August 20, 2010

યંગ ઇન્વેસ્ટર્સ જોશીલા છે, મૂર્ખ નથી


ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં ઝંપલાવનાર નવી પેઢીની ખૂબી એ છે કે તેઓ ગઈ પેઢી કરતાં વધુ સાવધ છે. છાશ તો તેઓ ફૂંકીફૂંકીને પીએ છે, પણ કાર-ફ્લેટ વગેરે ખરીદવામાં તેઓ બિનધાસ્ત છે. જીવનનો આનંદ માણવાનો જુસ્સો એમનામાં છે, પણ શરાબ-શબાબ પાછળ પૈસા ઊડાવી દેવા જેટલી મૂર્ખામી તેમનામાં નથી.

એક સમયે હું પણ શેરબજારમાં ‘ટિપ્સ’કલ્ચરમાં ફસાઇ ચૂક્યો છું અને તેનો ભોગ પણ બની ચૂક્યો છું. પણ હવે નહીં, એક જ અનુભવ કાફી છે. હવે હું પોતે અભ્યાસ કરીને શેર ખરીદું છું.’ આ શબ્દો છે રોહન શાહના. મરચાંના જાણીતા વેપારી મહેન્દ્રભાઇના ૨૬ વર્ષના પુત્ર રોહને ભરયુવાનીમાં જ આ પરિપક્વતા મેળવી લીધી છે અને આ વાત માત્ર રોહનની નથી, આવા અનેક યુવાનો હવે શેરબજારની ચાલ, તાલ અને તેમાં રહેલા માલને સમજતા થઇ ગયા છે.

અલબત્ત, યુવાનીના નશામાં ભૂલો કોણ નથી કરતું અને શેરબજારમાં આધેડ અને વૃદ્ધો પણ હોલસેલમાં ભૂલો કરતા હોય છે ત્યાં આ યુવાનોને શો દોષ આપવો? વાસ્તવમાં તો આ ભૂલ લાલસા અને મૂર્ખતાના મિશ્રણથી સર્જાય છે તેથી આમ તો તેને ભૂલ કહેવાય કે નહીં એ પણ સવાલ છે, ખેર આપણે તો ‘રંગ દે બસંતી’ના મૂડવાળી આજની યુવાપેઢીની વાત કરીએ તો આમાં મસ્તીની પાઠશાળામાં મહાલનારાઓની સંખ્યા વધતી જાય છે અને તેમાં પણ શેરબજારની મસ્તી સામે બિયર, વ્હિસ્કી, શેમ્પેન, કોકેન એ બધું તો ઠીક-ઠીક. હજી મે-જૂનમાં જ શેરોની ધમાકેદાર અને હચમચાવી મૂકે એવી મસ્તી આપણે સૌએ જોઇ.

૭૦૦૦ના સેન્સેક્સથી શરૂ કરીને હિલોળે ચઢેલું શેરબજાર ૬થી ૮ મહિનાના ગાળામાં ૧૨,૫૦૦ની ઉપર તો પહોંચી ગયું, પરંતુ ત્યારપછી તેણે જે વળાંક લીધો એમાં અનેકના લાખના બાર હજાર થઇ ગયા, તો વળી ઘણાના બાર હજાર પણ ગયા. આ એક જ વર્ષથી ઓછા સમયગાળામાં શેરબજારની અભૂતપૂર્વ ઊંચાઇ અને વિક્રમી કડડડભૂસ પણ જોવા મળી. બહુ મોટા રોકાણકારોનો નવો વર્ગ પણ જોવા મળ્યો, જેણે આ જ ગાળામાં શેરબજારમાં પ્રવેશ કર્યો.

અલબત આ નવા વર્ગને શેરબજારમાં લાવવા માટે અર્થતંત્ર, ઔધોગિક તેમ જ સર્વિસ ક્ષેત્રે આકાર લેનારી વિકાસની ઘટનાઓ બહુ જવાબદાર છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બીપીઓ(બિઝનેસ પ્રોસેસિસ આઉટસોર્સિંગ), હવે કેપીઓ(નોલેજ પ્રોસેસિસ આઉટસોર્સિંગ) અને કોલ સેન્ટરોએ મોટી ભૂમિકા ભજવી છે. નાની વયે ઊંચા પગાર મેળવનાર યુવા વર્ગને શેરબજારની તેજી ન આકર્ષે તો જ નવાઇ હતી. છેલ્લાં બે વર્ષથી પણ વધુ સમયથી સતત ચાલેલી તેજીએ યુવાનોમાં જ નહીં, યુવતીઓમાં પણ શેરબજારનું ધેલું લગાડ્યું છે.

