સાવધાન રહેવું પડે છે.

- નાની નાની વાતોમાંથી પ્રભાવશાળી નિષ્કર્ષ તારવવામાં જ કળા છે.

- પહેલી કોશિશ સફળ ન થાય તો ફરી વાર પ્રયત્ન કરો. કોશિશો ચાલુ રાખો.

- કોઇ જન્મજાત બુદ્ધિશાળી નથી હોતું, માણસો ધીમે-ધીમે જ ઘડાય છે.

- માત્ર મશીનો જ નહીં, મગજ પણ જૂનવાણી થઇ જાય છે. તેને સતત અપડેટ કરતા રહો.

- આજે પણ તમને કંઇ ખોટું કર્યા બદલ શરમ આવતી હોય તો ઉપરવાળાનો પાડ માનો અને પ્રાર્થના કરો કે તમને કાયમ એવાને એવા જ રાખે.

- અણગમતા કામને પાછું ન ઠેલો, અત્યારે જ પતાવી દો.

- પ્રગતિ કરવા મગજ ને ત્રણ વાતો માટે તૈયાર કરો. કામ કરવાનું છે. બચત કરવાની છે અને શીખતા રહેવાનું છે.

- ‘પ્રભાવ’એક સેવિંગ એકાઉન્ટ છે, તે જેટલું ઓછું વાપરશો એટલો જ લાભ થશે.

- સફળતામાંથી શીખો, જેથી તેનું પુનરાવર્તન થઇ શકે. નિષ્ફળતામાંથી શીખો, જેથી તેનું પુનરાવર્તન ન થાય.

- એ સતત વિચારતા રહો કે સર્વશ્રેષ્ઠ એથી પણ વધુ શ્રેષ્ઠ બની શકે છે.

- તમારા મૂળભૂત સિદ્ધાંતોને વખતોવખત મુલવતા રહો.

- યોગ્ય કામ કરવા માટે યોગ્ય વિચારવું પડશે અને યોગ્ય અનુભવવું પડશે.

એવી રીતે કામ કરો કે નિષ્ફળતા નામશેષ થઇ જાય!

- આવનારા સમયમાં જ જીવનનો રોમાંચ છુપાયેલો છે.

- મશીનોએ કામ કરવાનું છે. માણસે વિચારવાનું છે.

- કનેક્શન વિનાના તાર નક્કામા.

- સફળતા-નિષ્ફળતા. વિરુદ્ધાર્થી શબ્દો નથી. એક દોડવીર ભલે છેલ્લો આવે પણ પોતાનો રેકોર્ડ તોડે, તો તે સફળ જ છે.

- મોટા ભાગના લોકોને બીજાઓ કરતાં વધુ માનપાન જોઇતું હોય છે.

- ઇર્ષ્યા બીજું કંઇ નહીં, આપણો જ જીવ બાળે છે.

- નકામી વસ્તુઓ ભૂલી જાઓ. બધું જ યાદ રાખવાથી મગજ કચરાપેટી જેવું બની જશે.

- નાનીનાની વાતોમાં સમય બરબાદ ન કરો.

- જ્યાં સુધી દરરોજ તમારા કામ સાથે સંઘર્ષ નહીં કરો ત્યાં સુધી સંતોષકારક કામ નહીં થાય.

નિરાશાની પળોમાં માથે હાથ દઇને બેઠા ન રહો, કંઇક કામ કરો.

- ગુસ્સો, બદલાની ભાવના એવું ડ્રિંક છે, જે ઠંડું જ પીરસવામાં આવે તો જ સારું.

- કોઇની નકલ ન કરો, બધા પાસેથી શીખતા રહો.

- જેની પાસે સારા મિત્રો છે, તેને અરીસાની જરૂર નથી.

- પર્વત ધ્રુજાવવા ઇચ્છો છો, તો પહેલા પથ્થરો હલાવતા શીખો.

- ભૂલો નથી થતી. જરૂર પ્રયત્નોમાં કંઇક ખામી હશે!

- સલાહને એક સેંડવિચ સમજો, તેની બે સ્લાઇસને શંકાઓ સમજો.

- જ્યારે બીજાને બદલવા અશકય હોય તો જાતને બદલી નાખો.

- આપણે સમય બચાવવા કામ ઝડપથી પતાવીએ છીએ અને વધેલા સમયને બરબાદ કરી નાખીએ છીએ.

- તમે કોઇને નથી બદલી શકતા. તમે તમારા પિતાને નથી બદલી શકતા. તમારી માતા, પત્ની, ભાઇ, બહેન કે બોસને સુદ્ધાં નથી બદલી શકતા, તો સૌ પહેલાં તમે ખુદને બદલો.

- મારી સમસ્યા એ હતી કે કામ કરવાના સમયે હું નેતૃત્વ, શ્રેષ્ઠતા અને મેનેજમેન્ટનાં પુસ્તકો વાંચતો રહ્યો.

