August 20, 2010

બુદ્ધિના બળે સફળતાના પંથે આગેકૂચ કરો


ગૌરવ ભારદ્વાજ પોતાના લેપટોપના સ્ક્રીન તરફ ઇશારો કરીને કહે છે કે, ‘આ મારી પસંદગીનાં કામો પૈકીનું એક છે.’ તમને લેપટોપના સ્ક્રીન પર એક લાંબી, લીલી, ગોળાકાર ધાતુ નજરે પડે છે. તમે વિચારો છો કે, આ ધાતુમાં એવી તે શી અનોખી વાત છે, અને તરત જ સ્ક્રીન પર બીજી સ્લાઇડ આવે છે, જેને જોઈને તમને તમારા સવાલનો જવાબ મળી જાય છે. તે સુંદર મેટલ વર્ક ઝગમગવા લાગે છે અને તમે જુઓ છો કે, કેવી રીતે તેમાંથી પ્રકાશ આવી રહ્યો છે. ગૌરવ એક મેટલ આર્ટિસ્ટ છે, જે તમામ પ્રકારની ‘અલોહ’ ધાતુઓને ઇચ્છિત આકાર આપીને તેને લેમ્પ, દરવાજા, સીડીઓ, દીવાલ, હેન્ડલ, દર્પણ સહિત અન્ય અનેક વસ્તુઓ તૈયાર કરે છે.તેમણે બોલિવૂડના અનેક સિતારાઓ માટે કોસ્ટ્યૂમ ડિઝાઈન કર્યા છે.

તેમણે ફિલ્મ ‘વીર’ માટે સલમાન ખાનનું કવચ તૈયાર કર્યું છે, ‘બાદશાહ’ ફિલ્મમાં શાહરૂખ ખાન માટે મેટલ માસ્ક બનાવ્યું હતું. ગૌરવ એક મેટલ ક્રાફ્ટ ગ્રેજ્યુએટ (મુંબઈમાં આવો જ એક અભ્યાસક્રમ ચલાવાઈ રહ્યો છે અને તમે પણ તેમાં અરજી કરી શકો છો, જો તમને એવું લાગતું હોય કે, તમારામાં ધાતુને આકાર આપવાની ક્ષમતા છે) છે, જેમણે સર જેજે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેમને પોતાના ગ્રેજયુએશન દરમિયાન બે વર્ષ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી સ્કોલરશિપ પણ મળી હતી. ગૌરવને આ સ્કોલરશિપ તે માત્ર જિનિયસ છે એટલે જ નહીં, પરંતુ ડિસ્લેક્સિયાના દર્દી હોવાના કારણે પણ મળી છે.

સ્કૂલમાં ગૌરવના ગુણ બહુ સારા નહોતા આવતા. તે ‘ઈ’ અક્ષરને સમજી નહોતા શકતા. તેમના કોલેજના દિવસોમાં રેખા જાલાની જેવી વિખ્યાત કલાપારખુએ તેમની પ્રતિભા ઓળખી અને તેમને સિલ્વરની કેટલીક આઇટમ બનાવવાનું કહ્યું. ગૌરવે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કરતાં સુંદર કલાકૃતિઓ તૈયાર કરી અને ત્યારબાદ તેમને ક્યારેય પાછળ વળીને જોવું નથી પડ્યું.

તેમની પ્રોડકટની સૌથી મોટી યુએસપી એ છે કે, તે દરેક હસ્તનિર્મિત હોય છે. ગૌરવ જાતે તેને ડિઝાઈન કરે છે અને તેમના માણસો આ પ્રોડકટ તૈયાર કરે છે. ઓર્ડર આપ્યા બાદ કોઈ પણ પ્રોડકટ તૈયાર કરવામાં ૨૫ દિવસનો સમય લાગે છે.

ફંડા એ છે કે, શારીરિક તાકાત કે નબળાઈ જ ભવિષ્યના ઘડતર માટે જવાબદાર નથી હોતી. માત્ર દિમાગી શક્તિના બળે તમે સફળતાના પથ પર આગળ વધી શકો છો.

No comments:

Post a Comment