August 20, 2010

નિષ્ફળતા પણ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત


નિષ્ફળતા વખતે આંસુ ન પાડો, કારણ કે નિષ્ફળ જાઓ ત્યારે તમે બહુમતીમાં હો છો. વળી, ત્યાંથી સફળ લોકોની લઘુમતી સુધી પણ પહોંચી શકાય છે. અહીં એવા કેટલાક નિષ્ફળતાના સ્વામીઓની વાત કહી છે જે આગળ જતાં સફળતાને શિખરે પહોંચ્યા.

આજથી છ વર્ષ પહેલાં અમેરિકાના મૂલ્યનિષ્ઠ સાપ્તાહિકમાં એક લેખ આવેલો તે વાંચ્યાનું યાદ છે. તેનું મથાળું હતું: ‘ધ આર્ટ ઓફ ફેઇલ્યોર’. નિષ્ફળ જવાની કળા! જોકે એ તો એક પત્રકારની કળા માટેનું મથાળું હતું, પણ મનોવિજ્ઞાની લેખક ડો. માલ્કમ ગ્લેડવેલ કહેવા માગતા હતા કે જે નિષ્ફળતાને પચાવી જાણે છે તે જ સફળતાને શિખરે પહોંચે છે. હોલિવૂડનો અતિલોકપ્રિય હીરો કેરી ગ્રાન્ટ હાઇસ્કૂલમાં નાપાસ થયો.

તેણે આત્મકથામા લખેલું કે ગ્રેજ્યુએટ થયો હોત તો કારકુન થાત. કોઇ જાણત નહીં અને મરી જાત. બ્રિટનમાં જન્મેલો અને અમેરિકા વસેલો કેરી ગ્રાન્ટ મૂળ ઇંગ્લેંડનો હતો અને તેનું નામ આર્કિબાલ્ડ અલેકઝેન્ડર રખાયું હતું. માતાપિતાએ આ નામ રાખ્યું તેને કેરી ગ્રાન્ટે રિજેક્ટ કરેલું. તેણે કહેલું કે આવું મોઢું ભરાઇ જાય તેવું સિકંદરનું નામ મને મફતમાંય જોઇતું નથી.

એ પછી હોલિવૂડમાં જઇ તેણે નામ બદલાવ્યું અને કોમેડી રોલ કરવા માંડ્યો. કોમેડી રોલમાં ફેઇલ ગયો તેથી નિરાશ ન થયો. આલ્ફ્રેડ હિચકોકે તેની પરખ કરી. તેને ઓસ્કરનો સ્પેશિયલ એવોર્ડ મળ્યો. એટલું જ નહીં, પીએચ.ડી. થયેલા મેનેજરોના હેડ તરીકે કેરી ગ્રાન્ટ ફેબર્જ નામની કોસ્મેટિક કંપનીના ચીફ તરીકે જોડાયો. તેની નિષ્ફળતાએ તેને જાણીતો માનવી બનાવ્યો.

બી. કોમ. થયા પછી મને નોકરી નહોતી મળતી. આખરે ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં રૂ. ૧૧૮ની નોકરીની એપોઇન્ટમેન્ટ આવી પણ મેનેજરે મારી વાત કરવાની (આત્મસન્માનવાળી) ઢબ જોઇને મારો એપોઇન્ટમેન્ટ ઓર્ડર કેન્સલ કર્યો. તે પછી ૧૯૫૨ના અંતમાં રાજકોટના સરકિટ હાઉસમાં એકાઉન્ટંટ તરીકે ઇન્ટરવ્યુ આપ્યો. એ જમાનામાં બી. કોમ. બહુ ઓછા હતા. મારી સામે ફક્ત એક જ ઉમેદવાર હતો. તે ઇન્ટર પાસ હતો. તેણે કોમર્સ પણ લીધું નહોતું. એ વખતે સૌરાષ્ટ્ર સરકાર હતી. મારો ઇન્ટરવ્યુ ગૃહસચિવ લેવાના હતા.

