August 21, 2010

નારાજગીનો નશો, મનાવવાની મજા

તેરે લોગો સે ગિલા હૈ મિરે આઇને કો, ઉનકો પત્થર નહીં દેતા હૈ તો બીનાઇ દે.

(બીનાઇ એટલે દ્રષ્ટિ. તારા લોકોથી તકલીફ છે મારા અરીસાઓને, તું એને પથ્થર ન આપી શકે એમ ય તો દ્રષ્ટિ આપ.)
‘ અહમદ ફરાઝ (પાકિસ્તાની શાયર)

ગમે તેવા બે સમજુ માણસ વચ્ચે ક્યારેક તો ગેરસમજ થવાની જ છે. જિંદગીની જેમ વિચારોમાં પણ અપ-ડાઉન આવતાં રહે છે. હિંચકે બેઠેલા માણસની જેમ વિચારો ઝૂલતાં અને ઝૂમતાં રહે છે. વિચારોને મૂડ સાથે સીધો સંબંધ છે. માણસને સારો કે ખરાબ બનાવવામાં જો કોઈની સૌથી મહત્વની ભૂમિકા હોય તો એ વિચારની ભૂમિકા છે.

કજોડાંની નવી વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે અલગ અલગ દિશામાં વિચારતા બે લોકોનું મિલન એટલે કજોડું. ગુજરાતીમાં કહેવત છે, કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી. માણસ પણ પોતાની દલીલ અને માન્યતા હંમેશાં પોતાના તરફ જ તાણતો રહે છે.

પ્રેમથી માણસ જે મેળવે છે તેનાથી અનેકગણું વધારે માણસ નારાજગીથી ગુમાવે છે. દસ દિવસ પ્રેમથી રહ્યા પછી દસ મિનિટની મિસઅન્ડરસ્ટેન્ડીંગમાં દસ દિવસનો પ્રેમ અલોપ થઈ જાય છે અને દસ મિનિટની નારાજગી મગજ પર સવાર થઈ જાય છે. તારામાં બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં, મોટાભાગના પતિઓએ ક્યારેક તો પત્નીને આવો ટોણો માર્યો જ હશે. આવું જ વાક્ય જો પત્ની બોલે તો પુરુષના આધપિત્યનું આસન ડોલવા લાગે છે. આપણે જેની સાથે સૌથી વધુ રહેતા હોઈએ તેની સાથે ગેરસમજ થવાના ચાન્સિસ સૌથી વધુ રહે છે, પણ એ ગેરસમજનું નિરાકરણ કેવી રીતે આવે છે તે વધુ મહત્વનું છે.

જે પુરુષમાં મનાવવાની નજાકતભરી આવડત નથી તેની પત્ની કે પ્રેમિકા પ્રેમનો એક નાનકડો ટુકડો કાયમ ગુમાવતી રહે છે અને જે છોકરીમાં માની જવાની સમજણ નથી એ પ્રેમનો મોટો ટુકડો ગુમાવે છે. એક દંપતીએ સરસ વાત કરી હતી કે, નારાજગી પછી થયેલાં પેચ-અપ બાદ અમે અમારા પ્રેમમાં વધુ તીવ્રતા અનુભવીએ છીએ.

આપણે આખી દુનિયાના ઓપિનિયન લેતા હોઈએ છીએ અને માનતાં હોઈએ છીએ પણ આપણી પોતાની વ્યક્તિનો ઓપિનિયન લેવાનું ટાળતાં હોઈએ છીએ. આપણે આપણા હાથે જ આપણી પોતાની વ્યક્તિની બુદ્ધિની મર્યાદા રેખા આંકી નાખી હોય છે. પોતાની વ્યક્તિ ભૂલ બતાવે ત્યારે માણસનો અહં સૌથી વધુ ઘવાતો હોય છે. આપણી વ્યક્તિ આપણને સૌથી વધુ સમજતી હોય છે છતાં આપણે તેના જ અભપિ્રાયની અવગણના કરતાં હોઈએ છીએ.

એક દંપતી સાથે આ વિષય પર વાત થઈ ત્યારે પત્નીએ કહ્યું કે, હું તો એને કંઈ કહેતી જ નથી, એને મારી કોઈ વાત સાચી લાગતી જ નથી, એ તો મને મૂર્ખી જ સમજે છે! પછી એ યુવતીએ જ કહ્યું કે મારી વાત સાંભળીને એ નક્કી કરવાનો એને અધિકાર છે કે મારી વાત સાચી છે કે ખોટી, સારી છે કે ખરાબ પણ મારી વાતમાં કંઈ દમ જ નથી હોતો એવું એનું માનવું વધુ પડતું છે.

