August 20, 2010

સાંકડી દુકાનથી વિશ્વવ્યાપી કારોબાર સુધી.


પિતાજી જમવા જાય ત્યારે જયંતીભાઇ આ મશીન ખોલી નાખે અને જાતે તેવું મશીન બનાવવાના પ્રયત્નો કરે. તો શું ત્યારથી જ ફેકટરી બનાવવાનું નક્કી કરી લીધેલું? જયંતીભાઇનો જવાબ નવાઈ પમાડે તેવો હતો: ‘ના, એવું વિચાર્યું પણ નહોતું.

૧૯૮૨માં જામનગરની ભંગાર બજારમાં પિતાજીની સાંકડી દુકાનની બાજુમાં આ માણસે છકડો રિક્ષા બનાવવાનું ગેરેજ નાખ્યું અને આજે જયંતીભાઇ ચાંદ્રા થ્રી-વ્હીલર વાહનોની દુનિયામાં આદરથી લેવાતું નામ છે. તેમની અતુલ ઓટો કંપનીની રિક્ષાઓ માત્ર ભારત જ નહીં, વિદેશની ધરતીને પણ ધમરોળી રહી છે. વિશ્વની જાયન્ટ ઓટો કંપનીઓની ગળાકાપ હરીફાઇમાં પણ અતુલ ઓટો પોતાનું આગવું સ્થાન જમાવીને ઊભી છે. તેની એસેમ્બલી લાઇન પરથી દર સાતમી મિનિટે એક થ્રી-વ્હીલર રિક્ષા બનીને બહાર આવે છે.

ગુજરાતમાં તો આજે પણ અતુલની રિક્ષાઓનું વેચાણ પ્રથમ ક્રમે છે. રાજસ્થાનમાં બીજા ક્રમે અને મઘ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં તે ત્રીજા અને ચોથા ક્રમે છે. પૂર્વોત્તરમાં છેક ગૌહાત્તી અને દક્ષિણમાં ચેન્નાઇ સુધી અતુલની રિક્ષાઓનો અલગ દબદબો છે.
હાથેથી લોખંડ ટીપીને, એંગલ કાપીને, જૂના સ્પેરપાર્ટ્સ જોડીને છકડો-રિક્ષા બનાવવાની શરૂઆત કરીને દેશના સફળ ઉદ્યોગ સાહસિકોમાં સ્થાન મેળવનાર જયંતીભાઇ ચાંદ્રાની ઉદ્યોગયાત્રા તપાસતાં એક બાબત ઊડીને આંખે વળગે છે: માત્ર દસમા ધોરણ સુધી ભણેલા આ માણસે ભલે મેનેજમેન્ટનું ફોર્મલ શિક્ષણ ન લીધું હોય, તેનામાં પરફેક્ટ મેનેજરના ગુણો ઠાંસીઠાંસીને ભરાયેલાં છે.
આઇઆઇએમના કોઇ ફ્રેશરને પણ બે-પાંચ નવા પાઠ ભણાવી શકે એટલી સમજ તેમનામાં છે. તેમની ઉદ્યોગયાત્રાને મોડર્ન મેનેજમેન્ટની દ્રષ્ટિએ મુલવીને સમજીએ કે આટલી જબરદસ્ત પ્રગતિ તેમણે કઇ રીતે કરી છે.

સૌરાષ્ટ્રના જામનગર શહેરમાં જગજીવનભાઇ ચાંદ્રા જૂના કોથળા અને તેલના ખાલી ટીનની ફેરી કરતા. પરિસ્થિતિ જરાય સારી નહીં. ગરીબીને ફેડવા માટે જૂના સ્પેરપાર્ટ્સની ફેરી જગજીવનભાઇએ શરૂ કરી. જામનગરમાં એરફોર્સનું થાણું હતું એટલે તેનાં જૂનાં વાહનો ભંગારમાં કાઢી નાખવામાં આવે. એટલે તેના સ્પેરપાટ્ર્સ અલગ કરીને તેને વેચવાનો કારોબાર ચાલતો. જગુભાઇએ જૂના સ્પેરપાર્ટ્સનો આ ધંધો એક મિત્રની સાથે શરૂ કર્યો. હાડ તોડી નાખતી મજૂરીનું આ કામ હતું.