એ વખતે પેલા ઇન્ટરપાસ થયેલા ઉમેદવારે મને કકળીને કહ્યું, મને આ નોકરીની બહુ જરૂર છે. તમે કંઇક એવું કરો કે મને નોકરી મળે. મેં ઇન્ટરવ્યુમાં એવું કંઇક કર્યું જેથી મને નિમણૂક ન મળી. જો હું પાસ થયો હોત તો કદાચ સરકારી નોકરી તરીકે પેન્શન લઇને અજ્ઞાત હાલતમાં મરી પણ ગયો હોત. આમ મેં પોતે હાથે કરીને અમુક નિષ્ફળતા વહોરી લીધી છે.

સૌરભ શાહ આવા નિષ્ફળતાના સ્વામી છે, પણ ધબકતું જીવન જીવે છે. પત્રકારત્વમાં હંમેશાં તેઓ પોતાના મત માટે દ્રઢ આગ્રહી રહીને નિષ્ફળતાને સામે ચાલીને વહોરી લે છે. મનોવિજ્ઞાની ડો. માલ્કમ ગ્લેડવેલ કહે છે કે આ સ્પર્ધાના યુગમાં એક જણે તો નિષ્ફળ થવાનું જ છે... વી લીવ ઇન એન એઇજ ઓબસેસ્ડ વિથ સક્સેસ. આપણે એવા જમાનામાં જીવીએ છીએ જે સફળતાનો પૂજારી છે. સફળતાના વિચારોથી તેની બુદ્ધિ પર જાળાં આવી ગયાં છે. તેને ગમે તેમ કરીને યેન કેન પ્રકારેણ સફળતા જોઇએ છે.

બ્રિટિશ વડા પ્રધાન(પૂર્વ) જોન મેજર એક સરકસના ખેલાડીના પુત્ર હતા. સોળ વર્ષની ઉમરે તેમણે પિતાની આવકની પૂર્તિ કરવા સ્કૂલ છોડી. બલકે તે હાઇસ્કૂલની પરીક્ષામાં નાપાસ થયેલા. બેન્કમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી, પછી બે વખત પાર્લમેન્ટની ચૂંટણી લડ્યા અને બન્નો વખત હારી ગયા પણ પછી ૧૯૭૯માં કોન્ઝર્વેટિવ પક્ષના ઉમેદવાર તરીકે જીતી ગયા. વડા પ્રધાન માર્ગરેટ થેચરના નેતૃત્વ હેઠળ કામ કર્યું અને ૧૯૯૨માં તેઓ વડા પ્રધાન થયા. કેટલીક વખત ઇશ્વર જ આપણી સામે નિરાશા અને નિષ્ફળતાના કપરા સંયોગો મૂકી દે છે.

મોહમ્મદ પયગમ્બરથી માંડીને અમેરિકાના ૩૧મા પ્રમુખ હબર્ટ હુવર બચપણથી જ અનાથ થયા હતા. હબર્ટ હુવર ૧૦ વર્ષના હતા ત્યારે માતાપિતા મરી ગયાં. કાકા-કાકીને ત્યાં છર્યા. તેમના વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ કર્ટિસ પણ અનાથમાંથી ભણીને આગળ વધેલા.

મોહમ્મદ પયંગમ્બર છ વર્ષના હતા ત્યારે માતા મરી ગઇ પણ તેમના પિતાએ તો દીકરાનું મોં જોતાં પહેલાં જ વિદાય લીધી. હોલિવૂડની વિખ્યાત હિરોઇન ઇનગ્રીડ બર્ગમેન, તેમ જ ડિટેક્ટિવ નવલકથાના લેખક એડગર એલન પો બન્નો અનાથ બનીને આગળ વઘ્યા. એડગર એલન પોની ટ્રેજેડી એ હતી કે તેઓ જન્મ્યા ત્યારે તેના દારૂડિયા પિતા તેમને છોડીને ચાલ્યા ગયેલા. એ પછી તેની માતા ટી.બી.માં મરી ગઇ. તેમને એક વેપારીએ દત્તક લઇને ઉછેરેલા. લિયો ટોલ્સ્ટોય પણ અનાથ બનેલા. કાકી પાસે છરેલા. પ્રમુખ રુઝવેલ્ટનાં પત્ની એલેનોર પણ માબાપ વગરનાં બન્યાં હતાં. દાદીએ તેને ઉછેર્યા, એ પછી પ્રમુખ રુઝવેલ્ટ જે તેમના માતૃપક્ષે ભાઇ થતા હતા તેને પરણ્યા અને વ્હાઇટ હાઉસમાં ગયા.

