August 19, 2010

સ્વાધીન હોવું એટલે શું?

આકાશમાં ઊડતાં પંખી જેવી હળવાશ લઇને જિંદગી જીવવા મળે તો એના જેવું બીજું ઉત્તમ શું?

સહેલાઇથી જે પાળી શકો એ જ ધર્મ છે નિયમ કોઇ તલવારની ધારે ન જૉઇએ - કુતુબ આઝાદ

વાત ધર્મની હોય, જીવનની હોય, પસંદગીની હોય, કારકિર્દીની હોય કે અભિવ્યકિતની હોય... સ્વતંત્રતા અપેક્ષિત છે. લોકશાહી દેશમાં આપણે ભાગ્યશાળી છીએ કે સ્વતંત્રતા અનેક માપદંડોમાં ખરી ઊતરી છે.

અભિવ્યકિતની આઝાદી આક્રોશને અંદર ને અંદર ગૂંગળાવા દેતી નથી. ગમતું કામ કરવાની આઝાદી માણસની અંદર રહેલા શ્રેષ્ઠને બહાર લાવવાની તક પૂરી પાડે છે. પ્રિય પાત્રને પસંદ કરવાની આઝાદી તરવરતાં સપનાઓને મનચાહી આંખોમાં પરોવવાની ગોઠવણ કરી આપે છે. બોસને ન ગમે એવી કડવી હકીકત મોઢામોઢ કહી શકવાની સ્વતંત્રતા કર્મચારીઓ માટે કામ કરવાનું ઉત્તમ વાતાવરણ ગણાય. જે લાગે તે લખવાની આઝાદી પત્રકારની કલમને માંજે છે.

ટ્રસ્ટીઓના ચંચુપાત વગર સમાચાર પસંદ-નાપસંદ કરી શકતા તંત્રી મોકળાશ અનુભવે છે. ઉપકારક નીવડે એવું કશુંક ઉમેરવાની છૂટ ચાનો કપ લઇને અઘરા અંગ્રેજી લખાણનો અનુવાદ કરવા બેઠેલા અનુવાદકને પ્રવાહિતા આપે છે. દિવસભર કામ કરીને મોડી સાંજે ઘરે પાછી આવતી સ્ત્રી પર્સ અને બક્કલ ફગાવી ‘હાશ...’ કરીને ઘરના સોફા પર બેસી શકે તો સમજવું એની આઝાદી ફસડાયેલી નથી. પરમમિત્રને ત્યાં બેલ મારી ગમે તે સમયે, ગમે તે વાતો કરવા જવાની સ્વતંત્રતા અધિકાર અને આત્મીયતાનો સમન્વય દર્શાવે છે.

વ્યકિતથી લઇને સમષ્ટિ સુધીનો આ એક અભિગમ છે. આઝાદી પહેલાના માહોલને જેમણે જૉયો હશે, તેમની સમજણ અને આજની પેઢીની સમજણ એકસરખી ન હોય. જાણવું અને અનુભવવું એ બંનેમાં ફેર છે. જેમણે ગુલામી વેઠી છે એવા દેશો આ શબ્દનો અર્થ સુપેરે સમજે છે, પણ આ સ્વતંત્રતા જયારે દેશથી ઊતરીને પ્રદેશ પર ઊતરી આવે ત્યારે ભાગલાવાદી પરિબળો જાગૃત થાય છે. કેટલીક સ્વતંત્રતા વાંઝણી હોય છે, ગેરમાર્ગે દોરવાયેલી હોય છે. એની ઝંખના પ્રબળ હોય છે ને એનાં પરિણામો ખોફનાક. સ્વતંત્રતા માટેની લડત અને સ્વઓળખ માટેનો બળવો અલગ અલગ રસ્તે ચાલે છે.

બે પેઢી પહેલાના સમય સાથે આજનો સમય સરખાવી ન શકાય એટલો આગળ વધી ગયો છે. દરેક દાયકાને પોતાના દાવ હોય છે. આ દાવ કોણ લડે છે, શેના માટે લડે છે વગેરે સમીકરણો સ્વતંત્રતાની દેવી પાસે આવીને અટકે છે ને આ બધી મથામણમાં શાંતિ નામની દેવી ભુલાઇ જાય છે.

સ્વતંત્રતા એ સુખ સુધી પહોંચવાનો એક પર્યાય છે. જંગલમાં મુકત મને વિહરતા વનરાજ જેવી આઝાદી માણનારી વ્યકિત નસીબ લઇને જન્મી હોય છે. કામ કરવાની સ્વતંત્રતા મળે ત્યારે ઘણા લોકો મોટા પગારવાળી નોકરી છોડીને મનપસંદ સ્થિતિએ કામ કરવાનું પસંદ કરે છે.

સ્વાધીન હોવું એ માત્ર પરાધીન હોવાનો વિરોધી શબ્દ નથી, પણ સ્વાધીનતા લઇ જાય છે એક મુકત મુકામ તરફ. આકાશમાં ઊડતાં પંખી જેવી હળવાશ લઇને જિંદગી જીવવા મળે તો એના જેવું બીજું ઉત્તમ શું?

એક જાહેરખબરનું સ્લોગન હતું : ઐસી આઝાદી ઓર કહાં? આઝાદી પહેલાંના વાતાવરણને અને પછીની દશાને કવિ કેવી રીતે જુએ છે?

પ્રસ્તુત કાવ્યમાં કવિ વિપિન પરીખ વ્યકિતગત લાચારીની નિરર્થકતાને સ્વતંત્રતાના સંદર્ભે આ કાવ્યમાં ચકાસે છે:

અફસોસ થાય છે

પાંચદસ વર્ષ મોડો જન્મ્યો-

નહીં તો

‘ચલો, દેશની હાકલ પડી છે’, નાદ સાંભળી

હું પણ ઘરની બહાર નીકળી પડયો હોત!

વાનરસેના ઊભી કરી હોત.

ઘરેઘરે ચોપાનિયાં વહેંચી લોકોને સાબદા કર્યા હોત

અને હાથમાં ત્રિરંગી ઝંડો લઇ

પોલીસને થાપ આપી સરકારી કચેરી પર

તેને ફરકાવી

‘જયહિન્દ’ના નારાથી આકાશને ગજવી મૂકયું હોત.

છુપા રેડિયોસ્ટેશનેથી ખબરો ફેલાવી

શહેરને જાગૃત રાખ્યું હોત

અને ગોરા અમલદારને લઇને જતી કોઇ ટ્રેનને

ઉડાવી દેવાના કાવતરામાં હું પણ સામેલ થયો હોત!

ગાંધીજીને પ્રણામ કરી

જીવનભરનું ભાથું ગાંઠે બાંઘ્યું હોત.

અને ચપટી મીઠું ચોરી કૂચમાં ભાગ લઇ

ઇતિહાસને બદલવાનાં સ્વપ્નો આંખમાં ભર્યા હોત!

મારી નાનકડી પૂણીનાં થોડાંક તાંતણાથી

દૂરદૂરના કોઇ દીનહીન બંધુના દેહને

ઢાંકવાનું ગૌરવ માન્યું હોત!

દેશની સ્વતંત્રતામાં રકતની એકાદ ધાર

મારી પણ હોત!

ચાર દીવાલોમાં બંધિયાર મુકિતની લાચાર

અને દિશાહીન હવા કરતાં

ક્રાન્તિની ખુમારીભરી અને થનગનતી હવામાં જીવવું

મને વધુ ગમ્યું હોત!

No comments:

Post a Comment