લશ્કરના જૂના ટ્રક, જીપ, મોટરસાઇકલ વગેરેને ભંગારમાં ખરીદ્યા પછી તેને તોડવાનાં, તેના પાર્ટ્સ અલગ કરવાના, તેને રિપેર કરીને પછી વેચવાના. જગજીવનભાઈ એટલે કે જગુભાઇ અને એમનાં પત્ની કાશીબેન અત્યંત ધાર્મિક પ્રકૃતિનાં. એમને ત્યાં ૧૯૫૫માં જન્મેલા જયંતીભાઇ શાળાએ ભણવા જતા ત્યારથી ભંગારની દુકાને બેસવા માંડ્યા હતા. બપોરે જયંતીભાઇ દુકાને બેસે એટલે પિતાજી જમવા જઇ શકે. જયંતીભાઇ દુકાનમાં જ હોમ વર્ક કરે અને ધંધાનું પણ ઘ્યાન રાખે. જયંતીભાઇ દુકાને બેસતા ત્યારે જગુભાઇએ એન્જિનના સળિયા ખેંચી કાઢવાનું મશીન જાતે બનાવ્યું હતું.

પિતાજી જમવા જાય ત્યારે જયંતીભાઇ આ મશીન ખોલી નાખે અને જાતે તેવું મશીન બનાવવાના પ્રયત્નો કરે. તો શું ત્યારથી જ ફેકટરી બનાવવાનું નક્કી કરી લીધેલું? જયંતીભાઇનો જવાબ નવાઈ પમાડે તેવો હતો: ‘ના, એવું વિચાર્યું પણ નહોતું. હું તો એગ્રિકલ્ચર એન્જિનિયર બનવા માગતો હતો. મારા મામા ખેતી કરતા અને હું હંમેશાં ખેતીથી પ્રભાવિત રહ્યો હતો. એટલે તે ક્ષેત્રમાં કંઇક કરી બતાવવું હતું.’

મેનેજમેન્ટ ફંડા

૧. માત્ર મહેનત નહીં, સાચી દિશાની મહેનત જરૂરી છે.
૨. ગળાકાપ હરીફાઇમાં પણ સારી પ્રોડક્ટ સફળ થાય જ.
૩. ઇચ્છિત ક્ષેત્રમાં જવાની તક ન મળે તો નિરાશ ન થવું, અન્ય ક્ષેત્રની તકો ખુલ્લી જ હોય છે.

ક્યારેક કોઇ ખરાબ ઘટના પણ ભવિષ્યની સારી ઘટનાઓ માટેનો રસ્તો બતાવી દેતી હોય છે. જગુભાઇના પાટર્નર જામનગર ઉપરાંત ચેન્નાઇ વગેરે શહેરોમાં જૂનાં વાહનોની ખરીદી કરવા જવાનું કામ કરતા. તેઓ આડી લાઇને ચડી ગયા અને અઢળક નાણાં ગુમાવ્યાં. જગુભાઇનો પરિવાર રીતસર રસ્તા પર આવી ગયો. ગરીબી આંટો લઇ ગઇ. પાંચ દીકરાનો પરિવાર ધરાવતા જગુભાઇએ એસ.એસ.સી. પાસ જયંતીભાઇને કહ્યું: ‘હવે આગળ ભણીશ તો દુકાને કોણ બેસશે?’ જયંતીભાઇ દુકાને બેસી ગયા. તેમના જીવનનો આ પ્રથમ ટર્નિંગ પોઇન્ટ હતો. ચારેક મહિના સુધી ભણી નહીં શકવાનું દુ:ખ રહ્યું, પછી ભુલાઇ ગયું. તે સમયે જામનગરના રાજા જામસાહેબે ગોલ્ફ કોર્ટ બનાવ્યું હતું અને તેના માટે બ્રિટનથી ગોલ્ફ કાર્ટ મગાવી હતી. જામસાહેબનો ગોલ્ફ કોર્ટ જો કે સફળ ન રહ્યો અને રમકડાંની ગાડી જેવી ગોલ્ફ કોર્ટ ભંગારમાં વેચી દેવામાં આવી.

