
વર્ષ ૧૯૭૪માં બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી પોસ્ટ ગ્રેજયુએશન કરી ચૂકેલી તે એકમાત્ર યુવતી હતી, જે પોતાના કેમ્પસમાં ચોંટાડવામાં આવેલી જાહેરાતથી નારાજ હતી. આ જાહેરાતમાં અંતમાં સ્પષ્ટ લખ્યું હતું કે ‘યુવતીઓએ અરજી કરવી નહીં.’
આ જાહેરાત જોઈને તેને દુ:ખ થયું અને તેણે ટેલ્કો મેનેજમેન્ટને પત્ર લખ્યો. તેણે લખ્યું કે ટેલ્કો જેવી કંપનીએ યુવક-યુવતી વચ્ચે ભેદ રાખવા જોઈએ નહીં. પત્ર મોકલ્યાના દસ દિવસમાં તેને એક તાર મળ્યો જેમાં તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવાઈ હતી. તેને નોકરીમાં રસ નહોતો છતાં પણ તે ત્યાં ગઈ. ઇન્ટરવ્યૂ પેનલમાં બેઠેલી એક વ્યક્તિએ ધીમા અવાજે કહ્યું કે આ પેલી જ યુવતી છે, જેણે જેઆરડીને પત્ર લખ્યો છે. તે યુવતીએ જણાવ્યું કે, મને લાગે છે કે માત્ર એક ફોમૉલિટી માટે ઇન્ટરવ્યૂ ગોઠવાયો છે. તેણે કહ્યું કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશેને. નહીંતર કોઈ પણ મહિલા તમારી ફેક્ટરીમાં કામ નહીં કરી શકે.
લાંબા ઇન્ટરવ્યૂ બાદ તેને નોકરી આપવામાં આવી. શોપ ફ્લોર પર નિમણૂક મેળવનારી તે પ્રથમ મહિલા હતી. અહીં જ તેની મુલાકાત કર્ણાટકના એક શરમાળ યુવક સાથે થઈ, જેની સાથે તેણે લગ્ન કરી લીધાં. પછી એક વખત જેઆરડી તાતા સાથે મુલાકાત થઈ. તેને જોઈને તાતા બોલ્યા, હવે દેશમાં એન્જિનિયરિંગમાં પણ યુવતીઓ આવવા લાગી છે. તમારું નામ શું છે? યુવતીએ જવાબ આપ્યો, ટેલ્કો સાથે જોડાતાં પહેલા મારું નામ સુધા કુલકર્ણી હતું, હવે હું સુધા મૂર્તિ છું. વર્ષ ૧૯૮૨માં તેણે પતિની કંપની ઇન્ફોસિસમાં જોડાવા રાજીનામું આપ્યું. અંતિમ દિવસે ફરી તાતા સાથે મુલાકાત થઈ. તેમણે તેને પૂછ્યું કે, સારું , તમે જ્યારે સફળ થશો ત્યારે શું કરશો? સુધાએ જણાવ્યું કે, સર, હું જાણતી નથી કે અમે સફળ થઈશું કે નહીં.
આ સાંભળીને તાતા બોલ્યા કે, ક્યારેય પણ આશંકિત મન સાથે શરૂઆત કરવી નહીં. હંમેશાં આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરો. જ્યારે તમે સફળ થાઓ ત્યારે તમારે સમાજને પણ કંઈક પાછું આપવું જોઈએ. સમાજ આપણને આટલું બધું આપે છે તો આપણે પણ તેના બદલામાં કંઈક પાછું આપવું જોઈએ. સંભવત: જેઆરડીની આ સલાહ પર જ સુધૉએ ઇન્ફોસિસ ફાઉન્ડેશનની શરૂઆત કરી, જે અનેક સામાજિક પ્રોજેક્ટો ચલાવે છે.
આ લેખ ૨૯ જુલાઈ,૨૦૦૪ની જેઆરડી તાતાની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે તાતા જુથ દ્વારા પ્રકાશિત ‘લાસ્ટિંગ લેગસિઝ’ માંથી લેવાયો છે. ફંડા એ છે કે, જો તમે જીવનમાં સફળતા મેળવીને કોઈ ટોચે પહોંચી જાઓ તો તમારી એ ફરજ બને છે કે સમાજને પણ કંઈક પાછું આપવું જોઈએ.
No comments:
Post a Comment