August 20, 2010

તમારી ક્ષમતા અન્યનું સ્મિત રેલાવે છે


શું તમે કલ્પના કરી શકો છો કે, તમે કોઈ કબ્રસ્તાનમાં જાઓ અને ત્યાં વૃક્ષોને હસતાં જુઓ? વૃક્ષોની વિશાળ ડાળીઓ પરના હાસ્યે પીડાની પર્યાય સમી આ જગ્યાને આશા ભરેલા સ્થાનમાં પરિવર્તિત કરી દીધું. લોસ એન્જેલસમાં રહેતા કલાકાર નેહા ચોકસીએ પોતાની રચના દ્વારા કબ્રસ્તાનની જડતામાં હાસ્યના રંગ ભરવાની એક સફળ કોશિશ કરી છે.

‘ઇફ નથિંગ એલ્સ.. જસ્ટ અ સ્માઇલ’ (જો કંઈ બીજું નહીં તો.. માત્ર એક સ્માઇલ) નામનું શીર્ષક તેમની એક પહેલાંની રચનામાંથી લેવામાં આવ્યું છે. તેમની હાલની રચના એક કબ્રસ્તાન પર કેન્દ્રિત છે. તેમના મતે કબ્રસ્તાન એક એવી જગ્યા છે, જ્યાં લોકો રાહત મેળવવા માટે હંમેશાં કોઈ પ્રકારના રિસ્પોન્સની શોધમાં હોય છે. નેહા કહે છે કે, જીવનની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તમે નાનકડા શિશુ હો છો અને જ્યારે તમારી માતા તમને જોઈને હસે છે. તે કહે છે કે, ‘તે જ હાસ્ય તમારા જીવનના આખરી પડાવ સ્થળ એટલે કે સમાધિ સ્થળ પર આરોપિત કરવામાં આવ્યું છે.’

તેમનું કહેવું સાચું છે. દુનિયામાં દરેક જગ્યાએ હાસ્યને ખુશી અને આનંદનું પ્રતીક સમજવામાં આવે છે. ભલેને તમારી પાસે જીવનમાં કંઈ ન હોય, પરંતુ હાસ્યની પુંજી તો હંમેશાં રહે છે, જે સ્વત:સ્ફૂર્ત હોય છે. તેને જબરદસ્તીથી તમારા પર થોપી ન શકાય અને કોઈ તમારી પાસેથી છીનવી પણ ન શકે.

નેહા ક્યારેય પણ કબ્રસ્તાનને અપશુકનિયાળ જગ્યા તરીકે નથી જોતાં. નેહા અનુસાર આ તો કોઈ પણ વ્યક્તિના અંત બાદની અપરિહાર્ય વિશ્રામની જગ્યા છે. તેમણે લોસ એન્જેલસમાં ઇન્ગલવૂડ પાર્ક કબ્રસ્તાનને આવી જ હરિયાળી, સુંદર જગ્યામાં પરિવર્તિત કરી દીધું છે કે, અનેક લોકો ત્યાંથી ફૂલ પણ ખરીદે છે. તેમણે સમાધિના પથ્થર, જુનાં વૃક્ષોનાં મૂળ અને ડાળીઓ પર કલાકૃતિઓ બનાવી છે. મોટા ભાગની જગ્યાઓ પર કપાયેલાં વૃક્ષોની ડાળીઓ, મૂળ, થડ પર હસતા ચહેરા બનાવ્યા છે. જનારી વ્યક્તિની કમીને યાદ કરવાની અનોખી રીત ! બે જગ્યાઓએ લખ્યું છે, ‘તમે મારા દિલમાં હંમેશાં રહેશો’ અને ‘મમ્મીની યાદ’. તેમણે સમાધિના પથ્થર પર બાળકોની જેમ માસૂમ ચિત્રો દોયાઁ છે. પોતાના કામ દ્વારા બીજાના ચહેરા પર ખુશી લાવવામાં જ જીવનનો સાચો આનંદ છે.

ફંડા એ છે કે, માણસ તરીકે તમે એટલા તો સક્ષમ હોઈ શકો છો કે, કબ્રસ્તાન જેવા નીરવ સ્થળને પણ એવી જગ્યામાં પરિવર્તિત કરી દો જેનાથી કોઈનો ચહેરો ખીલી શકે.

No comments:

Post a Comment