જગુભાઇએ તે ખરીદી લીધી અને સામાન્ય માણસને કામમાં આવે તેવું વાહન તેમાંથી બનાવી કાઢયું. વિશ્વના પ્રથમ છકડો-રિક્ષાનો આ રીતે જન્મ થયો, જે પછીથી સમગ્ર ગુજરાતમાં નામ કાઢવાનો હતો અને ગરીબ માણસના પરિવહનનું હાથવગું સાધન બનવાનો હતો. નહીં ગાડું અને નહીં ગાડી (કાર) એવું આ વર્ણસંકર વાહન ગોલ્ફ કોટર્માંથી બન્યું, પણ દર વખતે ગોલ્ફ કોર્ટ મળવાની નહોતી એટલે જાવા કંપનીના મોટરસાઇકલનો આગળનો ભાગ અને મોરિસ કારનો પાછળનો ભાગ જોડીને છકડા બનાવવાની શરૂઆત યુવાન જયંતીભાઇએ પિતાજીના માર્ગદર્શન હેઠળ કરી.

સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઢેબરભાઇએ આ વાહનને સૌરાષ્ટ્રમાં ચાલવવાની માન્યતા આપી. ધંધો થોડો ચાલવા માંડયો. મૂળ જૂના સ્પેરપાર્ટ્સનો ધંધો એટલે દરેક છકડો બીજાથી જરા અલગ બને. પણ, ગુણવત્તા નબળી ન રહે તેનું સતત ઘ્યાન રખાતું. જયંતીભાઇ કહે છે, ‘જ્યાં એક આની માપનો બોલ્ટ નાખવાનો હોય ત્યાં અમે ચાર આની સાઇઝનો બોલ્ટ વાપરતા. ગાડાં પરથી જ ડિઝાઇન બનાવી હોવાથી તે અત્યંત મજબૂત બને તેનું ઘ્યાન રાખવામાં આવતું હતું. સૌરાષ્ટ્રના રસ્તાઓ સારા નહોતા અને ગામડાંમાં ફરી શકે એવું વાહન બનાવવું હતું.

એટલે ઓવરલોડ થાય તો પણ તૂટે નહીં એવી રચના હોવી જરૂરી હતી. સામાન્ય જરૂરિયાત કરતાં બમણો મજબૂત અમારો છકડો બનતો હતો. વળી, ગ્રાહક ઓર્ડર આપે તે પ્રમાણે તે બનાવી આપવામાં આવતા હતા. ઉપયોગ કરનાર ગામડાંના માણસો હતા. તેમને લાલ, લીલો અને પીળો રંગ બહુ ગમતો એટલે એ રંગોની ડિઝાઇન બનાવતા. એક હેડલાઇટની જગ્યાએ વધુ લાઇટો મૂકી આપતા. કેટલાક છકડામાં તો ૪૫ લાઇટો પણ મૂકી આપી હતી. ૧૯૭૮માં અમે બનાવેલી છકડો-રિક્ષા ૧૯,૦૦૦ રૂપિયામાં વેચાતી હતી.’

મેનેજમેન્ટ ફંડા

૧. નવું કરવાની દ્રષ્ટિ હોય તો ક્રાંતિકારી શોધ પણ કરી શકાય.
૨. ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણેનો માલ આપો.
૩. કોઇ કામ નાનું નથી હોતું, નાની શરૂઆત પણ મોટા સાહસમાં પરિણમી શકે.

જયંતીભાઇએ જે છકડો-રિક્ષાઓ બનાવી તેવી જ અત્યારે પણ બને છે. તેમનું કહેવું છે, ‘અત્યારે પણ તેની ડિઝાઇનમાં કોઇ ફેરફાર કરી શકાતો નથી. ઇંચના મિલિમીટર પણ કરી શકાતાં નથી.’ વાત સાવ સાચી છે. ૪૦ વર્ષથી છકડાઓની ડિઝાઇન સરખી જ રહી છે. પરિવર્તન કરવાના તમામ અખતરા નિષ્ફળ રહ્યા છે. પ્રોડક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ ન હોય તો બજારમાં કઇ રીતે ટકી શકાય? એવા પ્રશ્નનો ઉત્તર આપતા તેઓ કહે છે, ‘ગ્રાહકના મનમાં જે ડિઝાઇન બેસી ગઇ, તેને અનુકૂળ આવી ગઇ, તેને ઉપયોગી નીવડી તેમાં પરિવર્તન કરવાની જરૂર નથી.

