August 20, 2010

સફળતાની રણનીતિ


યે મેરી લાઇફ હૈ

કારકિર્દીની સફરમાં યોગ્ય ઘ્યેય પસંદ કરવું એ સૌથી મહત્વનું અને કદાચ એટલે જ સૌથી કપરું કાર્ય છે. ક્યારેક તો આ ઘ્યેય નક્કી કરવામાં જ મોટા ભાગનું જીવન ખર્ચાઇ જાય છે. બહુ ઓછા લોકો નાની ઉંમરથી જ પોતાનું લક્ષ્ય સુનિશ્વિત કરી શકે છે. ભારતમાં ચેસનો પર્યાય ગણાતો વિશ્વનાથન આનંદ આવા જૂજ લોકોની યાદીમાં બિરાજે છે. માત્ર અઢાર વર્ષની વયે જ આનંદે ‘વર્લ્ડ જુનિયર ચેસ કોમ્પિટિશન’જીતીને ‘ગ્રાન્ડ માસ્ટર’નો ખિતાબ હાંસલ કર્યો. શતરંજમાં આનંદે મેળવેલી અભૂતપૂર્વ સફળતા બદલ તેને અર્જુન એવોર્ડ (૧૯૮૫), પદ્મશ્રી (૧૯૮૭), પદ્મભૂષણ (૨૦૦૦) જેવા ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સફળતાની દાસ્તાન સાંભળીએ ખુદ આનંદના જ શબ્દોમાં...

જાણ્યે-અજાણ્યે મારા જીવનમાં એવા વળાંકો આવ્યા, જેને લીધે બહુ નાની ઉંમરે જ મને સમજાઇ ગયું કે શતરંજની રમત જ મારું સર્વસ્વ છે. પિતાજીની બદલી ફિલિપાઇન્સમાં થઇ. એ વખતે હું સ્કૂલમાં હતો. ત્યાં જ મેં શતરંજની સ્પર્ધાઓમાં ભાગ લેવો શરૂ કર્યો. એ સમયના પ્રખ્યાત એશિયન ચેસ ખેલાડી યુગૂનયેર ફિલિપાઇન્સની રાજધાની મનિલાના હતા. ચોતરફ ચેસની જ બોલબાલા હતી. મને યાદ છે, એ વખતે રોજ શતરંજ પર એક ટીવી શો પ્રસારિત થતો. શોના અંતે ચેસને લગતો એક કોયડો પુછાતો.

મારી માતા દરરોજ એ કોયડો લખી રાખતી, જેને હું સ્કૂલેથી આવીને ઉકેલતો. કોયડો ઉકેલવાના ઇનામરૂપે શતરંજનું એક પુસ્તક અપાતું. જોતજોતામાં હું કોયડા ઉકેલવામાં એટલો પારંગત બની ગયો કે રોજ જીતતો! થોડાં અઠવાડિયાં બાદ ટેલિવિઝન કંપનીમાંથી તેડું આવ્યું. એ લોકોએ મારી માતાને કહ્યું, ‘તમારા દીકરાને કહો કે અમારા સ્ટુડિયો પર આવીને લાઇબ્રેરીમાંથી બધાં પુસ્તકો પસંદ કરી લે, પણ મહેરબાની કરીને તેને કહો કે તે આ સ્પર્ધામાં ભાગ ન લે. નહીંતર બીજા કોઇને જીતવાની તક જ નહીં મળે!’ આ સાંભળીને મને તો મજા પડી ગઇ અને શતરંજ સાથે મને ખરેખર પ્રેમ થઇ ગયો.

હું માનું છું કે હાયર સેકન્ડરી, એટલે કે સોળ-સત્તર વર્ષ સુધીમાં આપણે કારકિર્દીમાં કઇ તરફ આગળ વધવું છે તે લગભગ ખબર પડી જ જાય છે પણ મારા મતાનુસાર હાઇસ્કૂલ પછીનો તબક્કો કારકિર્દીની પસંદગી માટે સૌથી મહત્વનો છે. ક્યારેક નાનાં-મોટાં ઇનામ કે કોઇના ઉત્સાહથી છલોછલ શબ્દો પણ કોઇ વિષય પરત્વે આપણી પસંદગી-નાપસંદગી છતી કરી દે છે. મારી વાત કરું તો શતરંજની પસંદગીમાં મને ઇશ્વરનો આદેશ જ દેખાય છે. શરૂઆતમાં મળેલી સફળતાઓ અને સંકેતો પારખીને મને લાગ્યું કે ભવિષ્યમાં આ મારો વ્યવસાય બની શકે તેમ છે.