ડો. માલ્કમ ગ્લેડવેલ તો સફળતા-નિષ્ફળતાની ચર્ચા કરતી વખતે મનોવિજ્ઞાની તરીકે જુદી જ વાત કહેવા માગે છે. કહે છે કે ‘જાણે કેટલાક લોકો નિષ્ફળ જવાની કળા જાણતા હોય તે રીતે જ વર્તે છે. ખાસ કરીને પરીક્ષામાં, ટેનિસની સ્પર્ધામાં, ફૂટબોલની રમતમાં કે વેપારવણજમાં કદી જ ભયભીત ન થઇ જવું- ‘પેનિક’માં ન આવી જવું. ઘણા પેનિકમાં આવે એટલે ગભરાટમાં જીતેલી બાજી હારી જાય છે.

૧૯૯૩માં ડો. ગ્લેડવેલના કહેવા પ્રમાણે સ્ટેફી ગ્રાફ સામે રશિયન ટેનિસસ્ટાર જાના નોવોત્ના વિમ્બલ્ડનમાં રમતી હતી ત્યારે સ્ટેફી ગ્રાફ કરતાં તેની રમત ઘણી સારી અને આક્રમક હતી. તમામ જુગારીઓ તેમ જ નિષ્ણાતો તેની ચેમ્પિયનશિપની આગાહી કરી ચૂકેલા. નોવોત્ના આવા પ્રેશર હેઠળ રમતી હતી. સામી બાજુ સ્ટેફી ગ્રાફ ખૂબ જ ધીરજથી અને ઠંડે કલેજે રમતી હતી. ડો. માલ્કમ ગ્લેડવેલ પેનિક પછી આગલી ખરાબ સ્થિતિને ‘ચોકિંગ’કહે છે. ચોકિંગ એટલે ધરબાઇ જવું. મૂંઝાઇ મરવું. આવું ચોકિંગ થાય ત્યારે બાજી હારી જવાય છે. આવી ચોકિંગની હાલતમાં નોવોત્ના હારી ગઇ. ટેનિસ કોર્ટમાં ટ્રોફી આપનારા ડચેલે તેને આશ્વાસન આપ્યું: તું સંઘર્ષ કરીને જીતી જ છો. એની ટાપસી પૂરવા સ્ટેફી ગ્રાફ જે ચેમ્પિયન બનેલી તેણે નોવોત્નાને બે વખત કિસ કરેલી.

કેટલીય કંપનીઓની સફળતા આપણે જોઇ છે, પણ તેના સંઘર્ષને જોયો નથી. કોકાકોલા કંપની આજે સફળતાના શિખરે છે. ‘ન્યુ કોક’ નામનું પીણું કોકાકોલાએ બજારમાં મૂક્યું અને તરત નિષ્ફળ ગયું. ઘણા માનતા હતા કે હવે કોકાકોલા કંપની ડૂબી જશે પણ એ ન્યુ કોકની નિષ્ફળતાથી કંપનીના લોકો સામે નવો પડકાર આવ્યો. એમણે પડકાર ઝીલી બતાવ્યો અને કંપની સફળતાના સિંહાસને જઈ બેઠી.

આજે ઝેરોક્સ મશીનની બોલબાલા છે. ૧૯૪૯માં તે ઓક્સબોક્સ અગર મોડેલ ‘એ’કોપિયર તરીકે રજૂ થયું. તેને ઝેરોગ્રાફિક પ્રિન્ટર પણ કહેતા. એ યંત્ર હાથેથી ચાલતું અને ઘણી ગંદી નકલો આવતી. કેટલીક વખત કાર્બન પેપર ચોંટી જતાં. ઝેરોક્સનું આ બચપણનું સ્વરૂપ ફેઇલ ગયું અને છેક ૧૦ વર્ષ પછી બધી જ ખામી કાઢી નાખીને મોડેલ ૯૧૪ બનાવ્યું અને આ મોડેલથી ઓફિસના રેકોર્ડમાં ક્રાંતિ આવી ગઇ. આ પ્રકારે જ કમર્શિયલ ચીજોની વાત કરીએ તો ફાયઝરની વાયગ્રા જેનું મૂળ નામ સિલ્ડેનફિલ છે તે શરૂમાં ફેઇલ ગઇ.