અમે છકડો-રિક્ષાને જેમની તેમ રાખી પણ, તેનું નવું મોડેલ બનાવ્યું તે સાવ અલગ બનાવ્યું. તેમાં ડ્રાઇવરને બેસવાની જગ્યા ઢાંકી દેવામાં આવી, જેથી ડ્રાઇવર તડકો અને વરસાદથી સુરક્ષિત રહી શકે. રિવર્સ ગીયર નાખ્યો, સેલ્ફ સ્ટાટર્ની વ્યવસ્થા કરી. આ બધું નવાં મોડલ્સમાં થયું. જૂનો છકડો તો હજી પણ દોરી વીંટાળીને સ્ટાર્ટ કરવો પડે. છકડો-રિક્ષા ગાડાંની ડિઝાઇન પરથી બનાવાઇ છે એટલે ગ્રામીણ લોકોને તે પોતિકી લાગી છે. લોકોએ તેને અપનાવી, તેના પર વિશ્વાસ બેઠો.

તે સમયે ગ્રાહક ઓર્ડર નોંધાવી જાય એટલે જયંતીભાઇ છકડો બન્યા પછી ગ્રાહકના ગામમાં જઇને ડિલિવરી આપી આવતા. કુતિયાણાની બાજુના એક ગામમાં એક ભરવાડને જયંતીભાઇ ડિલિવરી આપવા ગયા ત્યારે ગાર-માટીના કૂબામાં ભરવાડના પરિવારે તેમને બકરીના દૂધની ખીર અને લાપસીનું ભોજન કરાવ્યું હતું. આ ઘટનાને યાદ કરતાં જયંતીભાઇ કહે છે, ‘અમે છકડાને ‘ઘરનો મોભી’ નામ આપ્યું હતું. છકડો ગ્રાહકો માટે કમાણીનું સાધન હતો. તેને સારી ક્વોલિટી મળે તે જરૂરી હતું. અમે હંમેશાં ગ્રાહકોના સંતોષને અમારો મુદ્રાલેખ માન્યો છે.

કાચો માલ હંમેશાં સારો વાપરવાનો આગ્રહ રાખ્યો. પિતાજી કહેતા કે લોકોની જરૂરિયાતને સમજશો તો સફળ થશો. તમારો હક હોય એટલી જ કિંમત લો. વધારે નાણાં લેશો તો તે ખરાબ માર્ગે જશે.’ પિતાજીની આ સલાહને જયંતીભાઇ શબ્દશ: અનુસરે છે. તેઓ આજે પોતાની વિશાળ ફેકટરીના હજારો કર્મચારીઓને કહે છે: આપણે રેસ્ટોરેન્ટ ખોલીને બેઠા છીએ એમ સમજીને કામ કરો, જેને જે ભાવતું હોય અને જે માગે તે જ આપો. ગ્રાહકોની પસંદગીનું હંમેશાં ઘ્યાન રાખો અને સર્વિસ સારી આપો. પોતાની સફળતાનું રહસ્ય છકડાનાં ત્રણ પૈડાં જેવા ત્રણ મહત્વના મુદ્દાઓમાં સમાયેલું છે એમ કહેતાં જયંતીભાઇ ઉમેરે છે, ‘અમે ક્વોલિટી, સર્વિસ અને સ્પેરપાર્ટ્સની સરળ ઉપલબ્ધિના ત્રણ પાયાના સિઘ્ધાંતોનો ચુસ્ત અમલ કરીએ છીએ. ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ નહીં કરવાની. સૌરાષ્ટ્રથી ચેન્નાઇ સુધી દરેક ગ્રાહકને ઉત્તમ સર્વિસ આપવાની... અને, અમારી પ્રોડક્ટના તમામ સ્પેરપાર્ટ્સ સરળતાથી મળી રહે તેની વ્યવસ્થા કરીએ છીએ. અમારી માર્કેટિંગ અને સેલ્સની ટીમને પણ આ જ ત્રણ બાબતો સમજાવીએ છીએ.’

જયંતીભાઇની કોમ્પિટિશન વિશ્વના ટોચના ઓટો જાયન્ટ્સ સાથે છે. ‘ટાટા, પિયાજિયો, બજાજ વગેરે તોતિંગ કંપનીઓની સાથે હરીફાઇ કરવાની છે. તેમના તંત્ર એટલાં વિશાળ છે કે, ગ્રાહકને અમારા જેટલી સર્વિસ આપી શકતા નથી. સારી સર્વિસ જ રિપિટ ઓર્ડર અપાવી શકે. અમે હરીફાઇમાં પહેલેથી જ માનતા નથી. અમે મિત્રો અને સંબંધીઓને છકડો-રિક્ષા બનાવવાનું શીખવ્યું. તેમને ટેકો પણ આપ્યો. આ છકડો-રિક્ષા બનાવનારા ગ્રાહકોને એડ્રેસ તો અમારી દુકાનનું જ આપતા અને અમે ગ્રાહકોને તેની પાસે મોકલી આપતા.’

