August 19, 2010

ચોમાસામાં ફિટ અને ફાઈન કેવી રીતે રહેશો?


આ રહી વર્ષાઋતુમાં ઉપયોગી બને એવી હેલ્થ અને બ્યુટી ટિપ્સ.

ચોમાસું આમ ભલે રોમેન્ટિક ઋતુ ગણાય, પરંતુ આ મોસમ આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે તે વાત પણ એટલી જ સાચી છે. મલેરિયા, કમળો, ગ્રેસ્ટ્રો, ટાઇફોઇડ, કોલેરા ઉપરાંત વાઇરલ ઇન્ફેકશન જેવા રોગ ચોમાસામાં શરીરને સરળતાથી ધેરી લે છે. શરદી અને કફ પણ પોતાની હાજરી પુરાવી જાય છે. સૌથી પહેલાં ચોમાસામાં શરીરને કઈ રીતે ફિટ રાખવું તે વિગતવાર જોઈએ.

જલપાન બાબતે સાવધાન

- ચોમાસામાં આપણી પાચનશક્તિ ઓર નબળી પડે છે, એટલે આ સિઝનમાં પીવાના પાણીથી રોગ થવાની શક્યતા વધી જાય છે. ચોમાસું બેસતાં જ પાણી ઉકાળીને અને ગાળીને પીવાનું શરૂ કરી દો. આ અત્યંત ફાયદાકારક છે.

- નળનું પાણી સીધેસીધું પીવાનું ટાળો.

- વરસાદમાં તરસ ઓછી લાગવા છતાં વધુ પાણી પીઓ.

- ઘરની બહાર હો તો ગવર્નમેન્ટ સર્ટિફાઈડ કંપનીનું મિનરલ વોટર લેવાનો આગ્રહ રાખો.

પાચનશક્તિ શી રીતે વધારશો?

- ઘઉં, ચોખા, મકાઈ અને જવમાંથી બનતો હળવો ખોરાક લો.

- રોજિંદા ખોરાકમાં આદું અને લીલા ચણાનો ઉપયોગ કરો.

- મકાઇનું તેલ કે ઓલિવ ઓઇલ જેવા હલકા તેલનો વપરાશ કરો. બને તો ગિ્રલ્ડ કે તંદૂરી જેમાં વધુ તેલ યા બટરનો વપરાશ ન થયો હોય એવો ખોરાક લો.

- લીલાં શાકભાજી, ફળ અને સિરિયલ્સ ખાવ. લીલાં શાકભાજીમાં જીવાણુઓ હોય છે એટલે એમને બરાબર ધોયાં પછી જ ઉપયોગમાં લો.

- શાકભાજીમાંથી બનતા વિવિધ સૂપ લઈ શકાય.

- કારેલાં, લીમડો, મેથી, હળદર જેવી કડવી ખાધસામગ્રીનો વપરાશ વધુ કરો. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

- ભેજવાળા વાતાવરણને લીધે ખોરાકમાં બેકટેરિયાનો વિકાસ ઝડપથી થાય છે. માટે રાંધેલું જે કંઈ પણ ખાઓ તે ગરમાગરમ જ ખાવાનો આગ્રહ રાખો. આ રીતે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા ઓછી થઈ જાય.

- ઉકાળીને ઠંડાં પડેલાં પાણીમાં થોડું મધ નાખી પીવું.

- શરીર પર અઠવાડિયે એકવાર ઓલિવ ઓઈલ કે બીજાં હળવાં તેલથી મસાજ કરો. મસાજથી શરીરની જળવાહિની ખૂલે છે અને ગેસનો ભરાવો ઓછો થતાં વજન ઘટવામાં મદદ મળે છે. ઉપરાંત પેટ પણ સાફ આવે છે.

- ચાલવાની કે યોગની હળવી કસરત કરો.

માંદગીથી બચો

- સલાડ જેવો કાચો ખોરાક ટાળો. યોગ્ય રીતે સાફ ન થયેલું સલાડ રોગના જીવાણુઓને નોતરે છે.

- આમલી કે કોપરાંની ચટણી, અથાણાં, સોસ જેવી ખાટી વસ્તુ ખાવાની ટાળો. એમા રહેલાં ન્યૂટ્રીયન્ટ્સ જીવાણુઓને મોકળું મેદાન આપે છે.

- દૂધ અને વધુપડતી સાકર જીવાણુઓના વિકાસ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરે છે, એટલે પનીર, રાઈતાં, મિલ્ક પ્રોડકટ્સ અને ખાસ કરીને મીઠાઇ ખાવાનું ટાળો.

- રસ્તા પરની પાણીપૂરી-ભેળપૂરી જેવી ખુલ્લી ખાધસામગ્રીથી દૂર રહો. તે પેટના સામાન્ય દુ:ખાવાથી ફૂડ પોઇઝનિંગ સુધી દોરી જઇ શકે છે.

- પાણીની માત્રા વધુ હોય તેવો આહાર એટલે કે ભાત, લસ્સી, કલિંગર, સક્કરટેટી વગેરે લેવાનું ટાળો.

- શરીરમાં પિત્તદોષ વધારનારાં મસ્ટર્ડ (રાઇ) ઓઇલ, સીંગતેલ અને સીસમના તેલનો વપરાશ ટાળો.

- પેટ ભારે કરે તેવો ભારે, નમકવાળો, તળેલો કે બટરવાળો ખોરાક લેવાનું ટાળો.

- પોટેશિયમનું પ્રમાણ વધારે હોય તેવું મીઠું વાપરવું અથવા આહારમાં મીઠાનું પ્રમાણ થોડું ઘટાડવું.