આ દવા લેનારને તરત છાતીનો દુખાવો મટી જશે તેવી ધારણા હતી પણ છાતીનો દુખાવો દવાથી બંધ થયો નહીં પણ એક સાઇડ ઇફેક્ટ થઇ. આ આડઅસરરૂપે પુરુષદર્દીની ઇન્દ્રિયમાં ઇરેકશન આવતું હતું, એટલે ૧૯૯૧માં સિલ્ડેનફિલની દવા છાતીના દુખાવા માટે નક્કામી ગઇ છે, તેને ૭ વર્ષ પછી વાયગ્રા તરીકે ૧૯૯૮માં બજારમાં મૂકી અને તે કરોડો ડોલરની ખપે છે.

આવું જ સોની બેટામેકસના વિડિયો રેકોર્ડિંગનું બનેલું, ફોર્ડ મોટરના ૧૯૫૭ના એડસેલ મોડેલનું બનેલું અને મેકડોનાલ્ડઝના હુલા બર્ગરનું ૧૯૯૨માં બનેલું. શરૂમાં આ તમામ ચીજો ફેઇલ ગયેલી. પરાજય કે નિષ્ફળતા જ્યારે સામૂહિક રીતે જ અનુભવાય ત્યારે વિચિત્ર અસર થાય છે. ડોકટરો કહે છે કે ફૂટબોલની જે દેશની ટીમ વર્લ્ડ કપ ફૂટબોલમાં હારી જાય તે દેશના ઘણા યુવાનો રાત્રે પત્ની પાસે નક્કામા બને છે. ‘ન્યૂઝવીક’ના સર્વેક્ષણ પ્રમાણે જે દેશની ટીમ હારી જાય છે તે દેશની શેરબજારનો ઇન્ડેક્સ તો ઘટે છે, પણ ઘણા દેશની ફેક્ટરીનાં ઉત્પાદન ઘટે છે. બ્રિટનની ટીમ હારે ત્યારે દેશને ૧૨ અબજ ડોલરનું ઉત્પાદનનું નુકસાન જાય છે.

અમેરિકાના ધર્મશાસ્ત્રી અને ઇતિહાસકાર ચેઇમ પોટોક કહે છે કે બિગિનિંગ્ઝ આર ઓલવેઝ હાર્ડ. હંમેશાં શરૂઆત અઘરી હોય છે. જોકે આ ઇતિહાસકારે વધુમાં ઉમેરવું જોઇતું હતું કે કોઇ પણ સાહસ કે ધંધા કે પ્રકાશનની શરૂઆત તો અઘરી હોય છે, પણ પછી બીજો તેમ જ ત્રીજો તબક્કો તો વધુ સખત અને કઠિન હોય છે. આપણે ઘણાએ કારકિર્દીની શરૂઆતમાં આ વાત અનુભવી હશે જ.

ધર્મશાસ્ત્રી ડો. પોટોક કહે છે કે ‘જીવનમાં અમુક સુક્કો તબક્કો આવે છે, તેની આપણને જાણ હોય છે. તેથી આપણે પુશ કરીએ છીએ જ. આપણે થોડાક આગળ વધીએ છીએ. કેટલીક શિથિલતા છોડીએ છીએ, પણ છતાં પુરુષાર્થ એકલો જ મહત્વનો નથી. કેટલાક અણધાર્યા સંયોગો આવી પડે છે, કેટલીય કુદરતી આપત્તિ આવી પડે છે તેની અપેક્ષા રાખવી જ જોઇએ.

