August 19, 2010

જોખમ ન લેવું એ જ સૌથી મોટું જોખમ

હાલમાં ૧૬ વર્ષના અર્જુન વાજપેયી બાદ ૧૩ વર્ષના જોર્ડન રોમેરોએએવરેસ્ટ સર કર્યું, પરંતુ આપણે મળીએ એ મહિલાને, જેમણે એવરેસ્ટ તો સર કર્યું જ, પરંતુ જિંદગીમાં ઝીલેલા પડકારો એવરેસ્ટથી પણ કપરા હતા.

જન્મ: ૨૪ મે, ૧૯૫૪
શિક્ષણ: એમ. એ. બી. એડ.

… પદ્મશ્રી(૧૯૮૫) … અર્જુન પુરસ્કાર(૧૯૮૬) … ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ(૧૯૯૦) … લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ, પીપલ ઓફ ધ યર(૧૯૯૭) … માનદ ડીલિટ પદવી(૧૯૯૭)

અત્યારે : ચીફ, એડવેન્ચર પ્રોગ્રામ્સ, ટાટા સ્ટીલ, જમશેદપુર

‘એવરેસ્ટ-૮૪’ ટીમમાં છ મહિલાઓ અને ૧૧ પુરુષો સામેલ હતાં. એક માત્ર બચેન્દ્રી જ એવાં મહિલા હતાં, જે એવરેસ્ટની ટોચે પહોંચ્યાં. આ સાહસયાત્રા દરમિયાન ૧૯૮૪ની ૧૫-૧૬ મેએ ટીમ જ્યારે ૨૪,૦૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલી છાવણીમાં સૂઇ રહી હતી ત્યારે મધરાતે સાડા બારે એક ભયંકર ફટકા સાથે બચેન્દ્રીની ઊંઘ ઊડી ગઈ, બહુ જ જોરથી કંઇક એમના માથા સાથે અથડાયું હતું અને ભયંકર અવાજ આવ્યો હતો. એ જ સમયે એમને ભાન થયું કે પોતે કોઈ અત્યંત ઠંડી ચીજમાં લપેટાયેલી છે. આ ત્રીજી છાવણીની ઉપરનું લ્હોત્સે ગ્લેશિયર હતું, જે સરકીને છાવણી પર પડ્યું હતું.

એક સાથીએ ચાકુથી બરફ ખોદીને એમને મોતના મોંમાથી બહાર ખેંચી લીધાં. જોકે એમની ટીમના ઘણાને નાની-મોટી ઈજા થયેલી અને કેટલાક સભ્ય ત્યાંથી પાછા ફરી ગયા. ઘાયલ હોવા છતાં બચેન્દ્રીએ બરફની સીધી, સપાટ ભેખડો પર ચડાણ ચાલુ રાખ્યું. બરફીલી ઠંડી હવા કલાકના ૧૦૦ કિલોમીટર જેવી તેજ ગતિથી ફૂંકાતી હતી અને ઉષ્ણતામાન શૂન્યની નીચે ૩૦-૪૦ અંશ સેલ્શિયસ જેવું હતું.

છેવટે ૧૯૮૪ની ૨૩ મેએ બપોરે ૧ વાગીને ૭ મિનિટે એમણે ૨૯,૦૨૮ ફૂટ(૮,૮૪૮ મીટર) ઊંચા એવા પૃથ્વીના સર્વોરચ શિખરનું આરોહણ કરવામાં સફળતા મેળવી. આ શિખરની ટોચ એટલી સાંકડી હતી કે એના પર એકસાથે માત્ર બે જ વ્યક્તિ ઊભી રહી શકતી હતી. એની નીચે સેંકડો ફૂટ ઊંડી ખીણ હતી. એમણે બરફમાં કુહાડીની મદદથી એંકર બાંધીને પોતાની જાતને સ્થિર કરી. બચેન્દ્રીનો મૂળ હેતુ ઊંચાં ગર્વિષ્ઠ શિખરોને નમાવવાનો નહોતો. એવરેસ્ટ-યાત્રાને યાદ કરતાં તેઓ કહે છે, ‘અમે પહાડી લોકોએ હંમેશાં પહાડોની આરાધના કરી છે, એટલે આ આશ્ચર્યજનક અનુભવ દરમિયાન મારી લાગણીઓ પણ શ્રદ્ધાથી ઓતપ્રોત રહી.’

તમારું બાળપણ ક્યાં અને કેવું વિત્યું?

ઉત્તરાખંડના ગઢવાલમાં નાકુરી નામનું એક નાનકડું ગામ છે, ત્યાં મારો જન્મ થયો અને બાળપણ વિત્યું. આરંભિક શિક્ષણથી બી.એ. સુધીનો અભ્યાસ મેં ત્યાં રહીને જ કર્યો. ગામમાં માતા-પિતા અને ભાઇ-બહેનો સાથે ઘણો સંઘર્ષપૂર્ણ, પરંતુ બહુ સારો સમય વિતાવ્યો. બી.એ. કર્યા પછી દહેરાદૂન આવી ગઈ અને ત્યાં ડીએવી કોલેજમાંથી એમ.એ. કર્યું. એ પછી બી.એડ. કર્યું. અમે પાંચ ભાઈ-બહેન છીએ. સૌથી મોટી બહેન, પછી ભાઈ અને પછી મારો નંબર. મારા પછી એક બહેન અને સૌથી નાનો ભાઈ છે.

