August 21, 2010

ટેકઓવરથી ટ્રીગર સુધી

ટેક ઓવરશબ્દ વૈશ્વિક છે અને તેનો અર્થ પણ વ્યાપક છે. ટ્રીગરશબ્દનો સંબંધ શેરબજારના ચાલકબળ સાથે છે. આ અને આવા કેટલાક ઉપયોગી શબ્દોના અર્થ સમજીએ.

ટેકઓવર: કોઇ એક કંપની બીજી કંપનીને હસ્તગત કરે ત્યારે તેણે ટેકઓવર કર્યું કહેવાય છે. કોર્પોરેટ ક્ષેત્રે મોટી કંપનીઓ પોતાના ક્ષેત્રમાં અથવા તો સંબંધિત ક્ષેત્રમાં રહેલી નાની પણ સારી કંપનીઓને ટેકઓવર કરી પોતાનું કદ વધારતી હોય છે. તાતા સ્ટીલે વિદેશી કંપની કોરસને હસ્તગત કરી હોવાની વાતો થોડો વખત પહેલાં અખબારોમાં ચમકી હતી.

તાજેતરમાં ફોર્ટિસ હેલ્થકેરે વિદેશી કંપની પાર્કવેનો મેજોરિટી હિસ્સો હસ્તગત કરી લીધો. ભારતી એરટેલે આફ્રિકાની ઝૈન કંપનીને હસ્તગત કરી એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. કોઇ કંપની જ્યારે બીજી કંપનીને ટેકઓવર કરે ત્યારે તેની માલિકી કે નિયંત્રણ હસ્તગત કરી લેતી હોય છે.

તેથી આ વિષય શેરધારકો-રોકાણકારો માટે સંવેદનશીલ અને મહત્ત્વનો બની રહે છે. કોઇ સમર્થ કંપની નબળી કંપનીને હસ્તગત કરી લે ત્યારે નબળી કંપનીના શેરધારકો ખુશ થતા હોય છે, જ્યારે હસ્તગત કરનારી કંપનીના શેરધારકો વિચારતા હોય છે કે હવે આપણી કંપની પર બોજ તો નહીં વધી જાયને!

ટેકઓવર પરસ્પર સમજૂતીથી થાય છે. તેમ જ બળજબરીથી કે વ્યૂહરચના સાથે ચાલાકીપૂર્વક પણ થાય છે. ઘણીવાર જેને ટેકઓવર કરવાની હોય તે કંપનીના મેનેજમેન્ટને અંધારામાં રાખવામાં આવે છે. આવી ટેકઓવર વોરના અનેક કિસ્સા કોર્પોરેટ ઇતિહાસમાં નોંધાયેલા છે. તેને હોસ્ટાઇલ ટેકઓવર પણ કહેવાય છે. આ વિષયની જટિલતાને તેમ જ શેરધારકોનાં હિતની રક્ષાને લક્ષ્યમાં રાખી સેબીએ ટેકઓવર રેગ્યુલેશન બનાવ્યાં છે.

સમય-સંજોગ અનુસાર તેની જોગવાઇઓમાં સુધારાવધારા પણ થતા રહે છે. રોકાણકારોએ કોર્પોરેટ ટેકઓવરના કિસ્સા પર નજર રાખવી જોઇએ, કેમ કે આગામી વર્ષોમાં આવા બનાવો વધતા જવાના. તીવ્ર હરીફાઇમાં ટકી ન શકનાર નાની-મઘ્યમ કંપનીઓને જાયન્ટ કંપનીઓ ટેકઓવર કરી લે છે ત્યારે એ કંપનીઓની કિસ્મત બદલાઇ જતી હોય છે અને તેની અસર બન્ને કંપનીના શેરોના ભાવ પર પડે છે.

