August 20, 2010

જે કરો, પ્રેમથી કરો!


મહાન અંગ્રેજ કવિ જહોન મિલ્ટન મને હંમેશાં પ્રેરણા આપતા રહ્યા છે. અંધ બન્યા પછી એમણે કહેલું, ‘જે લોકો ઊભા રહીને રાહ જુએ છે એ લોકો પણ સેવા કરે છે...’ ધૈર્ય રાખવાનું અવશ્ય શીખો. પ્રતીક્ષા કરો.

જીવનમાં એવી ઘણી ઘટના બને છે જેના પર આપણું લેશમાત્ર નિયંત્રણ નથી હોતું. જોકે, આપણી પાસે ઘટનાને સહેતાં રહી આગળ વધતાં રહેવાનો કે પછી હાર માની અટકી જવાનો વિકલ્પ જરૂર હોય છે.

કોઇપણ મનુષ્ય બધાં મૂલ્યોનું યોગ્ય રીતે કે યોગ્ય પ્રમાણમાં પાલન કરી શકતો ન હોવાથી સંપૂર્ણ નથી બની શકતો એવું મને મારા અભ્યાસમાં જણાયું છે. હું મારી સરખામણી મારી જાત સાથે કરું છું અને આ અગ્નિપરીક્ષામાં મને લાગે કે મેં કંઇ સારું કર્યું છે તો જાતને શાબાશી આપું છું. ભૂલ કરી હોય તો ખુદને એક ખાસડું ફટકારું છું. સારી ટેવો વિકસાવવી, સાચો વિકલ્પ પસંદ કરવો કે પ્રલોભનોથી દૂર રહેવું એ છે મૂલ્યોનું સર્વસાધારણ રૂપ. આવું કરીને આપણે આપણા આનંદ અને સંતોષમાં વધારો કરી શકીએ છીએ.

બુદ્ધિમત્તા: બુદ્ધિમત્તા-સમજ-અક્કલથી તમારા જીવનના દિવસો અને વર્ષો વધી જશે. એનો સર્વાધિક ફાયદો તમને થશે. પોતાનાં જ્ઞાનનો યોગ્ય-પોઝિટિવ-સમાજોપયોગી ઉપયોગ કરવામાં બુદ્ધિમત્તા છે, એનો દેખાડો કરવામાં નહીં. સાથે જ વિનમ્રતાથી જીવન જીવવામાં ખરી અક્કલ છે. તે તમારા બોલવામાં નહીં, બલકે જીવન જીવવાની રીતમાં પ્રતિબિંબિત થવી જોઇએ. બુદ્ધિમત્તાથી તમે તમારી સાથે સંકળાયેલા લોકોનાં જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકો છો. બુદ્ધિમાન વ્યક્તિ એ છે, જે પોતાની સમસ્યાઓનું સમાધાન જાતે કરે છે, કેમકે એની બુદ્ધિ એને સાચો નિર્ણય લેવાની ક્ષમતા આપે છે.

એક કથા પ્રસ્તુત છે:

એક ડોક્ટરે ઘૂંટણની તકલીફથી પીડિત બાળકની તકલીફ દૂર કરવા એક મુશ્કેલ શસ્ત્રક્રિયા કરી. એના ગળામાં એક ટ્રેકીઓટોમી ટ્યૂબ લગાડવામાં આવેલી. રાત પડતાં ડોક્ટર આરામ કરવા પોતાના ક્વાર્ટરમાં જતા રહ્યા. મધરાતે ત્રણ વાગે એક નર્સ એમની પાસે દોડતી આવી અને બોલી, ‘જલદી ચાલો...’ ટ્યૂબ બંધ થઇ ગયેલી અને એ ખોલવી એ નર્સિંગ સ્ટાફનું રૂટિન કામ હતું.

છોકરાનું મોત થઇ ચૂક્યું હતું. ડોક્ટરે રિપોર્ટ લખ્યો અને પોતાના ક્વાર્ટરમાં જતા રહ્યા. બીજે દિવસે સવારે નર્સને બોલાવી ડોક્ટરે કહ્યું: ‘તને બરતરફ કરવામાં આવે છે.’ માથું શરમથી ઝુકાવી એ ચૂપચાપ સાંભળતી રહી. એના મૌનથી ડોક્ટર ચકિત હતા.