બને તેટલી ઝડપથી આપણા ભવિષ્યની દિશા નક્કી કરી લેવી ખૂબ જરૂરી છે. એ જાણવાની કોશિશ કરો કે આપણે હકીકતમાં શું કરવું છે. નક્કી કરેલા લક્ષ્યને પહોંચી વળવા માટે કોઇ ખૂબી વિકસાવવાની ક્ષમતા આપણામાં છે ખરી? કોશિશ કરો કે આ નિર્ણય તમારો પોતાનો જ હોય, પરિવારજનો કે અન્ય કોઇનાય દબાણમાં આવીને પસંદ ન હોય એવી કારકિર્દી પસંદ ન કરવી. અન્ય કોઇકનું સપનું પૂરું કરવા નીકળેલા ઘણા યુવાનોને મેં નિષ્ફળતાની ખાઇમાં ધકેલાતા જોયા છે.

પરિવાર અને મિત્રો સાચી સલાહ આપી શકે છે, પણ છેવટનો નિર્ણય તો તમારો પોતાનો જ હોવો જોઇએ. તમારા કરતાં વધુ સારી રીતે તમને કોણ ઓળખી શકે? ચેસની પ્રતિયોગિતાઓમાં ભાગ લેતાં ઘણાં નાનાં બાળકોમાં મેં જીતવાનું દબાણ અને હારવાની સજા મેળવતાં જોયાં છે. હું એક મહત્વનો પાઠ શીખ્યો છું અને જેમાં પૂરી શ્રદ્ધાથી વિશ્વાસ કરું છું કે તમે જે કંઇ પણ કરતા હો, તેમાંથી તમને આનંદ અને ઉત્સાહ મળવા જરૂરી છે. જે ચીજમાંથી આનંદ મળતો હોય એનાથી ક્યારેય થાક નથી લાગતો. મેં હંમેશાં જોયું છે કે જે યુવાનો પોતાની પસંદગીનાં રસ્તે આગળ વધે છે તે અનિચ્છાએ કારકિર્દી પસંદ કરનારા કરતાં વધુ સફળ થાય છે.

આખો મામલો પસંદગી વિરુદ્ધ પ્રદર્શનનો પણ છે. દાખલા તરીકે તમને લાગતું હોય કે તમને વિજ્ઞાનના વિષયો પર સારી પકડ હોય અને મેડિકલમાં કારકિર્દી બનાવવા માગો છો પણ તમારું મન તો ફોટોગ્રાફી તરફ ઢળેલું છે. આ સંજોગોમાં પણ હું તમને ફોટોગ્રાફી પર આંગળી મૂકવાની જ સલાહ આપીશ અને કહીશ કે આ ક્ષેત્રમાં પૂરેપૂરી સાધન-સજ્જતા સાથે પ્રવેશ કરો. હું બહું સીધો તર્ક લડાવું છું. ઉત્સાહ અને જોશ હશે, તો વિજય, પ્રસિદ્ધ અને સૌભાગ્ય ક્યાં સુધી તમને હાથતાળી આપશે?

એકવાર તમારી ક્ષિતિજ નક્કી કરી લો. પછી ત્યાં સુધી પહોંચવાના વિવિધ રસ્તામાંથી ગમે તે એક પસંદ કરી લો. જેમ કે ખેલાડીઓ માટે- પછી તે ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલટેનિસ, સ્વીમિંગ કે શતરંજ - ગમે તે રમત હોય- જેમ બને તેમ જલદી તેઓ પોતાની વિશેષતા ખોળી કાઢે એ જરૂરી છે. હું જ્યારે પહેલવહેલી શતરંજ ટુર્નામેન્ટ રમ્યો ત્યારે મારી ઉંમર સાત વર્ષ હતી. પાર્થિવ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું શરૂ કર્યું ત્યારે તે માત્ર પંદર વર્ષનો હતો. શતરંજની દુનિયામાં પણ ભારતની જ કોનેરૂ હમ્પીએ બહુ નાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો છે. રમતની દુનિયામાં તો એ જરૂરી છે કે બને તેટલી જલદી શરૂઆત કરો અને સ્પર્ધાત્મક રમતો રમવાનું શરૂ કરો. આવનારા પડકારો માટે તમારી જાતને તૈયાર કરો.