રોહનની વાત જ આગળ વધારીએ તો ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ફેમિલીના બિઝનેસમાં સક્રિય ભાગ લેનાર રોહન આજે વ્યવહારુ ઇન્વેસ્ટર પણ બની ગયો છે. ‘શેરબજારને હવે હું અગાઉ કરતાં વધુ સમજતો થયો છું,’ એમ જણાવતાં રોહન કહે છે કે તેથી હવે શેરોની ટિપ્સ મને લલચાવી શકતી નથી. મારી પાસે આજે પણ ટિપ્સ તો આવે જ છે, પરંતુ હવે હું એ ટિપ્સમાં જણાવેલી કંપનીના શેર લેતાં પૂર્વે પોતે તેનો ટ્રેક કાઢું છું, અભ્યાસ કરું છું, અને પછી જ તેમાં રોકાણ કરું છું.

અફ કોર્સ, મારું મન હમણાં ક્યારેક ક્યારેક શેરની લે-વેચમાં ઝંપલાવી દેવા માટે ખેંચાઇ જાય છે, પરંતુ અગાઉના અનુભવને યાદ કરી હું અટકી જાઉં છું. રોહન માત્ર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની ભલામણ કરતાં કહે છે કે ઇક્વિટી શેર જોખમી છે એવી પૂરી સભાનતા સાથે હું મારી ૧૫ ટકા બચત શેરમાં રોકું છું અને હું દ્રઢપણે માનું છું કે બેસ્ટ રિટર્ન(વળતર) માટે ઇક્વિટી જ શ્રેષ્ઠ છે અને દરેક વ્યકિતએ તેની બચતની ૧૫-૨૦ ટકા રકમ તો ઇક્વિટી શેરોમાં રોકવી જ જોઇએ.

અમેરિકામાં ૧૮ વર્ષ રહી ભારત પાછો ફરેલો અપૂર્વ પરીખ અહીં અમેરિકન કંપનીમાં જ કામ કરે છે. શેરમાં ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં તે સૌથી વધુ પ્રાધાન્ય સલામતી અને લિક્વિડિટીને આપે છે. અપૂર્વ પરીખે ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેંજની મંદીનો માર ખાઇ લીધો છે અને તેથી જ તે અહીં શેરમાં નાણાં રોકતી વખતે સજાગ બની ગયો છે. ‘ટિપ્સનું તો મારી પાસે નામ જ નહીં લેતા એવું જણાવતાં અપૂર્વ કહે છે કે લોકો ટિપ્સમાં કમાય તો વખાણ કરે અને ગુમાવે તો ગાળો આપે એ લોકોની જમાત મને ક્યારેય આકર્ષી શકી નથી. હું ઇન્વેસ્ટમેન્ટ કરું તો એ મારો નિર્ણય હોવો જોઇએ અને મારો નિર્ણય છે તો એ વિચારીને, સમજીને કે પછી પ્રોફેશનલ્સ નિષ્ણાત સાથે વાતચીત કરીને લેવાયેલો નિર્ણય હોવો જોઇએ.’

જોકે અપૂર્વ પરીખ કબૂલે છે કે તેનામાં આ શાણપણ કે ડહાપણ કડવા અનુભવ બાદ આવ્યું છે. ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેંજની તેજી-મંદી બન્નોનો સ્વાદ અને સબક વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૧ દરમ્યાન પામી લેનાર અપૂર્વ હવે ટોટલી વ્યવહારુ બની ગયો છે અને એક સમયે ડે ટ્રેડિંગ કરતો અપૂર્વ આજે કોઇને પણ સટ્ટાથી તો ખાસ દૂર રહેવાની સલાહ આપે છે. અપૂર્વ કહે છે, હાર્યો જુગારી બમણું રમે એ શેરબજારમાં વિશેષ જોવા મળે છે અને તેમાં જ બરબાદ પણ થઇ જાય છે.

તમારી પાસેની બચતના ૨૫ ટકા કે તેથી વધુ નાણાં શેરબજારમાં નહીં રોકવાના સિદ્ધાંતમાં અપૂર્વ માને છે અને પ્રોફિટ બુક કરતા રહેવું એવું પણ તે ઉમેરે છે. ભાવ હજી વધશે - હજી વધશે જેવી લાલસા જોખમી સાબિત થઇ શકે છે, તેને બદલે સંતોષ માનીને મૂડી તથા નફો પાછાં મેળવી પછી નફાથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવું જોઇએ. અને હા, લોંગ ટર્મના અભિગમ સાથે જ રોકાણ કરવા પર એ ખાસ ભાર મૂકે છે.

