August 20, 2010

અહીં બાળકોનું રાજ ચાલે છે


આ એક એવી સ્કૂલ છે, જ્યાં સંચાલકના પિયાનોને વિદ્યાર્થી ન અડી શકે એમ વિદ્યાર્થીની સાઈકલને સંચાલક પણ મંજૂરી વિના ન અડી શકે. અહીંનાં બાળકો શિક્ષકોથી ડરતાં નથી, કારણ કે શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે કોઈ ભેદભાવ નથી. બેન્ચ પર બેસીને ભણવાની આખી વાતનો છેદ ઉડાડતી આ નિરાળી સ્કૂલને ઊંડાણથી સમજવા જેવી છે.

સમરહિલ એક એવી સ્કૂલ છે, જેમાં નિયમો છે ખરા પણ ફક્ત બાળકોને ફાવે એવા. નિયમો એવા જેને બદલી પણ શકાય. એ હિસાબે, આ સ્કૂલના સ્થાપક એ. એસ. નીલ એક એવી વ્યક્તિ હતા જે પોતાના તાર્કિક વિચારોને બાળકો પર થોપતા તો નહોતા જ પણ એક સ્કૂલના માઘ્યમ દ્વારા સમાજમાં રોપતા હતા. એ. એસ. નીલ ન થાકનારા, ન હારનારા શિક્ષણશાસ્ત્રી હતા.

ઇવાન ઇલિચે ડિસ્કૂલિંગ (સ્કૂલો વિખેરી નાખો)નો આઇડિયા તો આપેલો પણ એનો કોઈ વિકલ્પ નહોતો આપ્યો. એ જોતાં સમરહિલ સ્કૂલ પેલી પ્રચલિત સ્કૂલપ્રણાલિને ઠેંગો દેખાડીને રચાયેલી એક અદ્ભૂત સ્કૂલ છે. આ સ્કૂલ શરૂ કરનાર એ. એસ. નીલનો જન્મ ૧૮૮૩માં સ્કોટલેન્ડમાં થયો હતો. ચિંતક રુસોના વિચારોનો નીલ પર ઊંડો પ્રભાવ પડેલો. નીલે સમરહિલની સ્થાપના ૧૯૨૧માં કરી.

એમણે જર્મનીના શહેર ડ્રેસ્ડનના ઉપનગરમાં આ સ્કૂલનો પાયો નાખ્યો. થોડા મહિનામાં નીલ ઓસ્ટ્રિયા શિફ્ટ થયા અને ત્યાં સ્કૂલ શરૂ કરી. પરંતુ તેમની ભણાવવાની શૈલી સ્થાનિક લોકોને માફક ન આવી. ૧૯૨૩માં તેઓ દક્ષિણ ઇંગ્લેન્ડના લાઇમ રેગિસ ગામમાં વસ્યા અને પાંચ બાળકોથી સમરહિલ સ્કૂલની શરૂઆત કરી. ૧૯૨૭માં તેમણે ઇંગ્લેન્ડના સફોલ્ફ વિસ્તારના લાઇસ્ટન ગામમાં સ્થળાંતર કર્યું અને ત્યાં સમરહિલને નવો ઓપ આપ્યો. આજે પણ આ સ્કૂલ ત્યાં જ છે.

આ સ્કૂલ નવા વિચારનો અમલ કરતી એક એવી સંસ્થા બની, જ્યાં પરંપરાગત શિક્ષણપ્રણાલીને બાજુ પર રાખીને કંઈક નવું કરી દેખાડ્યું. આ સ્કૂલ માત્ર પુસ્તકિયા જ્ઞાનમાં નથી માનતી પરંતુ બાળકના વ્યક્તિત્વને ખીલવવાની અહીં કોશિશ થાય છે. સમરહિલની ખૂબીઓ તો અનેક છે. એમાંની એક એ છે કે એમાં બાળકો પર યાંત્રિક શિસ્ત અને આજ્ઞાકિતતા જરાય થોપવામાં નથી આવતાં. એટલું જ નહીં, શિક્ષકોની હિટલરી વૃત્તિને અહીં કોઈ સ્થાન ન હોવાથી બાળકોને પૂરી આઝાદી મળે છે. સમરહિલ ફક્ત એક સ્કૂલ નથી, એક નિરાળો વિચાર છે.