હું જ્યારે મારી પહેલી ટુર્નામેન્ટ રમ્યો ત્યારે સળંગ પહેલી ત્રણ મેચ હાર્યો અને ત્યાર બાદ ચોથી મેચ જીત્યો. એ પણ એટલે કે મારો હરીફ એ દિવસે ગેરહાજર હતો! પણ એથી હું હતાશ ન થયો. મને સમજાયું કે મારે હજુ ખૂબ પ્રેકટિસની જરૂર છે. આ સમજ આવે છે અનુભવમાંથી, મહત્વાકાંક્ષામાંથી અને દિમાગ ઠંડુ રાખવાથી. બસ, એક વખત તમારું લક્ષ્ય નિર્ધારિત કરી લો અને આગળ વધવા માંડો. પછી રસ્તામાં આવનારાં વિધ્નોથી નાસીપાસ ન થાઓ.

કરિયર બનાવવા માટે જાતને ઓળખવી એ સૌથી પહેલું પગથિયું છે. મારા હરીફ સાથે રમતા પહેલા હું એ જ સમજવાની કોશિશ કરું છું કે તે મારી પાસેથી શું ઇરછે છે? એકવાર એ ખબર પડી ગઇ તો સમજો અડધું યુદ્ધ જિતાઇ ગયું. જાતને ઓળખવાના રસ્તામાં જ કયાંક સફળતાની ચાવી જડી આવશે.

જાતને તૈયાર કરો

ચેસની જેમ જ જીવનમાં પણ પડકારો ઝીલીને મહેનત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. તૈયારી વિના કોઇ કયાંય કોઇ રમત, પરીક્ષા કે મુશ્કેલીમાં વિજયી નથી નીવડયું. મેચમાં રમાયેલી ચાલોનું અઘ્યયન કરીને ભૂલોનું પુનરાવર્તન ન કરું એ વિશે હું શરૂઆતથી જ જાગૃત થઇ ગયો હતો. હું છ વર્ષનો હતો ત્યારે મારી માતાએ મારી ચાલની નોંધ રાખવા એક ડાયરી આપી હતી. રમત પછી તરત જ હું તેનું પોસ્ટમોર્ટમ કરતો. મારી એક-એક ચાલ સમજતો અને તેમાં કરેલી ભૂલો શોધી કાઢતો.

એકવાર ભૂલ શોધી કાઢ્યા બાદ તેને સુધારીને મારી રમતને ઓર નિખારતો ગયો. આ રીતે કરેલાં સતત મૂલ્યાંકનથી હું આવનારી રમત માટે તૈયાર થઇ જતો. શરૂઆતના દિવસોમાં મેં ચેમ્પિયનોની મેચો પર આધારિત પુસ્તકો પણ વાંચ્યા. જોકે આજે તો ઇન્ટરનેટના જમાનામાં સંદર્ભ માટે પુસ્તકોનો ઉપયોગ ઘણો ઘટી ગયો છે. ચેસની કરોડો મેચોનો ડેટા બેઝ ઉપલબ્ધ છે. જે માત્ર એક ક્લિક દૂર છે!

કહેવાની જરૂર નથી કે હું આજે પણ એ રમતોનો અભ્યાસ કરું છું અને મારા ગુરુઓના પ્રદર્શનમાંથી શીખતો રહું છું. એટલે તમે ભલે કોઇ પરીક્ષાની તૈયારી કરતા હો કે ઇન્ટર-સ્કૂલ ટેબલટેનિસ ટુર્નામેન્ટ માટે મહેનત કરતા હો, ‘પ્રેકટિસ મેકસ મને પરફેક્ટ’સૂત્રને હંમેશાં યાદ રાખો. તમારા કામ કે ચાલનું વારંવાર પુનરાવર્તન કરતા રહો જેથી ઓછામાં ઓછી ભૂલો આવે.

સંઘર્ષને વધુ એક અવસર આપો

નિષ્ફળતા બહુ કિંમતી છે. કારણ કે તેનાથી જ સફળતા મીઠી લાગે છે અને તે માટે કરેલી મહેનત લેખે લાગેલી દેખાય છે. નિષ્ફળતા વાસ્તવમાં સફળતાનો જ બીજો ચહેરો છે. તેનાથી ક્યારેય ડરો નહીં. એવા ઘણા લોકો છે જેમના મહત્વપૂર્ણ રચનાત્મક કામની શરૂઆત નિષ્ફળતાથી જ થઇ છે. નિષ્ફળતાથી હતાશ થવાને બદલે તેને શીખવાનું માઘ્યમ બનાવો.