એમણે પૂછ્યું, ‘તારે કંઇ કહેવાનું નથી?’ નર્સ દબાયેલા અવાજે બોલી, ‘મને વધુ એક તક આપો, પ્લીઝ.’ ડોક્ટર પરેશાન હતા. એ વખતે એમનાં મનમાં નર્સને એના કૃત્ય બદલ સજા આપવાનો વિચારમાત્ર હતો. ડોક્ટરે અક્કલથી કામ લેવાનું વિચાર્યું. એમણે નર્સને એક વધુ તક આપવાનો નિર્ણય કર્યો. ભૂલ કરનારી નર્સ ૨૦ વર્ષ પછી એક મોટી હોસ્પિટલમાં મેટ્રન બની.

સત્યનિષ્ઠા: આ એ લોકો હોય છે જે આપેલું વચન પાળીને પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરે છે. સત્યનિષ્ઠ તરીકે ઉલ્લેખ પામવો કોઇપણ વ્યક્તિ માટે માનભરી વાત છે. એ જુએ છે કે શું સાચું અને શું ખોટું છે. એનામાં સાચું કામ કરવાનું ઝનૂન હોય છે, પછી ભલેને એ માર્ગ પર ચાલતા ગમે તેટલા અવરોધો નડે કે ગમે તે કિંમત ચૂકવવી પડે.

માણસ ત્યારે જ પૂર્ણ થાય છે, જ્યારે એ પોતાનાં કામને એકબીજાં સાથે જોડીને રાખે. એ એવું કોઇ કામ નથી કરતો, જે એની ઇજ્જ્ત પર કાળો ધબ્બો લગાડે. કથની અને કરણીમાં ફરક ન હોવો એ જ સત્યનિષ્ઠા છે. પોતે કહ્યું હોય એનો અમલ પણ કરો જ. તમે જાત માટે જે કંઇ કહેતા હો છો એવા જ હંમેશાં દરેક સ્થિતિમાં રહો.

સત્યનિષ્ઠા આપણી અંદરના એ માણસને પ્રદર્શિત કરે છે, જે કાર્યો કરવાની પ્રેરણા આપે છે. એમાં આપણી વાણી, આપણો ઉદ્દેશ્ય અને આપણાં કાર્યો સમાવિષ્ટ હોય છે. એક પરિપકવ વ્યક્તિ સત્યનિષ્ઠાનું સદા પાલન કરે છે, આંતરિક અને બાહ્ય રીતે.

સત્યનિષ્ઠા અને કર્તવ્ય સાથેસાથે ચાલે છે. સત્યનિષ્ઠ વ્યક્તિ કર્તવ્ય કરવા તત્પર હોય છે. ‘હું ખોટો હતો’ કે ‘મને મદદની જરૂર છે’ જેવા શબ્દો એને માટે કમજોર હોવાની નિશાની નથી. એ તો મજબૂત વ્યક્તિ બનવા માટે ઉઠાવેલું કદમ છે. દબાણ હેઠળ તમે કેવું કામ કરો છો એના પરથી તમારી સત્યનિષ્ઠાની પરીક્ષા થઇ જાય છે.

ખોટાં કામ માટે તમે બહાનાં કાઢીને સત્યનિષ્ઠા સાથે બાંધછોડ કરો છો કે રસ્તામાં કોઇપણ અવરોધ આવે તો પણ સાચું કામ કરવાની તમારામાં પ્રબળ ઇચ્છા છે? આવી વ્યક્તિ મિત્રોની પસંદગીમાં વિવેક નહીં દાખવે કે ઉદાસીન રહે તો બૂરો સંગ એની સત્યનિષ્ઠાને કલંકિત કરી શકે છે. સત્યનિષ્ઠ વ્યક્તિ પોતાનાં વચન કોઇપણ સંજોગમાં પૂરાં કરે છે. આવી વ્યક્તિની વાત પર બધા વિશ્વાસ રાખે છે.

ધૈર્ય: આપણે ઘઉંનાં બી વાવીએ છીએ ત્યારે ત્રણ મહિનામાં જ એનું પરિણામ મળી જાય છે, પરંતુ આંબો રોપીએ તો એનાં ફળ મળવાની પાંચ વર્ષે શરૂઆત થાય છે. ઘ્યાન આપવા જેવી વાત એ છે કે આંબો આપણને ૧૦૦ વર્ષ સુધી કેરી આપતો રહેશે, જ્યારે ઘઉંનો પાક એક જ વાર મળશે. ખેતીમાંથી ધૈર્યનું સારું શિક્ષણ મેળવી શકાય છે.