સામાન્ય રીતે સમાન ધંધામાં પડેલા લોકો એકબીજા સાથે કટ્ટર હરીફાઇમાં હોય, અહીં ઊલટું હતું. આવું કેમ એવું પૂછતાં જયંતીભાઇ જણાવે છે, ‘પિતાજી કહેતા કે આ ધંધો તો દરિયા જેવડો વિશાળ છે. આપણે એકલા પહોંચી વળી શકીએ તેમ પણ નથી. આપણે આપણી વસ્તુ સારી આપો, ગ્રાહકો મળી રહેશે.’ થયું પણ એવું જ. છકડો-રિક્ષા બનાવનારાની સંખ્યા બહુ જ મોટી છે પણ, અતુલ જેવું નામ કોઇએ કાઢ્યું નથી.

મેનેજમેન્ટ ફંડા

૧. ક્વોલિટીનો કોઇ વિકલ્પ હોતો નથી.
૨. ગ્રાહકની નાડ પારખો, તેના ટેસ્ટ અને જરૂરિયાતપ્રમાણે વસ્તુ આપો.
૩. સર્વિસ અને સ્પેરપાર્ટ્સની વ્યવસ્થા મજબૂત બનાવો.

૧૯૮૨માં જયંતીભાઇએ વિચાર્યું કે, આ ભંગાર બજારની દુકાનમાંથી બહાર નીકળવું. બીજું ગેરેજ લઇને નામ આપ્યું અતુલ ઓટો. પાંચ ભાઇઓમાં સૌથી નાનો ભાઇ અતુલ જયંતીભાઇને અત્યંત વહાલો હતો. તેના નામ પરથી ગેરેજનું નામકરણ કર્યું. અતુલભાઇનું ૧૯૯૬માં અકાળે અવસાન થયું, તેમની યાદમાં જયંતીભાઇ અતુલ ચાંદ્રા ક્રિકેટ ટુર્નામેન્ટ ચલાવે છે. જામનગરમાં અતુલ પેવેલિયન નામનું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે. નવું ગેરેજ બનાવવાનું સાહસ જયંતીભાઇના જીવનનો બીજો ટર્નિગ પોઇન્ટ હતો.

તેમણે રિક્ષા બનાવવાની ફેકટરી નાખી. તે વખતે ફેક્ટરી શું કહેવાય એની પણ ખબર નહોતી પડતી. રાજકોટની અનિલ એન્જિનિયરિંગ પેઢીમાંથી લેથ મશીન ખરીધાં. પૈસા હતા નહીં એટલે લેથ ઉધારમાં લીધા અને મહિને પૈસા આપ્યા. ૧૯૮૬માં ફેકટરીનું વિસ્તરણ કર્યું. જે કામ અત્યાર સુધી જાતે કરતા હતા તે કરવા માટે કર્મચારીઓ રાખ્યા. પિતા જગુભાઇ ભણેલા નહોતા તો પણ એ વાતે સ્પષ્ટ હતા કે વિકસવું હોય તો ફેલાવું પડે, બહાર નીકળવું પડે. ‘ચરે, તે ફરે, બાંઘ્યો ભૂખે મરે’ એ ઉકિત જગુભાઇ કહેતા. સેટ થયેલો ધંધો છોડીને પાંચ ભાઇઓમાંથી બહાર કોણ નીકળે? સૌથી મોટાભાઇ તરીકે જયંતીભાઇએ જ બહાર નીકળવાનું પસંદ કર્યું. અને ૧૯૯૧માં રાજકોટ આવી ગયા.

રાજકોટ પસંદ કરવા માટે પણ કારણો હતાં. તે સૌરાષ્ટ્રનું બિનસત્તાવાર પાટનગર હતું. સૌરાષ્ટ્રના ગ્રાહકોને રાજકોટ નજીક પડે. વળી, એન્જિનિયરિંગ ઉદ્યોગ રાજકોટમાં વિકસ્યો હોવાથી જરૂરી કાચો માલ વગેરે સરળતાથી અને ઓછા ભાવે મળી રહે તેમ હતું. રાજકોટ નજીકના શાપરમાં ત્રણ એકર જમીન લઇને અતુલ ઓટોની ફેક્ટરી નાખી. આજે આ ફેકટરી ૨૫ એકરમાં પથરાયેલી છે. પ્રથમ વખત જયંતીભાઇએ ફેકટરીમાં એન્જિનિયરોને નોકરીમાં રાખ્યા. ધંધાને મોડર્ન બનાવ્યો. પ્રોડક્ટ સુધારવા પર ખાસ ઘ્યાન આપ્યું.