એમ.એ., બી.એડ. પછી અઘ્યાપિકાને બદલે પર્વતારોહક કેવી રીતે બની ગયાં?

હું ભલે સ્કૂલ કે કોલેજમાં જઇને ભણાવતી નથી, પણ કામ તો ટીચરનું જ કરી રહી છું. હું લોકોને પર્વત પર ચડવાની તાલીમ આપું છું. લોકોને હું એ તક આપું છું કે તેઓ પ્રકૃતિ સાથે જોડાય, એડવન્ચર સ્પોટ્ર્સનો આનંદ લે, એક જુદો જ અનુભવ મેળવે અને સૌથી વધુ તો ડર છોડીને જિંદગીમાં જોખમ લેતાં શીખે, નિર્ણય લેતાં શીખે, પોતાની અંદર જીવનના સંઘર્ષોને પાર કરવાની હિમ્મત પેદા કરે, વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરતાં શીખે, મુશ્કેલીઓને કેવી રીતે ઘટાડી શકાય એ જાણે તથા આત્મવિશ્વાસ અને આત્મબળ પેદા કરે. લોકોમાં ટીમ સ્પિરિટ પેદા કરવી, સાથી-સહયોગીઓની મદદ કરવી, લક્ષ્ય નક્કી કરી એ પ્રાપ્ત કરવાનું શીખવવું મને ગમે છે. મેં એ જ કામ કર્યું છે અને હવે આ જ બધી વાતો બીજા લોકોને શીખવી રહી છું. ટૂંકમાં, હું જે કામ કરી રહી છું એ એક શિક્ષિકાનું જ છે.

શું તમે પણ આ બધું પહેલેથી નક્કી કરી લીધું હતું?

મારા જીવનનું પહેલું સપનું તો એ જ હતું કે હું આત્મનિર્ભર બનું. જે વાતાવરણમાંથી હું આવું છું ત્યાં આવું લક્ષ્ય નક્કી કરવું એ પણ એક સપના જેવું હતું. હું જાણતી હતી કે આ માટે મારે ખૂબ ભણવાનું છે, મારે નોકરી કરવાની છે. આમ થશે તો જ હું આત્મનિર્ભર થઇ શકીશ.

આત્મનિર્ભર થવા માટે આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. એ ક્યાંથી આવે છે?

આત્મવિશ્વાસ અનુભવથી આવે છે, અભ્યાસ-પ્રેક્ટિસથી આવે છે. લક્ષ્ય સુધી પહોંચવાની તમે જેમ જેમ કોશિશ કરશો તેમ તેમ એનાથી જ આત્મવિશ્વાસ આવે છે. તમે કોઇ મુશ્કેલ કામ હાથમાં લેશો તો એ તમારામાં હિમ્મત પેદા કરશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. એટલે જિંદગીમાં પડકારોનો હસીને સ્વીકાર કરો. જેમ જેમ પડકારો સ્વીકારતા જશો તેમ તેમ સાહસ અને હિમ્મત વધતાં જશે.

તમે આત્મવિશ્વાસથી છલોછલ થઈ જશો અને તમારી અંદરનો ભય ક્યાં ગાયબ થઇ ગયો એની તમને પણ ખબર નહીં પડે. સફળ માણસની જીવનકથા વાંચીને તમે એ જરૂર અનુભવી શકો કે આવું કરી શકાય, થઈ શકે, પરંતુ જયાં સુધી જાતે મેદાનમાં ન ઊતરો, જાતે શોધ ન ચલાવો ત્યાં સુધી પોતાની ક્ષમતાઓને જાણી નહીં શકો. એટલે જાતે જ જાણવું, શોધવું, ચકાસવું ખૂબ જરૂરી છે.

આજકાલ નિષ્ફળતાના ડરે પડકારોનો સામનો કરવાને બદલે સહેલા અને શોર્ટ કટ રસ્તા વધુ અપનાવાય છે.આ સ્કૂલ અને ઘર, બન્ને સ્થળે મળેલી તાલીમનું પરિણામ છે. સ્કૂલોમાં પણ એવું ન હોવું જોઈએ કે ૯૦ ટકા લાવનારા વિધાર્થીઓ પહેલી હરોળમાં અને ૫૦ ટકા કે એથી ઓછા લાવનારા છેલ્લી હરોળમાં બેસે. દરેક બાળકમાં કોઈને કોઈ યોગ્યતા હોય જ છે. જરૂર છે એને ઓળખવાની. બાળકમાં શી શી ખૂબીઓ છે એ જાણવા-ઓળખવાનું કામ કુટુંબના સભ્યો અને સ્કૂલના શિક્ષકોએ કરવાનું હોય છે.

