August 19, 2010

લાઈફને બનાવો બ્યૂટીફુલ


શરીર જેટલાં જ અગત્યનાં છે મન, વિચારો અને લાગણીઓ. આ મામલામાં ચુસ્તદુરસ્ત રહેવા માટે નીચેની બાબતો ઘ્યાનમાં રાખવા જેવી છે.

૧. મિત્રો વધારો

આપણે સૌ માણસભૂખ્યા છીએ. આપણને સૌને મિત્રોની જરૂર છે. મનોવિજ્ઞાન કહે છે કે માણસ જેટલો વધુ સામાજિક એટલો વધુ સુખી. તમે જયાં રહેતા હો ત્યાં આસપાસ તમને કોઈ જ ઓળખતું ન હોય તે સ્થિતિ ઈરછનીય નથી. જોકે ‘કોન્ટેકટસ બનાવવા’ તમે ગલીના નાકે કે કરિયાણાની દુકાને જે કોઈ મળે તેની સાથે વાતો કરવાના ફાંફાં મારવા માંડો તે પણ બરાબર નથી. આવું કરવાને બદલે એવા કોઈ ગ્રુપ, સંસ્થા કે કલાસમાં જોડાઓ જયાં એકસાથે લાઈક-માઈન્ડેડ લોકોના સંપર્કમાં આવી શકાય.

૨. એકાંત માણો

આ વાત તમને આગળ કરેલી વાત કરતાં સાવ વિરોધાભાસી લાગશે, પણ હકીકતમાં બન્નો એકમેકને પૂરક છે. આપણે બીજાઓનાં નામનું નાહી નાખીએ કે આશા છોડીને હાથ ધોઈ નાખીએ તો એના પરિણામે જે એકલતા આવે છે તે મુશ્કેલી સર્જે છે. વાત આટલી બધી આગળ વધવા ન દો. સાથે જ એટલા બધા સામાજિક પણ ન બની જાઓ કે પોતાની જાતને પૂરેપૂરી ભૂલી જાવ. તમારી પોતાની લાગણીઓ સાથે સતત સંપર્કમાં રહો. ઉદાહરણ તરીકે, તમારે રોજ એક કલાક કાર ડ્રાઇવ કરવાની હોય તો એ દરમિયાન રેડિયો ઓફ રાખો, એને બદલે તમારા મનમાં રમી રહેલા વિચારોને સાંભળો.

૩. ચુસ્ત રહો

બોડી બિલ્ડર જેવું કે સ્વીમ સુટ સ્પર્ધામાં દીપી ઊઠે એવું શરીર બનાવવું જરૂરી નથી. બસ, તમારું એનર્જીર્ લેવલ ઊંચું રહેવું જોઈએ અને તમે થાકયા કે કંટાળ્યા વગર કામ કરી શકતા હોવા જોઈએ. વ્યાયામ-કસરત-વર્કઆઉટ-એકસરસાઈઝ શરીરને તો ચુસ્ત બનાવે જ છે, સાથેસાથે મૂડ પણ સારો રાખે છે અને જિંદગીની ગુણવત્તા વધારે છે. દારૂ, સિગરેટ, વધુપડતું ભોજન, જંકફૂડ વગેરે શરીરને નિષ્ક્રિય બનાવી દે છે. ઈમોશ્નલ હેલ્થ બરાબર રહે તે માટે તમારું શરીર ચુસ્તદુરસ્ત રહે તે ખૂબ જરૂરી છે. પૂરતી ઊંઘ લો, સંતુલિત આહાર લો અને રિલેકસ થવા માટે પણ સમય ફાળવો.

૪. આનંદિત રહો

કોઈ પણ બાબતમાં આત્યંતિકતાથી દૂર રહેવું. આખો વખત કામ, કામ અને કામ જ કર્યા કરો અને મનને આનંદ મળે એવું કશું જ ન કરો તો તમે નીરસ-નિસ્તેજ બની જશો. જવાબદારીઓના ભાર નીચે કચડાઈ જવું સહેલું છે, ખુદને જેમાં ખૂબ આનંદ આપે છે એવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું પણ આસાન છે. એટલે એવું ન થવા દો. તમારા જીવનમાં કશાક હકારાત્મક અને આનંદદાયક તત્ત્વો ઉમેરતા રહો.

૫. પેશન શોધો

તમારી જિંદગીનો શો મકસદ છે એ ખબર ન હોય તો કંઇ નહીં, પણ કોઇ નાના મકસદથી શરૂઆત કરો. મૃત્યુ પૂર્વે આટલાં કામ તો કોઇપણ રીતે કરવાં જ છે એવું નક્કી કરી આવાં કામની યાદી બનાવો. પહેલી યાદીમાં ખાસ મજા ન આવે તો એને રદ કરી બીજી યાદી બનાવો. જિંદગીને સાર્થક બનાવવાના ઉદ્દેશ સાથે સમય-સંજોગ અનુસાર લિસ્ટને અપડેટ કરતા રહો.તમને શેમાં સૌથી વધુ રસ પડે છે? એવું તે શું છે, જેના માટે તમે સૌથી વધુ પેશન એટલે કે જોશ-ઝનૂન અનુભવો છો? આ બાબત ખોળી કાઢો અને તે તરફ કદમ માંડો. તમને જાણીને સાનંદાશ્ચર્ય થશે કે જીવન આટલું સુંદર તેમ જ સંતોષકારક હોઈ શકે છે!