ગ્રાહકો, ખરીદી માટે આવે તેને રિક્ષામાં શું જોઇએ તે પૂછતા, સજેશન અને ફીડબેક મેળવવાની અલગ વ્યવસ્થા ઊભી કરી અને પ્રોડક્ટમાં તે પ્રમાણે સુધારા વધારા કરતા ગયા. કેન્યા અને કોંગોથી માંડીને કુચિયાદડ સુધીના ગ્રાહકો પાસેથી નિયમિત ફીડબેક લેવામાં આવે છે અને દર મહિનાના અંતે કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગની બેઠકમાં આ ફીડબેકની ચર્ચા કરવામાં આવે છે. જયંતીભાઇ કહે છે, ‘નવું આપી શકીએ અને પ્રોડક્ટને સુધારતા રહીએ તો જ વિકાસ સાધી શકાય. સુધારા કરતાં રહેવું તે નિરંતર પ્રક્રિયા હોવી જોઇએ. કોઇપણ જગ્યાએ હું જાઉ તો ટ્રકથી માંડીને નાના ટ્રક સુધીનાં વાહનોને જોઇને એ તપાસું કે, આમાં સારી અને નવી વસ્તુ શું છે?

યોગ્ય લાગે તે બાબત અમે અમારી પ્રોડક્ટમાં પણ ઉમેરીએ. ગ્રાહકના મનને વાંચીને પ્રોડક્ટ બનાવીએ છીએ. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે પૂણેમાં યુનિટ શરૂ કર્યું છે. તે નવાં સંશોધન કરે છે પણ અમારા પ્રતિસ્પર્ધીઓની પ્રોડક્ટમાં જે સારી બાબતો હોય તેને અપનાવતા અચકાતા પણ નથી. નકલ ક્યારેય કરતા નથી પણ અક્કલ ચલાવીએ છીએ.’

એનું પરિણામ જુઓ. નાઇજીરિયામાં અતુલ ઓટોએ સાડા ચાર હજાર રિક્ષા એકસપોર્ટ કરી છે. કોંગો અને કેન્યાના મોટા ઓર્ડર પણ કંપની પાસે છે.

મેનેજમેન્ટ ફંડા

૧. સફળતા માટે ગામ કે શહેરની બહાર નીકળતા અચકાવું નહીં.
૨. પારંપરિક કાર્યપ્રણાલીને યોગ્ય સમયે તિલાંજલિ આપવી.
૩. ફીડબેક, સજેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેનું વ્યવસ્થાતંત્ર ઊભું કરો.
૪. પ્રોડક્ટને સતત સુધારતાં રહેવું અથવા નવા મોડેલ બજારમાં મૂકવાં.
૫. પ્રતિસ્પર્ધીની ખૂબીઓ અને ખામીઓ જાણવી અને તે પ્રમાણે પ્રોડક્ટ સુધારવી.

જ્યારે જયંતીભાઇએ ધંધાની શરૂઆત કરી ત્યારે તેના કોઇ પ્રતિસ્પર્ધી નહોતા. પણ, જયંતીભાઇ પેસેન્જર રિક્ષાના ધંધામાં પડયા તે પછી તેમની સ્પર્ધા આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ સાથે થઇ. છકડો પછી ખુશ્બો તે પછી શક્તિ અને હવે લેટેસ્ટ જેમ નામની રિક્ષા અતુલ ઓટો બનાવે છે. તેમાંનું શક્તિ મોડેલ દેશભરમાં જબરદસ્ત ખ્યાતિ મેળવી ગયું છે. ગળાકાપ સ્પર્ધામાં માર્કેટિંગ જરૂરી છે. એટલે જયંતીભાઇને ખાસ ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું છે, જે એગ્રેસિવ માર્કેટિંગ કરે છે. ૨૮ વર્ષનો પુત્ર નીરજ માર્કેટિંગનું કામ પણ સંભાળે છે. કોઇપણ પ્રોફેશનલ કંપનીની માર્કેટિંગ ટીમને ટક્કર મારે એવી ટીમ જયંતીભાઇએ ઊભી કરી છે.