જ્યારે-જ્યારે હું હાર્યો છું અથવા તો જ્યારે પણ મને મારું પ્રદર્શન સંતોષકારક નથી લાગ્યું ત્યારે મેં નિષ્ફળતાનું વિશદ્ વિશ્લેષણ કર્યું છે. મારા માટે નિષ્ફળતા મારી રમતનું વિશ્લેષણ કરવાનો, હરીફની ચાલને સમજવાનો અને મારી નબળાઇઓ શોધીને દૂર કરવાનો અવસર છે. લાંબો સમય ચેસ રમવાથી હવે મારામાં સંઘર્ષ પ્રત્યે એક આદરની લાગણી ઉત્પન્ના થઇ છે. જ્યારે તેના પાયામાં નિષ્ફળતા હોય ત્યારે તો ખાસ. શેતરંજ છેવટ સુધી લડતા રહેવાની, પ્રભાવશાળી યુદ્ધનીતિ અને વિજયી ચાલથી અસફળતાને સફળતામાં પરિવર્તિત કરવાની રમત છે. એકવાર પડયા પછી પાછા ઊભા થવાની મહેનત અને આ મહેનત પછી મળેલી જીતનો ઉત્સાહ - આ બધાનો અનુભવ એટલો બધો આહલાદક હોય છે કે ન પૂછો વાત!

નિષ્ફળતાનો દોર નકારાત્મક ઊર્જાને એક નવી દિશામાં વાળવાનો શ્રેષ્ઠ સમય છે. ૨૦૦૧માં હું આવા જ એક નિષ્ફળ દોરમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે મને લાગ્યું કે કંઇક નવું કરવું જોઇએ. મેં જર્મન ભાષા શીખવાનું શરૂ કર્યું. આ મારા માટે એક નવો જ અનુભવ હતો, જે મને નકારાત્મક વિચારોથી દૂર લઇ ગયો. આવું કરવાથી નિષ્ફળતા પર આંસુ સારવા કરતાં કોઇક નવા પડકારને ઝીલી લેવાનો મોકો મળે છે. કંઇક નવું મેળવ્યાની લાગણી નિષ્ફળતાના દુ:ખને ઉખાડીને ફેંકી દે છે.

એક જ મહિનામાં મને લાગ્યું કે એ દુ:સ્વપ્ન વીતી ગયું છે અને કંઇક નવું કરવાનો સમય પાકી ગયો છે. હવે મારો નવો શોખ ખગોળવિજ્ઞાન છે! અત્યારે જે લોકો નિષ્ફળતાની ખાઇમાં પડયા છે તેમને મારી સલાહ છે કે પોતાની જાતને બીજો અવસર આપો - સંઘર્ષનો બીજો અવસર! પોતાની જાતની બહુ ટીકા ન કર્યે રાખો. તમારાં મજબૂત પાસાં ખોળી કાઢો અને તેનું વિશ્લેષણ કરો. નબળાઇઓને પંપાળવાનું બંધ કરો. જાતને સતત એવું કહેતા રહો કે હજી સર્વસ્વ લૂંટાઇ ગયું નથી.

ફરી પાછી કોશિશ કરીને સફળ થવાશે જ. જો તમને સારું લાગતું હોય તો તમારી નિરાશા, ચિંતા તમારા પરિવાર, મિત્રો કે કોઇ નિકટના સાથી સાથે ‘શેર’કરી શકો છો. મારો પરિવાર હંમેશાં મારી પ્રેરણાનો સ્રોત રહ્યો છે. મારી દરેક ટુર્નામેન્ટ વખતે મારી પત્ની મારી સાથે જ હોય છે. જ્યારે હું વિચલિત થઇ જાઉં છું ત્યારે મારા વિચારો કોઇ સાથે વહેંચી લઉં છું.