શિક્ષકોએ પણ પાઠયપુસ્તકના જ્ઞાનની સાથે સાથે વ્યવહારુ શિક્ષણ પણ આપવું જોઈએ. વિવિધ રમતોનાં માઘ્યમથી એમને પડકારો ઝીલતાં શીખવવું જોઈએ કે જેથી બાળકને ખુદને એ હકીકતનું ભાન થાય કે ભલે એ અભ્યાસમાં પાછળ હોય, પણ બાકી બીજી ઘણી ચીજોમાં એ આગળ છે. ક્યાં ક્યાં કામ અને ક્ષેત્રોમાં પોતે ઘણો સારો દેખાવ કરી શકે છે અને ભણતર સિવાયની કઇ ખૂબીઓ પોતાનામાં છે એનું એને ભાન થાય છે. મા-બાપે પોતાનાં બાળકોના સવાôગી વિકાસનો વિચાર કરવો જોઇએ.

સંતાનો સાથે એવો સંબંધ રાખવો જોઈએ કે એ પોતાના મનની વાત, પોતાની દ્વિધા નિ:સકોચપણે કહી શકે. બાળક પોતાના મનની વાત માતાપિતાને ન કહી શકે તો એનો અર્થ છે સમસ્યાઓને મનમાં દબાવી રાખવાની એ કોશિશ કરી રહ્યું છે, જેનું આગળ જતાં અવળું પરિણામ પણ આવી શકે છે. એટલે બાળકના જીવનને આસાન બનાવવાના પ્રયાસ ઘર અને સ્કૂલ, બન્ને સ્થળે થવા જોઇએ. ઘરમાં હંમેશાં પોઝિટિવ વાતાવરણ રાખો. બાળક કોઈ કામમાં નિષ્ફળ જાય તો એને મારવા-ધમકાવવાને બદલે પ્રેમથી સમજાવો. ભવિષ્ય માટે એની હિમ્મત વધારો, સાથે જ એને એની ભૂલનું ભાન પણ કરાવો. આ રીતે બાળકના મનમાં કુટુંબ અને સમાજ પ્રત્યે ભય નહીં જાગે.

શું તમારો ઉછેર આ જ રીતે થયેલો?

હું ગામના ઘરમાં બધું કામ કરતી. મારા મગજમાં એવું ક્યારેય ન રહેતું કે હું તો કોલેજમાં જતી છોકરી છું એટલે મારાથી આ કામ ન થાય. હું જંગલમાં જઈને ઘાસ અને લાકડાં પણ કાપી લાવતી, રસોઇ બનાવતી, વાસણ સાફ કરવાં, ઝાપટઝૂપટ જેવાં કામ ગામની છોકરીઓ કરતી હોય છે તેવાં બધાં કામ કરતી. મારે માટે શિક્ષણનો અર્થ હંમેશાં એ રહ્યો છે કે માતાપિતાને સમજવાં, એમનું માન જાળવવું, એમને દરેક કામમાં મદદ કરવી. એવું નહીં કે મેં એમ.એ., બી.એડ. કરી લીધું એટલે હું ઘરમાં કશું જ કામ ન કરું અને બધાં કામ મા જ કરતી રહે.

આજે પણ બધાં ઘરેલું કામ હું જાતે જ કરું છું. આ સફળતા, પુરસ્કારો અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી પણ હું એ જ બચેન્દ્રી પાલ છું. આજે ભગવાનની કૃપાથી મારી પાસે બધું છે. ટાટા સ્ટીલ જેવી સારી કંપનીમાં નોકરી કરું છું. આર્થિક તંગીના દિવસો ભગવાનની કૃપાથી હવે નથી રહ્યા. જવાબદારી કંઈ નથી, પણ રસોઈ, કપડાં ધોવા કે સાફસૂફી કરવા જેવાં કામમાં મને આનંદ આવે છે. એટલે હું એ કામ માટે નોકરોની સહાય લેતી જ નથી.

રમતગમત સાથે તમે કેવી રીતે જોડાયાં?

મારો મોટો ભાઇ સ્કૂલના સમયથી જ બેડમિન્ટન અને ફૂટબોલ રમતો હતો. ભાઈનો પ્રભાવ મારા પર ઘણો રહ્યો. એને રમતો જોતી ત્યારે મને ઘણી પ્રેરણા મળતી, અલબત્ત, પર્વતારોહણ વિશે ક્યારેય વિચાર્યું નહોતું. પર્વતારોહણ ઈન્સ્ટિટયુટના આચાર્ય એકવાર અમારા ગામમાં આવ્યા. એમને કોઈ રીતે ખબર પડી કે અમારા કુટુંબમાં બધાં બાળકો સારું ભણેલાંગણેલાં છે, પણ બેકાર છે.