- જાત વિશે વિચારતા પહેલાં ત્રણ મિનિટ રાહ જુઓ.

- પરાજિત લોકો જે કામને હાથ પણ નથી લગાડતા, વિજેતાને તેની આદત પડી ગઇ હોય છે.

- માણસ શું થશે તેનાથી નહીં પણ શું થઇ ગયું તેનાથી દુ:ખી થતો હોય છે.

- ચોવીસે કલાક બિઝી રહેવામાં મોટા ભાગનો સમય વેડફાઇ જાય છે. તેના કરતા કામ માટે ઓછામાં ઓછા કલાકો રાખો પણ નક્કર કામ કરો.

- એવું કંઇ ન કરો જે અન્ય કોઇ તમારા માટે કરી શકતું હોય.

- ક્યારેય સમય નથી એવું ન કહેશો. ગાંધીજી, મધર ટેરેસા, હેલન કેલર, થોમસ જેફરસન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકરને પણ ચોવીસ કલાકનો જ દિવસ મળે છે.

જો મારી પાસે વૃક્ષ કાપવા માટે આઠ કલાક હશે, તો હું છ કલાક મારી કુહાડીની ધાર કાઢીશ. જો તમને તૈયારી કરવાની ઇચ્છા ન હોય, તો જીતવાની ઇચ્છા પણ ન રાખશો. ગગનચુંબી ઇમારતો ચણવામાં એક વર્ષ જ લાગે છે, તેનો પ્લાન બનાવવામાં કેટલાંયે વર્ષો લાગી જાય છે.

- આપણા જીવનનું સ્વરૂપ આપણે જ વિચારોના ચાકડે ઘડવાનું છે.

- બુદ્ધિશાળી કામ કર્યા પહેલા વિચારે છે, મૂર્ખાઓ કામ કર્યા બાદ.

- દરેક વિચાર આપણું ભવિષ્ય ઘડે છે.

- મન જે તરફ ઢળે છે, શક્તિ પણ એ તરફ જ વહે છે.

- તમારે શું જોઇએ છે, એ સ્પષ્ટ થઇ જાય તો એ મેળવવા માટે એટલી જ વધુ શક્તિ ઉત્પન્ના થતી જાય છે.

- એક વિચાર કે ઉદાહરણનું અનુસરણ વધુ સારો વિકલ્પ પુરવાર થઇ શકે છે.

- વિનમ્રતા એ સફળતાની અનિવાર્ય આવશ્યકતા છે.

- આપણને એક મોં અને બે કાન છે, તેનો અર્થ એ કે જેટલું બોલીએ તે ફરતા બમણું સાંભળીએ.

શેખચલ્લી ન બનો

- પહેલા પ્રયત્ને જ સફળ થઇ જાઓ તો તમારું આશ્ચર્ય સંતાડી રાખજો.

- પૂરું થઇ શકે એમ ન હોય એવા કામની શરૂઆત ન કરો.

- કપડાં ગમે તે હોય, હાવ-ભાવ વધુ મહત્વના છે.

- શિખર ખાલી તો હોય છે, પણ ત્યાં પગ વાળીને બેસવાની જગ્યા નથી.

- મધ જોઇતું હોય, તો મધપૂડો છંછેડવાની જરૂર નથી.

- સર્વશ્રેષ્ઠ વિચારની રાહ ન જુઓ, શ્રેષ્ઠ વિચાર પર અમલ શરૂ કરી દો. સર્વશ્રેષ્ઠ પાછળ દોડતું આવશે.

- પ્રામાણિકતાથી આઠ કલાક કામ કરીને તમે બોસ બની શકો છો. પછી બાર કલાક કામ કરી શકો છો.

- બોલતા ન આવડતું હોય, તો ચૂપ રહેતા શીખો.

- ઉતાવળ કરનારા વાસ્તવમાં કલાકો બગાડીને મિનિટો બચાવતા હોય છે.

- આપણા જ શબ્દોના અપચાથી બદતર કશું નથી.

તમારા વિચારો પર ઘ્યાન દો,
એ તમારા શબ્દો બને છે.

તમારા શબ્દો પર ઘ્યાન દો,
એ તમારું કાર્ય બને છે.

તમારાં કાર્યો પર ઘ્યાન દો,
એ તમારી આદત બને છે.

તમારી આદતો પર ઘ્યાન દો,
એ તમારું ચારિત્ર્ય બને છે.

તમારાં ચારિત્ર્ય પર ઘ્યાન દો,
એ તમારું કર્મ બને છે.

ધનની જેમ સમયનો પણ સદુપયોગ થવો જોઇએ. અગત્યનાં કામોને ઊતરતા ક્રમમાં ગોઠવી, તેની યાદી બનાવો અને એ રીતે કાર્યો પૂર્ણ કરતા જાઓ.

No comments:

Post a Comment