અપૂર્વ માને છે કે આ સમજ હવે યુવાવર્ગમાં આવતી ગઇ છે અને અપવાદરૂપ ધેલાઓ સિવાય આજની પેઢી શેરબજારમાં સિસ્ટેમેટિક અને સ્ટડી કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતી થઇ છે. જો કે શેરોની કમાણીનો અન્ય કોઇપણ શોખ માટે ઉપયોગ કરવાને બદલે અપૂર્વને કારનો બહુ શોખ છે તે પણ લિમોઝીન. હા અપૂર્વ કહે છે મારી પાસે ઇન્ડિયન લિમોઝીન છે અને કવાલીસ પણ છે. આટલા વર્ષોઅમેરિકામાં રહ્યો હોવાથી લિમોઝીન માટે મને પહેલેથી વિશેષ લગાવ રહ્યો છે, બાકી અન્યત્ર પૈસો ઉડાડવાનું મને ગમતું નથી.

સરકારી ઓફિસોમાં કામ કરતો હિતેષ મિસ્ત્રી પણ અપૂર્વની વાત સાથે સહમત થઇને જણાવે છે કે - સમજયા વિના રોકાણ કરીને નુકસાન થાય તો એમાં દોષ આપણો પોતાનો જ ગણાય, માર્કેટનો નહીં. આ વખતની તેજીએ જ હિતેષને બજારમાં પ્રવેશવા માટે તૈયાર કર્યો. ૨૫ વર્ષના હિતેષને શેરમાં ઇન્વેસ્ટમેન્ટમાં રસ પડે છે અને તેણે ૫૦-૧૦૦ શેરથી રોકાણ પણ શરૂ કરી દીધું છે. હિતેષને જલદી-જલદી રૂપિયા કમાઇ લેવાની કોઇ ઉતાવળ નથી. પરંતુ તેને વિશ્વાસ છે કે મૂડી વધારવી હશે કે ઊંચો નફો કરવો હશે તો શેરોમાં જ થશે.

‘મહિને બે-બે હજાર બચાવી હાલ તો ૩૫-૪૦ હજારની મૂડી ઊભી થઇ છે, જે શેરબજારમાં રોકવી છે, પરંતુ સમજીને અને ડાહ્યા માણસની સલાહ લઇને,’ એમ જણાવતો હિતેષ પોતે અખબારો અને મેગેઝિનોમાં કંપનીઓ વિષે વાંચે છે. અને ખાસ તો એ ‘એ’ગ્રુપની જ કંપનીઓ પસંદ કરે છે, ભલે ૫૦ શેર લઇ શકો, પરંતુ લગડી સ્ક્રિપ જ લેવી એ હિતેષનો મંત્ર છે. નવા પબ્લિક ઇસ્યુ આવતા હોય તો તેના પણ રોકાણ માટે અરજી કરવી જોઇએ એમ માનતો હિતેષ એ રોકાણ પણ આંખ બંધ રાખીને નથી કરતો. આવનાર પબ્લિક ઇસ્યુની માહિતી મેળવીને તે કંપનીનો ટ્રેક રેકોર્ડ જાણવાની તસ્દી લે છે.

રોહન તો કહે છે કે હવે તો શેરબજાર કરતાં પણ કોમોડિટી એક્સચેંજમાં ચાલતું કોમોડિટી ટ્રેડિંગ વધુ એક્સાઇટમેન્ટવાળું અને ઇન્ટરેસ્ટિંગ છે. અમે તો કોમોડિટી બિઝનેસમાં જ છીએ તેથી બજારની રૂખ પણ અમારી પાસે આવતી રહે છે એમ જણાવતાં રોહન ઉમેરે છે કે હવે અનેક યુવાનો કોમોડિટી બજારના વાયદા કરતા થઇ ગયા છે. ખાસ કરીને કોમોડિટી માર્કેટમાં આવેલી યુવાપેઢીમાં ધીમે ધીમે શેરબજાર કરતાં કોમોડિટી ટ્રેડિંગનું ચલણ વધે એવો માહોલ રચાઇ રહ્યો છે. અગાઉનો સમય અલગ હતો.