એમણે અમારી સાથે વાત કરી અને પૂછ્યું કે તમે પર્વતારોહણ વિશે કેમ નથી વિચારતાં? બસ, એમના સવાલે અમારાં મનમાં એક ચિનગારી ચાંપી દીધી. પછી એમણે એ ક્ષેત્ર વિશે સરખી માહિતી આપી. આ ૧૯૮૦ની વાત છે. ત્યાર બાદ મારા ભાઈએ પર્વતારોહણનો કોર્સ કર્યો. અત્યારે એ બોર્ડર સિકયૂરિટી ફોર્સ (બીએસએફ)માં છે. મારો ભાઈ રમતગમતનો ખૂબ શોખીન છે. બેડમિન્ટનમાં એ ડિસ્ટ્રિકટ ચેમ્પિયન પણ બની ચૂક્યો છે, પણ એ વખતે ભાઈએ વિચાર્યું નહોતું કે પોતાની બહેનોને પણ આ ક્ષેત્રમાં વળોટી શકાય.

મોટો ભાઈ મારા નાના ભાઈ રાજુને જ્યારે કહેતો કે એણે પણ પર્વતારોહણનો કોર્સ કરવો જોઈએ ત્યારે હું પૂછતી કે હું કેમ નહીં? આવી જીદ અને પ્રબળ ઈચ્છા માણસની અંદર હોવાં જોઈએ. ૧૯૮૧થી હું આ ક્ષેત્રમાં છું, પણ એવરેસ્ટ વિશે મેં કદી વિચાર્યું નહોતું. મને જ્યારે એ અંગેનો પત્ર મળ્યો ત્યારે પણ મને પોતાને સમજાતું નહોતું કે હું એને માટે હું યોગ્ય છું કે કેમ, મારે ફોર્મ ભરવું જોઈએ કે કેમ. મને આવી દ્વિધા થઈ રહી હતી. પછી બધાએ કહ્યું કે અરે આવી સોનેરી તક મેળવવા માટે લોકો શુંનું શું કરતા હોય છે.

તું દિલ્હી જશે ત્યારે તને ખબર પડશે કે ત્યાં શું શું થઈ રહ્યું છે. ભારતમાંથી એક ટીમ બની રહી છે... એ પછી મેં ફોર્મ ભરીને મોકલી દીધું. અમારા ગઢવાલની જીવનશૈલી જ એટલી મુશ્કેલ છે કે રોજેરોજ તમારે કઠોર મહેનત કર્યા વગર ચાલે જ નહીં. આખા દિવસમાં કોણ જાણે કેટલો શારીરિક શ્રમ અમે કરતાં હોઈએ છીએ. અમારા ઉત્તરાંચલના લોકોમાં ઈમાનદારી ઠાંસીઠાંસીને ભરેલી છે. આ બધી ચીજોએ મને ખૂબ હિમ્મત આપી. એને કારણે જ હું આજે આ સ્થાન પર છું.

પર્વતારોહણ પસંદ કર્યા પછી સૌથી વધુ મોટી મુશ્કેલી કઈ અનુભવી?

સૌથી વધુ મોટી મુશ્કેલી એ અનુભવી કે મારે વારંવાર આસપાસના લોકોને કહેવું-સમજાવવું પડતું હતું કે આપણે પર્વતારોહણ શા માટે કરી રહ્યાં છીએ, એની જરૂર શી છે.

શું આવું એક મહિલા હોવાને કારણે થયું? કેમકે જેમાં જોખમ વધુ હોય એવી રમતોથી સામાન્ય રીતે મહિલાઓને દૂર રખાય છે.

સામાન્ય લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે મહિલાઓ તો બહુ નાજુક હોય છે એટલે પર્વતારોહણ એમને માટે ઠીક નથી, પણ વાસ્તવમાં એવું નથી. એડવન્ચર કોઈપણ કરી શકે છે. તકલીફ અને જોખમનો સામનો કરવા માટે હિમ્મતની જરૂર હોય છે. આપણામાં હિમ્મત છે કે નહીં એ મગજ નક્કી કરે છે. હું અત્યાર સુધીમાં કોણ જાણે કેટલીય મહિલાઓ સાથે કામ કરી ચૂકી છું. મારો પ્રત્યક્ષ અનુભવ છે કે મહિલાઓનો વિલપાવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તેઓ જોખમ લેવામાં પાછી નથી પડતી. પડકારો સ્વીકારવાથી મહિલાઓનો આત્મવિશ્વાસ વધે છે. આપણે જ્યારે પણ કોઈ પ્રવાસ કે સાહસયાત્રા માટે જઇએ છીએ ત્યારે સૌથી વધુ જરૂરી હોય છે માનસિક રીતે જાતને તૈયાર કરવી.

શું એ સાચું છે કે મહિલાઓ પોતે આ પ્રકારની જોખમી રમતોથી દૂર ભાગતી હોય છે? પર્વતારોહણ એમને સહજ નથી લાગતું?