કર્મચારીઓની પસંદગીમાં જયંતીભાઇ બહુ જ કાળજી રાખે છે. તેઓ કહે છે, ‘ઇન્ટરવ્યૂ લેતી વખતે અમે પહેલી બાબત એ જોઇએ છીએ કે ઉમેદવારમાં કામ કરવાની ધગશ છે કે નહીં? કશુંક નવું કરી બતાવવાનો ઉત્સાહ છે? કામમાં ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં? ધગશ, ઇન્વોલ્વમેન્ટ અને નવી દ્રષ્ટિ હોય તેવા ઉમેદવારો જ અમે પસંદ કરીએ છીએ. યોગ્ય કર્મચારીની ભરતી થાય તો પછીથી કોઇને કાઢવાની જરૂર પડે નહીં, એટલે ટકોરા મારીને માણસ પસંદ કરીએ છીએ.’

મેનેજમેન્ટ ફંડા

૧. એગ્રેસિવ માર્કેટિંગ ચમત્કારિક પરિણામો આપે છે.
૨. માર્કેટિંગની ટીમને ફીડબેક અને સજેશનથી માહિતગાર રાખો.
૩. પ્રોડક્ટ અંગેનું જ્ઞાન માર્કેટિંગ ટીમમાં હોવું જોઇએ.
૪. કર્મચારીઓની પસંદગી વખતે કંપની માટે આવશ્યક પાસાંને ઘ્યાનમાં રાખો.

અતુલ ઓટોના કેમ્પસના પ્રાંગણમાં એક મંદિર છે. તમામ કર્મચારીઓ સવારે પ્રાર્થના અને ઘ્યાન કર્યા પછી જ કામ પર ચડે છે. ફેકટરીની કેન્ટિનમાં બધા જ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જમે છે. જયંતીભાઇને કોઇ શેઠ કે બોસ કહેતું નથી, ‘ભાઇ’ કહીને બોલાવે છે. કર્મચારી ભૂલ કરે તો તેને ત્રણ વખત સમજાવવામાં આવે છે, ભૂલ સુધારવા માટે જરૂર જણાય તો ટ્રેનિંગ પણ અપાય છે અને ચોથી વખત વોર્નિંગ અપાય છે. જયંતીભાઇ કહે છે, ‘કર્મચારીને કાઢી મૂકવાથી સમસ્યાનું નિરાકરણ નથી આવતું, તેની ભૂલ સુધારવાથી જ નિરાકરણ આવે છે. અમે સિસ્ટમ બનાવીએ છીએ. અહીં સિસ્ટમ કામ કરે છે, માણસો નહીં.

માણસ ભૂલ કરી શકે, સિસ્ટમ નહીં. તમામ માપદંડો માટે કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ્સ છે. તેને પ્રોડકશનથી માંડીને સેલ્સ સુધીના બધા જ વિભાગો આ પ્રોગ્રામ્સને અનુસરે છે. ઓછામાં ઓછી ભૂલો થાય તે માટેનું વ્યવસ્થાતંત્ર અમે તૈયાર કર્યું છે.’ એક જમાનામાં હાથેથી એંગલ કાપતા અને ડિ્રલિંગ કરતાં જયંતીભાઈની ફેકટરીમાં કરોડોના ખર્ચે અમલી બનાવાયેલું ઓટોમેશન આજે એટલું જડબેસલાક છે કે ફેકટરીમાં એસેમ્બ્લિંગથી માંડીને ફિટિંગ-પેઈન્ટિંગ બધું જ આપોઆપ, મશીનો વડે, સિસ્ટમ પ્રમાણે થાય છે.

મેનેજમેન્ટ ફંડા

૧. કર્મચારીને સમયાંતરે યોગ્ય તાલીમની વ્યવસ્થા કરો અને એમને મૌલિકતાથી કામ કરવા દો.
૨. દરેક કામ માટે સિસ્ટમ બનાવો.
૩. મિનિમમ એરર માટેનું વ્યવસ્થાતંત્ર ગોઠવો.
૪. કર્મચારીઓ માટેની સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરો.

