August 21, 2010

જ્ઞાનનું દુ:ખ

અજ્ઞાની તો અંધકારમાં ભટકે જ છે, પરંતુ જ્ઞાની મહાઅંધકારમાં ભટકી જાય છે’ — ઉપનિષદો આવું એ જ્ઞાનીઓ માટે કહે છે, જેઓ આત્મજ્ઞાની થયા વગર જ્ઞાની થઇને ફર્યા કરે છે.

આ જગતમાં જે સર્વાધિક બુદ્ધિમાન લોકો થયા છે, એમાં ચીની સંત લાઓ ત્સે પ્રથમ કોટિમાં આવે છે. આ સંત એવા વિલક્ષણ હતા કે પરમ પ્રજ્ઞાવાન હોવા છતાં પણ પોતાને બેવકૂફ (ઇડિયટ) જાહેર કરતા હતા. આમ છતાં દૂર સુધી એમની ખ્યાતિ ફેલાઇ ગઇ. ચીનના એ કાળના સમ્રાટ પણ એમના ભણી આકર્ષિત થયા. આટલા પ્રતિભાસંપન્ન હોવા છતાં લાઓ ત્સે સહજ-સરળ જીવન જીવતા હતા, કૃત્રિમતા અને પાખંડથી દૂર રહેતા હતા. લાઓ ત્સે ખૂબ જ વિલક્ષણ વ્યકિત હતા, છતાં સર્વાધિક સાધારણ.

આજે પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરે રાજકીય બહુમાનની દોટમાં સતત ભાગતા રહેતા અસાધારણ લોકોએ લાઓ ત્સેને વાંચવા-સમજવા જોઈએ. તેઓ પરમજ્ઞાની હોવા છતાં પોતાને ઇડિયટ કહેતા હતા. તમે પણ કહેશો કે એ ખરેખર જ ઇડિયટ છે; આટલું રાજકીય સન્માન અને સુખ-સુવિધા મળી શકે એમ છે, પણ એમાં રસ જ નથી લેતા?!

આવા જ એક ઇડિયટ હતા યૂનાનના સોક્રેટિસ. તેઓ પણ મહાજ્ઞાની હોવા છતાં કહેતા હતા: હું એટલું જ જાણું છું કે હું કંઇ જ નથી જાણતો.એમનું આવું કહેવાનું કારણ શું હોઇ શકે? આવા અનોખા પ્રજ્ઞાપુરુષ પોતાની જાતને અજ્ઞાની શા માટે ઘોષિત કરતા રહ્યા? દુનિયાના સૌ લોકો તો પોતે કેટલા જ્ઞાની છે એવો દાવો કરવાની એકે તક જતી નથી કરતા. પોતાને પંડિત કહેવડાવું તેમને ખૂબ ગમે છે.

આ વિચારવા જેવું છે. અહીં આપણે જ્ઞાનને બે કક્ષામાં મૂકવું પડશે. એક કક્ષામાં એ જ્ઞાન જે આપણે બીજાઓ પાસેથી પ્રાપ્ત કરીએ છીએ, શાસ્ત્રો અને ગ્રંથોમાંથી પ્રાપ્ત કરીએ છીએ; અને એક જ્ઞાન એ જે આપણે આપણી ભીતર અનુભવીએ છીએ, જેને આપણે આત્મજ્ઞાન કહીએ, સ્વાઘ્યાય કહીએ. બહારથી મળતું જ્ઞાન મુખ્યત્વે માહિતીપ્રદ હોય છે, જેને આપણે આપણા મગજમાં ભરી દઇએ છીએ; એ જ્ઞાન આપણને કંઠસ્થ થઇ જાય છે, આત્મસ્થ નથી થતું. બહારનાં જ્ઞાનથી આપણા મગજનો બોજ સતત વધતો જાય છે અને એના પ્રમાણમાં હૃદયની સંવેદનક્ષમતા ઓછી થતી જાય છે, અહંકાર અને દંભ વધતા જાય છે, પ્રેમભાવના ઘટતી જાય છે.

ઉપનિષદોએ આપણને આવાં જ્ઞાનથી સાવધાન અને સજાગ કર્યા છે. ઉપનિષદોનું એક મહાવાક્ય છે — ‘અજ્ઞાની તો અંધકારમાં ભટકે જ છે, પરંતુ જ્ઞાની મહાઅંધકારમાં ભટકી જાય છે.ઉપનિષદો આવું એ જ્ઞાનીઓ માટે કહે છે, જેઓ આત્મજ્ઞાની થયા વગર જ્ઞાની થઇને ફર્યા કરે છે. તેઓ પોતે ભટકેલા હોય છે અને બીજાઓને પણ ભટકાવતા હોય છે. આ જ્ઞાનીઓ બાળક જેવી નિર્દોષતા તથા બાળસુલભ સંવેદનશીલતા અને વિસ્મયબોધ ખોઇ ચૂકયા હોય છે.

આજે દુનિયામાં એટલું બધું જ્ઞાન છે કે એની જાળમાં ફસાયેલો માણસ પોતાની જાતને વામન માનવા લાગે છે, એક પ્રકારની લઘુતાગ્રંથિનો અનુભવ કરતો રહે છે. ઓશો કહે છે : જે જ્ઞાન આનંદ સુધી ન લઇ જાય એ જ્ઞાન જ્ઞાન નથી. તે જ્ઞાન હોઇ જ ન શકે. જે ભોજનથી ભૂખ ન મટે એને ભોજન કહેવાય જ કેવી રીતે? એ ભોજનની ચર્ચા હોઇ શકે, ભોજન સ્વયં નહીં જ. શકય છે કે આખું પાકશાસ્ત્ર તમારા હાથમાં હોય અને છતાં તમે ભૂખ્યા રહી જાવ.

કેવળ પાકશાસ્ત્રથી કદી કોઇની ભૂખ મટી છે? રોટલી ગમે તેટલી કડક-સૂકી હોય, પણ એ ભૂખ ભાંગી શકે છે. પાકશાસ્ત્ર સુવર્ણના તારથી બંધાયેલું હોય અને એની પર હીરા-મોતી ટાંગ્યાં હોય તો પણ ભૂખ્યા માણસ માટે એ કંઇ કામનું નથી, કેમકે એનો સંબંધ ભૂખ ભાંગવા સાથે છે જ નહીં. તમારા વેદો, તમારી ગીતા, તમારું કુરાન તમારાં પાકશાસ્ત્રો છે. એ અત્યંત મૂલ્યવાન હશે, અને એમાં જાતજાતની વિધિઓ લખેલી છે, પણ તમે એની પૂજા કરી રહ્યા છો અને તમે એની પર મખમલના પડદા નાખી રહ્યા છો, જેથી ભૂલમાં પણ તમને એમની ઝલક ન મળી જાય.

No comments:

Post a Comment