August 19, 2010

એન્ગ્રી ઓલ્ડ મેન

ભૂતકાળમાં થયેલી કનડગત આજે પણ કનડે તો શું કરવું?

રાબંકીની જમીનના વિવાદમાં કોર્ટે અમિતાભ બચ્ચનને નિર્દોષ જાહેર કર્યા એ નિમિત્તે અમિતાભે ૧૧ જૂને પોતાના બ્લોગ પર પોતાની પ્રતિક્રિયા નોંધી. સ્વાભાવિક છે કે એમાં એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે, પણ રાજીપો તો પહેલા બે જ વાકયમાં પૂરો થઈ જાય છે. પછીના લાંબાં લખાણમાં એમણે આક્રોશ ઠાલવ્યો છે. એમના જ શબ્દોમાં: ‘...વાહિયાત ફરિયાદ કરનારાઓને કોર્ટે પાઠ ભણાવ્યો છે... અગાઉ બોફોર્સ મામલે પણ આવું થયેલું. પાંચ-છ વર્ષ સુધી અમે ફકત ધિક્કાર વેઠ્યો અને બદઈરાદા ધરાવતા અનેક પ્રકારના આરોપો વેઠયા.


વી.પી. સિંહે- ભગવાન એમના આત્માને શાંતિ આપે- છાપરે ચઢીને કહેલું કે જો એ વડા પ્રધાન બનશે તો એ મને આખી જિંદગી જેલમાં રાખશે. એ વડા પ્રધાન બન્યા ત્યારે મેં એમને ખુલ્લો પત્ર લખ્યો કે યા તો મારો ગુનો સાબિત કરો અથવા રાજીનામું આપો. ન તો એમણે જવાબ આપ્યો, ન રાજીનામું આપ્યું... મને દેશનો ગદ્દાર ચિતરાયો. લોકો સડક પર મને ગાળો આપતા હતા. ફિલ્મ બનાવનારા મારાથી દૂર ભાગતા હતા. બની રહેલી ફિલ્મોમાંથી મને ફગાવી દેવાયો અને મને અગાઉ અપાયેલા પૈસા પાછા માગવામાં આવ્યા, જે એમને પાછા મળી પણ ગયા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક ચોક્કસ લોકોએ મને મારા શૂટિંગ પર જતો અટકાવવાની કોશિશ કરી... મેં જે ઇજ્જત ગુમાવી, મારા ચારિત્ર્ય પર જે દાગ લગાવાયો એ બધાની ભરપાઈ કોણ કરશે? આજે એ જ લોકો, જેમણે મને ગાળો આપેલી અને મને રિજેક્ટ કરેલો એ લોકો, મારી સાથે કામ કરવા માગે છે. એ લોકો દરખાસ્તો મોકલે છે અને કહે છે કે ગઈગુજરી ભૂલી જઈએ. વાહ! એ તમારા માટે ગઈગુજરી છે, સાહેબ. મારા માટે તો એ આખો જીવનકાળ છે... હું એ બધા સાથે સજ્જન બની રહીશ.

હું મનમાં ડંખ નહીં રાખું... પણ હું ક્યારેય ભૂલીશ નહીં. અને હું ઇચ્છીશ કે મારા પરિવારનો કોઈ પણ સભ્ય પણ (આ બધું) ક્યારેય ન ભૂલે... આજે હું આપણા મહાન દેશના એક રાજય(ગુજરાત)માં ટુરિઝમનો પ્રચાર કરવા સામે ચાલીને આગળ આવું છું અને એક પણ પૈસાની ફી નથી લેતો ત્યારે તમે એ રાજયના વડા સાથેની નિકટતા બદલ મારા પર પ્રહારો કરો છો... તમે એ વડા (નરેન્દ્ર મોદી) પર અત્યાચારોના આરોપો થોપો છો અને એમનાથી દૂર રહો છો, છતાં એ લોકો (કોંગી નેતાઓ) સાથે તમે હાથ મિલાવો છો, જેમણે હજારો નિદોર્ષોની હત્યામાં પાયાની ભૂમિકા ભજવી હતી... મારે હજુ વધુ કહેવું છે... પણ અતિ ઉશ્કેરાટને કારણે વધુ લખી શકું તેમ નથી.’