સ્કૂલના શિક્ષણમાં અહીં અનેક પ્રયોગો કરવામાં આવતા રહે છે. એક સ્કૂલ દ્વારા આ પ્રયોગો કરીને એ સાબિત કરવામાં આવે છે કે કથની અને કરણીમાં અહીં કોઈ ફરક નથી. કહેનારા તો એવું પણ કહી શકે કે આ તો જંગલી લોકોની સ્કૂલ છે, જ્યાં નથી કોઈ નિયમ, નથી શિસ્ત. વાસ્તવમાં એવું જોવા મળતું હોય છે, જ્યારે બધા જ પૂર્વગ્રહો બાજુ પર રાખીને બાળકોને શીખવવામાં આવે છે ત્યારે એ વધુ સારી રીતે શીખી શકે છે. બાળકોને એક બેન્ચ પર બેસાડીને એમને જ્ઞાન પીવડાવવામાં આવે એ વાત સામે નીલને સખત ચીડ હતી.

આ સ્કૂલમાં બાળકોને સ્કૂલને યોગ્ય બનાવવા કરતાં સ્કૂલને બાળકલાયક બનાવવા પર ભાર મુકાય છે. જ્યાં બાળકોને ‘ફિટ’ કરવામાં આવે, પરંતુ સ્કૂલ બાળકોને અનુકૂળ બની રહે. આ માટે, નીલે કોઈ પણ પ્રકારનાં શિસ્ત, સૂચન, સલાહ, ભાષણ કે ધાર્મિક ઉપદેશ દેવાનું ટાળ્યું. નીલ કહે છે કે બાળકો ક્યારેય દુષ્ટ નથી હોતા, એ તો સારાં જ હોય છે. ચાલીસ વર્ષ સુધી નીલે બાળકોને ‘ભણાવ્યા’, પણ ત્યાં સુધીમાં ક્યારેય બાળકો પરનો તેમનો આ વિશ્વાસ ડગ્યો નહીં. એવું કહેવું હોય તો કહી શકાય સમરહિલ દુનિયાની સૌથી ખુશ નિશાળ છે. આ સ્કૂલનો એક જ હેતુ છે કે પ્રેમને પોષણ આપો, સૌ એકમેકને પ્રેમ કરો.

સમરહિલમાં પુસ્તકનાં કોરાં જ્ઞાન પર ઝાઝો ભાર નથી દેવામાં આવતો. અહીં જીવન જીવવાની રીત શીખવવામાં આવે છે. પ્રત્યેક બાળકમાં જે ક્ષમતા છે એ પારખીને એને નિખારવાની કોશિશ કરવામાં આવે છે. નીલ કહેતા કે અમારી સ્કૂલનો બાર વર્ષનો કોઈ વિદ્યાર્થી અપૂર્ણાક કે જોડણી જેવી બાબતોમાં પોતાની ઉંમરના અન્ય વિદ્યાર્થીની બરાબરી કદાચ નહીં કરી શકે, પરંતુ વાત જ્યારે મૌલિકતાની આવે ત્યારે અમારો વિદ્યાર્થી બીજાથી ઘણો આગળ હોવાનું જોવા મળશે. સમરહિલ કહેવાતી પરીક્ષાઓનો વિરોધ કરે છે.