એ વખતે માહિતીઓના સ્ત્રોત મર્યાદિત હતા. આજે તો માહિતીઓના ઢગલા અને વરાઇટી બન્નો ઉપલબ્ધ છે. માત્ર માહિતી મેળવ્યાથી પણ ન ચાલે, તેને સમજવી જોઇએ અને અભ્યાસ કરી નિર્ણય લેવો જોઇએ. જો રોકાણકાર આમ ન કરી શકતો હોય તો તેણે શેરમાં સીધું રોકાણ કરવું જ ન જોઇએ. આવા વર્ગ માટે મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓ છે જ. નામ પ્રમાણે ગુણ ધરાવતી આ યોજનામાં રોકાણ કરી રોકાણકાર બહુ ઊંચું નહીં તો મઘ્યમ વળતર સાથે શાંતિ પણ મેળવી શકે છે અને જોખમને પણ નિયંત્રણમાં રાખી શકે છે.

પણ આ યુવાનો શેરબજારમાં નાણાં કમાય તો એનું કરે છે શું? મોટે ભાગે તો અત્યાર સુધીના એક રેકોર્ડ મુજબ યુવાનોની શેરબજારની કમાણી ડાન્સબાર કે બિયરબારની બાટલીઓમાં ઊતરી જાય છે. હાલ તો મહારાષ્ટ્રમાં ડાન્સબાર બંધ કરાવાયા છે, પરંતુ શેરોની કમાણીનો સીધો લાભ અનેક બારબાળાઓને મળતો હતો. આ ઉપરાંત વધુ પડતી સંપત્તિ-ધન માણસને, ખાસ કરીને યુવાનોને કયાં લઇ જાય છે એ તો આપણે અમીરોના નબીરાઓના દાખલાઓમાં જોઇએ જ છીએ, પછી એ ફરદીન ખાન હોય કે રાહુલ મહાજન હોય કે અભિષેક કાસલીવાલ હોય, શેરની કમાણી સામાન્ય રીતે ‘ઇઝી મની’કહેવાય છે તેથી તેનો બાહ્યપ્રવાહ પણ ‘ઇઝી આઉટ ગો’જેવો હોય છે.

જોકે રોહન કહે છે, મને નથી બિયરનો શોખ કે નથી ડાન્સબારનો. અરે હું તો માનું છું કે મોબાઇલ પણ આપણી ટેલિફોનની સુવિધા માટે જ છે, પરંતુ ઘણા યુવાનો અને તેમના સર્કલને જોઉં છું તો એ લોકો જેમ કમાય તેમ તેમની પાસે નવા મોબાઇલ તો શું, નવી ગાડીઓ પણ આવવા લાગે છે. એ તો જેની જેવી કમાણી. યુવાવર્ગના શેરની કમાણી મોટે ભાગે બિયરબાર, મોબાઇલ કારથી માંડી નકામા ખર્ચાઓ અને દેશવિદેશની ટુરમાં જાય છે. ઘણા યુવાનો જોકે આ કમાણીનું પાછા ફરી ફરી શેરોમાં જ રોકાણ કરવા લાગે છે તો વળી કેટલાક આ કમાણીમાંથી ડાહ્યા થઇને પોતાનો ફ્લેટ લઇ લે છે, ભલે લગ્નને વાર હોય, એક ફ્લેટ લઇ રાખેલો સારો. જોકે અઢળક કમાઇ લીધા બાદ પાર્ટીઓ અને ફ્રેન્ડ સર્કલ તો મોટાભાગના યુવાનો માટે એકદમ કોમન થઇ જાય છે.

હિતેશને શેરબજારના નફામાંથી પોતાના પ્રવાસનો શોખ પૂરો કરવો છે. હિતેશ કહે છે મારે કોઇ આંધળા કે બેફામ ખર્ચ નથી કરવા, નથી મને બિયરબાર કે સિગારેટનો શોખ, પણ મારી પાસે એક કાર હોવી જોઇએ એવી મહેચ્છા ખરી. દેશ-વિદેશમાં ફરવાનું મન થાય તો એટલી મૂડી હોવી જોઇએ. લાઇફને સરળ અને આનંદદાયક બનાવવા માટે લાલચ કરવી, ખોટા કામ કરવા બૂરી વાત છે, પરંતુ આપણે પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી કમાઇએ તો એમાં કંઇ ખોટું શું છે? આપણો આનંદ આપણા સિવાય કોણ નક્કી કરશે?