હું નાનો હતો ત્યારે મારી માતા ટુર્નામેન્ટો વખતે મારી સાથે મુસાફરી કરતી. જ્યારે હું હારતો ત્યારે અમે ‘સ્ક્રેબલ’ રમવા લાગતાં. એથી નિષ્ફળતા અને ગુસ્સાને ભૂલવામાં મદદ મળતી. તમારા માટે પણ આવા જ કોઇ સલાહકાર શોધી કાઢો. વડીલોની સલાહ લેવામાં જરા પણ ન ખચકાઓ. જાત માટે સમય કાઢો. જ્યારે પણ હું હારું, ત્યારે જાતને કહું, ‘હું નીચે ભલે હોઉં પણ હજી મેદાનમાંથી બહાર ફેંકાઇ ગયો નથી!’ યાદ રાખો, ગમે તેટલી મોટી નિષ્ફળતાના ઘાવ સમય જતા રુઝાઇ જાય છે. ચેસ હોય કે જીવન, એક ખોટી ચાલનો મતલબ રમતનો અંત નથી જ નથી.

સંતોષી નર સદા દુ:ખી!

સફળતાની સાથોસાથ પાછલાં બારણેથી બીજું એક જોખમ પણ ઘૂસી જાય છે, તે છે આત્મસંતોષ. જ્યારે બધાં પાસાં પોબાર પડતાં હોય ત્યારે આરામથી પગ લંબાવીને બેસવું અત્યંત સહેલું છે પરંતુ કોઇ પણ ચીજ કાયમ આપણી પાસે જ રહેવાની નથી. પછી તે સફળતા જ કેમ ન હોય? ધારો કે એક ચેસ ખેલાડી પોતાના વિજયથી ખુશ થઇને કહેવા લાગે, ‘વાહ! હું તો આખી દુનિયામાં ત્રીજા નંબરનો ખેલાડી છું!’ સમજો કે તેના વળતાં પાણી શરૂ થવામાં જ છે.

શતરંજની રમતમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે પોઇન્ટનું અંતર બહુ નજીવું હોય છે. હું ગમે ત્યારે હારી શકું છું એ તથ્ય હું સ્વીકારીને જ ચાલતો હોઉં છું. હું મારી જાતને સતત ટપારતો રહું છું કે મારે સતત લડતા રહેવાનું છે - શીખતા રહેવાનું છે. એક પરાજય મળ્યા બાદ હું ફરીથી મારું કામ શરૂ કરી દઉં છું. દરેક ગેમ પહેલા હું ઉત્સાહથી તરબતર રહું અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતો રહું એ અત્યંત જરૂરી છે.

જો કે આ પ્રકારની માનસિકતા કેળવવી ખાસ્સી અઘરી છે પરંતુ ધીમે-ધીમે તે જરૂર કેળવી શકાય છે. સફળતાને આપણી બાપીકી જાગીર ન સમજવી. વધુપડતો આત્મવિશ્વાસ ઘાતક નીવડે છે. ટોચ પર પહોંચવા માટે જેટલી મહેનત જરૂરી છે, એથી પણ વધુ મહેનત ત્યાં ટકી રહેવા કરવી પડે છે. જમાનો ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’નો છે. તમારા પ્રતિસ્પર્ધાઓ કરતાં હંમેશાં બે ડગલાં આગળ રહેવા અને આપણી જીત ટકાવી રાખવા સતત મહેનત સિવાય આરો નથી.

જો સ્કૂલમાં તમે ‘ટોપર’ હો તો તમારા સ્થાન પર પહોંચવા થનગની રહેલા અન્ય વિધાર્થીઓ પર નજર ફેરવી લેજો. નોકરી-વ્યવસાયમાં સફળ હો તો સતત શીખતા રહેવાની - ઓગમેન્ટેશન’ની પ્રક્રિયા ચાલુ રાખો. એક સફળતા મેળવ્યા બાદ પગ લંબાવીને બેસવું બિલકુલ યોગ્ય નથી. વિજય મેળવ્યા પછી કામની ગતિ ધીમી કરી દેવી, કામ પાછળ ઠેલતાં જવું કે કામની ગંભીરતાને ઓછી આંકવી આ બધાં લક્ષણો તમારા પતનની શરૂઆત બની શકે છે. એક વખત આ ટેવ પડ્યા પછી તેને દૂર કરવી પણ મુશ્કેલ હોય છે.

એટલે એક સફળતા મળ્યા બાદ આપણે હાથ ધોઇ નાખવાના નથી. આત્મસંતોષ નવા વિચારો અને પરિવર્તનને નષ્ટ કરે છે તથા જોશ ઠંડુ પાડી દે છે અને સર્જનાત્મકતાનું નિકંદન કાઢી નાખે છે. ટૂંકમાં, ‘સંતોષી નર સદા સુખી’, પણ માત્ર કહેવતોમાં

No comments:

Post a Comment