જ્યારે જ્યારે માનવી બિઝનેસનું સાહસ કરે ત્યારે અમેરિકાથી પ્રગટ થતા ‘વર્થ’નામના મેગેઝિનના કહેવા પ્રમાણે તેના સ્થાપકોએ શરૂમાં નિષ્ફળતા મળે ત્યારે શું કરવું તેનો પણ ડાણથી અભ્યાસ કરી લેવો જોઇએ. ફેમિલી બિઝનેસમાં આ વાત ખાસ જોવાની છે. ફેમિલી બિઝનેસ ૧૦૦ વર્ષ ચાલ્યા છે, તેમાં દરેક કુટુંબીએ તેને લાંબા ચલાવવા માટેના જે ડેન્જર પોઇન્ટ - ભયસ્થાનો છે તે વિચારીને તેનો ઇલાજ કરી લીધો હોય છે. અમેરિકામાં બે ભાઇઓએ ૧૯૦૫માં ફ્રીડમ કોમ્યુનિકેશન્સ નામની પ્રકાશક કંપની શરૂ કરી. બીજા ભાઇઓ શરૂમાં ખૂબ જ પ્રેમથી રહેતા હતા.

કંપની શરૂમાં ફેઇલ ન ગઇ. બન્નોએ સંપીને કામ કર્યું. પણ એક વાતનો ખ્યાલ ન રાખ્યો. તેઓ અખબારજગતમાં હતા. અખબારને જ્યારે સફળતા મળે છે ત્યારે તેના માલિક જ નહીં પણ તંત્રીઓ, રિપોર્ટરો અને કટારલેખકો પણ જમીનથી બે વેંત અઘ્ધર ચાલવા લાગે છે. આવું જ રેયમન્ડ સાયરસ હોઇલ્સ - બંધુઓનું થયું. તેમનું પ્રકાશનસાહસ સફળ થયું, પણ પછી અમેરિકાના લેબર યુનિયનની ટીકા એક ભાઇએ તેના પ્રકાશનમાં છાપવાની ના પાડી. બીજો ભાઇ કળી ઠયો. આવી નાની બાબતમાં ઝઘડી પડયા અને અખબારનું સાહસ ફેમિલી માટે તકલીફવાળુ નીવડયું.

આ અનુભવ ઉપરથી તારણ નીકળ્યું કે આપણે નવયુવાન તરીકે જે ફેમિલી સાહસ કરીએ તેમાં શરૂમાં જે સખત મહેનત કરીએ અને જે જે શક્તિ આપીએ તે શક્તિ અને તેવી જ મહેનત અને તેનાથી વધુ ચિંતા ફેમિલી બિઝનેસને આગળ ચલાવવામાં કરવી જોઇએ પણ જો શિથિલ થવાય તો ફેમિલી બિઝનેસ નિષ્ફળ જાય છે. મોટોરોલા નામના મોબાઇલ ફોનની કંપનીનું નામ તમે જાણો છો. તેના ચીફ ક્રિસ્ટોફર ગાલ્વિને ૧૯૯૮માં વોલ સ્ટ્રીટ જર્નલને કહેલું, ‘આજે હું આ કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું અને ૨૦૨૮માં હું કંપનીની ૧૦૦મી વર્ષગાંઠ જવતો હોઇશ.’ પણ પછી આ સાહેબ પોતાના ઉદ્ધારોને ભૂલી ગયા. તેમણે કેટલીક ભૂલો કરી અને ૨૦૦૩માં જ તેમણે રાજીનામું આપવું પડ્યું. ૧૯૨૮માં પોલ વી. ગાલ્વિન અને તેના ભાઇ જોસેફ ગાલ્વિને મોટોરોલા કંપની શરૂ કરેલી.

તેનું નામ ‘ગાલ્વિન મેન્યુફેક્ચરિંગ’ રાખેલું. ત્યારે માત્ર ૫૬૫ ડોલરની મૂડીથી મોટોરોલા કંપની શરૂ થયેલી. પોલ ગાલ્વિનની પત્ની લિલિયન તેની સેક્રેટરી અને ટ્રેઝરર હતી. શિકાગોમાં શરૂ થયેલી આ કંપનીએ પ્રથમ કારરેડિયો ૧૯૩૦માં શરૂ કર્યો તેનું નામ મોટોરોલા પાડ્યું. એ પછી પોલીસ રેડિયો સિસ્ટમ શરૂ કરી. તે પછી લશ્કર માટે વોકીટોકી મશીન બનાવ્યું. ૧૯૪૩માં મોટોરોલા પબ્લિક લિમિટેડ થઇ હતી. પોલ ગાલ્વિન મર્યા પછી તેનો પુત્ર રોબર્ટ ગાલ્વિન એ કંપનીનો ચીફ બન્યો. ૪૦ વર્ષ સુધી તે ચીફ રહ્યો. કંપનીએ જેટ વિમાન, અવકાશયાન અને કોમ્પ્યુટરને ઉપયોગી સામગ્રી બનાવી. એ પછી ૧૯૭૪ના દાયકામાં પ્રથમ સેલ્યુલર ફોન વિકસાવવાની યંત્રણા શરૂ કરી.