બેસ્ટ બાય: શેર પોતે અથવા તો જે-તે શેરનો ભાવ ખરીદવા માટે ઉત્તમ ગણાય તેને બેસ્ટ બાયકહે છે. જે-તે કંપની ઉત્તમ છે અથવા હાલ તેનો ભાવ જે સ્તરે છે ત્યાંથી તેની વધવાની સંભાવના શ્રેષ્ઠ છે એવી ગણતરી સાથે આવી સ્ક્રિપ કે શેરને બેસ્ટ બાયતરીકે ગણાવવામાં આવે છે. ઘણીવાર એનેલિસ્ટો પ્રવર્તમાન સ્થિતિને આધારે પણ કોઇ શેરને બેસ્ટ બાય કહે છે ત્યારે એ વખતે કંપનીના શેરનો ભાવ વધી શકવાની શકયતા ઊંચી હોય છે.

રોલ બેક : તાજેતરમાં બજેટ બાદ નાણાં પ્રધાનના મોઢે આ શબ્દ વારંવાર બોલાતો રહ્યો હતો. દા.ત. પેટ્રોલનો ભાવવધારો જાહેર કરી દીધા બાદ નાણાંપ્રધાન એમ કહે કે હવે તેમાં રોલ બેક નહીં થાય તો તેનો અર્થ એ કે પેટ્રોલનો ભાવવધારો હવે પાછો નહીં ખેંચાય.

સ્ટીમ્યુલસ પેકેજ: વૈશ્વિક આર્થિક કટોકટી બાદ આ શબ્દ દુનિયાભરની જીભે રમતો થઇ ગયો. રિસેશન દરમિયાન વેપાર-ઉધોગોને ઉગારવા, મંદીમાંથી બહાર કાઢવા કે ટકી રહેવા સરકાર જે-તે વેપાર-ઉધોગને રાહતો આપે તેને સ્ટીમ્યુલસ પેકેજ કહેવામાં આવે છે. સરળ શબ્દમાં તેને રિલીફ પેકેજ પણ કહે છે. આ રાહત કરમાફી, સબસીડી, વ્યાજમાફી, લોનની પુન: ચુકવણીની સુવિધાથી માંડી અનેકવિધ સ્વરૂપે હોઇ શકે.

તેનો ઉદ્દેશ એ જ હોય છે કે વેપાર-ઉધોગ પ્રતિકૂળ સમયમાંથી હેમખેમ પસાર થઇ જાય. સરકાર આવા સમયે પોતાનો બોજ વધારીને પણ વેપાર-ઉધોગને રાહત આપે છે. આ રાહતો મર્યાદિત સમયગાળા માટે હોય છે, કાયમી નહીં, તેથી જ્યારે પણ સ્ટીમ્યુલસ પેકેજ પાછાં ખેંચાય ત્યારે વેપારજગતમાં થોડો ગભરાટ જરૂર ફેલાય છે, સંબંધિત શેરોના ભાવોને અસર પહોંચે છે. તેમ જ એકંદરે બજાર કે ઉધોગને પણ એની અસર થાય છે. અલબત્ત, સરકાર રાહતો પાછી ખેંચતી વખતે જે-તે ઉધોગ સાનુકૂળ સ્થિતિમાં આવી ગયો હોવાની કાળજી રાખે છે. આ પ્રકારનાં પગલાં જે-તે ઉધોગ, તેની કંપનીઓ અને શેરધારકો માટે સેન્સિટિવ બની રહે છે.

બ્લુચીપ: શેરબજારમાં શ્રેષ્ઠ-મજબૂત કંપનીઓ માટે આ શબ્દ વપરાય છે. કોઇ કંપની બ્લુચીપ છે એવું કહેવાય ત્યારે રોકાણકારો સમજી લે છે કે એ લગડી છે. આવી કંપનીઓ સામાન્યપણે અગ્રેસર તેમ જ લોકપ્રિય હોય છે અને તેના પર બધાની નજર હોય છે. તેના શેરોની ધૂમ લે-વેચ થતી હોય છે તેને તેના ભાવોમાં થતી વધઘટ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

કોર્નરિંગ: કોઇ શેર સતત કોઇ ચોક્કસ વ્યક્તિ-જૂથ ખરીદીને જમા કરતો હોય ત્યારે તેને એ શેરનું કોર્નરિંગ થઇ રહ્યું છે તેમ કહેવાય. કોર્નરિંગ થવાનાં વિભિન્ન કારણો હોઇ શકે, પરંતુ અમુક વર્ગને તેમાં વિશેષ રસ છે એવું તેના પરથી ચોક્કસ ફલિત થાય.