જોખમી રમતો માટે કેટલીક મહિલાઓ સાઈકોલોજિકલી તૈયાર નથી હોતી. જોખમી રમતોમાં એમની સંખ્યા ઓછી હોવાનું આ જ કારણ છે. યુગોથી એમના મગજમાં ઠસાવવામાં આવ્યું છે કે આવી બહાદૂરીભરી રમતો એમને માટે યોગ્ય નથી, એમાં બહુ મોટું જોખમ છે અને આવાં જોખમો પુરુષો જ ઉઠાવી શકે છે, વગેરે. મારી જ વાત કરું તો મા બિલકુલ નહોતી ઈરછતી કે હુ પર્વતારોહક બનું, કેમકે એ ખૂબ જ જોખમભરી રમત છે.

જિંદગીનું કંઈ નક્કી નહીં. એ ડરતી હતી. ગામના લોકો માને કહેતા કે આ છોકરી પર્વતો પર ચડીને શું કરશે? એમની વાતો માને અકળાવતી. હું મારા ગામની સૌથી વધુ ભણેલી-ગણેલી છોકરી હતી. મા કહેતી કે તને અમે કેવી વિકટ સ્થિતિમાં ભણાવી છે અને હવે તું આ શું કરી રહી છે? ગામના લોકો હસતા કે આ ગાંડી પહાડ પર ચડવાની! હું માને કહેતી કે હું શું કરવા માગું છું અને શું કરી શકું છું એની લોકોને આપોઆપ ખબર પડી જશે.

ભગવાનની કૃપાથી એ સમય આવ્યો ત્યારે લોકો દંગ થઈ ગયા. ટીવી, છાપાં, મેગેઝિનોવાળા મારો, મારાં માતા-પિતા, ભાઈ-બહેનોનો ઈન્ટરવ્યુ લેવા ગામમાં આવી પહોંરયાં ત્યારે એમને ખબર પડી કે હું શું કરવા માગતી હતી અને મેં શું કર્યું છે. પછીથી લોકોને ધીરે ધીરે સમજાતું ગયું કે જેમનામાં હિમ્મત હોય એ આ રમતમાં રુચિ લઈ શકે છે, પછી એ છોકરો હોય કે છોકરી.

બધાના જીવનમાં મુશ્કેલ ગાળો આવે છે, એવામાં ઘણા તૂટી જાય છે, તો કેટલાક જાતને સંભાળી પણ લેતા હોય છે. તમે આવા સમયમાં જાતને કેવી રીતે સંભાળી?

મેં જીવનમાં ઘણો મુશ્કેલ સમય જોયો છે, તકલીફનો સામનો કર્યો છે. મારા જીવનનો સૌથી વધુ મુશ્કેલ ગાળો હું બેકાર હતી એ હતો, પણ મેં મહેનત કરવાનું ન છોડયું. મારું કામ કરતી રહી, પરિશ્રમ કરતી જ રહી. હંમેશાં એ વિચાર સાથે કે આ ગાળા પછી જિંદગીમાં સારો સમય પણ આવશે જ. મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં પણ નિરાશા ન અપનાવવી જોઈએ. એકવાર માણસ નિરાશાની ગર્તમાં ખૂંપી ગયો તો પછી ઊંડો ને ઊંડો જ ઊતરતો જાય છે. બીજો મુશ્કેલ તબક્કો ત્યારે આવ્યો જ્યારે મેં મારા પિતાજીને ખોયા. મારે માટે મારાં માતા-પિતા ભગવાન બરાબર છે.

મારાં રોલ-મોડલ પણ હું મારાં માતા-પિતાને જ માનું છું. અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ ખૂબ મહેનત અને ઈમાનદારીભર્યું જીવન જીવ્યાં. તેઓ વિચારોમાં સાચે જ શ્રીમંત હતાં અને બેહદ ઉદાર હતાં. આ બધું મારી અંદર મારાં માતા-પિતામાંથી જ આવ્યું છે. પિતાજી ન રહ્યા ત્યારે અમે અનુભવ્યું કે ઘરનો મોભ જ નથી રહ્યો. મારા જીવનનો એ ખૂબ નિરાશાભર્યોગાળો હતો, પરંતુ પછી મેં જીવનનાં સત્યને જોયું. મેં વિચાર્યું કે પિતાજી ઘણી બધી તકલીફો વેઠીને જાત તો શું થાત?

મેં હકારાત્મક વિચારવાનું શરૂ કર્યું. મારા પિતાજી ૯૫ વર્ષના હતા. એમને પેટનું કેન્સર થયેલું. તેઓ સારી જિંદગી જીવ્યા. એ જ રીતે મેં જિંદગીના સત્યને નકાર્યું નહીં, પણ પોઝિટિવ વિચાર સાથે એનો સ્વીકાર કર્યો. પિતાજીના જવાના દુ:ખમાંથી બહાર આવતાં મને ખાસ્સો લાંબો સમય લાગ્યો. આજે પણ પિતાજીને યાદ કરું, એમને વિશે વિચારું ત્યારે અનેક સ્મૃતિઓ તાજી થઇ ઊઠે છે અને દિલ ભરાઇ આવે છે.