આ સ્કૂલની એક ખૂબી એ છે કે અહીં બાળકોનું રાજ ચાલે છે. આ સ્કૂલનાં બરચાં શિક્ષકોથી ડરતાં નથી. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે અહીં કોઈ ભેદભાવ નથી. નીલ કહેતા કે મારા પિયાનો સુધી આવવાની કોઈને છૂટ નહોતી, એમ કોઈ વિદ્યાર્થીની સાઈકલને પણ એની મંજૂરી વગર કોઈ અડી ન શકે. એટલું જ નહીં, અહીં છ વર્ષની છોકરીના અભિપ્રાયને પણ એટલું જ મહત્વ આપવામાં આવે, જેટલું નીલના અભિપ્રાયને. નીલ કહેતા કે આ બધું સાવ સહેલું તો નહોતું. આ સ્કૂલનાં બાળકોમાં ડર જરાય ન હોય એ વાત પર ખાસ ભાવ આપવામાં આવે છે. એટલે જ તો અહીંના છોકરાંવ મોટા મોટા શિક્ષકો સમક્ષ પણ પોતાનું રિએકશન જરાય ખચકાયા વિના આપી શકે છે.

સમરહિલમાં માહોલ એકદમ અનૌપચારિક હોય છે. કોઈ બાળક કોઈ વિષય ન શીખવા માગતું હોય તો એના પર કોઈ જબરદસ્તી નથી કરવામાં આવતી. અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નીલ માનતા કે નાના બાળકને પુસ્તકમાંથી જ્ઞાન આપવાનો મતલબ છે એને કનડવું. એટલે જ અહીં વધુ ભાર પ્રવૃત્તિઓ પર આપવામાં આવે છે.

નીલ એક અત્યંત સંવદેનશીલ વાત કહી ગયા છે કે બાળકોને કેળવવાની મોટા ભાગની જે પ્રવૃત્તિઓ છે એમાં બાળકનું ગળા ઉપરનું શરીર જ ઘ્યાનમાં લેવાય છે. એ સિવાયનું શરીર તો જાણે છે જ નહીં. એના માટે ખાસ કોઈ પ્રવૃત્તિ હોતી જ નથી. નીલનું માનવું હતું કે બાળકો આપસી સંવાદમાં ઘણું શીખતાં હોય છે. એટલે જ તો સમરહિલમાં અનેક મુદ્દાઓ પર બાળકોમાં ખુલ્લી ચર્ચા યોજાય છે. અહીંના બાળકોમાં સેક્સ પ્રત્યેનો અભિગમ એકદમ સ્પષ્ટ હોય છે. અલબત્ત, અહીં ધર્મ વિશે કંઈ નથી ભણાવવામાં આવતું.

આ સ્કૂલ ચલાવવાના ૪૦ વર્ષના અનુભવો વિશે નીલે એક પુસ્તક લખેલું. એ પુસ્તક જેટલું શિક્ષકો માટે, એટલું જ વાલીઓ માટે પણ છે. આખરે, મા-બાપે પણ એ ખાસ શીખવા જેવું છે કે બાળકો સાથે કઈ રીતે વર્તવું. ૧૯૭૩માં નીલનું અવસાન થયું ત્યાં સુધી તેઓ આ જ સ્કૂલમાં ખૂંપેલા રહ્યા. ત્યાર પછી એમની બીજી પત્ની એનાએ ૧૯૮૫ સુધી સ્કૂલ ચલાવી. હવે એમની દીકરી જોઈ આ સ્કૂલની ગતિવિધિ પર નજર રાખે છે.

સમરહિલ સ્કૂલ આજે પણ ધબકી રહી છે. આ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ક્યારેય ઝાઝી બધી નથી રહી. અત્યારે અહીં ૬૦-૭૦ સ્ટુડન્ટ્સ છે. જ્યારે પણ ચીલો બદલીને કંઈ કરવામાં આવે ત્યારે વિરોધ તો થતો જ હોય છે. આ સ્કૂલ સામે પણ બ્રિટિશ સરકારે ક્યારેક ક્યારેક વિરોધ વ્યકત કર્યોછે અને એને બંધ કરાવવાની કોશિશો પણ થઈ છે પણ એ બધા અવરોધો ઓળંગીને પણ સમરહિલ આજે પોતાની ગતિએ ચાલી રહી છે.

No comments:

Post a Comment