August 20, 2010

એમ્બિશનના અનેક રંગ


મહત્વાકાંક્ષાની લાગણી જેટલી દેખાય છે એટલી સીધી અને સરળ ન પણ હોય. બીજી કોઈ પણ માનવીય લાગણીઓ જેવી સંકુલતા કદાચ એમ્બિશનમાં પણ હોઈ શકે છે. મુંબઈ સ્થિત જાણીતા ફેમિનિસ્ટ અને લેખિકા સોનલ શુક્લને તો મહત્વાકાંક્ષા શબ્દ સામે જ જરા વિરોધ છે. ‘અંગત મહત્વાકાંક્ષાની વાત આવે ત્યારે એમાં ઘણીવાર સ્પર્ધા, સ્વાર્થ અને હિંસાના ભાવ ઉમેરાઈ જતા હોય છે,’ તેઓ કહે છે, ‘લોકો ક્યારેક પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા કોઈ પણ હદે જવા તૈયાર થઇ જાય છે. હું એક મિલ વર્કર અને તેના ફેમિલીને ઓળખું છું. તેઓ વરલીની કોઈ ચાલીમાં રહેતા. આ મજૂરની મહત્વાકાંક્ષા હતી પોશ વિસ્તારમાં લક્ઝરી ફ્લેટ લેવાની. એણે અનેક કરામતો કરી. કોઈનો ઘરજમાઇ બન્યો અને પત્નીના ફેમિલીનું ઘર પડાવી લીધું. પત્ની અને એના પિયરિયાઓનું ખૂબ શોષણ કર્યું.

એને જાણતા ન હોય એવા લોકોને તો વરલીની ચાલીથી વિલેપાર્લેના ફ્લેટ સુધી પહોંચનારો આ માણસ મહત્વાકાંક્ષી લાગે,પણ સિક્કાની બીજી બાજુ જોઇએ તો ખબર પડે કે એની મહત્વાકાંક્ષાએ કેટલાયને ડુબાડ્યા છે. મને લાગે છે કે અંગત મહત્વાકાંક્ષાનું પલ્લું ઘણીવાર લોલૂપતા અને સ્વાર્થ તરફ નમી જાય છે.’સ્ત્રીની મહત્વાકાંક્ષા અને પુરુષની મહત્વાકાંક્ષાના રંગ ઘણીવાર જુદા હોય છે. સોનલ શુક્લ કહે છે, ‘મુઠ્ઠીભર ઉપલા વર્ગની છોકરીઓ સિવાયની બાકીના બધા જ વર્ગની મહિલાઓને જુઓ. એને આપણે દુનિયા જ કયાં દેખાડી છે? એમાં કોઇનો વાંક નથી. આપણી સમાજશૈલી જ એવી છે. મોટાભાગની છોકરીઓની મહત્વાકાંક્ષા એટલે દેખાવડો, સારું કમાતો, પોતાને પ્રેમ કરતો પતિ હોય અને એક પુત્ર હોય, બસ. પતિની નોકરીમાં ટ્રાન્સફર થાય તો પત્નીએ પોતાની મહત્વાકાંક્ષા દાબી કે ડામી દેવી પડે છે. ટૂંકમાં સ્ત્રીઓને સમાજની ઇચ્છા મુજબ પોતાની મહત્વાકાંક્ષા વેતરવી પડતી હોય છે.’

