August 19, 2010

મારી જિંદગીનો કળાકાર હું જ છું


અઘ્યાત્મનો અર્થ તમારે માટે શો છે?

મને લાગે છે કે અઘ્યાત્મ એટલે થોડું દર્શન અને થોડું ચિંતન. હું રોજ જેમાં વ્યસ્ત રહું છું એ ભૌતિક દુનિયાથી આ કંઇક અલગ છે. મારો જન્મ પારસી પરિવારમાં થયો, પરંતુ યુવાવસ્થામાં હું સંપૂર્ણપણે નિરીશ્વરવાદી હતો. છેલ્લાં થોડાંક વર્ષોથી હું ધર્મની નજીક આવ્યો છું. પારસી ધર્મમાં ખૂબ બધી રૂઢિઓ, બંધનો, અંધવિશ્વાસ કે પરંપરા નથી. તે સરળ સિદ્ધાંતો, સારા શબ્દો અને સારાં કર્મો પર કેન્દ્રિત છે. હું તર્ક અને વિજ્ઞાનનો માણસ છું અને મારી તાસીર સાથે પારસી ધર્મનો મેળ ખાય છે. હું રિવાજો, અંધવિશ્વાસો અને કોઇપણ પ્રકારના ધાર્મિક પ્રતિબંધોને અનુસરતો નથી, પરંતુ અઠવાડિયામાં એકવાર ફાયર ટેમ્પલ (અગિયારી) જાઉં છું અને ત્યાં ૧૦ મિનિટ પ્રાર્થના કરું છું. આમ કરવાથી મને શાંતિ મળે છે.

તમે માનો છો કે કોઇ અલૌકિક શક્તિ તમારી સુરક્ષા કરે છે કે તમને સાચો રસ્તો બતાવે છે?

હું ઘણો ભાગ્યશાળી રહ્યો છું. હું કૃતજ્ઞતા અનુભવું છું અને ભાગ્યનો આભાર પણ માનું છું, પણ સાચી વાત તો એ છે કે કિસ્મત જેવી કોઇ ચીજ નથી હોતી. જીવન એટલે બીજું કંઈ નહીં, બલકે સંભાવના, તર્ક અને આપણા પોતાના પ્રયાસનો સરવાળો. હું એને જેવું ઢાળું છું એવું એ ઢળે છે. કોઇ બાહ્ય અમૂર્ત શક્તિથી એને આકાર નથી મળતો. મારી જિંદગીનો કળાકાર હું જ છું.

તમારી જિંદગીનો કોઇ વિશેષ ઉદ્દેશ્ય છે એવું લાગે છે?

હું નથી માનતો કે આપણે ધરતી પર કોઈ નિશ્વિત મિશન લઈને આવ્યા હોઈએ છીએ. આપણા મિશનની રચના આપણે પોતે જ કરવાની છે. જે વાતોમાં મને વિશ્વાસ હતો એ પ્રાપ્ત કરવા મારી પાસે અનુકૂળ કૌટુંબિક પૃષ્ઠભૂમિ હતી. તમને સફળતા મળશે જ એવો વિશ્વાસ કંપનીના કર્મચારીઓને અપાવવો જોઈએ, શિક્ષણ અને આરોગ્ય માટે ધર્માદો કરવો જોઈએ. ભિખારીઓને પૈસા આપવામાં હું બિલકુલ માનતો નથી. મંદિર બનાવવાં એ મને ધન વેડફવા બરાબર લાગે છે.

બિઝનેસમાં અઘ્યાત્મ મદદરૂપ બને?

સફળતા પ્રાપ્ત કરવા માટે ઇશ્વરને રાજી રાખવામાં કે પરંપરાને અનુસરવામાં હું માનતો નથી. મારી વૈજ્ઞાનિક તાસીર એ સ્વીકારી શકતી નથી. અઘ્યાત્મ મારે મન નૈતિકતા સાથે જોડાયેલું છે. એમાં કોઇ શંકા નથી કે દરેક નાની ચીજ માટે હું ૧૦૦ ટકા નૈતિક રહી ન શકું, પણ હું સ્પષ્ટ સીમા તો નક્કી કરી જ શકું. આ બાબત મને આગળ જતાં એ મદદરૂપ બને છે. ઉદાહરણ તરીકે, ભ્રષ્ટાચાર. કોઇ કામ કરાવવા માટે તમે લાંચ આપો તો થોડા સમય માટે ફાયદો થઇ શકે છે, પરંતુ એ પછી જયારે જયારે જરૂર પડશે ત્યારે દર વખતે એ લોકો તમારી પાસેથી પૈસાની આશા રાખશે. એને બદલે તમે લાંચ આપવાની ના જ પાડી દો તો શકય છે કે થોડા સમય માટે તમારે નુકસાન ઉઠાવવું પડે છે. તે પણ સંભવ છે કે પેલા લોકો પછી પણ તમારી પાસેથી લાંચ માગ્યા કરે... જોકે આવું બહુ ઓછું બને છે.