તે માટે ૧૦ કરોડ ડોલર ખર્ચ્યા. ૨૮ ઔંસનો પ્રથમ સેલફોન ૧૯૮૪માં દાખલ કર્યો. એ પછી ગાલ્વિન ફેમિલીને બદલે જે શરૂનો એક્ઝિક્યુટિવ હતો તે ક્રિસ્ટોફર ગાલ્વિન (ગાલ્વિન ભાઇઓનો તે સગો નહોતો, માત્ર અટક સરખી હતી) તે ચીફ બન્યો, પણ તેને પોતાની સ્થિતિનું ભાન ન રહ્યું. તેણે કેટલીક ભૂલો કરી અને તે કંપનીનાં ૧૦૦ વર્ષ જોવા માટે ૨૦૨૮ સુધી તો શું ૨૦૦૪ સુધી પણ કંપનીમા ન રહ્યો. જેને નિષ્ફળતાથી ચેતવું હોય તેમને માટે એક પુસ્તક છે. ૨૦૦૫માં આ પુસ્તક પ્રગટ થયેલું. તેમાંથી તમે ફેઇલ્યોર - નિષ્ફળતાની ફિલસૂફી સમજી શકો. પુસ્તકના લેખક પોલ ઓર્મરોડે આ પુસ્તક લખેલું, તેનુ નામ છે ‘વ્હાય મોસ્ટ થિંગ્ઝ ફેઇલ: ઇવોલ્યુશન, એકસ્ટિન્કશન એન્ડ ઇકોનોમિક્સ. પ્રકાશક છે ફેબર એન્ડ ફેબર. તેમાં લખ્યું છે કે આપણી આજુબાજુ ચારેકોર ફેઇલ્યોર ફેઇલ્યોર અને ફેઇલ્યોર જ છે.

તમને ખબર પડતી નથી. પણ મોટે ભાગે સફળતા પૂજાતી હોઇને તેની વાતો ધૂમધડાકાથી બહાર આવે છે. નિષ્ફળતાની તમને જાણ નથી થતી. દા.ત. કેટલાંક જીવો આ પૃથ્વી ઉપર હતાં, તેમાંથી ૯૯.૯૯ ટકા નેસ્તનાબૂદ થઇ ગયાં છે. અમેરિકામાં દર વર્ષે ૧૦ ટકા કંપનીઓ અદ્રશ્ય થઇ જાય છે. ઇશ્વરની જ આ યોજના છે. નિષ્ફળ જવાના ચાન્સ વધુ હોય છે. એટલે જ જોસેફ સ્કુમ્પિટર નામના અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે જંગલમાં ‘ક્રિયેટિવ એકિસ્ટન્કશન’ જબ્બર ચાલે છે. મતલબ કે સફળ થવા માટે સર્જનાત્મક વિઘ્વંસ સહન કરવા જ જોઇએ. નિષ્ફળતા વખતે આંસુ ન પાડો, કારણ કે નિષ્ફળ જાઓ ત્યારે તમે બહુમતીમાં હો છો. સફળ લોકોની લઘુમતીમાં જવા માટે તમારી મતિને ઇશ્વર સંમતિ આપે અને સખત મહેનત- પુરુષાર્થ પછી સખત અને વધુ સખત પુરુષાર્થ માટે તૈયાર રહેવું જોઇએ.

કોઇ પણ સાહસની શરૂઆત અઘરી હોય છે, પણ પછીનો તબક્કો વધુ કઠિન હોય છે

No comments:

Post a Comment