અહીં બચ્ચન અટકે છે. એ વાત સાચી છે કે એક નિર્દોષ માણસે જયારે વેઠવું પડે, અને ઘણું બધું વેઠવું પડે, ત્યારે એ બધું ભૂલવું તેના માટે આસાન નથી જ હોતું. આ બધું એવું છે કે જેના પર વીત્યું હોય તે જ જાણે. આવામાં ઉપદેશો કે ઊંચી ઊંચી વાતો શોભે તો નહીં, છતાં, છતાં, છતાં અમિતાભના ચાહક હોવાને નાતે અને સમગ્ર માનવજાત માટે જે સાચું છે તે અમિતાભ માટે પણ સાચું છે એટલા માટે, એવો વિચાર આવે ખરો કે અમિતાભ આ બધું ભૂલી શકે તો સારું, જેમના પ્રત્યે એમને રોષ છે એ લોકોને એ મનોમન માફ કરવા જેટલી ‘વીરતા’ દાખવી શકે તો સારું (ક્ષમા વીરસ્ય ભૂષણમ્). વિપશ્યના ઘ્યાનપદ્ધતિ કહે છે કે વિચારો અને લાગણીઓની ગાંઠો સરવાળે શરીરમાં સૂક્ષ્મ તેમ જ સ્થૂળ ગાંઠો રચી શકે છે. અગાઉ અમિતાભ બચ્ચનને પેટમાં જે તકલીફ થયેલી તેનું ટેક્નિકલ નામ હતું

ડાઇવર્ટિકયુલાઈટિસ, પણ સાદા શબ્દોમાં એવું જાણવા મળેલું કે એમના પેટમાં એકદમ નાની-નાની એવી અનેક ગાંઠો થયેલી. જરૂરી નથી કે એમનાં મન-હૃદયમાં જે અન્યાયબોધ અને ઊકળાટ છે એને કારણે જ આ ગાંઠો થઈ હશે. ના, શકય છે કે વધારે કચોરી ખાવાથી પેટની સમસ્યા વકરી હોય. એ જે હોય તે, આપણે એટલું ઇચ્છીએ કે અમિતાભે પોતે બ્લોગમાં જે લખ્યું છે - ‘હું મનમાં ડંખ નહીં રાખું’ - એ પ્રમાણે એ ખરેખર પૂરેપૂરા ડંખમુકત થઈ શકે.

વી.પી. સિંહ સામેનો રોષ વ્યકત કરતા પહેલાં એમણે એક સજ્જન, ભદ્ર, ગરિમાપૂર્ણ માણસ તરીકે નોંઘ્યું છે કે ‘ભગવાન એમના આત્માને શાંતિ આપે.’ એ જ સૂરમાં આપણે પણ, ઇચ્છીએ: ‘ભગવાન એમના (અમિતાભના) મન-હૃદયને શાંતિ આપે.’ અમિતાભ જેવા કિસ્સાઓમાં શાંતિ મેળવવાની બે રીત છે: યા બદલો-વેર (ફિલ્મ ‘જંઝીર’ની જેમ), યા ક્ષમા (ગૌતમ બુદ્ધની જેમ). આમાંથી ક્ષમા વધુ તંદુરસ્ત વિકલ્પ છે. માટે ઇચ્છીએ કે ભગવાન અમિતાભને, અને સાથોસાથ આપણને સૌને પણ, ભૂતકાળમાં બીજાઓ દ્વારા જાણેઅજાણે થયેલી કનડગતો ભૂલવાની, ક્ષમા આપવાની એટલે કે સરવાળે મન અને હૃદયને સ્વસ્થ રાખવાની શક્તિ આપે

No comments:

Post a Comment