શું સોનલ શુક્લ સ્વયં મહત્વાકાંક્ષી છે? ‘ના. હું ક્યારેય એમ્બિશિયસ હતી જ નહીં. પપ્પા (નિનુ મઝુમદાર) સંગીતકાર હતા. ઘરમાં એકદમ સ્વતંત્ર વાતાવરણ હતું, પણ હું ટીચર હતી ત્યારે મને પ્રિન્સિપાલ બનવાની કે લેક્ચરર હતી ત્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનવાની મહત્વાકાંક્ષા ક્યારેય થઈ નહોતી...’ આટલું કહીને સોનલ શુક્લ ખડખડાટ હસી પડે છે અને પછી ઉમેરે છે, ‘અરે, આટલા લેખો લખ્યા છતાં ય મેં આજ સુધી ક્યાં મારું એક પણ પુસ્તક છપાવ્યું છે? આ દુનિયા પિરામિડ છે અને ટોચ પર પહોંચવા તમે કેટલાયને લાત મારી ઉપર ચઢો છો. હું માનું છું કે મહત્વાકાંક્ષા તમારા નિજી અનુભવોમાંથી પ્રગટે છે અને તે તમારા અનુભવો જેટલી જ મર્યાદિત રહે છે.’

અનુભવ સમૃદ્ધ બનવા માટે ખૂબ બધી પ્રવૃત્તિ જ નહીં, ક્યારેક નિવૃત્તિ પણ ઉપયોગી બનતી હોય છે. પૂછો મુંબઈવાસી સોફ્ટવેર એન્જિનિયર બૈજુ દલાલને. મહત્વાકાંક્ષાની લાગણીને અતિક્રમી ગયેલા ૪૧ વર્ષના આ યુવાન છેલ્લાં પાંચ વર્ષથી ‘રિટાયર્ડ’ છે! તેઓ કહે છે, ‘મહત્વાકાંક્ષી લોકો કશુંક નક્કર કે સર્જનાત્મક કામ કરતા હોય છે, પણ મારી એવી કોઇ એમ્બિશન નથી. મુંબઇ જેવા શહેરમાં લોકોનાં મોઢાંમાંથી અવારનવાર શબ્દો સરી પડતા હોય છે કે, ‘મને સમય નથી.’ બસ, મારી ઇચ્છા સમયને ભરપૂર માણવાની છે!’

મુંબઇમાં જ જન્મીને મોટા થયેલા બૈજુ દલાલે ૧૯૯૨ પછી બે વર્ષ જર્મની અને ત્રણ વર્ષ યુએસમાં ગાળ્યાં પછી બેંગ્લોર અને પૂનામાં કુલ સાતેક વર્ષ રહ્યા. તેઓ સિંગલ છે અને સંતુષ્ટ છે. ગયા વર્ષે પાછા મુંબઇ રહેવા આવી ગયા. ‘અહીં મમ્મી પપ્પા સાથે હું આનંદથી રહું છું,’ એ કહે છે, ‘મારી પાસે ભરપૂર સમય છે. હું પુસ્તકો વાંચું, ટીવી જોઉં અને ખૂબ ટ્રાવેલિંગ કરું.

ઘણીવાર ગ્રુપમાં ફરું છું તો કોઇ વાર એકલો નીકળી પડું. મારે કશું ચીલઝડપે કરવું નથી. હું બધું જ આરામથી કરું છું. જરૂર પૂરતી ઇન્કમ આપોઆપ જનરેટ થયા કરે એ રીતે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. જો કે શેરબજારનું ફોલો અપ કરતો રહું છું. મમ્મીપપ્પાની ઇચ્છાઓ મારાથી શકય હોય એટલી પૂરી કરું છું. બાકી પૈસાની લાલસા તો નેવર એન્ડિંગ છે. જેટલું કમાઇએ એટલું ઓછું પડે. મેં મનમાં કોઇ પણ પ્રકારની ગાંઠ બાંધી રાખી નથી. મારો ખર્ચ સીમિત છે. મારા ગજા પ્રમાણે કયા કેટલું ખર્ચવું એની ખબર હોય છે, એટલે બહુ ઝાઝી ચિંતા કરતો નથી. મને તો મારી રીતે જીવવામાં રસ છે, બસ...’

પોતાની રીતે જીવવું, નિર્બંધપણે જીવવું તે પણ કેટલી મોટી મહત્વાકાંક્ષા હોઈ શકે છે! કદાચ તમામ મહત્વાકાંક્ષાની અંતિમ ફળશ્રુતિ આ જ નથી શું? ‘તમે સારી રીતે જિંદગી જીવો અને જે કરવા ધાર્યું હોય એના અંતિમ છેડા સુધી પહોંચો એ જ તમારી મહત્વાકાંક્ષા...’