તમારી આઘ્યાત્મિક પ્રેરણા શી છે?

મને ફિલોસોફરોને વાંચવા હંમેશાં ગમે છે. હું સમજવાની કોશિશ કરું છું કે જિંદગીમાં શું કારગત નીવડે છે અને શું નહીં. બધાને માટે લાભદાયી હોય એવી સમૃદ્ધિનું નિર્માણ શી રીતે થઈ શકે તે સમજવામાં મને એડમ સ્મિથ અને રિકાર્ડોના વિચારોએ મદદ કરી. જોકે આર્થિક બાબતો વિશેના તેમના વિચારો કરતાં મારા વિચારો બિલકુલ સામા છેડાના છે. એક પ્રચંડ શક્તિનો સામનો મહાત્મા ગાંધીએ જે ફિલોસોફિકલ અંદાજથી કર્યોતે મને ગમે છે. માર્ગારેટ થેચરે ઈંગ્લેન્ડમાં પરિવર્તન લાવવાનો જે માર્ગ લીધો હતો તેનાથી પણ હું પ્રભાવિત થયો છું.

પુનર્જન્મ મળે તો તમે કયા રૂપે જન્મ લેવાનું પસંદ કરશો?

મને પુનર્જન્મમાં વિશ્વાસ નથી છતાં મારે પસંદગી કરવાની જ હોય તો હું આ જ રૂપે પાછા આવવાનું પસંદ કરીશ. હું મારી જિંદગી ભરપૂર જીવ્યો છું. હજી પણ મારે વધુ જાણવાની, નવા વિચારોની અને દુનિયાની વાસ્તવિકતાને સારી રીતે સમજવાની જરૂર છે.

ઇશ્વરને એક સવાલ પૂછવાનો હોય તો એ શો હશે?

ધરતી પર આટલી અસમાનતા શા માટે છે? પ્રાણી સમુદાયની બધી બુદ્ધિમત્તા એકલા મનુષ્યને શા માટે આપી દેવાઇ છે.

ખુશી એટલે શું?

એવી પ્રતીતિ કે મારી આસપાસ જે લોકો છે, તે સહજ છે, તેમને મારું વર્તન સ્વીકાર્યર્ લાગે છે. હું ઝઘડાની પરિસ્થિતિમાં પ્રવેશતો જ નથી. હું મઘ્યસ્થીની ભૂમિકા નિભાવું છું. હું મારાં સંતાનો સાથે વાતચીત કરતો રહું છું, મારા સિનિયર મેનેજરોને મળતો રહું છું, જેથી મને ખબર પડે કે મેં શું ખોટું કર્યું છે અને એને હું કેવી રીતે સુધારી શકું. હું યુવાન હતો ત્યારે મને લાગતું કે મને બધી ખબર છે અને હું કોઇની વાત નહીં સાંભળું. આ બહુ મોટી ભૂલ હતી. હવે હું એ સુધારવાની કોશિશ કરું છું. મેં અનુભવ્યું છે કે સૌથી સારી પ્રતિક્રિયા નાની વયના, યુવાન લોકો પાસેથી મળે છે, એટલે હું એમની પાસેથી પ્રેરણા મેળવું છું. ઉમ્મર સાથે બુદ્ધિમાં ચોક્કસપણે વધારો થાય છે, પરંતુ તમે એ પણ અનુભવશો કે ત્રીસ વર્ષ પહેલાં જે સાચા લાગતા હતા એવા ઘણા વિચારો અને આદતો આજે અસંગત છે.

અદી ગોદરેજ, ઉદ્યોગપતિ, આરંભ

No comments:

Post a Comment