એક ખેડૂત ધરતીમાંથી પોતાનો મૂલ્યવાન પાક લણવાની પ્રતીક્ષા કરે છે અને વરસાદની પણ કેટલી ધીરજથી રાહ જુએ છે! તમે કોઇ કંપનીમાં નોકરી કરતા હો કે તમારો પોતાનો બિઝનેસ હોય તો પોતાનાં કામમાં વિશ્વાસ જગાડવા માટે ધીરજપૂર્વક રાહ જોવાનું શીખો. શક્તિશાળી હોવા કરતાં ધૈર્યવાન થવું બહેતર છે. ધૈર્યની બાબતમાં મહાન અંગ્રેજ કવિ જહોન મિલ્ટન મને હંમેશાં પ્રેરણા આપતા રહ્યા છે. અંધ બન્યા પછી એમણે કહેલું, ‘જે લોકો ઊભા રહીને રાહ જુએ છે એ લોકો પણ સેવા કરે છે...’ ધૈર્ય રાખવાનું અવશ્ય શીખો. પ્રતીક્ષા કરો.

વિનમ્રતા અને સાદગી: મારા વ્યવહારુ જ્ઞાનથી મને બરાબર ખબર છે કે માણસો પ્રકૃતિથી સ્વકેન્દ્રી હોય છે તથા પ્રશંસા પ્રાપ્ત કરવા મારે સામાન્ય માણસ કરતાં ઉપર ઊઠવું પડે છે. વિનમ્રતાના માર્ગમાં અહમ્ સૌથી વધુ મોટું વિધ્ન છે. ઘમંડથી તમારી વિચારવાની શક્તિ ક્ષીણ થઇ જાય છે.

તમે જાણો છો કે તમે સફળ થયા છો એ તમારી મહેનત અને લગનનું ફળ છે. તમે જાતે જ ભૂલો સુધારી. એ દરમિયાન કેટલાય લોકોએ તમને મદદ પણ કરી. આ રીતે મેળવેલી સમજણે તમને સમજાવ્યું કે અહમનો અંત વિનાશમાં આવે છે, જ્યારે વિનમ્રતા અને સાદગી તમને એક વિશ્વસનીય અને ઇમાનદાર વ્યક્તિ બનાવે છે. સિદ્ધિઓ કેવળ છેલ્લાં થોડાં વર્ષોમાં કરેલી મહેનતનું જ નહીં, બલકે સતત કેટલાંય વર્ષોની એકધારી મહેનતનું પરિણામ હોય છે.

ઉધમશીલતા: મહાન કાર્યો તાકાતથી નહીં, ખંતથી પૂરાં કરાય છે. ખંત શું છે? સાદા શબ્દોમાં કહીએ તો કોશિશ કરતાં રહેવાનું અને હાર ન માનવાનું નામ જ ખંત છે. આપણા જીવનમાં એવી ઘણી ઘટના બને છે, જેના પર આપણું લેશમાત્ર નિયંત્રણ નથી હોતું.

જોકે, આપણી પાસે ઘટનાને સહેતા રહી આગળ વધતા રહેવાનો વિકલ્પ જરૂર હોય છે અને હાર માની અટકી જવાનો પણ વિકલ્પ પણ હોય છે. આપણા ભરોસાથી આપણામાં સહિષ્ણુતા પેદા થાય છે અને સફળતા આસાનીથી નથી મળતી એવો વિશ્વાસ પણ જાગે છે. લોકો બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને જે ઘટના બને છે જેની પર આપણો અંકુશ નથી હોતો.

શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી સત્તા પર આવ્યા અને વ્યાપાર ક્ષેત્રે એવા દરવાજા ખૂલી ગયા, જે પહેલા ખૂલવા મુશ્કેલ હતા. ઉધમીઓ માટે ખંત મૂલ્યો જેવી જ છે. મૂલ્ય કળા છે, વિજ્ઞાન નહીં. એટલે એ જાણી નથી શકાતું કે ક્યારે હાર માની લેવી જોઇએ અને ક્યારે નહીં, ક્યારે કોશિશ કરવી જોઇએ અને કેટલી વાર કરવી જોઇએ તથા ક્યારે કોઇ બીજો ઉપાય કરવો જોઇએ.