માત્ર પુરુષો જ આવું કરે છે એવું પણ નથી. એક યુવાને કહેલી વાત પણ સમજવા જેવી છે. યુવાને કહ્યું કે, કંઈ પ્રોબ્લેમ કે મુશ્કેલી ઊભી થાય ત્યારે મારી પત્ની તેની ઓફિસના અનેક લોકોની સલાહ લેશે પણ મને કંઈ નહીં પૂછે. એ તારો વિષય નથી, તને ખબર નહીં પડે એમ કહીને વાતનો છેદ જ ઉડાવી દે છે.વાત માનવી કે ન માનવી એ પછીનો સવાલ છે પણ વાત સાંભળવી જ નહીં એ કોઈ સવાલનો જવાબ નથી.

પતિ- પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે સૌથી વધુ ઘટના કઈ બને છે? પતિ અને પત્ની એકબીજાથી મોઢું ફેરવીને સૂઈ જાય છે. ફિલ્મ અભિનેતા શશી કપૂરે તેની પત્ની સ્વ. જેનીફર સાથે લવમેરેજ કર્યા હતા. શશી કપૂરે એક સરસ વાત કરી છે. તેણે કહ્યું કે, મેં અને જેનીફરે એવું નક્કી કર્યું હતું કે આપણી વચ્ચે કયારેય કોઈ બાબતે ઝઘડો થશે તો આપણે એક-બીજાથી મોઢું ફેરવીને નહીં પણ એક-બીજા સામે મોઢું રાખીને સૂઈશું. શશી કપૂરે કબૂલ્યું છે કે આ વર્તનથી અમારા ઘણાં ઝઘડાં બહુ વહેલા પૂરાં થઈ જતાં હતા. દરેક પતિ- પત્નીએ શશી કપૂર અને જેનીફર જેવી આદત કેળવવા જેવી છે.

દામ્પત્ય જીવન હોય, પ્રેમ હોય કે દોસ્તી હોય, પોતાની વ્યક્તિ સાથે નારાજગી લાંબો સમય ન ખેંચવી. નારાજગી લંબાય તો પહેલા એ અણગમો અને લાંબા ગાળે દુશ્મની બની જાય છે. ઈગોને કયારેય પ્રેમ, સંબંધ કે લાગણીથી મોટો થવા દેવો ન જોઈએ.

તમે કોઈને પ્રેમ કરતા હો અને જો તમને પ્રેમ કરતાં આવડતું હોય તો તમને તમારી વ્યક્તિને સારી રીતે મનાવતાં આવડવું જોઈએ.

પોતાની વ્યક્તિને પ્રેમથી મનાવવી એ પ્રેમ કરવાનું જ એક કામ છે. સામા પક્ષે પણ માની જવાની મજા માણવી જોઈએ. માત્ર સોરી કહી દેવાથી આપણો પ્રેમ જો આપણાં તરફ પાછો વળી જતો હોય તો સોરી કહેવામાં મોડું કરવું ન જોઈએ. અબોલા એ કોઇ સમસ્યાનો ઉકેલ નથી.

મોટાભાગે સમસ્યા એ જ હોય છે કે, શરૂઆત કોણ કરે? લવમેરેજ કરનાર એક પતિ-પત્નીએ કહ્યું કે અમારા વચ્ચે ઝઘડો થાય અને એક-બીજા સાથે થોડો સમય ન બોલીએ ત્યારે અમે અમારા પ્રેમના દિવસો યાદ કરીએ છીએ.બસ અને અમારો ઝઘડો તરત પૂરો થઈ જાય છે. મોટાભાગે આપણે સાવ નાની અમથી વાતોથી ડિસ્ટર્બ થતાં હોય છીએ. યાદ રાખો, જેટલી વખત ઝઘડો કરીએ છીએ એટલી વખત આપણે આપણી સૌથી વહાલી વ્યક્તિને પ્રેમ કરવાની તક ગુમાવતા હોઈએ છીએ‘

છેલ્લો સીન: Do not misunderstand without try to understand.

No comments:

Post a Comment