એક્સપોઝર: સાદા શબ્દમાં કહીએ તો એક્સપોઝર એટલે જોખમ. કોઇ કંપનીમાં રોકાણકાર ઈન્વેસ્ટ કરે છે ત્યારે તેણે એ કંપનીમાં એક્સપોઝર લીધું ગણાય. એક્સપોઝર માત્ર કંપનીમાં નહીં, સમગ્ર ઉધોગમાં કે અર્થતંત્રમાં પણ લેવાતું હોય છે. રોકાણકાર જ્યારે કોઇ અન્ય દેશમાં રોકાણ કરે ત્યારે તેણે એ દેશના અર્થતંત્રમાં કે એ દેશની કંપનીમાં, ઉધોગમાં જોખમ લીધું છે તેમ કહેવાય. વાયદાના સોદાઓમાં આ શબ્દ વધુ વપરાય છે, કેમ કે જ્યારે ટ્રેડર ફ્યુચર્સ કોન્ટ્રેકટ કરે છે ત્યારે તેણે ભાવિનું જોખમ લીધું હોય છે. વ્યક્તિ જ્યારે પણ કોઇ રોકાણ કરે છે ત્યારે તેના મૂલ્યમાં વધઘટની સંભાવના હોવાથી રોકાણને એક્સપોઝર કહે છે.

ગાઇડન્સ: કંપની આગામી સમયમાં થનાર ટર્નઓવર, બિઝનેસ કે કામકાજ વિશેનો અંદાજ અથવા સંકેતો આપે તેને ગાઇડન્સ કહે છે. સામાન્ય રીતે આઇ.ટી. (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) કંપનીઓને લીધે આ શબ્દ વધુ પ્રચલિત થયો છે. ઇન્ફોસિસે આગામી ત્રિમાસિક ગાળા માટે આપેલાં ગાઇડન્સને લીધે શેરનો ભાવ ઊંચકાયો - આ પ્રકારનાં વિધાનો તમે વાંરયા હશે. આનો અર્થ એ કે ઇન્ફોસિસે તેના આગામી ત્રણ મહિના માટે સારા બિઝનેસના સંકેત આપ્યા છે. આ ગાઇડન્સ જે-તે સંજોગોને આધીન સારાં કે નબળાં પણ હોઇ શકે.

તેની અસર સંબંધિત કંપનીને જ નહીં, બલકે તે ક્ષેત્રની અન્ય કંપનીઓ પર પણ થઇ શકે છે, કેમ કે આ સંકેત (ગાઇડન્સ) જે-તે ક્ષેત્રની સ્થિતિને આધારે બન્યાં હોય છે. જેમકે, એક આઇટી કંપની તેના આગામી ત્રણ મહિના માટે સારા બિઝનેસનાં ગાઇડન્સ આપતી હોય તો મોટેભાગે એ બીજી આઇટી કંપનીઓ માટે પણ સારા બિઝનેસના સંકેત બની રહે છે. આવાં ગાઇડન્સ મોટેભાગે વિદેશોમાં પણ કામકાજ ધરાવતી કંપનીઓ તરફથી આપવામાં આવે છે. એકથી વધુ દેશના અર્થતંત્ર અને તેના સંજોગો સાથે તે સંબંધ ધરાવતી હોય છે. રોકાણકારો અને ટ્રેડરો માટે ગાઇડન્સને સમજવાનું ખાસ મહત્ત્વ હોય છે.