જિંદગીને બહેતર બનાવવા માટે હકારાત્મકતાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

દરેક ચીજનાં બે પાસાં હોય છે - હકારાત્મક અને નકારાત્મક. આપણે હકારાત્મક પાસાં તરફ વધુ ઘ્યાન આપીએ, એને માણીએ. સાથે જ જીવનમાં આવતી મુશ્કેલીઓનો એ અર્થમાં સ્વીકાર કરીએ કે એ આપણને જીવન જીવવાનું શીખવાડવા, મજબૂત બનાવવા આવી છે. મારાં માતા-પિતા કઠિન સમયમાં હંમેશાં કહેતાં કે ખરાબ ગ્રહ ચાલે છે, જે ઝટ ટળી જશે અને પછી સારા ગ્રહો આવશે. આવું વિચારવાથી માણસની આખી વિચારસરણી જ બદલાઈ જાય છે, આખું વાતાવરણ બદલાઇ જાય છે.

આપણે એવું વિચારવાનું કે હમણાં ખરાબ સમય ચાલે છે, પણ કંઈ વાંધો નહીં, ખરાબ સમયનો વારો જલદી પૂરો થઈ જશે અને સારા સમયની શરૂઆત થશે. હું ગરીબ બાળકોની થોડી સારસંભાળ કરું છું એટલે વાર્ષિક ઈન્ક્રિમેન્ટ મળે છે ત્યારે એવું વિચારું છું કે જોયું, હું આ હાથે કંઈ આપી રહી છું માટે જ મને બીજા હાથે કંઈ મળી રહ્યું છે. મેં હંમેશાં એવું અનુભવ્યું છે કે જ્યારે પણ હું કંઈ સારું કામ કરું, કોઈનું કંઈ ભલું કરું, કોઈને માટે કંઈ સારું વિચારું ત્યારે ઇશ્વર મને કંઈ ને કંઇ વધારાનું આપે જ છે. હું હંમેશાં પોઝિટિવ વિચારું છું અને ખુશ રહું છું. આવી વિચારણા સાથે જીવો તો જીવન ખૂબ સુંદર લાગવા માડે છે.

તમે કોઈ શિખરના આરોહણ માટે નીકળો છો ત્યારે માનસિક અને શારીરિક તૈયારીઓ કેવા પ્રકારની હોય છે?

તમે એક દિવસ એક કિલોમીટર જોગિંગ કરો તો બીજે દિવસે એથી થોડુંક વધારે દોડી જ શકશો, પરંતુ તમે એ માટે જો માનસિક રીતે તૈયાર નહીં હો તો એક કિલોમીટરથી વધારે નહીં દોડી શકો. સ્ટ્રેચિંગ એકસરસાઈઝ રોજના વ્યાયામનો મહત્વનો હિસ્સો છે જ. એ ઉપરાંત જોગિંગ મસ્ટ છે.

આવા કામમાં ટીમનો એક સભ્ય પણ માનસિક રીતે તૂટી જાય તો બધા સભ્યો પર એની અસર પડે છે. તમારી ટીમને તમે કેવા પ્રકારની તાલીમ આપો છો?

સૌથી પહેલું ટીમના બધા સભ્યો વચ્ચે સારો મનમેળ હોવો ખૂબ જરૂરી છે, કેમકે તો જ ટીમ સ્પિરિટ પેદા થશે. કોઈ મનદુ:ખ થઇ ગયું હોય તો એ પણ સામસામે બેસીને પહેલાં જ દૂર કરી દેવું જોઈએ. મારી ટીમમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી હોતો. હું ઇચ્છું છું કે મારી ટીમમાં મારી સાથે કામ કરનારનું મગજ શાંત રહે. માણસ દરેક ચીજનાં હકારાત્મક પાસાંનો વિચાર કરે તો એનાં દિલ અને દિમાગ, બન્ને શાંત રહે છે.

ખોટી દિશામાં શકિત બિલકુલ ખર્ચવાની જ નહીં. ઊર્જાનો ઉપયોગ હંમેશાં કોઈ નવાં કામમાં કે નવું વિચારવામાં અને એના અમલના રસ્તા શોધવામાં જ કરવો જોઈએ. મારી ટીમના સભ્યોને હું જે કંઈ કરવાનું કહું છું એને હું પોતે પૂરી ગંભીરતાથી અમલમાં મૂકું છું. ટીમ લીડરનું સ્ટ્રોંગ હોવું ખૂબ જરૂરી છે. એક સારા ટીમ લીડરે ઠાલાં ભાષણ આપવાને બદલે પોતાનાં વ્યવહાર-વર્તનથી પોતાની ટીમને તાલીમ આપવી જોઈએ.

એવરેસ્ટ આરોહણ સિવાયનું કોઈ યાદગાર સાહસ?