અતુલ ઓટોનું સંચાલન પાંચ-છ વ્યક્તિના કોર ગ્રુપ દ્વારા થાય છે. નિર્ણય લેવાનું કામ આ કોર ગ્રુપ કરે છે, જેમાં પાર્ટનર મહેન્દ્રભાઈ ઉપરાંત ફાઈનાન્સ, માર્કેટિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગેરે વિભાગોના વડાઓનો સમાવેશ થાય છે. કંપનીનું ઘ્યેય આ વર્ષ દરમિયાન ભારતનું દસ ટકા માર્કેટ કવર કરવાનું છે. આ ઉપરાંત, આગામી બે-ત્રણ વર્ષમાં રિક્ષાનું નવું આધુનિક મોડેલ પણ બહાર પાડવાની નેમ છે.

અતુલ ઓટો મોટરકાર બનાવવાના ધંધામાં પડશે ખરી? એવા પ્રશ્નના જવાબમાં જયંતીભાઇ કહે છે, ‘અમે કાર બનાવવાના નથી. કાર અમારી કોમ્પિટન્સી નથી. તે અમારું ઘ્યેય નથી. પછેડી હોય એવડી સોડ તાણવી જોઇએ. વધુ લાંબી સોડ તાણવા જઇએ તો દેવું થઇ જાય . સુખેથી રોટલો ખાઇ શકીએ એટલું ઘણું. વિકાસ સાધતા રહો, પણ તેની ગતિ નિયંત્રણમાં રાખો. ખેડૂત છું એટલે મને ખબર છે કે વાવો પછી ચાર મહિને જ ઊપજ મળે. સમજીને વાવો, કારણ કે જેવું વાવશો એવું લણશો. ભોજન અને ભજન બન્નો કરો.

સવારે ભજનથી કામની શરૂઆત કરીએ છીએ અને સાંજે આખો પરિવાર સાથે બેસીને ભોજન લઇએ છીએ ત્યારે દિવસભરનાં કામની વાતો થાય છે, સુખદુ:ખની વાતો થાય છે.’ આ પરંપરા ચાંદ્રા પરિવારમાં જગુભાઇથી ચાલી આવે છે. કર્મચારીઓને પ્રાર્થના કરાવવા પાછળનું કારણ જણાવતાં જયંતીભાઇ કહે છે. ‘મોરારિબાપુને સંપૂર્ણપણે અનુસરું છું. એટલે રામાયણનો ઉપદેશ સમજ્યો છું. ધર્મ ન દુજા સત્ય સમાના’ અને ‘સત્ય ન દુજા ધર્મ સમાના’. કર્મચારીઓને ધર્મની સાથે જીવતાં શીખવીએ છીએ. તેમનું સન્માન જાળવીએ છીએ. જેથી ટીમ વર્કથી કામ થઇ શકે.’

કંપનીનું લક્ષ્ય તો જાણ્યું, પણ એક વ્યક્તિ તરીકે જયંતીભાઇ ચાંદ્રાનું શું છે? આ પ્રશ્ન કદાચ, જયંતીભાઇનો પ્રિય પ્રશ્ન હતો. તરત જવાબ આપ્યો : ‘ઝીરો થઇ જવું છે. મારી પોતાની યાત્રામાં ઘણું કરી લીધું. બહુત નાચ્યો ગોપાલ. ધીમે ધીમે હવે મનને સંકેલી લેવું છે. બધું જ સોંપીને હવે અલિપ્ત થઇ જવું છે. અંદરથી બધું જ સંકેલી લેવાની તૈયારી કરી લીધી છે. મોરારિબાપુની કૃપાથી જીવનનો અર્થ સમજવાની યાત્રામાં આગળ વધી શકયો છું. અંતર્યાત્રામાં સફળતા મળે તે ઘ્યેય છે. તેમણે શીખવ્યું છે કે જિંદગીમાં બધી ભૂમિકા ભજવવી પડે. મેં દુન્યવી ભૂમિકાઓ ભજવી લીધી છે. મોરારિબાપુને મળ્યો તે પછીથી સતત મારા પરિવારને તેમની હૂંફ અને માર્ગદર્શન મળતાં રહ્યાં છે. તે સ્નેહ અને કૃપા પછી જિંદગી પાસેથી અન્ય કોઇ મોટી અપેક્ષા બાકી રહી જતી નથી.’

મેનેજમેન્ટ ફંડા

૧. કંપનીના લક્ષ્ય સ્પષ્ટ રાખો.
૨. તમારા પોતાના ઘ્યેયને પણ નજર સમક્ષ રાખો.
૩. માત્ર નૈતિક વ્યવસ્થાથી નહીં, આઘ્યાત્મિક વ્યવસ્થાથી કર્મચારીઓને જીતી શકાય છે.

No comments:

Post a Comment