ટાર્ગેટ: આનો શાબ્દિક અર્થ છે લક્ષ્ય, પરંતુ શેરબજારમાં ટાર્ગેટ શબ્દ શેરના ભાવના સંદર્ભમાં વધુ વપરાય છે. ખાસ કરીને એનેલિસ્ટો તેમના રિપોર્ટમાં આ શબ્દનો વિશેષ પ્રયોગ કરતા હોય છે. દા.ત. એક કંપનીના શેરનો ભાવ આગામી ત્રણ મહિનામાં કે છ મહિનામાં ૫૦૦ રૂપિયા સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. આમ થશે જ એ નક્કી ન કહી શકાય પણ તે ટાર્ગેટ કે લક્ષ્ય જરૂર છે. તેના માટે એનેલિસ્ટો વિભિન્ન કારણો પણ આપે છે.

ટાર્ગેટ ભાવ શોર્ટ ટર્મ માટે વધુ હોય છે અને તેમાં સમયાંતરે સંજોગો અનુસાર બદલાવ પણ આવતો રહે છે. યાદ રહે, નિષ્ણાત કે એનેલિસ્ટ શેરના ભાવનો ટાર્ગેટ આપે ત્યારે વાસ્તવમાં ભાવ એ સપાટીએ પહોંચશે જ એવું ક્યારેય આંખ બંધ રાખીને માની લેવાય નહીં. અલબત્ત, તેજીના વાતાવરણમાં આવા ટાર્ગેટ ફટાફટ પૂરા થઇ જતા હોય છે, ઘણીવાર આપેલા સમય કરતા પૂર્વે પણ ભાવ તે લેવલે પહોંચી જાય એવું બની શકે છે, પરંતુ ટાર્ગેટ આખરે તો એક ધારણા, અંદાજ કે અનુમાન જ છે, જે સંજોગોને આધીન છે.

ટ્રીગર: આ જરા સોફિસ્ટિકેડ શબ્દ છે. સાદો અર્થ કરીએ તો ટ્રીગર એટલે બજારનું ચાલકબળ કે ડ્રાઇવર. બજારમાં એવું કહેવાતું હોય છે કે માર્કેટને ઊંચે જવા માટે હવે કોઇ ટ્રીગરની જરૂર છે. શેરબજાર એક યા બીજાં પરિબળને આધારે ચાલતું હોય છે, જેની ગતિ ઉપર કે નીચે તરફની હોઇ શકે પરંતુ બજારને વેગ માટે ટ્રીગર પોઇન્ટ જરૂરી બને છે. જેમ કે, સરકાર કોઇ ઉદાર-પ્રોત્સાહક નીતિ જાહેર કરે તો બજારને ઊંચે જવા માટે ટ્રીગર મળ્યું કહેવાય અથવા રિલાયન્સ જેવી જાયન્ટ કંપનીનાં પરિણામ ખૂબ જ સારાં જાહેર થયા તો એ પણ ટ્રીગર ગણાય.

રિઝર્વ બેંકની ધિરાણનીતિ ખૂબ પ્રોત્સાહક જાહેર થાય તો બજારને દોડવા માટે ટ્રીગર મળ્યું ગણાય. આમ, શેરબજારની ચાલને વેગ આપતાં કારણોને ટ્રીગર પોઇન્ટ કહેવામાં આવે છે. રોકાણકારો શેર ખરીદે ત્યારે બજારનાં ભાવિ સંભવિત ટ્રીગર શું હોઇ શકે તેને સમજી લે તો સફળતાપૂર્વક લાભકારક રોકાણ કરી શકે.

ડીપી (ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ) : શેરધારક, કંપની અને ડિપોઝિટરી વરચેની કડી એટલે ડીપી. બેન્કો, નાણાં સંસ્થાઓ, શેરદલાલો વગેરે ડીપી બની શકે છે. જેમ બેન્ક ખાતેદારનાં નાણાં સાચવે છે તેમ ડીપોઝિટરી રોકાણકારની સિક્યુરિટીઝને ઇલેકટ્રોનિક સ્વરૂપમાં જાળવે છે. આપણા દેશમાં એનએસડીએલ(નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિ.) અને સીડીએસએલ(સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઇન્ડિયા લિ.) નામની બે ડિપોઝિટરી છે. રોકાણકારે શેરબજારમાં સોદા કરવા ફરજિયાત પોતાનું ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. આ એકાઉન્ટ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખોલાવવામાં આવે છે

No comments:

Post a Comment