એનો આધાર એક ઉધમીની વ્યક્તિગત ક્રિયા-પ્રક્રિયા અને આસ્થા પર છે. ઉધમીનું એક સપનું હોય છે, જે એને પૂરું કરવું હોય છે. એણે એ પણ નિર્ણય લેવાનો હોય છે કે પોતે અવરોધોને કયાં સુધી ઝીલી શકે છે. એને પ્રેરણા ક્યાંયથી પણ કોઇપણ સમયે મળી શકે છે, બસ જરૂર હોય છે તો માત્ર પોતાની વિચારણા, પૂછપરછ અને કામ કરવાની તત્પરતાનો ઉપયોગ કરી જુદા જુદા દિશા-નિર્દેશો જાણવા-સાંભળવાની. કડવી યાદો અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ઉધમી પોતાની પર હાવી નથી થવા દેતો. એ તો બસ એને પાછળ જોવાના અરીસા તરીકે ઉપયોગ કરે છે, કે જેથી એ જાણી શકે કે પોતે કેટલું અંતર કાપી નાખ્યું છે.

પ્રેમ: આપણે સૌ પ્રેમ અંગે આપણી ચોતરફ ઘણો ગોકીરો સાંભળતા હોઇએ છીએ, પરંતુ જયાં સુધી ક્રિયારૂપે એને જોઇ-અનુભવી નથી લેતા ત્યાં સુધી આપણે એને ઉચિત રીતે સમજી નથી શકતા કે એની વ્યાખ્યા નથી આપી શકતા. મા-દીકરાનો પ્રેમ, બાપ-દીકરીનો પ્રેમ, યુવક-યુવતીનો પ્રેમ વગેરે વિષે આપણે ઘણું બધું જાણ્યું-સાંભળ્યું છે, પરંતુ એ બધું તો સાગરમાંથી હિમશિલાનો બહાર દેખાતો એક-અંશ માત્ર છે. મનુષ્ય પ્રેમને હજારો રીતે વ્યકત કરવા સક્ષમ છે. પ્રસ્તુત છે એક ઘટના, જેણે મારામાં હંમેશાં વિનમ્રતાનો ભાવ જગાડ્યો છે.

૧૯૬૨માં સમુદ્ર માર્ગે હું મિનોપોલિસથી નવી દિલ્હી પાછો ફરી રહ્યો હતો. હું ત્યાં એક હોટેલમાં ઊતરેલો અને મારો પરિવાર પણ મારી સાથે હતો. બીજે દિવસે મારાં સાસુ અમને મળવા આવ્યાં, પણ તરત જ પાછાં જતાં રહ્યાં. મને આશ્ચર્ય થયું.

મેં પત્નીને પૂછ્યું કે શું થયું? એણે હસીને જવાબ આપ્યો કે મમ્મી આપણા દીકરા વિજય માટે ટોઇલેટ ટિશ્યૂ લેવા સુપર માર્કેટ ગઇ છે, કેમકે એને લાગે છે કે છ માસના લાડકા વિજય માટે થ્રી-સ્ટાર હોટલનાં ટિશ્યૂ બહુ કડક છે. ૭૩ વર્ષનો થયા પછી પણ હું આ ઘટના ભૂલ્યો નથી અને વિચારું છું કે શું હું દાદા તરીકે આટલો સારો છું? હું વિજય અંગે પણ વિચારું છું કે એણે સામે શું આપ્યું? અને આપ્યું તો કેટલું અને કેટલી હદ સુધી? મને હજી સુધી ખબર નથી.

પ્રેમનું મૂલ્ય એ છે જેમાં બુદ્ધિમત્તા, સત્યનિષ્ઠા, ધૈર્ય, ઉધમશીલતા, ઇમાનદારી તથા વિશ્વાસ, વિનમ્રતા અને સાદગી સામેલ છે. એમાં સૌથી વધુ ઉપર ક્ષમાશીલતા, આસ્થા, ઉદારતા, દયા, સેવા, શાંતિ અને આનંદનાં મૂલ્યો છે. આપણી સફળતા, ખુશી અને સંતોષનો આધાર એ મૂલ્યો પર છે, જેનું પાલન આપણે રોજબરોજના જીવનમાં કરીએ છીએ. એનો આધાર છે એક સાદું-સીધું સત્ય: ‘જીવનમાં જે કરો એને પ્રેમ કરતાં શીખો.

No comments:

Post a Comment