મોટે ભાગે શેરબજારમાં કામ કરનાર યુવા વર્ગનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. હવે તો શેરબ્રોકરોનાં કદ પણ મોટાં થઇ રહ્યાં હોઇ શેરબજારના કામ કરવા માટેના પે-પેકેટ પણ મોટાં થઇ ગયાં છે અને તેમાં પણ તેજી સમયે તો પૂછો જ નહીં? પાંચ આંકડામાં પગાર તો સામાન્ય બની જાય છે અને બ્રેઇન-ડ્રેઇન પણ ખરું જ. આ કેપિટલ માર્કેટ અને એ સંબંધિત દરેક કંપનીઓ કે પેઢીઓમાં કામ કરનાર બહુમતી વર્ગ યુવા પેઢીનો છે.

આ બધું ઓછું હોય તેમ મ્યુચ્યુઅલ ફંડ, મર્ચન્ટ બેન્કરોથી માંડી ફાઇનાન્સ કંપનીઓ ખાનગી બેંકો વગેરેમાં પણ યુવાવર્ગની બોલબાલા છે. ખાસ કરીને ખાનગી કંપનીઓ તો એજયુકેશનની સાથે સાથે ૨૩-૩૦ની વચ્ચેની ઉંમરના ઉમેદવારને જ લાયક માને છે. યાદ રહે, મુંબઇ જેવાં શહેરોમાં તો ૨૫ વર્ષનો યુવાન અને ૨૫ કે ૫૦ હજાર પગાર હવે આશ્ચર્યની વાત નથી રહી. આજે હોમ લોનની તેજી કે ડિમાંડ આ વર્ગને જ આભારી છે. જેઓ આ ઉંમરે ‘મારે પણ એક ઘર હોય’નું સપનું માત્ર જોતા નથી, તેને સાકાર કરી નાખે છે.

શેરબજારમાં કામ કે રોકાણ કરતી યુવા પેઢીની વધુ એક ખાસિયત જણાવતાં અનુભવીઓ કહે છે કે આ લોકો શેરબજારમાં રસ લેતા હોઇ સમાચારોની દુનિયાથી સતત વાકેફ રહે છે. દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓની તેમની બજાર પર અસર થતી હોઇ આ યુવાનો સતત અપડેટ હોય છે. ખાસ કરીને આર્થિક બાબતોમાં તેમનું દિમાગ વધુ તેજ દોડે છે.

શેરબજારમાં હવેની યુવા પેઢી પણ પરિવર્તન પામેલી કે પામી રહી હોય એવું જણાય છે. માત્ર લાલચ કે મૂર્ખાઇથી ખેંચાઇ જનારાની સંખ્યા ઘટી રહી છે. હવેનો ફાલ ઇન્ટેલિજન્ટ, અવેર, અને કેલક્યુલેટીવ ઇન્વેસ્ટરોનો આવી રહ્યો છે. શેરબજારમાંની કમાણી પાછી શેરમાં જ ન ડૂબે એ માટે આજનો વર્ગ જાગ્રત થયો છે અને આ કમાણીમાંથી સલામત સાધનોમાં રોકાણ કરતાં પણ એ શીખી રહ્યો છે.

જીત્યા તો બન્યા સિકંદર હાર્યા તો વંટોળની અંદર

હજી થોડો વખત પહેલાં જ શેરબજારમાં મોટી ખોટ થઇ જતાં આત્મહત્યા કરનાર મઘ્યમ વર્ગનો યુવાન અમિત (નામ બદલાવ્યું છે) શેરબ્રોકરને ત્યાં જ નોકરી કરતો હતો અને એમ કરતાં જ તેને સટ્ટો કરવાની લત લાગી ગઇ હતી, અફકોર્સ, આમાં શરૂમાં તે કમાયો પણ ખરો અને કમાણી થતી ગઇ એટલે તેની લાઇફસ્ટાઇલમાં બદલાવ આવી ગયો. શરાબ તેને નિયમિત જોઇએ. સિગારેટનાં તો પાકીટો જ ખિસ્સામાં હોય. ૨૯ વર્ષના અમિતે છેલ્લે સટ્ટામાં જ મોટો માર ખાધો અને પેમેન્ટ ન કરી શક્યો. તેના શેઠ બ્રોકરે સમય તો આપ્યો, પરંતુ અમિત રૂપિયા ભરી ન શકતાં શેઠનું દબાણ વધતું ગયું. પરિવારમાં-ઘરમાં બધાને જાણ હતી.