૬. સમસ્યાઓ સામે લડવાનું આયોજન કરો

જીવનમાં બધું સમુંસૂતરું પાર પડશે એવી આશા રાખવાને બદલે તથા ધાર્યું નહીં થાય તો મારું શું થશે એની ચિંતા કરવાને બદલે સંભવિત સમસ્યાઓનો સામનો કરવાનું આયોજન કરો.કેટલીક અણધારી સમસ્યાઓ આપણી બુદ્ધિ, સમજ કે વિચારશકિતને આંધળી કરે દે છે. જોકે કેટલીક ઉપાધિઓ વિશે અગાઉથી આગાહી કરી શકાતી હોય છે. અડધી રાતે ઊંઘમાંથી તમે જાગી જાઓ ત્યારે અંધારાંમાં ચાલીશ તો ગબડી પડાશે તો? એવો વિચાર કરીને ટેન્શનમાં આવી જવાને બદલે તમે હાથ લંબાવીને તરત નાઈટ લેમ્પની સ્વીચ ઓન કરી દો છે. બસ, સમસ્યાઓનું પણ આવું જ છે.

૭. લોકોને સાંભળો

ઘણી વાર લોકો એવું બધું અને એટલું બધું કરી નાખે છે કે બધું ગુંચવાઈને ખીચડો થઈ જાય છે. પછી કયાં-શું ખોટું થયું છે એની ગતાગમ જ પડતી નથી. પોતે લોકો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે એનો પણ એને ખ્યાલ નથી રહેતો. તમારું વ્યક્તિત્વ ખૂબ આકર્ષક હોય પણ તમે લોકો સાથે સારો વ્યવહાર ન કરો અથવા તો એમની દુખતી નસ વારેવારે દબાવ્યા કરો તો વાત વણસી જાય. જાત માટેની વધુપડતી સભાનતા સારી નહીં. બીજાઓ તમારે માટે શું વિચારે છે તે વિચારમાં સતત રમમાણ રહેવું યોગ્ય નથી, તો બીજાઓની સદંતર અવગણના કરીને પોતાની મુનસફી પ્રમાણે જીવવું તે પણ બરાબર નથી. લોકોની વાત સાંભળો અને તેમાંથી જે કંઈ પોઝિટિવ હોય તે સ્વીકારો પણ ખરા. સૂનો સબ કી, કરો મન કી!

૮. જોખમ ઉઠાવતા શીખો

તમને જે બાબતની ચિંતા થતી હોય કે ભય લાગતો હોય એ કરી જોવાનું જોખમ ઉઠાવવું જ જોઈએ. એનો અર્થ એ નથી કે બિનજરૂરી રીતે કે અવિચારીપણે ન કરવાનું કરી નાખવું. મામલો ‘કમ્ફર્ટ ઝોન’માંથી સમજપૂર્વક બહાર આવવાનો છે. જો તમે એકવિધ માહોલમાંથી બહાર આવશો જ નહીં તો તમારું જીવન નબળું કે દરિદ્ર બનતું જશે.

૯. લખી લો

નકારાત્મક વિચારોને ઓળખી લો અને એમનો હુમલો તમારા પર આવવા ન દો. કયારેક કયારેક સ્ટ્રેસ અનુભવવો સ્વાભાવિક છે. પોતાની જાતને દુશ્મનની જેમ ન જુઓ. તમારા ભયની સન્મુખ થાઓ. તમને જે બાબતોનો સૌથી વધુ ભય લાગતો હોય તેને કાગળ પર ટપકાવી લો. પછી તમે જેને માટે ખૂબ જ આભારી હો અને કૃતજ્ઞતા અનુભવતા હો એની પણ યાદી તૈયાર કરો.નકારાત્મક વિચારો કે પાસાંને લખી લેવાથી એ કાગળ પરના શબ્દો બની જાય છે.

૧૦. ખુદનું રક્ષણ કરો

ઢીલાંપોચાં ન રહો. મક્કમ બનો. તમારા સમય અને શકિત પર તરાપ મારનારા ઘણા લોકો હશે. એમને અટકાવવા જ પડે. લોકો આકરા થતા ડરે છે. તમારે કડવા થયા વગર દ્રઢ થતાં અને તમારા અણગમાને વ્યકત કરતા શીખવું પડશે

No comments:

Post a Comment