એમ્બિશનની આ વ્યાખ્યા બાંધે છે અરવિંદ જોશી. ગુજરાતી નાટ્યજગતના આ દિગ્ગજ રંગકર્મી. જાણીતો ફિલ્મસ્ટાર શર્મન જોશી એમનો દીકરો થાય. દીકરી માનસી જોશી અને જમાઈ રોહિત રોય પણ ટીવી-સિનેમાનાં સફળ નામો છે.

સિત્તેર વર્ષીય અરવિંદ જોશી સ્કૂલમાં હતા ત્યારથી જ અભિનય કરતા. થિયેટરનો અને એક્ટિંગનો એમને જબરજસ્ત ક્રેઝ. આ શોખ કોલેજકાળ સુધી વિસ્તર્યો. તેઓ કહે છે, ‘એમ તો મેં બે-ત્રણ વર્ષ કન્સ્ટ્રકશન કંપનીમાં કામ પણ કરી જોયું હતું, પણ પછી તો અભિનય ક્ષેત્રમાં જ ઝંપલાવ્યું. ૬૦ના દાયકામાં આ ક્ષેત્રમાં જોઇએ એટલો પૈસો નહોતો. પપ્પાની ઇચ્છા જરાય નહીં. પણ મારી મહત્વાકાંક્ષાને બળ આપ્યું મમ્મીએ. મમ્મી પાંચ-દસ રૂપિયાની જે બચત કરતી તે પણ મને અને ભાઇ પ્રવીણ જોશી (જે ગુજરાતી રંગભૂમિનું દંતકથારૂપ નામ છે)ને આપી દેતી. પપ્પાને મનાવવાનું કામ પણ એ જ કરતી...’ અરવિંદ જોશીએ શરૂઆતનાં પાંચ-છ વર્ષ તો પુષ્કળ મહેનત કરી.

બેક સ્ટેજનાં નાનાંમોટાં દરેક કામ કરતા. એમાંથી તેઓ ઘણું શીખ્યા. એમનો આ સંઘર્ષ બહુ ઉપયોગી નીવડ્યો અને તેઓ થિયેટરની અંદરબહારનું બધું જ જાણી શક્યા. ‘મેં અનેક હિંદી ફિલ્મો કરી છે છતાં રંગભૂમિ ક્યારેય છોડી નથી,’ તેઓ કહે છે, ‘આજે આ ફિલ્ડમાં મને ૪૫ વર્ષ થઇ ગયાં. થિયેટરની સોયથી માંડીને હાથી સુધીની રજેરજ બાબતની મને ખબર છે. આ ક્ષેત્રે મને પૈસો, પ્રસિદ્ધિ બધું જ આપ્યું છે. બધી જ ઇચ્છાઓ પૂરી કરી છે મારી... મારું આખું કુટુંબ પણ આ ક્ષેત્ર સાથે જ જોડાયેલું છે.

જોકે સંતાનો પર મેં મારી કોઇ ઇચ્છા લાદી નથી. મને લાગે છે કે મારી મહત્વાકાંક્ષા પૂરી ન થઇ હોત તો પણ હું આ જ પ્રોફેશનને વળગી રહ્યો હોત અને સફળતા ન મેળવત ત્યાં સુધી છોડત નહીં. આજે જે કંઇ પણ હું છું, મારો જે કંઈ વિકાસ થયો છે એ થિયેટરને લીધે થયો છે. જીવનમાં મને કોઇ જાતનો અફસોસ પણ નથી...’જીવનના ઉત્તરાર્ધે માણસ સંતોષપૂર્વક અને ગર્વના રણકા સાથે આવા શબ્દો ઉરચારી શકે તો એનાથી વિશેષ બીજું શું જોઈએ?

No comments:

Post a Comment