ઈન્ડો-નેપાલી વૂમન એસાઈનમેન્ટની આગેવાની મેં ૧૯૯૩માં સંભાળેલી ત્યારે મને સૌથી વધુ મુસીબતો નડેલી. આ એડવન્ચર પર પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે અને એમાં જે ફિકસ્ડ માઈન્ડસેટના લોકો હતા એમણે ઘણાં વિધ્નો નાખ્યાં. તેઓ કહેતાં, આજે ઓલ વૂમન ટીમ જઈ રહી છે, તો કાલે કહેશો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ટીમ જશે... આ દરમિયાન મેં જોયું કે સ્ત્રીઓ કોઈ જુદા ક્ષેત્રમાં પોતાના જોર પર કંઇક કરવાની કોશિશ કરે ત્યારે આ પ્રકારના પુરુષો એમને નાસીપાસ કરવાનો એક પણ મોકો છોડતા નથી.

પહાડો તો શાંત છે, બસ એના રસ્તા ખાડા-ટેકરાવાળા અને મુશ્કેલીભર્યા છે. જોકે, સાચું કહું તો આવા નિરાશ પર્વતારોહકોએ જે જાતજાતના અવરોધો ઊભા કરેલા તેને ઓળંગવા એ તો એવરેસ્ટ સર કરવાથી પણ અનેકગણું મુશ્કેલ કામ હતું! પરંતુ અમે અમારું લક્ષ્ય સિદ્ધ કરી એ બધાંનાં મોં બંધ કરી દીધાં. ૧૮ મહિલાઓએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું અને ભારતીય પર્વતારોહણના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાઈ ગયું.

તમારા નામે કંઇ કેટલીય જવલંત સફળતા બોલે છે, પણ તમે પહેલી મોટી સફળતા કોને માનો છો?
હું જૂની પુરાણી સામાજિક માન્યતાઓ અને બંધનોમાંથી બહાર નીકળી શકી એ જ સૌથી મોટી સફળતા. એક સાવ નાના-પછાત ગામની છોકરી થઇને મેં એવું લક્ષ્ય પ્રાપ્ત કર્યું, જે મેળવવા સિદ્ધ અને સમૃદ્ધ સમાજમાંથી પણ બહુ જ ઓછા લોકો આગળ આવે છે. એક એવી રમત જેમાં ડગલે ને પગલે જોખમ છે, તમારાં સાહસ અને ધૈર્યની પરીક્ષા છે. મેં સ્પોટ્ર્સનો એક મુશ્કેલ પ્રકાર પસંદ કર્યો અને ગઢવાલના લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. ઐ સમયે લોકો વિચારતા કે પહાડો પર તો અમે રહીએ જ છીએ, પછી એના પર ચડવું એ તે કંઈ કામ છે? આવી માનસિકતા અને માહોલ વચ્ચે હું રોજ જોગિંગ કરવા જતી હતી.

માથા પર પથ્થર મૂકી પહાડ ચડતી અને એને ઉપર જ રહેવા દઈને પાછી આવતી. ઉપરથી નીચે આવતી વખતે લાકડીનો ભારો લેતી આવતી. આવું હું એ માટે કરતી કે આટલો બોજો લઈને હું પહાડ ચડી શકું છું એવો મને વિશ્વાસ આવે. લાકડીઓ ઘરમાં બળતણ તરીકે કામમાં આવતી. હું ઈરછતી હતી કે મારી દરેકેદરેક કોશિશ કામયાબ થાય. હું પર્વતારોહણ માટે જાતને તાલીમ આપી રહી હોઉં તો સાથે મારે ઘર માટે પણ કંઈ કામ કરવું જોઈએ. મારા લક્ષ્ય અંગે સ્પષ્ટ હતી અને એ મને ચોખ્ખું દેખાતું હતું. એટલે હું સતત એની તરફ આગળ વધવાના પ્રયાસ કરતી હતી. મેં મારું ફોકસ તૂટવા ન દીધું, મારી ઊર્જાને વેડફવા ન દીધી.

એવરેસ્ટના આરોહણની પહેલા મને ટાટામાં નોકરી મળી ગઇ હતી. ધીરે ધીરે લોકોને થવા માંડયું કે અરે, આ તો પહાડો ચડયા કરતી હતી અને એનાથી એને ફાયદો પણ થવા લાગ્યો છે. એ સમયે મારી આસપાસના લોકો માટે એવરેસ્ટ પર આરોહણ માટેની ટીમમાં મારી પસંદગી થઇ એ બાબત કરતાં મને ટાટામાં નોકરી મળી ગઇ એ વધુ મોટી વાત હતી!

તમારા નામે કંઇ કેટલાય વિક્રમો બોલે છે. તમારા માટે સૌથી મહત્વનો અવોર્ડ કયો છે?