- પહેલેથી રાંધી રાખેલું ઠંડું ભોજન ન લેવું.

- ભારે કસરત ન કરો.

વર્ષાઋતુમાં રસોડાના ઉપયોગી મરીમસાલા

૧. લસણ

- કોલેરાની મોસમમાં સવાર-સાંજ લસણનો ઉપયોગ છૂટથી કરવાથી આ રોગથી દૂર રહી શકાય છે.

- નાના બાળકને શરદી થઈ હોય તો લસણની કળીઓને દોરામાં પરોવી માળા બનાવી ગળામાં પહેરાવવાથી લાભ થાય છે.

- લસણ, હિંગ, જીરું, સૂંઠ, મરી, પીપર, સિંધવ અને સંચળને લીંબુના રસમાં ઘૂંટીને બનાવેલી લસુનાદિવટીનું સેવન કરવાથી વા-છૂટ થાય છે. પેટમાં વાયુનો ભરાવો થઈ ગયો હોય એવું લાગે ત્યારે આ પ્રયોગ કરવો.

- લસણ ગરમ હોવાથી વાયુહર અને જંતુધ્ન છે અને તે મજજાતંતુને મજબૂત બનાવે છે.

૨. કાંદા

કાંદા ગરમ, તીખો, ઉત્તેજક અને કફ દૂર કરવા જાણીતા છે. શાક, કચુંબર, સંભાર, ચટણી કે સૂપ બનાવતી વખતે યા તો બીજી કોઇ પણ રીતે રસોઈમાં કાંદાનો ઉપયોગ કરી શકાય.

૩. ચાનો ગરમ મસાલો

કેસર, એલચી, તજ, લવિંગ, તમાલપત્ર, સૂંઠ, મરી, પીપર, પીંપરામૂળ, જાયફળ અને જાવંત્રીનું સંયોજન કરેલો મસાલો શરીરમાં ગરમાવો લાવી કફ દૂર કરે છે. તે પાચનશક્તિ જાળવી ઉત્સાહ ટકાવી રાખે છે.

- દૂધ ન પચતું હોય તો આ મસાલો દૂધમાં નાખી ગરમ કરી ઉકાળીને લેવાથી તે પચી જાય છે. દૂધની મલાઈ કાઢી આ મસાલો નાખવો. આનાથી દસ્ત બંધાઈને સાફ આવે છે અને કાચો કફ થતો નથી.

૪. ચુકુવેલમ

વર્ષાઋતુમાં જમ્યા પછી નવશેકાં પાણીમાં સૂંઠ અને જીરાની ભૂકી એક ચમચી નાખી પીવાથી ખાધેલું અન્ન પચી જાય છે, વાયુ છૂટ થાય છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. આ જલપ્રયોગને ચુકુવેલમ કહે છે. જયાં વરસાદ ખૂબ પડે છે તેવા વિસ્તારોમાં આનો ઉપયોગ સુખદ નીવડે છે.

૫. નાગરવેલ અને કાળા મરી

નાગરવેલનાં પાનની નીચેની ડાળખી કાઢી વરચે કાળા મરીના સાત દાણા મૂકી ચાવી જવું. આ પ્રયોગથી પાતળો માણસ પણ હૃષ્ટપુષ્ટ બને છે.

૬. ભાંગરો

વર્ષાઋતુનો આરંભ થતાં જ ભાંગરો નામની વનસ્પતિ આસપાસમાં ઊગી નીકળે છે. ભાંગરાનાં પાન લાવી, ધોઇ, સાફ કરી, છૂંદી એનો રસ કાઢી રાખવો. નીચેનો કચરો રહેવા દઈ માત્ર ઉપરનો ચોખ્ખો રસ લગભગ અડધાથી એક ચમચી જેટલી માત્રામાં લેવાથી આંખ અને ચામડી તેજસ્વી થાય છે. ભાંગરો ગરમ અને વાયુહર છે. એ લોહી વધારી લીવરને બળ આપે છે. જોકે એને વધુ માત્રમાં લેવાથી ઊલટી, મોળ, ઊબકા થાય છે. નરણે કોઠે લેતાં વધુ લાભદાયી નીવડે છે.

૭. કડું

કડું જગવિખ્યાત ઔષધ છે. એ જઠરાગ્નિને જગાડી, પાચનક્રિયાને બળ આપી, લિવરને નવજીવન આપે છે. આ ઋતુમાં ફેલાતા ચેપી કમળામાં કડુ રોગ પ્રતિબંધક બને છે.

ઘરગથ્થુ દવા

૧. શરદી કે ગળું ખરાબ હોય ત્યારે૧ કપ હૂંફાળાં દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર અને ૧ ચમચી મધ નાખી દિવસમાં બે થી ત્રણ વાર પીવું.

- ચામાં આદું પીસીને એક મિનિટ જેટલું ઉકાળી દિવસમાં બે થી ત્રણ વાર પીવું.

- ગળું સોરાતું હોય તો ચામાં તુલસીનાં પાન પણ ઉત્તમ વિકલ્પ છે.

- મીઠાનાં પાણીના કોગળા પણ ગળાને આરામ આપે છે. - ગરમ પાણીનો બાફ પણ લઇ શકાય.

૨. પેટ અપસેટ હોય ત્યારે

- પાણી કે નારિયળ-પાણીના રૂપમાં પુષ્કળ પ્રવાહી લો.

- ડિહાઈડ્રેશનથી બચવા ઇલેકટ્રોલ પાવડર જેવા ઓરલ રિડિહાઈડ્રેશન માટેનાં પાઉચ ઘરમાં રાખો.

No comments:

Post a Comment