અમિત સૂમસામ થઇ ગયો હતો, પરંતુ આ ટેન્શનમાં તે આત્મહત્યા કરી લેશે એવી કોઇને કલ્પના ન થઇ. એક દિવસ તબિયત સારી નથી એમ જણાવી અમિત ઘરે રહ્યો અને જમીને સૂઇ જાઉં છું એમ કહી સૂતો, એ કાયમ માટે સૂઇ ગયો. સમાજમાં બદનામી ન થાય એ માટે ઊંઘની વધુપડતી ગોળી ખાઇ લઇ આત્મહત્યા કરનાર અમિતના મૃત્યુને હાર્ટએટેક કહી દેવામાં આવ્યું, પરંતુ ૨૯ વર્ષની વયે હાર્ટએટેક આવે એ વાત પણ તો આઘાત આપનારી જ છે ને. આવા અમિતની કથાઓ પણ શેરબજારમાં ઘણી છે, પરંતુ તે બધી કથાઓ દફનાવી દેવાતી હોવાથી લોકો સુધી ભાગ્યે જ પહોંચે છે, કેમ કે શેરબજારમાં કમાય છે તેનાં બેન્ડબાજાં વાગે છે, પરંતુ ગુમાવે છે તેની ચર્ચા ઘરની ચાર દીવાલોમાં જ સમાઇ જાય છે.

શેરબ્રોકરોના સ્ટાફ રોજેરોજ કરોડોની ઊથલપાથલ જુએ છે, ને પછી...

પ્રકાશ શેરબજારમાં બ્રોકરને ત્યા નોકરી કરતો હતો અને એના પગારમાંથી શેરની લે-વેચ શરૂ કરી પ્રકાશે ખૂબ નાણાં બનાવ્યાં બિયરબારમાં અને ડાન્સબારમાં ઉડાવ્યાં અને પછી ખૂબ નાણાં ગુમાવ્યાં પણ ખરાં. હવે તેને આ બધું માફક આવ્યું છે. તેજી-મંદી તેને કોઠે પડી ગઇ છે. ગોપાલ મહેતા પબ્લિક ઇસ્યુ મેનેજ કરતા મોટા બ્રોકરને ત્યાં જ કામ કરે છે તેથી તે મોટેભાગે આઇપીઓમાં જ અરજી કરવાનું પસંદ કરે છે, પરંતુ બજારમાં ફરતી ટિપ્સમાંથી ક્યારેક કોઇ પકડી લઇ શેરોમાં પણ લે-વેચ કરી નાખે છે.

જોકે ગોપાલ શેરબજારમાં કમાયેલાં નાણાં આડેધડ ઉડાડવાને બદલે ઘરમાં જ વિવિધ લક્ઝરી ચીજો વસાવવામાં વાપરે છે. શેરબજારમાં દરેક બ્રોકરની કચેરીમાં કામ કરતા સ્ટાફને દિવસ-રાત શેરોના ભાવ-તાલ જોવા મળે છે અને તેમને એમાં વધુ શું લેવાઇ કે વેચાઇ રહ્યું છે તેની બાતમી પણ મળતી રહે છે, તેથી આ સ્ટાફને સહજપણે ટ્રેડિંગની આદત લાગી જાય છે. ખાસ કરીને ટ્રેડિંગ ટર્મિનલ પર બેસતા કર્મચારીને તો મિનિટે મિનિટે ભાવોની ઊથલપાથલ જોવા મળે છે. પરિણામે એ કયાંક ખેલો કરી જ નાખે છે.

ઘણા બ્રોકરો તો આવા જ ટ્રેડિંગ માટે મર્યાદા બાંધીને ગ્રાહકને ટર્મિનલ આપી દે છે. જેમાં બ્રોકર નફામાં પોતાની ભાગીદારી રાખે છે, જ્યારે ખોટ ગ્રાહક પોતે પૂર્ણપણે ઉઠાવે છે. આવા કેસિનો-કલ્ચરમાં યુવાપેઢીનો પ્રવાહ ઇઝી મની તરફ વહી રહ્યો છે, તો બીજી તરફ આ જ યુવાનો વધુ પરિપક્વ થઇને સ્માર્ટ ટ્રેડર કે ઇન્વેસ્ટર બની રહ્યા છે. જોકે આ બધામાં સુખદ બાબત એ છે કે યુવાપેઢી મેરયોર્ડ ઇન્વેસ્ટરમાં પરિવર્તિત થઇ રહી છે. અલબત, કોઇ પોતાની જ ભૂલોમાંથી તો કોઇ બીજાની ભૂલોમાંથી શીખ મેળવી લે છે

No comments:

Post a Comment