મેં એવરેસ્ટ સર કર્યોઅને પછી અમારા ઘરે જે જબરજસ્ત ભીડ અને હોહા થઈ, મારાં માતાપિતાને જે પ્રતિષ્ઠા મળી, એનાથી મોટો અવોર્ડ મારા જીવનમાં બીજો કોઈ નથી. એ પછી મારા પિતા જ્ઞાની ઝૈલસિંહને મળ્યા. એથી એમને માન મળ્યું. મેં માતાપિતાની રાજીવ ગાંધી સાથે મુલાકાત કરાવી. જે મહાનુભાવોની તસવીરો અમે અખબારોમાં અવારનવર જોતાં હતાં એમાંના કેટલાક ટોચના લોકો સાથે માતાપિતાનો મેળાપ કરાવ્યો ત્યારે લાગ્યું કે બસ, જિંદગી સાર્થક થઇ ગઇ. બીજી વાત એ કે હું એવરેસ્ટનું આરોહણ કરતી હતી ત્યારે મારા જ ગામની ત્રણ છોકરીઓ આગળ આવી.

આ એ જ ગામના લોકો હતા જે મને પહાડો ચડતી જોઈને કહેતા હતા કે આટલું ભણેલી-ગણેલી છોકરી શું કામ પહાડો ચડયા કરે છે? લોકોના માઇન્ડસેટ બદલાઈ ગયા એનાથી મોટા પુરસ્કાર મારે માટે કયો હોઇ શકે? જે લોકો મારી હાંસી ઉડાવતા, મને ટોણાં મારતા એ જ ગામની ત્રણ છોકરીઓનું આ ક્ષેત્રમાં આગમન થયું, એથી મોટી બીજી વાત કઇ હોઇ શકે?

આજની તારીખે આ સફળતાઓ, રેકોર્ડ અને પુરસ્કારોનો શો અર્થ છે?

મારી સફળતાથી કેટલાક લોકો પ્રભાવિત થાય અને એમના પર એની પોઝિટિવ અસર થાય, એ જ મારે માટે સફળતાનો અર્થ છે. એવરેસ્ટ પર આરોહણ કરતાંય મોટી સફળતા એ છે કે મારી આ સિદ્ધિ જોઈને કેટલીય મહિલાઓમાં હિમ્મત આવી અને એમણે ખુદને આ એડવેન્ચર માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર કરી! હું મારા સંતોષ માટે ઉત્તરાખંડનાં કેટલાંક ગરીબ બાળકોને મારી સાથે રાખું છું.

એમાં બહુમતી છોકરીઓની છે. એમને ભણાવીગણાવી રહી છું. ઉપરાંત મારાં ભાણેજ-ભત્રીજા તો છે જ. લાંબા સમયથી વિચારતી હતી કે અનાથ બાળકો માટે મારે કોઈક રીતે ઉપયોગમાં આવવું જોઈએ. પોતાના પરિવાર માટે તો સૌ જીવે છે, વધારે મહત્વનું એ છે કે તમે બીજાઓનો સહારો બનો છો. આવું વિચારી જીવને સાર્થકતા આપવા મેં આ કદમ ઉઠાવ્યું. ભગવાને મને બધું આપ્યું છે તો, જેમને નથી આપ્યું એમને માટે શા માટે કંઈ ન કરું?

શું તમે ખાવાનાં શોખીન છો? તમને શું શું ખાસ ભાવે છે?

ભાત ખૂબ ખાઉં છું. જયાં જાઉં ત્યાં મારે માટે પહાડી ભોજનની વ્યવસ્થા કરી લઉં છું. ભાતની સાથે મને ફાંડું, ચૌસા કે પછી કફલી ખૂબ ભાવે છે. ઝુંગરિયાલોંની ખીર, ચૂનની રોટી સાથે ઘણું બધું. દેશી ઘી અને હરી ભુજજી ખાવાનું પણ મને ખૂબ ગમે છે. હું જમશેદપુરમાં ટાટા સ્ટીલમાં નોકરી કરું છું. ત્યાંના આસપાસમા લોકોને પણ મેં પહાડી ખોરાકના શોખીન બનાવી દીધા છે. હવે તો એ લોકો પણ મને કહે છે રજામાં ગઢવાલ જાવ ત્યારે અમારે માટે ચૂન, ઝુંગરિયાલ લેતાં આવજો!

ફુરસદનો સમય કેવી રીતે વિતાવવો ગમે?

આમ તો ફુરસદનો સમય હોતો જ નથી. ક્યારેક મળી જાય તો મૂકેશ અને કિશોરકુમારનાં ગીતો સાંભળું છું. જયાં પણ જાઉં, રેડિયો સાથે લેતી જાઉં છું. સંગીત મને ખૂબ શાંતિ આપે છે.

ડરને કેવી રીતે જીતી શકાય?

ડરને જેટલો દૂર રાખશો એટલો એ મોટો બનતો જાય છે, એટલે ડરની નજીક જવાની કોશિશ કરો. તમારો ડર સાહસમાં પલટાઈ જશે. ઊંચાઈથી ડર લાગતો હોય તો ઊંચાઈ પર ઊભા રહીને નીચે જુઓ. પાણીથી ડર લાગતો હોય તો ઝટ તરતાં શીખી જાવ. જિંદગીનું સૌથી વધુ મોટું જોખમ, જોખમ ન લેવું એ છે.

અહા! અતિથિ બચેન્દ્રી પા

No comments:

Post a Comment